આપણે દરેક તકલીફના લાલ સિગ્નલને આધ્યાત્મિક ઊર્જાની મદદથી લીલું સિગ્નલ બનાવી શકીએ છીએ
||આપણે દરેક તકલીફના લાલ સિગ્નલને આધ્યાત્મિક ઊર્જાની મદદથી લીલું સિગ્નલ બનાવી શકીએ છીએ||
આજના વૈજ્ઞાનિક જગમાં ઊર્જાનું વિજ્ઞાન એ ઘણી મોટી ક્રાંતિઓમાંનું એક છે. આપણે કેટલાય વૈજ્ઞાનિક અભ્યાસો કર્યા અને તેમાં ઘણી શોધો પણ કરી, પરંતુ એ બધું કર્યા પછી આપણે ફરી સૌરઊર્જા તરફ વળ્યા છીએ. આજે સમગ્ર વિશ્વમાં સૌરઊર્જા વાપરવા પર જોર અપાઈ રહ્યું છે. એ દૃષ્ટિએ જોઈએ તો આપણે બધા 'સૂર્યમુખી' થઈ ગયા છીએ! ફૂલની જેમ આપણે પણ કુદરતી રીતે ખીલી શકીએ છીએ.
આપણે સંશોધનો કરતાં આવ્યા છીએ અને વૈજ્ઞાનિક ક્રાંતિઓનું સર્જન કરતાં આવ્યા છીએ, છતાં આપણને મનુષ્ય તરીકે સહજ અને કુદરતી રાખવા માટે આધ્યાત્મિક ઊર્જાની જરૂર પડે છે.
જેઓ મોટી ઉંમરના છે તેમનામાં એમના સમય અનુસાર આધ્યાત્મિક સંસ્કારોનું સિંચન કરવામાં આવ્યું હતું, પરંતુ આજની યુવા પેઢીમાં એ સિંચન કરવાની જરૂર છે. અત્યારનાં બાળકોને વિજ્ઞાન, ઈતિહાસ અને ભૂગોળ શીખવવામાં આવે છે, પરંતુ આધ્યાત્મિકતાના શિક્ષણને હજી જોઈએ એટલું મહત્ત્વ અપાયું નથી. ભૌતિકવાદી અને સ્પર્ધાત્મક વિશ્વમાં આપણે પ્રેમ, કરુણા, અનુકંપા અને ક્ષમાની આધ્યાત્મિક ઊર્જાનો સ્રોત બનવાનું ભૂલી ગયા છીએ.
ભવિષ્યમાં એવો પણ દિવસ આવશે, જ્યારે સૌરઊર્જાના તરંગોના આધારે ઔષધોપચાર કરવામાં આવશે. આપણે જે શીખીએ છીએ એમાંથી 80 ટકા વસ્તુઓનો આપણને અનુભવ પણ થાય છે. ભગવાને આપેલી સલામતીને કારણે આપણો ઉપચાર સારી અને અસરકારક રીતે થાય છે. ભગવાન હંમેશાં આપણી સાથે હોય છે.
ભૂલકાઓને માતાનાં હાલરડાં સાંભળીને સરસ મજાની ઊંઘ આવી જતી હોય છે, પરંતુ જેમ જેમ બાળક મોટું થાય તેમ તેમ એ સરસ મજાની ઊંઘ ઓછી થતી જાય છે અને ઊંઘની જગ્યાએ ઘણા વિચારો આવતા હોય છે.
આપણી આસપાસના સુંદર વાતાવરણમાં આપણને સંગીત સાંભળવાનું ગમતું હોય છે, કારણ કે વૃક્ષો, પર્વતો, સૂર્યકિરણો, પતંગિયાં, વગેરે જેવી કુદરતી વસ્તુઓને લીધે આપણને આધ્યાત્મિક ઊર્જા મળતી હોય છે. પ્રભુમાં આસ્થા રાખવાથી આપણે પોતાને સલામત અનુભવી શકીએ છીએ. આ સલામતી બીજું કંઈ નહીં, પણ આપણી અંદર રહેલી આધ્યાત્મિક ઊર્જા છે. આપણી આસપાસના જગમાંથી આપણને જુદા જુદા અવાજો, સ્વપ્નો અને વિચારો મારફતે સંદેશાઓ મળતા હોય છે. જો આપણે ઈશ્વરના અસ્તિત્વમાં વિશ્વાસ રાખતા હોઈએ તો ઘણી વાર આપણને સ્વયંસ્ફુરણાના સ્વરૂપે પોતાનો જ અંદરનો અવાજ સંભળાય છે. આપણે તેને ધ્યાનમાં લેવો જોઈએ. એ આંતરિક અવાજ આપણને વાસ્તવિક જગતમાં સતર્ક રાખે છે.
અહીં મને બેંગલોરથી મુંબઈ આવેલા એક શ્રવણમંદ બાળકનો કિસ્સો યાદ આવે છે. એ છોકરો કિશોરાવસ્થામાં હતો ત્યારે મુંબઈ આવ્યો હતો. શ્રવણમંદ હોવા છતાં એને સામાન્ય બાળકોની સાથે સીબીએસઈ સ્કૂલમાં ભણવા મૂક્યો હતો. બેંગલોરથી આવ્યો હોવાને લીધે મુંબઈની સામાન્ય શાળા સાથે તેનો મેળ બરોબર બેઠો ન હતો. પોતાને શ્રવણમંદ બાળક તરીકે જન્મ આપવા બદલ એ પોતાનાં માતાપિતા પર ચિડાયેલો રહેતો. મા-બાપ તેને લઈને મારી પાસે આવ્યાં અને મેં એમને સારામાં સારાં શ્રવણયંત્રો વાપરવાની સલાહ આપી. સાથે જ તેને બોલવા-સાંભળવાની પ્રૅક્ટિસ કરાવવાનું સૂચન કર્યું. એ કિશોર તથા તેનાં માતાપિતાએ ખરેખર ઘણી મહેનત કરી. એક દિવસ જોશ ફાઉન્ડેશને યોજેલી સ્પર્ધામાં એણે ભાગ લીધો અને એમાં એ પ્રથમ ક્રમાંકે આવ્યો. તે જ દિવસથી તેનો આત્મવિશ્વાસ અનેક ગણો વધી ગયો. બારમા ધોરણમાં મહારાષ્ટ્રમાં એ 91 ટકા ગુણ સાથે ઉત્તીર્ણ થયો અને અપંગ શ્રેણીમાં પ્રથમ ક્રમાંકે આવ્યો. એણે એસ. પી. જૈન ઇન્સ્ટિટ્યુટમાંથી સ્નાતકની પદવી મેળવી અને પછી અમેરિકા જઈને અનુસ્નાતક થયો. આજે એ ઘણો ખુશ છે અને બીજાઓને પ્રેરણારૂપ બન્યો છે. આના પરથી કહી શકાય કે ઈશ્વરે બધાને શક્તિ આપી છે. તેનામાં શ્રદ્ધા રાખીને અને મહેનત કરીને એ શક્તિને ખીલવી શકાય છે.
ભાગવત કથામાં રાધાકૃષ્ણનો એક સુંદર પ્રસંગ વર્ણવવામાં આવ્યો છે. રાધા એક દિવસ કૃષ્ણનાં તોફાનોથી ગુસ્સે થયાં હતાં. કૃષ્ણે એમને મનાવવાનો ઘણો પ્રયાસ કર્યો અને પોતાનાથી બનતી બધી લીલાઓ કરી, પરંતુ રાધાજી માન્યાં નહીં. આથી કૃષ્ણે મધમાખીનું સ્વરૂપ લઈને રાધાજીને પજવવાનું શરૂ કર્યું. થોડી વાર પછી કૃષ્ણ અસલ સ્વરૂપ લઈને રાધાજીને એ મધમાખીના ત્રાસમાંથી છોડાવવા આવ્યા. આ પ્રસંગ પરથી એટલું જ કહેવાનું કે જ્યારે આપણે મુશ્કેલીમાં કે તકલીફમાં હોઈએ છીએ ત્યારે આધ્યાત્મિક ઊર્જા સાથે આપણું સંધાન થાય તો મુશ્કેલી દૂર થાય છે. જો એક વારમાં આવું થઈ શકતું હોય તો આખી જિંદગી ઈશ્વર સાથે સંધાન રાખીએ તો કેટલો ફાયદો થાય?
મને લાગે છે કે આપણે દરેક તકલીફના લાલ સિગ્નલને આધ્યાત્મિક ઊર્જાની મદદથી લીલું સિગ્નલ બનાવી શકીએ છીએ.
કોઈ પણ સ્ત્રી જ્યારે માતા બને છે ત્યારે તેણે પ્રસવપીડા ભોગવ્યે જ છૂટકો હોય છે. જો કે, એ પીડા ભોગવ્યા બાદ એને પોતાનું સંતાન જોઈને અપાર હર્ષ થાય છે. એ હર્ષ પામવા માટે મહિલા પ્રસવપીડા ભોગવે છે.
આથી જ કહેવાનું કે જે દિવસે આપણે સમજી જઈશું કે દરેક તકલીફ, મુશ્કેલી, પીડા, આપદામાંથી બહાર આવવા માટે આધ્યાત્મિક ઊર્જાની જરૂર પડે છે એ દિવસે આપણે એ બધી તકલીફોને સહન કરતાં શીખી જઈશું. તેનાથી સમગ્ર વિશ્વમાં પણ પરિવર્તન આવશે.
અનંતતાનું પ્રતીક આપણને શાશ્વતપણું દર્શાવે છે. આપણે કાયમ કંઈક નવું શીખવાનું છે અને નવાં નવાં જન્મો લેવાનાં છે તથા દૈવત્વને પામવાનું છે એ બધું પણ તેના પરથી સમજી શકાય છે.
આધ્યાત્મિક ઊર્જા એટલે ભગવાનમાં શ્રદ્ધા રાખીને જાગૃતિ તરફ જવું, પ્રભુ આપણી આસપાસ છે એ સમજવું અને કરુણા તથા સ્નેહની ગંગામાં નાહવું અને સહજભાવ કેળવવો. આધ્યાત્મિક ઊર્જા આ જગતમાં તરંગો પેદા કરે છે. તો ચાલો, આપણે સાથે મળીને આધ્યાત્મિક ઊર્જાના તરંગોને વિશ્વભરમાં ફેલાવીએ.
---------------------------------
Comments
Post a Comment