રોગચાળાથી ડરવાને બદલે મનને સજાગ રાખીને સારાં કર્મો કરતાં જવું
|| રોગચાળાથી ડરવાને બદલે મનને સજાગ રાખીને સારાં કર્મો કરતાં જવું || મેં મગજ અને મન વચ્ચેના તફાવત વિશે વિચાર કર્યો. મનુષ્યનું મગજ શરીરનું અવયવ છે અને તેમાં રક્તકોશિકાઓ તથા મજ્જાતંતુઓનો સમૂહ હોય છે. તેનો ચોક્કસ આકાર અને કાર્યો હોય છે, જે શરીરના હલનચલનથી માંડીને લાગણીઓનું પણ સંચાલન કરે છે. તેનાથી વિપરીત, મન એ અવયવ નથી. તેનો કોઈ આકાર નથી. એ અમૂર્ત છે. મન એટલે માણસનો અંતરાત્મા, એની સમજણશક્તિ અને વિચારપ્રક્રિયા. મગજને સ્પર્શ કરી શકાય, મનને નહીં. મનનો તો ફક્ત અનુભવ થાય. મગજ અને મન વચ્ચેના તફાવતની ચર્ચા એરિસ્ટોટલના વખતથી ચાલી રહી હોવાનું કહેવાય છે, પણ ભારતીય પરંપરામાં તેનો વિશે પ્રાચીન કાળથી વિચાર થયેલો છે. મન શુદ્ધ ઊર્જા ગણાય છે, જ્યારે મગજ એ મનનું શારીરિક સ્વરૂપ કહેવાય છે. દરેક મનુષ્ય પાસે સમાન રીતનું મગજ હોય છે, પરંતુ એની પાસે કામ લેનારું મન અલગ અલગ હોય છે. કોરોના રોગચાળાએ શીખવ્યું છે કે મગજ ગમે તેટલું શક્તિશાળી હોય, આખરે તો મન જ એને દિશા આપી શકે છે. હવે એવો સમય આવી ગયો છે, જ્યારે આપણે મન પ્રત્યે સજાગ થવાની જરૂર છે અને એ માટે મગજને કેળવવાની આવશ્યકતા છે. અહીં દ્રૌપદીનું ઉદા...