આપણે બીજાઓ માટે નહીં, પોતાના માટે પોતાની જાતને પુરવાર કરવાની છે
|| આપણે બીજાઓ માટે નહીં, પોતાના માટે પોતાની જાતને પુરવાર કરવાની છે || મનોવિજ્ઞાનના પુસ્તકમાં એક અર્થપૂર્ણ વાક્ય વાંચવામાં આવ્યું હતું. તેમાં કહેવાયું હતું કે જે માણસ અરીસામાં પોતાના અસલી ચહેરાનો સામનો કરી શકે છે એ માણસ આ દુનિયામાં કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરી શકે છે. આપણી ભારતીય પરંપરા પણ આ જ બોધ આપે છે. આપણી સંસ્કૃતિ એટલી સમૃદ્ધ છે કે અત્યંત પ્રાચીન હોવા છતાં આજની તારીખે પણ પ્રસ્તુત લાગે છે. આપણા દેશમાં 3000 વર્ષ પહેલાં પણ ઔષધિવિજ્ઞાન ઘણું પ્રગતિ કરી ચૂક્યું હતું. એટલી જ પ્રાચીન પદ્ધતિ યોગની પણ છે. યોગ આપણને ફક્ત શારીરિક નહીં, માનસિક તંદુરસ્તી પણ બક્ષે છે. અત્યારે સમય આવી ગયો છે કે આપણે આ સમૃદ્ધ સંસ્કૃતિનું જતન કરવા માટેના ઉપાયો કરીએ. સંશોધન વિજ્ઞાની ડૉ. આર્નોલ્ડ તોયાંબીએ કહ્યું છે કે આપણી જ્ઞાનેન્દ્રિયો જીવનમાં પરિવર્તન લાવતી હોય છે, પરંતુ મોટા ફેરફારો આપણી પોતાની અપેક્ષાઓના આધારે થાય છે. તેમણે એમ પણ કહ્યું છે કે આ જગતમાં ઉત્ક્રાંતિ થઈ છે એ આપણે જોઈ શકીએ છીએ, પરંતુ એના માટે ભગવાનનું સર્વત્ર અસ્તિત્વ હોય એ જરૂરી છે. આપણી સંસ્કૃતિ પણ એ જ કહે છે. આપણે ઈશ્વરને સર્વશ...