'વફાદારી' માત્ર એક શબ્દ નથી, એ તો જીવનશૈલી છે...
'વફાદારી' માત્ર એક શબ્દ નથી, એ તો જીવનશૈલી છે...
ભગવાને આપણી ઇન્દ્રિયો
વચ્ચે અદ્ભુત જોડાણો બનાવ્યાં છે અને બધી ઇન્દ્રિયો એકબીજાને વફાદાર છે. ઓડિયોલોજિસ્ટ અને સ્પીચ થેરાપિસ્ટ તરીકે
ભાષા વિશે અમને શીખવવામાં આવે છે કે પહેલાં તમને કાન દ્વારા
ધ્વનિના સંદેશા
મળે છે અને પછી આંખોથી દૃશ્ય
સંદેશા મળે છે. આ બંને સંદેશા મગજ સુધી પહોંચે છે અને તે નાક દ્વારા ગંધની
લાગણી પણ આપે છે. આ સંદેશા ખરેખર
શું છે તેનું વિશ્લેષણ થાય છે અને પછી મગજ અને જીભ દ્વારા વાતચીત થાય છે. તેની સાથે સાથે આપણે પગ અને હાથના હાવભાવ સાથે
તેને વ્યક્ત કરીએ છીએ. જો ઇન્દ્રિયો એકબીજા પ્રત્યે વફાદાર ન હોય તો તમામ
કાર્યોમાં ખલેલ પહોંચે છે. આવું અપંગ કહેવાતા લોકોમાં જોવા મળે છે. જોકે, ખામી
ધરાવતી ઇન્દ્રીય અન્ય ઇન્દ્રીયો સાથે એટલી બધી વફાદાર થઈ જાય છે કે એ તેની જીવનશૈલી બની જાય છે. તેઓ તેમની અન્ય ઇન્દ્રિયોનો વધુ અસરકારક
રીતે ઉપયોગ
કરી શકે છે.
અર્જુન મહાભારતનું યુદ્ધ લડવા તૈયાર થયા નહીં ત્યારે કૃષ્ણે એમને સમજાવવું
પડ્યું કે જો ભીષ્મપિતામહ અને કર્ણ આટલા બુદ્ધિશાળી હોવા છતાં ખોટા માણસોનો સાથ
આપીને લડી રહ્યા છે. આ રીતે તેઓ નકારાત્મક ઊર્જાનું સર્જન કરી રહ્યા છે. જો એમની
સામે યુદ્ધ કરવામાં નહીં આવે તો તમે પોતે પણ વધારે નકારાત્મક ઊર્જાનું સર્જન
કરવામાં સાથ આપશો તથા એ રીતે તમે વધારે ગુનાઓને ઉત્તેજન આપશો અને પોતાના માણસોની
વિરુદ્ધ અધર્મ આચરનારાઓને મદદ કરી કહેવાશે. આથી તમારે ધર્મ માટે લડવાનું છે અને
પોતાના સામ્રાજ્યના લોકો પ્રત્યેની વફાદારી નિભાવવાની છે.
આજે પણ ભગવાન તમામ વફાદાર લોકોના પડખે ઊભા રહે છે. મેં એનાં જીવંત ઉદાહરણ
જોયેલાં છે. એક વખત મારા પપ્પાએ 53 વર્ષની એક વ્યક્તિ સાથે મારી ઓળખાણ કરાવી. એ
વ્યક્તિનો અધૂરા મહિને જન્મ થયો હતો અને એમનો વિકાસ સામાન્ય કરતાં મોડો થયો હતો.
તેઓ 12મા વર્ષે બોલતાં શીખ્યા હતા અને ફક્ત ચાર ચોપડી ભણ્યા હતા. જોકે, એમને સમજ
આવી ત્યારથી એમને ભગવદ્ ગીતા અને ભાગવતનું પારાયણ કરવાનું શીખવવામાં આવ્યું હતું.
એમણે ચારથી પાંચ વર્ષ સુધી એમ કર્યું. હું એ વ્યક્તિને મળવા ઉત્સુક હતી. તેથી મેં
પપ્પાને કહ્યું કે એમને મારી ક્લિનિકે લઈ આવે અને એમને બધા વતી ભગવદ્ ગીતાનું પઠન
કરવાની વિનંતી કરવામાં આવે. તેઓ આવ્યા. મેં જોયું કે એમને વાંચવામાં તકલીફ પડે છે.
એમના હાથ-પગનું સંચાલન અને અવાજનો મેળ બેસતો ન હતો. એમનાં ઉચ્ચારણોમાં પણ તકલીફ
હતી. આમ છતાં તેઓ આત્મવિશ્વાસપૂર્વક ભગવદ્ ગીતા વાંચવા લાગ્યા. એટલું જ નહીં,
તેમણે તેનો ભાવાર્થ પણ સમજાવ્યો. આ એક દાખલા પરથી હું કહી શકું છું કે ભગવાન કૃષ્ણ
આજે પણ એવા લોકોને સાથ આપે છે, જેઓ મનુષ્ય તરીકેના પોતાના ધર્મોને વફાદાર રહે છે.
આપણો અનુભવ કહે છે કે સૈનિકો દેશભક્તિ માટે પ્રાણ તજી દે છે. તેઓ જીવનના
ઉચ્ચતમ આદર્શોનું પાલન કરે છે અને સૌને પ્રેરણા આપે છે. તમે ક્યારેય સાંભળ્યું
નહીં હોય કે કોઈ સૈનિકનાં દીકરા-દીકરીઓએ ગુના આચર્યા હોય કે કોઈ ખોટાં કામ કર્યાં
હોય! આવા
લોકોના પરિવારો પણ બીજાઓને મદદ કરવા તત્પર રહેતા હોય છે.
મારી મુલાકાત એવા સૈનિકો સાથે પણ થઈ છે, જેમને વાંચવા-લખવાનો તથા ગાયન-નૃત્યનો
ઘણો શોખ હોય. તેઓ પોતાની દેશ પ્રત્યેની વફાદારીને લીધે એ બધા શોખ બાજુએ રાખી દેતા
હોય છે.
એક વખત લેહ-લદાખના પ્રવાસ દરમિયાન મારી દીકરીને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી.
આસપાસના કેમ્પમાંના સૈનિકો તરત અમારી મદદે આવ્યા અને દસ જ મિનિટમાં એમણે મારી
દીકરી માટે એટલી બધી વ્યવસ્થા કરી દીધી કે એને અડધા કલાકમાં સારું લાગવા માંડ્યું.
શહેરોમાં વસતા લોકોને એકબીજાની જરાય પડી હોતી નથી. જો આ સૈનિકો જેવા ગુણ બધામાં
આવી જાય તો દુનિયા કેવી સારી બની જાય એ વિચાર કરો!
વફાદારી એ ગુણ છે, સ્વભાવ છે અને દરેકની પસંદગી હોય છે. અમે પ્રોફેશનલ્સ
કહેવાઈએ છીએ. મારા ક્ષેત્રની વાત કરું તો, શ્રવણયંત્રોની કિંમત 10થી 35 હજાર
સુધીની હોય છે. ઘણા લોકો કહેતા હોય છે કે એક મશીનથી ચાલી જતું હોય તો બન્ને કાન
માટે મશીન કેમ લેવાં. શ્રવણયંત્રો વિશેની લોકોની ગેરમાન્યતાઓને કારણે આવા સવાલ
જાગતા હોય છે. ઉચ્ચ ગુણવત્તાનાં શ્રવણયંત્રો તો 3.5 લાખ રૂપિયાનાં પણ આવે છે. ઘણા
શ્રીમંત લોકોને એ પરવડતાં હોવા છતાં તેઓ સસ્તાં મશીન માગતા હોય છે. જોકે, મારે
પ્રામાણિકપણે દરેકને એમના માટે ઉત્તમ હોય એવાં શ્રવણયંત્રો બેસાડવાનાં હોય છે.
એમાં હું શ્રીમંતોને જાણીજોઈને જરૂર વગરનાં મોંઘાં મશીન આપું એ ન ચાલે. હું દરેકને
એમની શ્રવણશક્તિ વિશે સ્પષ્ટ હકીકત જણાવીને એમનું માર્ગદર્શન કરીને સંતોષ માનું
છું. આ રીતે હું વિશ્વમાં સકારાત્મક ઊર્જાનું સર્જન અને ફેલાવો કરું છું.
ભગવાન કૃષ્ણના ઉપદેશથી હું સારી મનુષ્ય બની શકી છું. એમણે જ મને સકારાત્મકતાના
પ્રસાર માટે શક્તિ આપી છે. પોતાના પ્રત્યે, સમાજ પ્રત્યે, દેશ પ્રત્યે અને દુનિયા
પ્રત્યેની વફાદારીનો ગુણ આ જગતને ખરેખર સુંદર બનાવી શકે છે. આથી કહેવાનું કે
વફાદારી એ જીવનશૈલી છે. દરેક મનુષ્ય એને પોતાની જીવનશૈલી બનાવી શકે છે.
-----------------
Comments
Post a Comment