મૈત્રીનો ઉત્સવ આજીવન ઉજવાતો હોય છે
મૈત્રીનો ઉત્સવ આજીવન ઉજવાતો હોય છે
મૈત્રી કોઈ તક નથી, પરંતુ જવાબદારી-કર્તવ્ય-ફરજ છે. કોઈકે સાચું જ કહ્યું છે કે મિત્ર તો સહેલાઈથી બની શકાય છે પરંતુ ખરા મિત્ર બનવાનું કામ મોટું છે. વર્તમાન સમયમાં સોશિયલ મીડિયા દ્વારા મિત્રોના સંપર્કમાં રહેવાનું વધારે સહેલું બન્યું છે, પરંતુ શું તમે ક્યારેય તમને પ્રેરણા આપી શકે અને અણીના વખતે મદદરૂપ થાય એવા સાચા મિત્રની શોધ કરી છે? બીજા શબ્દોમાં કહીએ તો સોશિયલ મીડિયા દ્વારા મૈત્રી બનાવી શકાય છે, પરંતુ સાચો મિત્ર મેળવી શકાતો નથી.
ભગવાન કૃષ્ણ સુદામા, અર્જુન, રાધા, બલરામ, ગોપ-ગોપીઓ, ગાયો, મોર અને વાંસળી એ બધાના સાચા મિત્ર હતા. તેઓ ખરી મિત્રતાનું પ્રતીક છે. મૈત્રીનો ઉત્સવ કેવી રીતે ઉજવવો એ ભગવાન કૃષ્ણે શીખવ્યું છે.
ભગવાન કૃષ્ણ જ્યારે મિત્રો સાથે મળીને માખણ ચોરી કરીને ખાતા, નટખટ ગોવાળો સાથે જે રીતે રમતા, જે રીતે રાધાની નિકટ થયા અને દૂર ગયા પછી પણ પોતાની જવાબદારીઓનું પાલન કર્યું એ બધું કૃષ્ણલીલામાં વાંચવાનું મને બહુ ગમે છે. ભગવાન કૃષ્ણને સાચા મિત્ર તરીકે મૂલવવાનું મને ઘણું ગમે છે.
આપણે પણ બાળપણથી અનેક લોકો સાથે રહેતા હોઈએ છીએ અને દરેકની સાથે કોઈકને કોઈક સંબંધ બંધાય છે. એમાંથી ઘણા લોકોને આપણે મિત્રો પણ કહીએ છીએ, પરંતુ જ્યારે આપણે મોટા થઈએ છીએ અને પોતપોતાની જવાબદારીઓનું વહન કરવા લાગીએ છીએ ત્યારે ખરા મિત્રની કસોટી અને પારખાં થાય છે. એવા વખતે બનેલા સાચા મિત્રો જીવનને ઉત્સવ બનાવે છે.
આપણે પરિવાર સિવાયની પણ કોઈ વ્યક્તિ આપણા પડખે છે એવો વિશ્વાસ રાખીને આગળ વધી શકીએ છીએ. આ વિશ્વાસને લીધે જ જીવનને એક અર્થ મળે છે. કેટલાક મિત્રો 'જાદુ કી ઝપ્પી' જેવા હોય છે. એમની સાથે રહેવા માત્રથી જ આપણી ઘણી માનસિક સમસ્યાઓ દૂર થઈ જાય છે. આમ, એક ખરો મિત્ર અનેક સમસ્યાઓનો હલ બને છે.
મારી વાત કરું તો, મને પણ એવા અનેક મિત્રો મળ્યા છે, જેમણે મારામાં વિશ્વાસ રાખ્યો છે અને મને જ્યારે પણ જરૂર પડી છે ત્યારે મને સહાય કરી છે.
મિત્રો ભલે ઓછા હોય, પરંતુ એ અમૂલ્ય ખજાનો હોય છે, જેને તમે આખી જિંદગી સાચવીને રાખવા માગો છો. તમે જેની સાથે હસી-રડી-લડી શકો, અભ્યાસ કરી શકો, ચર્ચા કરી શકો અને એકબીજાની મજાક-મશ્કરી પણ કરી શકો. જો તમે મૈત્રીને જીવંત રાખી શકતા હો તો જ તમારા માટે એનું મૂલ્ય હોય છે. મારા પોતાના અનુભવ ઉપરથી કહું છું કે જીવનના દરેક તબક્કે નવા મિત્રો બનતા હોય છે. જો તમે જીવન પ્રત્યે સહકારાત્મક અભિગમ ધરાવતા હો તો તમે હંમેશાં તમારા મિત્રોના હૃદયમાં સ્થાન ટકાવીને રાખી શકશો.
દોસ્તી ગણતરીઓ કે વિચાર કરીને થતી નથી. એમાં તો લાગણીઓનો સંબંધ હોય છે. આપણે પોતે પણ મૈત્રીની ફરજ બજાવવાની હોય છે. એકબીજાના પડખે રહેવાનો કોલ આપણે પણ આપવાનો હોય છે. જો તમે બીજી કોઈ વ્યક્તિને મિત્ર માની શકતા હશો તો તમે પોતે પણ મિત્ર બની શકશો. છેલ્લે એટલું જ કહેવાનું કે મૈત્રીનો ઉત્સવ આજીવન ઉજવાતો હોય છે.
Comments
Post a Comment