અપેક્ષાઓથી પર થઈને જીવવું...

 અપેક્ષાઓથી પર થઈને જીવવું...


આ સુંદર સૃષ્ટિમાં શ્વાસ લેતી હું એક સામાન્ય નારી છું, જેની પાસે જીવન જીવવા માટે બધું જ ઉપલબ્ધ છે. ઉજાસ આપવા સૂર્ય છે, અંધકારને હરવા ચંદ્ર છે અને ચમકતા શીખવવા આકાશમાં તારલા છે. પ્રકૃતિ મને જીવવા માટે અન્ન આપે છે અને મારો દરેક શ્વાસ શુદ્ધ હવાથી ધબકતો રહે છે. ઈશ્વર પરની શ્રદ્ધા મને આંતરિક શક્તિ આપે છે. માતા-પિતાના આશીર્વાદ અને માર્ગદર્શન છે, તો પરિવાર અને મિત્રોનો બિનશરતી પ્રેમ છે. કુદરતનું આ સૌંદર્ય મને અહેસાસ કરાવે છે કે બ્રહ્માંડમાં મારું અસ્તિત્વ છે. એક મનુષ્ય તરીકે મારી પાસે વિચારવા, શીખવા અને સ્વજનો માટે કંઈક કરી છૂટવાની બુદ્ધિ છે.

પરંતુ, જરા થોભીને વિચારીએ કે છેલ્લે ક્યારે આપણે આ કૃતજ્ઞતા અને સંતોષનો સાચો અનુભવ કર્યો હતો? માનવ સભ્યતાની શરૂઆતથી જ આપણી પાસે ઘણું બધું હોવા છતાં, આપણે હંમેશાં કશુંક ખૂટતું હોવાની શોધમાં દોડતા રહ્યા છીએ. પરિવાર, સંપત્તિ અને કીર્તિ હોવા છતાં મનનો એક ખૂણો ખાલી જ લાગે છે. સમયની સાથે આપણી અપેક્ષાઓ માત્ર બીજાઓ પાસેથી જ નહીં, પરંતુ આપણી જાત પાસેથી પણ વધતી જાય છે.

હમણાં જ એક સેવાકાર્ય અંતર્ગત, અમે ૧૫ દિવ્યાંગ બાળકોને તેમની જરૂરિયાત મુજબના હિયરિંગ એડ્સ ફીટ કરી આપ્યા. એ સેશન દરમિયાન મેં બાળકો અને તેમના માતા-પિતાને આ સાધનોની જાળવણી વિશે સમજાવ્યું. કોર્પોરેટ CSR અંતર્ગત દાનમાં મળેલા આ એક-એક મશીનની કિંમત આશરે ₹૭૦,૦૦૦ જેટલી છે. મેં તેમને ભારપૂર્વક કહ્યું કે, આ આર્થિક સહયોગનું મૂલ્ય સમજીને બાળકો નિયમિત રીતે મશીન પહેરે અને તેની કાળજી રાખે. જો યોગ્ય સાચવણી થાય, તો આ સાધનો ૫ થી ૭ વર્ષ સુધી ચાલી શકે છે. બે વર્ષની વોરંટી હોવા છતાં, મેં તેમને ભવિષ્યના આર્થિક આયોજન માટે અત્યારથી જ તૈયાર રહેવા જણાવ્યું, જેથી ફરી ક્યારેય કોઈની સામે હાથ ફેલાવવો ન પડે. ત્યારબાદ, ભૂતકાળમાં આ રીતે જ મદદ મેળવીને સફળ થયેલા બાળકોની પ્રેરણાદાયી વિડિયો ક્લિપ્સ મેં તેમને બતાવી.

એ સમયે પાછળ ઉભેલી કેટલીક બાળકીઓ અને બાળકોને વિડિયો બરાબર દેખાતો નહોતો. તેમણે નમ્રતાપૂર્વક આગળ આવવા વિનંતી કરી. વિડિયો જોઈને તેમની આંખોમાં એક અનોખી ચમક અને આશા હતી. તેમણે ભીના અવાજે પણ મક્કમતાથી કહ્યું, અમે પણ આ બાળકોની જેમ જ સખત મહેનત કરીશું અને એક દિવસ અમારી પ્રગતિ બતાવવા તમારી પાસે પાછા આવીશું. એ ક્ષણ એક સ્ત્રી તરીકે અને એક સેવિકા તરીકે મારા હૃદયને ઊંડે સુધી સ્પર્શી ગઈ. એ માસૂમ બાળકો શબ્દો વિના પણ મારી અપેક્ષાઓ સમજી ગયા હતા.

પરંતુ, આ હકારાત્મક વાતાવરણ વચ્ચે એક વાલી મારી પાસે આવ્યા અને પૂછ્યું, તમે ચોક્કસ છો ને કે મારા બાળકને આપેલું મશીન સારી ક્વોલિટીનું છે? એ ક્ષણે મારું મન ઝંખતું હતું કે કાશ, આ સવાલના બદલે સહજ આભાર સાથેનો એવો ઉત્તર મળ્યો હોત કે, ધન્યવાદ, હવે આગળની જવાબદારી અમારી છે, અમે અમારા બાળકના વિકાસ માટે પૂરતા પ્રયત્નો કરીશું. સેવા કરનારે પોતાનું કર્તવ્ય નિષ્ઠાથી નિભાવ્યું હોય, ત્યારે સામે પક્ષે પણ એટલી જ આસ્થા, કાળજી અને પ્રતિબદ્ધતાની આશા સહજ છે.

વાસ્તવમાં, આ કોઈ એક વ્યક્તિની ભૂલ નથી, આપણો આખો સમાજ જ કંઈક આ દિશામાં બદલાઈ રહ્યો છે. પરસ્પરનો વિશ્વાસ ધીમે-ધીમે ભૂંસાઈ રહ્યો છે. નિઃસ્વાર્થ ભાવે કરાતી સામાજિક સેવાઓને પણ શંકાની નજરે જોવામાં આવે છે કે આની પાછળ કોઈ છૂપો એજન્ડા તો નથી ને? ઘણીવાર એવું બને છે કે જરૂરિયાતમંદોને તેમની જરૂરિયાત કરતાં વધુ મળી જાય છે, જેથી તેઓ તેનું મૂલ્ય સમજી શકતા નથી. તો બીજી તરફ, મદદ કરનારાઓ પણ ક્યારેક સાચા બદલાવને બદલે માત્ર આંકડાબાજી, નામ કે પબ્લિસિટી પાછળ દોડતા દેખાય છે. પરિણામે, આજનું સામાજિક કાર્ય દિશાહીન અને આત્મા વગરનું ભાસે છે. સોશિયલ મીડિયાના ઘોંઘાટ અને રોજ બદલાતા નેરેટિવ્સે સામાન્ય માણસને એટલો અસમંજસમાં મૂકી દીધો છે કે સાચું શું અને ખોટું શું, તેનો ભેદ પારખવો મુશ્કેલ બની ગયો છે.

આપણી બીજી મોટી નબળાઈ એ છે કે જ્યારે આપણી અપેક્ષાઓ પૂરી નથી થતી, ત્યારે આપણે તરત જ દોષનો ટોપલો બીજાના માથે ઢોળી dઈએ છીએ. સ્વચ્છતા હોય, સામાજિક જાગૃતિ હોય, ધાર્મિક ભેદભાવ હોય કે ઘરગથ્થુ ઝઘડા આપણે ક્યારેય આત્મનિરીક્ષણ કરતા નથી. આજનો માણસ અતિશય સેલ્ફી-ઓરિએન્ટેડ બની ગયો છે. તે માત્ર પોતાની છબી અને પોતાના સ્વાર્થ વિશે જ વિચારે છે. આપણે ભૂલી ગયા છીએ કે સમાજ કનેક્ટિવિટીથી ચાલે છે, સેલ્ફીથી નહીં. દુનિયામાં દરેક વ્યક્તિ ડૉક્ટર, એન્જિનિયર કે અધિકારી ન બની શકે, સફાઈ કામદાર કે પટાવાળાની ભૂમિકા પણ એટલી જ મહત્વની છે. માનવતા ત્યારે જ ટકે જ્યારે આપણે એકબીજાના અસ્તિત્વનો સ્વીકાર કરીએ. પરંતુ આ 'સેલ્ફી વર્લ્ડ'માં સંવેદના ગાયબ થઈ ગઈ છે અને અપેક્ષાઓ આકાશે આંબી ગઈ છે. જ્યારે કોઈ હોનારત કે નકારાત્મક ઘટના બને, ત્યારે આંગળી ચીંધવી સહેલી છે, પણ શું નાગરિક તરીકે આપણી કોઈ જવાબદારી નથી?

આજના ડિજિટલ યુગમાં આપણે સારી બાબતોની ઉજવણી કરવાને બદલે નકારાત્મક, હિંસક અને સનસનાટીભર્યા સમાચારને વધુ વાયરલ કરીએ છીએ. સિનેમાના પડદે કે સોશિયલ મીડિયા પર ગાળો અને અર્થહીન વાર્તાઓ ધરાવતી ફિલ્મોને આપણે જ પ્રમોટ કરીએ છીએ. ક્યારેક તો કલાકારોને પણ ખ્યાલ નથી હોતો કે તેઓ સમાજને કેવો સંદેશ આપી રહ્યા છે. સ્ત્રીઓ પ્રત્યેનું સન્માન, માનવીય મૂલ્યો અને સંસ્કારો જાણે પૈસા અને પ્રખ્યાતિની આંધળી દોડમાં હોમાઈ રહ્યા છે.

સૌથી દુઃખદ બાબત એ છે કે વ્યક્તિગત સ્વાર્થ માટે ધર્મના નામે ભાગલા પાડવામાં આવી રહ્યા છે. ભગવાને જ્યારે આપણને આ ધરતી પર મોકલ્યા ત્યારે કોઈ ધર્મ કે જ્ઞાતિનો સિક્કો મારીને નહોતા મોકલ્યા. તેમણે આપણને માણસ તરીકેની એક જ ઓળખ આપી હતી. આપણો દેખાવ, આપણી લાગણીઓ અને આપણી જરૂરિયાતો સરખી હોવા છતાં આપણે ક્ષણિક સ્વાર્થ માટે એકબીજાને જુદા પાડી રહ્યા છીએ. આપણે માત્ર માણસ હોવાનું લેબલ લગાવીને ફરી રહ્યા છીએ, પણ શું આપણામાં માણસાઈ બચી છે ખરી?

ટેક્નોલોજીએ દુનિયાને હથેળીમાં લાવી દીધી છે. સેકન્ડોમાં સાત સમંદર પાર વાત થઈ શકે છે, પણ હૃદયથી હૃદયનું અંતર વધી ગયું છે. આપણે સ્ત્રી-પુરુષ સમાનતા અને જેન્ડર ઈક્વાલિટીની મોટી-મોટી વાતો કરીએ છીએ, પણ એક સ્ત્રી તરીકે હું રોજ જોઉં છું કે આજેય ક્યાંક ને ક્યાંક પુરુષપ્રધાન માનસિકતા જ પ્રવર્તે છે. એક દીકરી, પત્ની, માતા કે પ્રોફેશનલ તરીકે સ્ત્રીઓ પાસેથી રખાતી અપેક્ષાઓનો ગ્રાફ અતિશય ઊંચો છે. સ્ત્રીએ દરેક મોરચે પોતાની જાતને સાબિત કરવી જ પડે છે. આ હાઈપર-કનેક્ટેડ વર્લ્ડમાં આપણું એક્સપોઝર તો વધ્યું છે, પણ વિચારો સાંકડા થતા જાય છે. અપેક્ષાઓ અને વાસ્તવિકતા વચ્ચેની આ ખાઈ જ આજની પેઢીમાં માનસિક તણાવ અને ડિપ્રેશનનું મુખ્ય કારણ છે. આપણે ઝડપથી દોડી તો રહ્યા છીએ, પણ શું આપણે સાચી દિશામાં જઈ રહ્યા છીએ?

જે દિવસે આપણે બીજાઓ પાસેથી અપેક્ષા રાખવાનું છોડીને પોતાની જાત પર કામ કરવાનું શરૂ કરીશું, તે દિવસથી આ જીવન વધુ અર્થસભર અને સુંદર લાગવા માંડશે. કહેવાય છે ને કે, જે માતા-પિતા પોતાના બાળકોમાં પરફેક્શન શોધે છે તેમને કદાચ નિરાશા મળી શકે; પરંતુ જેઓ બાળકોને જેવા છે તેવા સ્વીકારીને તેમના દરેક નાના સ્ટેપને, તેમની નાની પ્રગતિને બિરદાવે છે, તેઓ ખુશીઓનો અમૂલ્ય ખજાનો મેળવે છે. આ નિયમ આપણા સૌના જીવનને પણ એટલો જ લાગુ પડે છે. જીવનને અપેક્ષાઓ અને દબાણના પાંજરામાં કેદ કરવાને બદલે, પ્રોત્સાહન અને ઉદ્દેશ્ય સાથે જીવવું જોઈએ.

Comments

Popular posts from this blog

મૈત્રીનો ઉત્સવ આજીવન ઉજવાતો હોય છે

આપણે દરેક તકલીફના લાલ સિગ્નલને આધ્યાત્મિક ઊર્જાની મદદથી લીલું સિગ્નલ બનાવી શકીએ છીએ

પોઝિટિવ વાઇબ્સ: જીવન બદલવાનનો મેજિકલ મંત્ર