|| ખોળિયામાં જ્યાં સુધી જીવ છે ત્યાં સુધી પ્રભુની ઉપાસના કરો ||

|| ખોળિયામાં જ્યાં સુધી જીવ છે ત્યાં સુધી પ્રભુની ઉપાસના કરો ||

છેલ્લા કેટલાક મહિના ગરીબ હોય કે તવંગર, સૌ મનુષ્યો માટે કપરા ગયા છે. ઈશ્વરે આપણી રચના કરીને આપણને અનેક પ્રાકૃતિક ભેટ આપેલી છે. પીવા માટે પાણી, ખાવા માટે અન્ન, શ્વાસ લેવા માટે હવા અને વિચાર કરવા માટે મગજ આપ્યું છે. આપણે મગજનો ઉપયોગ કરીને અનેક ગણતરીઓ માંડી છે અને વિચારની પર જઈને વિજ્ઞાનની રચના કરી છે.

મનુષ્યે પોતાના હાથમાં નથી એવી વસ્તુઓને પોતાના વશમાં લાવવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ આપણે એ ભૂલી ગયા છીએ કે પ્રકૃતિ એ પ્રકૃતિ જ રહેવાની. આપણે મનુષ્યો પણ જો પોતાનો સ્વભાવ બદલી શકતા નથી તો પ્રકૃતિ પોતાની પ્રકૃતિ કેવી રીતે બદલી શકશે?

હવે મનુષ્યે પોતાનું ધ્યાન યોગ્ય દિશામાં એટલે કે ભગવાનમાં શ્રદ્ધા રાખવાની દિશામાં કેન્દ્રીત કરવાનો સમય આવી ગયો છે. જીવનમાં મળતી ક્ષણિક ભૌતિક સુખ-સુવિધાઓ પર લક્ષ આપવાને બદલે ખરા સુખની પ્રાપ્તિ માટે પ્રયાસરત થવાની જરૂર છે.

આપણા ખોળિયામાં જ્યાં સુધી જીવ છે ત્યાં સુધી સુખી રહેવા માટે પ્રાર્થના અને ઉપાસના કરવાનો રસ્તો જ ઉત્તમ છે. ઈશ્વરે આપેલી સુંદર મન, સુંદર શરીર અને સુંદર આત્માની ભેટ પર લક્ષ આપવાની આવશ્યકતા છે. દરેક વ્યક્તિને અલગ અલગ રીતે આ ભેટ આપવામાં આવી છે અને દરેક મનુષ્ય પોતાના જીવનનું સુંદર રીતે ઘડતર કરવાની ક્ષમતા ધરાવે છે.

અત્યારે જીવન પ્રત્યેનો દૃષ્ટિકોણ બદલવાની જરૂર છે. આપણે સકારાત્મક દૃષ્ટિ કેળવીને વિચારોને યોગ્ય દિશામાં વાળવા જોઈએ.

મને શારીરિક વિકલાંગતા ધરાવતા લોકો સાથે કામ કરીને એ શીખવા મળ્યું છે કે જીવનમાં આવતી મુશ્કેલીઓનો સામનો કેવી રીતે કરવો. જેઓ બીજાઓ કરતાં અસામાન્ય હોય છે એમણે જોમ-જુસ્સા સાથે સામાન્ય લોકો સાથે રહેતાં શીખવું પડે છે.

મને અહીં ઘણા વખત પહેલાંનો એક બધિર (શ્રવણમંદ) બાળક સાથેનો એક શિક્ષકનો સંવાદ યાદ આવે છે. એક વખત શિક્ષકે એને પૂછ્યું, ''તું ક્યાં રહે છે?'' એણે જવાબ આપ્યો, ''હું પૃથ્વી પર રહું છું.'' શિક્ષકને એના જવાબથી આશ્ચર્ય થયું એટલે એમણે આવો જવાબ આપવા પાછળનું કારણ પૂછ્યું. બાળકે કહ્યું, ''હું અંધેરીમાં રહું છું, જે મુંબઈમાં છે. મુંબઈ મહારાષ્ટ્રમાં છે અને મહારાષ્ટ્ર ભારતમાં, ભારત એશિયામાં અને એશિયા આ વિશ્વમાં છે અને એ વિશ્વ એટલે પૃથ્વી. આ પૃથ્વી પર મારું અસ્તિત્વ પુરવાર થવું જોઈએ તેથી મેં કહ્યું કે હું પૃથ્વી પર રહું છું.''

આપણે એ બાળકની જેમ જ પૃથ્વી પર પોતાના અસ્તિત્વને પુરવાર કરવાની જરૂર છે. આથી આપણે એ પુરાવો આપવા માટે સકારાત્મકતા રાખીને સખત મહેનત કરવાની છે. આપણે વાસ્તવિકતા સ્વીકારી લેવી જોઈએ અને પોતાની સાથેના તથા બીજાઓ સાથેના વ્યવહારમાં પ્રામાણિક બનવું જોઈએ. આસપાસનું વાતાવરણ જાતે જ બદલાઈ જશે એવી ખોટી આશા બાંધીને રાખવી જોઈએ નહીં. ખરેખર તો આપણે વાતાવરણને બદલીને સુંદર બનાવવા માટે આકરી મહેનત કરવી જોઈએ.

અહીં એક ઉદાહરણ ટાંકું છું. દરેક છોડનો ઉછેર એક બીજથી શરૂ થાય છે, પરંતુ તેને વધવા માટે પૂરતું પાણી, યોગ્ય માટી અને પૂરતી માવજતની જરૂર હોય છે. આ જ રીતે ભગવાને આપણને જન્મ આપ્યો છે, પરંતુ જીવનમાં વિકાસ કરવા માટે તથા જીવનને વધુ સુંદર બનાવવા માટે દરેકે યોગ્ય કાળજી લેવાની આવશ્યકતા છે.

Comments

Popular posts from this blog

મૈત્રીનો ઉત્સવ આજીવન ઉજવાતો હોય છે

આપણે દરેક તકલીફના લાલ સિગ્નલને આધ્યાત્મિક ઊર્જાની મદદથી લીલું સિગ્નલ બનાવી શકીએ છીએ

'વફાદારી' માત્ર એક શબ્દ નથી, એ તો જીવનશૈલી છે...