|| ચાલો, આપણે નકારાત્મકતારૂપી વાઇરસનો પણ ખાતમો કરીએ ||

 

|| ચાલો, આપણે નકારાત્મકતારૂપી વાઇરસનો પણ ખાતમો કરીએ ||

 

આકાશમાં મેઘધનુષ દેખાય ત્યારે આકાશ ઘણું જ સુંદર દેખાવા લાગે છે. પુષ્કળ ગરમી પડતી હોય એવા સમયે જ્યારે વાદળો બંધાવા લાગે ત્યારે વરસાદની આશા પણ બંધાવા લાગે છે. સપ્તરંગી મેઘધનુષ પરિવર્તનનું દ્યોતક છે. આ પરિવર્તન રમણીય લાગે છે.

જો આપણે ભારતીય સંસ્કૃતિનો અભ્યાસ કરીએ તો એ પણ મેઘધનુષ જેવી રંગીન છે. તેમાં પરસ્પર મદદ કરવાની પ્રવૃત્તિ સહિતના વિવિધ રંગો ભળેલા છે. આપણે ત્યાં કોટિ-કોટિ દેવી-દેવતાઓ છે અને દરેક જણ જાતિ, ધર્મ, ભાષા, વગેરેના આધારે એમનું પૂજન કરે છે. આપણે ત્યાં સંખ્યાબંધ રીતિ-રિવાજો પણ છે.

દંતકથાઓમાં કહેવાયું છે કે આ સૃષ્ટિ (પૃથ્વી)ની રચના વખતે બધાં દેવી-દેવતાઓ ભેગાં આવ્યાં હતાં. એમણે દરેકને પોતપોતાની જવાબદારીઓ તથા રીતિ-રિવાજો આપ્યાં. દા.ત. આપણે કોઈ પણ નવું કાર્ય શરૂ કરીએ ત્યારે ગણપતિ ભગવાનનું આવાહન કરીએ છીએ. ધનપ્રાપ્તિ માટે લક્ષ્મીજીની ઉપાસના કરીએ છીએ, વગેરે, વગેરે. એક રીતે જોઈએ તો આપણને આના દ્વારા એમ કહેવામાં આવે છે કે બધાને બધું મળતું નથી અને બધા બધું કરી શકતા નથી; દરેક જણ થોડું જાણે છે અને દરેકને થોડું-થોડું આપવામાં આવ્યું છે.

અત્યારે કોરોનાને કારણે લોકડાઉન દરમિયાન ઘણાં કાર્યો કરી શકાતાં નથી, પરંતુ દરેકને કંઈક નવું કરવાની તક મળી છે. આપણે પોતે જ પોતાની જિંદગીમાં નવા રંગ પૂરીને તેને વધુ સુંદર બનાવવાની છે.

પહેલાં જેવી પરિસ્થિતિ આવી જશે એ વાત ભૂલી જાઓ, કારણ કે કોરોના આવ્યા પહેલાંનું આપણું અસ્તિત્વ સામાન્ય ન હતું. તેમાં લાલચ, અસમાનતા, થાક, સંગ્રહખોરી, કિન્નાખોરી, ઘૃણા, વગેરે જેવી અનેક બાબતો હતી.

હવે આપણે ધરતીનું પુનરુત્થાન કરવાનું છે. ચાલો, આપણે એ પ્રતિજ્ઞા લઈએ કે આપણે જીવનને મેઘધનુષની જેમ સપ્તરંગી બનાવીશું, સાત રાગથી તેને સંગીતમય બનાવીશ, સાત રસથી તેને રસતરબોળ કરી દઈશું અને નવી સકારાત્મક લાગણીઓથી તેને ભરી દઈશું.

ચાલો, ધરતીમાતાને ફરી નવપલ્લવિત કરીએ અને એ જે રીતે બાળકોનું રક્ષણ કરે છે એ રીતે નિર્વ્યાજ પ્રેમથી તેને નવડાવી દઈએ.

આપણે પોતાની અંદર પોતે જ પરિવર્તન લાવવાનો સમય આવી ગયો છે. બીજો કોઈ માણસ ગમે તેટલું માર્ગદર્શન કે સલાહ આપે, દવા આપે, જ્યાં સુધી આપણે જાતે પરિવર્તન લાવીશું નહીં ત્યાં સુધી કંઈ નહીં થાય.

મેં કોઈ વિકલાંગ બાળકને જીવનો ત્યાગ કરતા જોયું નથી. આ બાળકો જન્મથી જ પોતાના સંજોગો સામે લડવાનું શીખી જાય છે. તેઓ જાતે જ પોતાના જીવનમાં રંગ પૂરે છે અને વિકસે છે. એ બાળકો ક્યારેય પોતાની આસપાસના લોકોને બદલવાનો પ્રયાસ કરતાં નથી. તેઓ જાતે જ બદલાય છે અને બધા સાથે ગોઠવી લેતાં હોય છે. આપણે શું કામ તેમની પાસેથી કંઈ શીખી શકીએ નહીં? આપણે જેવા છીએ તેના કરતાં વધુ સારા કેમ બની શકીએ નહીં?

ચાલો, હવે પોતાને બદલવાનો સમય પાકી ગયો છે. આપણે દરરોજ હાથ-પગને સેનિટાઇઝ કરીએ છીએ એ જ રીતે હૃદયમાંથી ઘૃણાનો ત્યાગ કરવાની અને મનને સ્વચ્છ કરવાની જરૂર છે. આપણે જે રીતે આસપાસના વાતાવરણમાંથી વાઇરસને દૂર કરવા પ્રયત્ન કરીએ છીએ એ જ રીતે ચાલો, આસપાસની નકારાત્મકતારૂપી વાઇરસનો પણ ખાતમો કરીએ.

ચાલો, જીવનને વધુ અર્થપૂર્ણ અને વિવિધરંગી બનાવીએ, જ્યાં માત્ર હસીખુશી, આનંદ અને પ્રસન્નતા હોય. જો આપણે જિંદગીની દરેક પળને જીવી જઈશું અને વિશુદ્ધ પ્રેમનું હૃદયમાં આરોપણ કરી શકીશું તો આ વિશ્વ આપણા માટે અત્યારે છે તેના કરતાં ઘણું સારું હશે.

ચાલો, આપણે સુખી જીવનના સાત રસ્તાઓ જાણીને આપણી આવતી કાલને વધુ સારી બનાવીએ. આપણી પાસે ઈશ્વરના અને માતાપિતાના આશીર્વાદ છે. આપણે જવાબદાર અને કરુણામય રહેવા જેટલી બુદ્ધિ ધરાવીએ છીએ. આપણે સમાજમાં રહીએ છીએ અને બીજાઓને મદદ કરી શકીએ છીએ. આપણામાં સારી વ્યક્તિ બનવા માટેનો આત્મવિશ્વાસ હોવો જરૂરી છે. આ કામ મુશ્કેલ નથી. તેના માટે પોતાનાથી થાય એટલો સારામાં સારો પ્રયાસ કરવો આવશ્યક છે!

Comments

Popular posts from this blog

મૈત્રીનો ઉત્સવ આજીવન ઉજવાતો હોય છે

આપણે દરેક તકલીફના લાલ સિગ્નલને આધ્યાત્મિક ઊર્જાની મદદથી લીલું સિગ્નલ બનાવી શકીએ છીએ

'વફાદારી' માત્ર એક શબ્દ નથી, એ તો જીવનશૈલી છે...