ચાલો, આપણે ફરીથી નિર્દોષ બાળકો પાસેથી સ્મિતની, નિર્ભેળ હાસ્યની ભાષા શીખીએ
|| ચાલો, આપણે ફરીથી નિર્દોષ બાળકો પાસેથી સ્મિતની, નિર્ભેળ હાસ્યની ભાષા શીખીએ ||
આપણને નિર્ભેળ-નિર્દોષ સ્મિતની ભાષા તો ફક્ત બાળકો જ શીખવી શકે. એમનું મન આપણે વર્ષોથી કહેતાં આવ્યા છીએ એમ 'કોરી પાટી' જેવું હોય છે. એ ફ્લેક્સિબલ એટલે કે લવચીક પણ હોય છે અને હંમેશાં કંઈક નવું શીખવા સજ્જ હોય છે. એમના માટે આકાશ વિશાળ અને સુંદર હોય છે.
બાળક ગમે તે ધર્મમાં, સામાજિક-આર્થિક સ્થિતિમાં કે દેશમાં જન્મ્યું હોય, તેની વિચારવાની પ્રક્રિયા હંમેશાં સમાન હોય છે અને એ બધું જ સ્વીકારવા તૈયાર હોય છે. જીવન આગળ વધતાં કેવું હશે એનો એમને જરાપણ ખયાલ હોતો નથી.
આપણે રગશિયા ગાડા જેવી જિંદગીમાં અને ઘટમાળ જેવા સંજોગોમાં એ ભૂલી ગયા છીએ કે બાળક તરીકે આપણે પણ જિંદગીનો આનંદ માણેલો છે.
કોઈની પણ સાથે તુલના કરીએ નહીં તો આપણે સુખી રહી શકીએ છીએ. તેનાથી જીવનમાં બીમારીઓ હોય કે બીજી મુશ્કેલીઓ હોય, તેમનો સામનો કરવાની તાકાત મળી રહે છે. મને લાગે છે કે એ બાળસહજ વૃત્તિ ફરીથી કેળવીને આપણે ફરીથી જીવનને માણવા લાગવું જોઈએ. જ્યારે પણ આપણને નિરાશા થાય ત્યારે આપણે બાળકના નિર્દોષ ભાવ સામે અને એમના નિર્ભેળ સ્મિત સામે જોવું જોઈએ અને વિચારવું જોઈએ કે ક્યારેક આપણે પણ એમના જેવા હતા.
બાળકના નિર્દોષ હાસ્યની વાત કરતાં કરતાં પણ મને ફરી કૃષ્ણની બાળપણની ક્રિડાઓ યાદ આવે છે. ગોવાળો સાથે મસ્તી કરવાથી માંડીને ગોપીઓના ઘરે જઈને માખણ ચોરવાની પ્રવૃત્તિઓ યાદ આવે છે. કૃષ્ણ તો ભગવાન હતા એટલે એમને ખબર હતી કે પોતાની આસપાસ શું ચાલી રહ્યું છે. આમ છતાં, એમણે બાળસહજ ક્રિડાઓ કરી. એમને જોઈને ક્યારેય એમનાં માતાપિતાના મનમાં એવો ભાવ આવ્યો નહીં કે એમનું સંતાન ભગવાન છે અને બધું જ કરવા સમર્થ છે. કૃષ્ણે કોઈને પણ નુકસાન પહોંચાડ્યા વગર ગોવાળો અને ગોપીઓ સાથે રમતો રમી અને બાળસહજ મસ્તીઓ કરી.
આપણે પોતાની સમસ્યાઓથી એટલા ઘેરાયેલા અને ગૂંચવાયેલા હોઈએ છીએ કે આપણું સંતાન નિર્દોષ છે અને માતાપિતા તરીકે આપણે તેનાં આદર્શ છીએ એ ભૂલી જઈએ છીએ. બાળકો હંમેશાં મોટાઓનું જોઈને શીખે છે.
અહીં મને એક કિસ્સો યાદ આવે છે. એક દિવસ હું શ્રવણમંદ બાળકો માટેની શાળામાં ગઈ હતી. અમે બાળકો માટે ટેલેન્ટ કોમ્પિટિશન રાખી હતી. એ સ્પર્ધામાં ભાગ લેનારા તમામ બાળકોને ભેટ અને રોકડ ઈનામ આપવામાં આવ્યાં હતાં.
કાર્યક્રમ પૂરો થયા બાદ બધાં બાળકો જઈ રહ્યાં હતાં ત્યારે એક બાળકે બીજાને કહ્યું કે તેની ઈનામની રકમ કોઈએ ચોરી લીધી છે. શિક્ષકોએ આ વાત સાંભળી અને દરેકની માતાને પોતપોતાના બાળકની બૅગ તપાસવા કહ્યું. એ બાળકોમાંથી એકે કહ્યું કે એક બાળકને ચોરીઓ કરવાની ટેવ હોવાથી એની બૅગ પહેલાં તપાસવી જોઈએ. એની માતાએ બૅગ તપાસી તો એમાંથી ચોરીના પૈસા મળ્યા. માતાએ બાળકને સમજવાને કે સમજાવવાને બદલે તેને વાળથી પકડીને એવો માર્યો કે એ ભોંયભેગો થઈ ગયો. અમને બધાને ઘણો આઘાત લાગ્યો.
ક્યારેક આપણે આવેશમાં આવીને બાળકની નિર્દોષતાને સમજ્યા વગર જ તીવ્ર પ્રત્યાઘાત આપી દઈએ છીએ અને એ ભૂલી જઈએ છીએ કે આપણા આવા વર્તનથી બાળકના મન પર ઘેરી અસર થશે, જે જીવનભર રહેશે. જો એ વખતે એ બાળકની માતાએ પોતાનો પ્રેમાળ હાથ એના માથા પર ફેરવ્યો હોત અને તેને હેતપૂર્વક પૂછીને શંકાનું નિરાકરણ કર્યું હોત તો તેની અસર કંઈક સારી થઈ હોત.
આ કિસ્સા પરથી કહેવાનું મન થાય છે કે માતાપિતા તરીકે આપણે પણ ક્યારેક એકલા બેસીને વિચાર કરવો જોઈએ કે આપણે બાળપણમાં કેવાં હતાં અને શું કરતાં હતાં. બાળપણમાં શીખેલી સારી-સારી વાતો આજે ઉપયોગી થઈ રહી હોવાનું આપણે જોઈ શકીશું. આપણે આજે જે મુકામ પર છીએ તેના માટે માતાપિતાનો પાડ માનવો જોઈએ. આ વિચારયાત્રા આપણને એક પ્રકારનો સંતોષ આપશે.
ચાલો, આપણે ફરીથી નિર્દોષ બાળકો પાસેથી સ્મિતની, નિર્ભેળ હાસ્યની ભાષા શીખીએ. ચાલો, આપણે આપણા જીવનમાં સ્મિત ઉમેરીને તેને મૂલ્યવાન બનાવીએ. ચાલો, આપણી પાસે જે છે તેનો આનંદ ઉઠાવીએ અને આપણાં બાળકોને પણ વિચાર કરવાનું શીખવીએ. ચાલો, ફરી એક વાર કુદરતના ખોળે જઈએ.
અત્યારે ટેક્નૉલૉજી એટલી આગળ નીકળી ગઈ છે કે આપણું અને આપણાં બાળકોનું સ્મિત ક્યાંક ખોવાઈ ગયું છે. હું જ્યારે પણ કંઈક નવું કરું છું, કે મારા જીવનમાં કંઈક સારું થાય છે ત્યારે હું બે ગુલાબનાં ફૂલ ઘરે લઈ જાઉં છું અને બન્ને દીકરીઓને એક-એક આપું છું. હું મોં પર સ્મિત લાવીને એમને કહું છું કે તમે બન્ને સુંદર અને સમજદાર સંતાનોને લીધે જ આજે મને આ મળ્યું છે. મને એમના ચહેરા પર આવતું એ સ્મિત જોઈને ઘણું સારું લાગે છે. સ્મિતની એ ભાષાથી મારામાં સકારાત્મક ઊર્જા અને શક્તિ રેડાય છે.
Comments
Post a Comment