|| ચાલો, આપણે જે છીએ તેના કરતાં વધુ સારા માનવી બનીએ ||

 

|| ચાલો, આપણે જે છીએ તેના કરતાં વધુ સારા માનવી બનીએ ||

કોરોનાનો રોગચાળો આપણને કંઈક નવું શીખવવા માટે આવ્યો છે. આ સંદેશ ગ્રહણ કરીને આપણે અત્યારે છીએ એના કરતાં વધુ સારા મનુષ્ય બનવાનો પ્રયાસ કરીએ. અત્યારે લોકો સાથે હળવા-મળવાનું બંધ થઈ ગયું છે. આમ, સંપર્ક રહ્યો નથી. અત્યારે રીતિરિવાજો, પૈસા, મોભો, સુખ-સગવડો, પ્રવાસ, વિકાસ, વગેરે બધું બાજુએ રહી ગયું છે. અત્યારે કોઈને પણ પૂછો તો એમ જ કહેશે કે આ મુશ્કેલ સમય પસાર થઈ જાય એટલે ભયો ભયો! કંઈ પણ કરીને આ કપરા સમયમાંથી પાર પડવાનું છે!

ઑડિયોલૉજિસ્ટ અને સ્પીચ થેરપિસ્ટ તરીકે મારું કામ સંવાદ એટલે કે બોલવાની અને સાંભળવાની ક્રિયા સાથે છે. આપણે સુસંવાદ દ્વારા સારામાં સારું વિશ્વ કેવી રીતે રચી શકીએ એના વિશે સંશોધન કરવાનું મને ઘણું ગમે છે. સંવાદમાં 80 ટકા હિસ્સો માણસ જે લાગણીઓ અનુભવે છે તેનો હોય છે અને બાકીનો 20 ટકા હિસ્સો માણસ જે શીખે છે તેનો હોય છે. સંવાદમાં શારીરિક, મનોવૈજ્ઞાનિક, મનોસામાજિક, ભાવનાત્મક પાસાં સંકળાયેલાં હોય છે. એક પાસું આધ્યાત્મિક છે, જે આપણને ઈશ્વર સાથે સાંકળે છે.

સંવાદમાં જ્યારે આધ્યાત્મિક પાસું ભળે ત્યારે મનુષ્ય પોતાને વધુ સારો બનાવે એવી શક્યતા ઊભી થાય છે. ઈશ્વર આપણને એ કામમાં મદદરૂપ થાય છે. કૃષ્ણ પરની આસ્થાએ મને શીખવ્યું કે આપણે બધા પણ મહાભારતનું યુદ્ધ લડવાનું શરૂ કરતી વખતની અર્જુનની મનોદશા ધરાવીએ છીએ. આપણે પણ પોતાની કેટકેટલીય લડાઈઓ લડતા હોઈએ છીએ. અર્જુનનો વિજય થયો, કારણ કે તેણે કૃષ્ણમાં શ્રદ્ધા રાખી હતી.

એક વૈજ્ઞાનિક અને મનોચિકિત્સકે 300 માણસો પર એક અભ્યાસ કર્યો હતો. પચાસ વર્ષ સુધી આ 300 માણસોનું દર ત્રણ મહિને પરીક્ષણ થયું હતું, જેમાં તેમના મગજના વિકાસની નોંધ લેવામાં આવી હતી. અલગ અલગ લોકો આર્થિક દૃષ્ટિએ પોતાના જીવનને કઈ રીતે જુએ છે એના વિશે જાણવાનો સંશોધનનો હેતુ હતો. તેના અંતે જાણવા મળ્યું કે લોકો બે પ્રકારના હોય છે. એક, જેઓ પૈસા કમાવા ઈચ્છે છે અને બે, જેઓ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવા ઈચ્છે છે. જો કે, જીવનના અંતે એ બધા લોકો એક સમાન રીતે ત્રણ વસ્તુઓ ઈચ્છે છે. એક, સામાજિક સંપર્ક હોવો જોઈએ; બે, પોતાનો પરિવાર હોવો જોઈએ અને ત્રણ, પોતે અને પોતાનો પરિવાર સુરક્ષિત હોવા જોઈએ.

જીવનમાં દરેકને ખરેખર શું જોઈએ છે એ હકીકત ખબર હોવા છતાં આપણે બધા જીવનમાં સતત ઘણો સંઘર્ષ કરતાં રહીએ છીએ. મનોવિજ્ઞાન કહે છે કે લોકો પોતાના મગજની શક્તિઓને વધારતા નહીં હોવાથી હંમેશાં સંઘર્ષની સ્થિતિમાં જ રહે છે.

પોતાના જીવનમાં કેટલી સમસ્યાઓ છે તેનો વિચાર કરો. તેમનો હલ લાવવા માટેના કોઈ ઉપાય છે કે કેમ તેનો વિચાર કરો. મારા કાર્યક્ષેત્રમાં આવતી સમસ્યા વિશે તમને કહું. આપણા દેશમાં લોકો હજી એમ જ માને છે કે જે બાળક સાંભળતું નથી એ બોલતું પણ નથી. દેશમાં બધા લોકો ઈલેક્ટ્રોનિક્સનો એટલે કે ટેક્નૉલૉજીનો ઉપયોગ કરવામાં માને છે, પરંતુ જેમને ઓછું સંભળાય છે એવા લોકો માટે ઉચ્ચ ટેક્નૉલૉજી ધરાવતાં શ્રવણયંત્રો વાપરવાં જોઈએ એ વાત લોકોના ગળે ઊતરતી નથી.

આ સમસ્યાને લક્ષમાં રાખીને મેં બધિર (શ્રવણમંદ) બાળકોનું એક નાનું જૂથ બનાવ્યું. બધાને સારામાં સારી ટેક્નૉલૉજી ધરાવતાં શ્રવણયંત્રો અપાવ્યાં અને એ બધાં બાળકોને સામાન્ય માણસોની જેમ જ સાંભળતાં અને બોલતાં કર્યાં. ટેક્નૉલૉજીની મદદથી આ ઉત્તમ પરિણામ પ્રાપ્ત કરવામાં આવ્યું. શ્રવણમંદ બાળકોને આ રીતે મદદરૂપ થવાનું બીડું મેં ઝડપ્યું અને તેને કારણે એક મનુષ્ય તરીકે મારી ઉન્નતિ થઈ.

જીવનમાં આપણે બધા અલગ અલગ પ્રકારની સમસ્યાઓથી ઘેરાયેલા રહીએ છીએ. કોઇને પરિવારમાં મતભેદ હોય, તો કોઈને બીજા સંબંધમાં હોય, કોઈને શિક્ષણને લગતી, તો કોઈને નોકરીની તકલીફ હોય છે. કોઈ પૂરતાં નાણાં કમાઈ શકતું નથી, તો કોઈને પોતાને મળેલી પ્રતિષ્ઠા ઓછી લાગે છે. માણસ આ બધી સમસ્યાઓમાંથી કેવી રીતે છૂટકારો મેળવે છે એના આધારે દરેકની મનુષ્ય તરીકેની ક્ષમતા કે ગુણવત્તા નક્કી થાય છે.

કોરોનાના રોગચાળાએ મને શીખવ્યું છે કે હું મારા લખાણ દ્વારા સકારાત્મકતાનો પ્રસાર કરી શકું છું. આથી મેં આ લખાણ શરૂ કર્યું. ક્યાં સુધી કેટલી સકારાત્મકતાનો પ્રસાર થશે એ હું નથી જાણતી, પરંતુ એટલી ખબર છે કે એ પ્રસાર માટેનો પ્રયાસ શરૂ થવો જોઈએ. મેં મારી ક્ષમતાઓનો સારામાં સારો ઉપયોગ આ દિશામાં કરવાનું નક્કી કર્યું છે. દરરોજ હું મારા મનથી સૌનો વિચાર કરું છું અને મને સમસ્યાઓના હલ મળી આવે છે. આથી હું માનું છું કે હવે તમારા માટે પણ આ કામ મુશ્કેલ નહીં હોય!

આ રોગચાળો જલદી પૂરો થઈ જાય એવી પ્રાર્થના કરીએ. ત્યાર પછી પરસ્પરના સંપર્ક ઘનિષ્ઠ બનાવીએ, સંવાદ વધારીએ અને જે છીએ તેના કરતાં વધુ સારા મનુષ્યો બનીએ. ચાલો, એકબીજાને મદદરૂપ થઈએ અને વિશ્વને વધુ સલામત બનાવીએ, જેથી આપણે સૌ મુક્ત હવામાં શ્વાસ લઈ શકીએ. આપણે જે કરી રહ્યા છીએ તેના પ્રત્યેનો દૃષ્ટિકોણ બદલાવીએ અને જીવનમાં જે પણ કામ કરતા હોઈએ તેમાં આનંદ લઈએ.

કૃષ્ણમાં શ્રદ્ધા રાખીશું તો આ સમય પણ આસાનીથી પસાર થઈ જશે. આપણે ચોક્કસપણે સકારાત્મકતાનો પ્રસાર કરી શકીશું.

Comments

Popular posts from this blog

મૈત્રીનો ઉત્સવ આજીવન ઉજવાતો હોય છે

આપણે દરેક તકલીફના લાલ સિગ્નલને આધ્યાત્મિક ઊર્જાની મદદથી લીલું સિગ્નલ બનાવી શકીએ છીએ

'વફાદારી' માત્ર એક શબ્દ નથી, એ તો જીવનશૈલી છે...