આપણે સૌ ભેગા મળીને ભારતને ગૌરવાન્વિત કરી શકીએ છીએ

 

|| આપણે સૌ ભેગા મળીને ભારતને ગૌરવાન્વિત કરી શકીએ છીએ ||

આપણે ભારતીય હોવાનો ગર્વ હંમેશાં કરવો જોઈએ. આપણું રાષ્ટ્રીય પંખી મોર છે, જેનું પીછું ભગવાન કૃષ્ણને પ્રિય છે. તેમણે મોરપીંછને પ્રેમનું પ્રતીક બનાવીને પોતાના મસ્તકે શોભાવ્યું.

મોરની આભા એટલી સુંદર હોય છે કે એને જોઈને જીવન માણવાનું મન થાય અને તેની જેમ જ નાચવાનું મન થાય. ભારતીય સંસ્કૃતિ પણ પ્રેમના ગીત-સંગીતને મહત્ત્વ આપે છે.

જો કે, વૈજ્ઞાનિક ક્રાંતિ અને ટેક્નૉલૉજીના વિકાસને કારણે ભારતમાં આપણે પોતાની પ્રાચીન સંસ્કૃતિનાં મૂલ્યોને તથા જીવનના ઉમંગ-ઉલ્લાસ અને સૌંદર્યને ભૂલી ગયા હોઈએ એવું લાગે છે. આપણા દેશના ઈતિહાસે પુરવાર કરી આપ્યું છે કે આ માતૃભૂમિ પરની દરેક વસ્તુનું પ્રેમથી જતન કરી શકાય છે.

કૃષ્ણની વાત પરથી ગોવર્ધન પર્વત ટચલી આંગળીએ ઉઠાવી લેવાનો પ્રસંગ યાદ આવે છેઃ ઇન્દ્રદેવના કોપને કારણે વરસાદ અને પૂર આવતાં બધા ગ્રામવાસીઓએ એક ઠેકાણે ભેગા થવું પડ્યું. શ્રીકૃષ્ણે બધાને સ્નેહપૂર્વક ભેગા કરીને કહ્યું, ''આપણે સૌ ભેગા મળીને આ મુશ્કેલ પરિસ્થિતિનો હલ લાવીશું.'' એમણે ટચલી આંગળીએ ગોવર્ધન પર્વત ઉંચકી લીધો અને ગામનાં બધા મનુષ્યો-પશુ-પંખીઓએ પર્વતની નીચે આશરો લીધો.

એકલો માણસ વધુ કંઈ કરી શકતો નથી, પરંતુ બધા ભેગા મળે તો અશક્ય લાગતાં કાર્યો પણ શક્ય બની જાય છે.

આપણા દેશનો વારસો ઘણો મહાન છે. આપણા ધર્મમાં વર્ણવાયેલાં મૂળભૂત મૂલ્યો ઉપરાંત કળા, સંસ્કૃતિ અને ભાષાઓ વિશે ઘણું સંશોધન થયેલું છે.

એક સમય એવો હતો જ્યારે લોકો પોતાના સમુદાય, ગામ અને પ્રદેશ માટે લડાઈ કરવા તૈયાર થઈ જતા. મહાભારતનો સમય હોય કે રામાયણ, કે પછી મોગલો અને મરાઠાઓનો સમય હોય, લોકો ક્યારેય સ્વકેન્દ્રી ન હતા. તેનાથી વિપરીત, આજની તારીખે આપણે ફક્ત સ્વની જ વાત કરીએ છીએ. સ્વના જ ફોટા (સેલ્ફી) લેતા થઈ ગયા છીએ. આપણાં લક્ષ્યો સ્વ માટેનાં હોય છે.

કોરોનાના રોગચાળાએ આપણને શીખવ્યું છે કે દરેક જણ પોતાના પરિવાર, સમુદાય અને દેશમાં સલામત હોય છે. દરેકને એકબીજાનો સધિયારો જોઈતો હોય છે. આ મુશ્કેલ સમયમાંથી પાર પડવા માટે બધાએ ભેગા મળીને ઈશ્વરની આરાધના કરવાની જરૂર છે.

આપણે સૌ ભારતીયોએ માનસિક, ભાવનાત્મક, આર્થિક અને આધ્યાત્મિક રીતે તંદુરસ્ત બનવાનો સમય આવી ગયો છે.

મને થોડા વર્ષો પહેલાં એક અખબારમાં પ્રગટ થયેલો લેખ યાદ આવે છે. તેમાં એક મનોચિકિત્સકે એક અંદાજ વ્યક્ત કરતાં કહ્યું હતું કે ભવિષ્યમાં ભારતમાં મોટી સંખ્યામાં લોકોને માનસિક સમસ્યાઓ સતાવતી હશે. પછીથી આ મનોચિકિત્સકે ભારતીયોને મદદરૂપ થવા માટે વિદેશથી ભારત પાછા આવવાનું નક્કી કર્યું. જો કે, મને એક વ્યવસાયી તરીકે વિચાર આવ્યો કે જો એ મનોચિકિત્સકને ખબર જ હતી કે ભવિષ્યમાં આવી પરિસ્થિતિ સર્જાવાની છે, તો તેમણે વિદેશ જવું જ જોઈતું ન હતું. અહીં રહીને જ પરિસ્થિતિને ગંભીર બનતાં અટકાવવી જોઈતી હતી.

આપણે ઘણા એવા વ્યવસાયીઓ અને હસ્તીઓ વિશે જાણીએ છીએ, જેમણે ક્યારેય ભારત છોડીને જવાનો વિચાર કર્યો ન હતો. તેઓ દેશમાં જ રહ્યા. આ હસ્તીઓમાં ગાંધીજી, સ્વામી વિવેકાનંદ તથા અન્યોનો સમાવેશ થાય છે.

એક વ્યક્તિ તરીકે તમારે પસંદગીઓ કરવી પડે છે, જાતે પોતાની નિયતિ ઘડવી પડે છે. હાલ ભારતમાં સ્વચ્છતા અને સ્વસ્થતાનો મંત્ર અપનાવવામાં આવ્યો છે. આ સ્વચ્છતા ફક્ત ઘર અને આસપાસના પરિસરની નહીં, મનની પણ હોવી ઘટે. જો આપણે એમ કરી શકીશું તો દરેક જણ આત્મનિર્ભર બની શકશે. સ્વસ્થ એટલે કે તંદુરસ્ત રહીને આપણે દેશ માટે યોગદાન આપવાનું છે.

શ્રવણમંદ બાળકો માટે કામ કરતાં કરતાં મને સમજાયું છે કે એમની શ્રવણમંદતાનું યોગ્ય નિદાન કરીને તેમને યોગ્ય શ્રવણયંત્ર અને યોગ્ય તાલીમ આપવામાં આવે તો તેઓ સામાન્ય માણસની જેમ રહી શકે છે અને આત્મનિર્ભર બની શકે છે.

આપણા સમાજમાંથી બધિરતાને દૂર કરવાની છે. બધિરતા એ પંગુતા નથી એવો સંદેશ સમાજમાં ફેલાવવાનો છે. જો એ લોકો આત્મનિર્ભર બની શકતા હોય, તો સમાજનો દરેક જણ આત્મનિર્ભર બની શકે છે.

આપણા દરેક બધિર (શ્રવણમંદ) બાળકને આત્મનિર્ભર બનાવીને પરિવારો પરનો બોજ ઘટાડી શકીએ છીએ અને દેશને આબાદ કરી શકીએ છીએ. આ બાળકોને અને તેમના પરિવારજનોને ઓળખનારા લોકો આ વાત સારી રીતે સમજી શકશે.

આપણે હિન્દુ, મુસ્લિમ કે ક્રિશ્ચન તરીકેના વાડામાં નહીં, પણ ભારતીય બનીને રહેવાનું છે. આપણને સૌને એકસૂત્રે પરોવનારા જીસસ, બુદ્ધ અને કૃષ્ણની જરૂર છે.

દરેક ભારતીય જાતે જ મનુષ્યની સેવા માટે પ્રતિબદ્ધ થાય અને પોતાના મન તથા શરીરને સારા વિચારો તથા સકારાત્મકતાથી પોષણ આપે એ આવશ્યક છે. બધા ભેગા મળીને ચમત્કારો સર્જી શકે છે એવી શ્રદ્ધા દરેકમાં હોવી ઘટે. દરેક ભારતીય પાસે ઘણી ક્ષમતાઓ છે, જેનો આપણે સારામાં સારો ઉપયોગ કરવાની જરૂર છે. દરેક માણસ પરિપૂર્ણ હોય એ જરૂરી નથી, દરેક જણ શ્રેષ્ઠ પ્રયાસ કરે એ અગત્યનું હોય છે.

મને અમેરિકન એકેડેમી ઑફ ઑડિયોલૉજી તરફથી 'હ્યુમેનિટેરિયન ઍવોર્ડ' મળ્યો ત્યારે હું ભારતથી ગયેલી એકમાત્ર મહિલા ઑડિયોલૉજિસ્ટ હતી. ભારતીય હોવાના ગૌરવની એ ધન્ય ઘડી હતી. હું માનું છું કે દરેકે એકબીજાની મદદ માટે તત્પર રહેવું જોઈએ. મારા શાળાના દિવસોમાં શિક્ષક કહેતા કે બધાને બધું મળી જતું નથી. દેશને અને સમાજને મજબૂત બનાવવા માટે આપણે સાથે રહીને કામ કરવાની અને પરસ્પર મદદરૂપ થવાની જરૂર છે.

મને ફરી વાર કહેવાનું મન થાય છે....''ભારતીય હોવાનો મને ગર્વ છે.''

 

 

Comments

Popular posts from this blog

મૈત્રીનો ઉત્સવ આજીવન ઉજવાતો હોય છે

આપણે દરેક તકલીફના લાલ સિગ્નલને આધ્યાત્મિક ઊર્જાની મદદથી લીલું સિગ્નલ બનાવી શકીએ છીએ

'વફાદારી' માત્ર એક શબ્દ નથી, એ તો જીવનશૈલી છે...