મારું જીવન, મારું લક્ષ્ય

 

|| મારું જીવન, મારું લક્ષ્ય ||

સામાન્ય માણસ જીવનમાં કોઈ પણ લક્ષ્ય નક્કી કરીને એ હાંસલ કરી શકે છે તેના વિશે આજે વાત કરવાની છે. 'મારું જીવન, મારું લક્ષ્ય' એ સરસ મજાનું સૂત્ર મને મારા એક મિત્રે સૂચવેલું છે. એ મિત્રને મારામાં ઘણો વિશ્વાસ છે. તેમનું કહેવું છે કે મારે મારા જીવનના અનુભવો અન્યો સાથે વહેંચવા જોઈએ, જેથી કોઈ વ્યક્તિ તેમાંથી પ્રેરણા લઈ શકે. મારા એક કઝીને પણ કહ્યું કે મારે મારા પોતાના કાર્ય વિશે લોકોને જાણ કરી જોઈએ. તેમણે કહ્યું, "તું શ્રવણમંદ બાળકો માટે જે કાર્ય કરી રહી છે તે જોઈને બીજાં બાળકોને પણ મદદ થઈ શકે છે."

મિત્ર અને કઝીન બન્નેની વાત માનીને આજે હું મારા વિશે કંઈક કહું છું:

એમ તો મારું જીવન પણ બીજા બધા જેવું જ સામાન્ય છે, પરંતુ એમાં મેં ઉત્સાહ અને ઉમંગનો સંચાર કર્યો છે. કોઈ પણ વ્યક્તિ આવું કરી શકે છે.

મેં જે કંઈ કર્યું તેના માટે સૌથી પહેલાં હું કૃષ્ણનો પાડ માનું છું. મારાં મમ્મી મને હંમેશાં કહેતાં રહ્યાં છે કે કૃષ્ણના આશીર્વાદથી જ મનુષ્ય તરીકે જન્મ મળે છે. આથી આપણે જીવનમાં જે કંઈ કરીએ તેના માટે તેમનો ઋણસ્વીકાર કરવો જોઈએ. તેઓ જ આપણા જીવનમાં પથદર્શક બની શકે છે. જે માણસ કૃષ્ણમાં શ્રદ્ધા રાખે છે એને કૃષ્ણ સાથ આપે છે. આ બાબતે હું જ્યારે પણ મમ્મીને સવાલ પૂછતી તો મને આ સરસ જવાબ મળતોઃ "જો તારી પાસે વિચાર કરવા માટે મગજ છે, જોવા માટે આંખો છે, ગંધ પારખવા માટે નાક છે, બોલવા માટે હોઠ છે, ખાવા માટે અને કામ કરવા માટે બે હાથ છે, ક્યાંય પણ જવું હોય તો પગ છે.......આપણે મનુષ્યો સદિચ્છા રાખીને કામ કરીએ તો ઉત્તમ પરિણામ મેળવી શકીએ છીએ."

હું કહું છું કે માતાપિતા આપણા માટે ઉત્તમ શિક્ષકો હોય છે. દરેકના જીવનમાં એમની ભૂમિકા મહત્ત્વપૂર્ણ હોય છે. મેં શ્રવણમંદ બાળકો સાથે કામ કરતાં કરતાં જોયું છે કે માતા અને પિતા બન્ને જણ સંતાનના સંગોપનમાં સમાન ભૂમિકા ભજવે છે. મારા પપ્પાખેડૂત બનવા તૈયાર ન હતા તેથી મુંબઈ આવ્યા હતા. મારાં મમ્મીને પરિવારમાં એવા સંસ્કાર મળ્યા હતા કે તેઓ કોઈ પણ પરિસ્થિતિમાં પરિવારનું ધ્યાન રાખી શકે. અમારું ઘર નાનું હતું અને સગાંસંબંધીઓ અમારી સાથે રહેતા. મારા પપ્પા વધુ શિક્ષણ પ્રાપ્ત કરી શક્યા નહીં તેથી તેમણે પોતાની બધી ઈચ્છાઓને મારામાં પૂરી કરવા માટે મહેનત કરી. પારિવારિક જવાબદારીઓ નિભાવતાં નિભાવતાં અમને સંતાનોને સારું શિક્ષણ અપાવવા માટે તેમણે જહેમત ઉઠાવી અને મમ્મીએ અમને ઘરના બધા સભ્યોની કાળજી લેતાં લેતાં અમારામાં શિસ્તનું સિંચન કર્યું. તેમણે બન્નેએ ભેગાં મળીને અમને દુનિયા ખૂંદવાની અને ખોળવાની તમામ તકો પૂરી પાડી.

અમારા ઘરમાં સુખસુવિધાઓ વધારે ન હતી, પણ માતાપિતાએ અમને સલામતી પૂરી પાડી. તેમણે અમને હિંમતવાન અને મજબૂત બનાવ્યાં.

મને દસમા ધોરણનું મારું વર્ષ યાદ આવે છે. એ વર્ષ નૃત્યનું મારું છેલ્લું વર્ષ હતું અને હું ગુજરાતી માધ્યમમાં ભણી હોવાથી મારે સારી કૉલેજમાં પ્રવેશ મેળવવા માટે ઘણી મહેનત કરવી પડી. મેં પપ્પા સાથે વાત કરતાં કરતાં પૂછ્યું કે હું વધારે ટકા કેવી રીતે મેળવી શકીશ. તેમણે કહ્યું, "જો તું અભ્યાસમાં રસ લેશે અને એમાં તને મજા આવશે તો તું વધારે ટકા લાવી શકીશ. જો કોઈક સંજોગવશાત્ તને ઓછા ટકા આવે તોપણ વાંધો નહીં, કારણ કે મને ખબર હશે કે તે ઘણી મહેનત કરી છે."આમ, મારી પાસેથી વધુ અપેક્ષાઓ રખાઈ નહીં હોવાથી સારું લાગ્યું.

મને બાળપણથી ડૉક્ટર બનવાની ઈચ્છા હતી, પરંતુ દસમા ધોરણમાં 0.1 ટકો ઓછો હોવાથી મને સારી કૉલેજોમાંથી મારી ઈચ્છા મુજબની કૉલેજમાં પ્રવેશ મળ્યો નહીં. ત્યાંનું વાતાવરણ અલગ પ્રકારનું હતું. બારમા ધોરણમાં પણ મેડિકલ સીટ માટે જોઈએ એના કરતાં ઓછા ટકા આવ્યા. મારાં માતાપિતાને એટલો બધો લગાવ હતો કે તેઓ મને મુંબઈની બહારની કૉલેજમાં મોકલવા તૈયાર ન હતાં. વળી, મુંબઈની બહારની મેડિકલ કૉલેજમાં ભણવા માટે ત્યાં રહેવું પડે અને એ અમને પરવડે એવું ન હતું. અમે ત્રણ ભાઈ-બહેનો. અમને ભણાવવા માટેની માતાપિતાની મહેનત જોઈને મેં વિચાર્યું કે મારે એમના પર બોજ વધારવો નહીં. આથી મેં મેડિકલ ક્ષેત્રને સંબંધિત હોય એવો અભ્યાસ કરવાનું વિચાર્યું. મેં હોમિયોપેથી, ફિઝિયોથેરપી, ફાર્મસી, એન્જિનિયરિંગ, વગેરે મળીને કુલ 18 કૉલેજોમાં ફોર્મ ભર્યાં. એ વખતે મારા દાદાએ મને કહ્યું, "તું ગમે તે ક્ષેત્રમાં જા, પણ ત્યાં એટલી બધી મહેનત કર કે તું પોતાની છાપ પાડી શકે. તને લોકોની સેવા કરવાનું ગમે છે તેથી તારી આ લાગણીને પગલે તું કંઈક સારું ચોક્કસ કરી શકીશ."

મારાં માતા-પિતા તથા દાદા-દાદી પાસેથી મને શીખવા મળ્યું કે હું જ્યાં કામ કરું ત્યાંના લોકો સાથેના વ્યવહારમાં સારી રીતભાત રાખવી, નૈતિકપણે કામ કરવું, સંબંધોને મહત્ત્વ આપવું, પોતાની સારી છાપ પાડવી, ગૌરવ અને સિદ્ધાંતોને જાળવીને કામ કરવું. "કોઈ પણ કામ કર, તેમાં મજા આવવી જોઈએ અને જુસ્સો જળવાઈ રહેવો જોઈએ," એવું તેમણે કહ્યું હતું. આજે હું જોઈ શકું છું કે મારા જીવન પર આ બધી શીખનો ઘણો પ્રભાવ છે.

એક દિવસ હતો જ્યારે ઑડિયોલૉજી અને સ્પીચ લૅંગ્વેજ પૅથોલૉજી શું છે તેની મને ખબર ન હતી અને એક દિવસ આજે છે જ્યારે મેં આ જ ક્ષેત્રે મારી પ્રૅક્ટિસનાં 29 વર્ષની યાત્રા પૂરી કરી છે અને મારા કાર્ય પ્રત્યેના જુસ્સાને કારણે જ હું આજે શ્રવણમંદ બાળકો માટે આશાનું કિરણ બની શકી છું. એમને મારી પાસેથી આશા છે કે હું એમનું જીવન બહેતર બનાવવા માટે અને એમને સમાજના સામાન્ય પ્રવાહમાં ભેળવવા માટે કંઈક કરીશ. એમની આ જ આશાને કારણે હું દરરોજ કંઈક ને કંઈક નવું શીખતી રહું છું અને તેને લીધે જ મને મારા જીવનનો ઉદ્દેશ્ય મળી ગયો છે. હું જીવનને વધુ ને વધુ અર્થપૂર્ણ બનાવી રહી છું.

મારી આ યાત્રામાં પણ ઘણા ચડાવ-ઉતાર આવ્યા છે અને લોકોમાં વહેંચવા જેવા ઘણા અનુભવો થયા છે. આજે ગાડી પાટા પર આવી ગઈ છે અને મને લાગે છે કે જો અવરોધોને સકારાત્મક દૃષ્ટિએ જોવામાં આવે અને પડકારોનો હિંમતભેર સામનો કરવામાં આવે તો દરેક વ્યક્તિને પોતાના જીવનનો ખરો અર્થ મળી શકે છે અને પોતે સકારાત્મકતાથી કાર્ય કરી શકે છે.

દરેક મુશ્કેલીમાં ક્યાંક કોઈક તક છુપાયેલી હોય છે અને દરેક સમસ્યાનું સમાધાન પણ હોય છે. આથી જ અંગ્રેજીમાં ઘણી વખત કહેવાય છે કે શબ્દ 'Impossible'માં જ 'I MPossible' એ વાક્ય પણ છુપાયેલું છે.

આજની તારીખે બધા યુવાનોને શિક્ષણમાં બીજાથી આગળ નીકળવાનું દબાણ અનુભવાય છે, જીવનમાં સતત નવા નવા પડકારો આવ્યે રાખે છે, સંબંધો સાચવવાનું વધુ કપરું બન્યું છે. મને લાગે છે કે ધીરજ રાખીને કામ લેવાથી આ તમામ પરિસ્થિતિઓમાંથી માર્ગ નીકળી શકે છે. મારી જીવનયાત્રામાંથી એમને જીવન પ્રત્યેની કોઈક નવી દૃષ્ટિ મળે એવી આશા રાખું છું.

 

Comments

Popular posts from this blog

મૈત્રીનો ઉત્સવ આજીવન ઉજવાતો હોય છે

આપણે દરેક તકલીફના લાલ સિગ્નલને આધ્યાત્મિક ઊર્જાની મદદથી લીલું સિગ્નલ બનાવી શકીએ છીએ

'વફાદારી' માત્ર એક શબ્દ નથી, એ તો જીવનશૈલી છે...