ચાલો, પોતાની જાતનું શ્રેષ્ઠ સંસ્કરણ બનાવીએ

 

||ચાલો, પોતાની જાતનું શ્રેષ્ઠ સંસ્કરણ બનાવીએ||

 

કોરોના રોગચાળાએ આપણને પોતાના શ્રેષ્ઠ સંસ્કરણની ખોજ કરવાની અને તેને શોધી કાઢવાની તક પૂરી પાડી છે. ઈશ્વરે પ્રકૃતિની રચના કરી છે, જેમાં પ્રાણીઓ, પક્ષીઓ અને મનુષ્યો પોતાની આસપાસના વાતાવરણમાં એટલે કે પર્વતો, તળાવો, નદીઓ અને મહાસાગરોની વચ્ચે જીવે છે. 

 

આ સૃષ્ટિમાં દરેક વસ્તુના અસ્તિત્વ પાછળ કોઈકને કોઈક હેતુ છે. સૂર્ય, ચંદ્ર અને તારાઓના અસ્તિત્વની પાછળ પણ એક હેતુ છે. આપણને મનુષ્યોને અને અન્ય જીવોને પીવા માટે પાણી, શ્વાસ લેવા માટે હવા અને ખાવા માટે ખોરાકની જરૂર છે. 

 

આજે આ સૃષ્ટિમાં દરેક વસ્તુ બદલાઈ રહી છે. મહાસાગરો, નદીઓ, તળાવો, બધું જ સ્વચ્છ થઈ ગયું છે. હવા એટલી શુદ્ધ થઈ ગઈ છે કે હવે આપણે આકાશને સ્પષ્ટ જોઈ શકીએ છીએ. આજે હવા, પાણી અને ખોરાકનું પ્રદૂષણ નથી. આપણે સાંભળીએ છીએ કે ગંગા અને યમુના નદી સ્વચ્છ અને પારદર્શક પાણી ધરાવતી થઈ ગઈ છે.

 

ઈશ્વરે આપણને થોભાવીને સમજાવ્યું છે કે આપણે બધાએ સ્વચ્છ અને પારદર્શક રહેવાની જરૂર છે. આપણે તમામ સંજોગોનો સામનો કરી શકીએ એ માટે આપણા વિચારો અને આપણા અભિગમને પારદર્શક બનાવવાની આવશ્યકતા તેમણે દેખાડી આપી છે. 

 

આ પૃથ્વી પર મનુષ્ય એકમાત્ર એવું પ્રાણી છે જેની પાસે મન, શરીર અને આત્મા છે. આપણાં કામ અને વ્યવસાયમાં મોટાભાગના સમયે આપણે પૈસા કે ખ્યાતિ મેળવવા માટે મનનો ઉપયોગ કરીએ છીએ અને શ્રેષ્ઠ દેખાવા માટે કે દેખાડવા માટે શરીરનો ઉપયોગ કરીએ છીએ. ક્યારેક ફક્ત શરીર અને ક્યારેક ફક્ત મનનો ઉપયોગ કરીએ છીએ. આપણો આત્મા શું કરવા માગે છે એ તરફ આપણે ધ્યાન આપતા નથી. મને લાગે છે કે હાલના આ સમયનો ઉપયોગ નદીઓ, સરોવરો અને મહાસાગરોની જેમ પોતાને નવજીવન આપવા માટે કરવાની આવશ્યકતા છે.

 

શાસ્ત્ર અને આપણી સંસ્કૃતિ કહે છે કે જ્યારે પણ પૃથ્વી પર અધર્મ વધી જાય છે ત્યારે ભગવાન અવતાર ધારણ કરે છે. ઇતિહાસ પણ કહે છે કે જ્યારે પણ લડાઈ-ઝઘડા અને વિચારોનું પ્રદૂષણ ફેલાવતા મનુષ્યો ત્રાસ વધી જાય છે ત્યારે પ્રેમનો સંદેશો ફેલાવનારા મનુષ્યનો જન્મ થાય છે. 

 

મહાભારતમાં જ્યારે કૃષ્ણે પાંડવોને ધર્મનો માર્ગ બતાવ્યો ત્યારે રાધાનો જન્મ થયો, જે પ્રેમનું પ્રતીક હતાં. ભગવાન શિવ રૌદ્રરૂપ ધરાવતા હતા અને પાર્વતી પ્રેમ તથા સ્નેહ અને બીજી સૌમ્ય લાગણીઓનું પ્રતીક હતાં. આથી મનુષ્ય તરીકે આપણે એ નિર્ણય લેવાની જરૂર છે કે આપણા માટે શું સારું છે, યુદ્ધ કે પરસ્પર પ્રેમ???

 

આજની મુશ્કેલ પરિસ્થિતિએ આપણને આપણાં શરીર, મન અને આત્માનો સુમેળ સાધવા માટે સમય આપ્યો છે. આપણે ટેક્નૉલૉજીની દુનિયામાં આગળ વધી રહ્યા છીએ. દુનિયા નાની થઈ ગઈ છે. વિશ્વભરમાં ગમે ત્યાં સંવાદ સાધવાનું સરળ થઈ ગયું છે, પરંતુ આ સ્થિતિમાં આપણાં મન, શરીર અને આત્માનો સુમેળ ખોવાઈ ગયો છે. ઇ-મેઇલ, ઇ-ટિકિટ, ઇ-પેપર, ઇ-રિચાર્જ અને ઇ-ટ્રાન્સફરની આ દુનિયામાં આપણા માટે બધું સરળ બની ગયું છે, પરંતુ આપણે એ 'ઈ-શ્વર'ને ભૂલવાનું નથી, જે દરેક માટે દરરોજ દરેક વસ્તુ સહેલી કરી આપે છે. દરેકને પુષ્ટિ આપતો સૂર્યપ્રકાશ, શીતળતા આપતો ચંદ્ર, ઝગમગતા તારાઓ, ખળખળ વહેતી નદીઓ, લહેરાતી ઝાડની ડાળીઓ, વાનગીઓની મધુરતા, વગેરે બધું ઈશ્વરે બનાવ્યું છે.

 

આપણને મનુષ્યોને ભગવાને આત્મા આપ્યો છે, જેનાથી આપણે પ્રેમ, આનંદ, શાંતિ, દયા, સારપ, વિશ્વસનીયતા, નમ્રતા અને આત્મ-નિયંત્રણની ભાવનાનો અનુભવ કરી શકીએ છીએ. આપણે શું કામ તેનું વિશ્લેષણ કરીને તેનો ઉત્તમ ઉપયોગ ન કરવો?

 

શ્રવણમંદ બાળકો સાથે કામ કરતાં કરતાં મને એવું લાગે છે કે તેઓ અનેક મુશ્કેલીઓ અનુભવતાં હોવા છતાં આ પૃથ્વી પરની શ્રેષ્ઠ આત્માઓ છે. 

મારો એક શ્રવણમંદ વિદ્યાર્થી યોગ્ય શ્રવણયંત્ર અને તાલીમ મળવાથી સામાન્ય માણસોની જેમ બોલવા લાગ્યો હતો. તેણે મુંબઈની વીજેટીઆઈ કૉલેજમાંથી એન્જિનિયરિંગ પૂરું કર્યું અને રોશેસ્ટર યુનિવર્સિટીમાં માસ્ટર્સ માટે યુએસએ ગયો. 

 

એ યુનિવર્સિટીમાં 2,000 શ્રવણમંદ વિદ્યાર્થીઓ હતા અને તેઓ સાંકેતિક ભાષામાં વાતચીત કરતા હતા. મારા વિદ્યાર્થીને તેમની સાથે વાતચીત કરવામાં મુશ્કેલી આવી રહી હતી તેથી તેણે નાછૂટકે સાંકેતિક ભાષા (સાઇન લેંગ્વેજ) શીખવાનું શરૂ કર્યું. તેના માટે એ સાવ નવું હતું, પરંતુ તેણે મને એક ટૂંકો ઇ-મેઇલ લખીને ધરપત આપી, "મેડમ, હું અહીં સાઇન લેંગ્વેજ શીખી રહ્યો છું પણ તમે ચિંતા કરશો નહીં. તમારી આકરી મહેનતને કારણે હું બોલતા શીખ્યો છું અને તમારી એ મહેનત એળે નહીં જાય. હું અહીંના વિદ્યાર્થીઓને મદદ કરી શકું એ માટે સાંકેતિક ભાષા શીખી રહ્યો છું." 

 

મારા એ વિદ્યાર્થીની વિચારધારા અને તેની નમ્રતા જોઈને હું આશ્ચર્યચકિત રહી ગઈ. પોતાની એક જ્ઞાનેન્દ્રિય બરોબર કામ કરતી ન હોવા છતાં આવાં બાળકો પોતાની લાગણીઓ કેવી અદભુત રીતે વ્યક્ત કરી શકે છે! આથી જ હું કહું છું કે એમનો આત્મા એકદમ પવિત્ર હોય છે. એમની એકાગ્રતા અને ઉત્પાદકતા પણ ઘણી જ હોય છે. એમને નૈતિક ટેકો-જુસ્સો આપનાર વ્યક્તિને તેઓ ક્યારેય ભૂલતાં નથી.  

 

ગયા વર્ષે અમે અંધ (પ્રજ્ઞાચક્ષુ), શારીરિક રીતે વિકલાંગ, બધિર (શ્રવણમંદ) અને માનસિક રીતે અક્ષમ બાળકો સાથે એક ફૅશન શૉ કર્યો હતો. લોકોને એમ લાગ્યું કે આવી સ્પર્ધાથી એ બાળકોને શું લાભ થશે. ફૅશન શૉમાંથી એમનું કંઈ ઊપજવાનું નથી, એવું કહેનારા લોકોએ જ્યારે એ બાળકોને સ્ટેજ પર જોયાં ત્યારે તેઓ બધા નવાઈ પામ્યા. 

 

એ દિવસે તમામ દર્શકોની આંખમાં પાણી હતાં અને બાળકોની આંખમાં ચમક અને આત્મવિશ્વાસ હતાં. એકદમ અકલ્પનીય દૃશ્ય સર્જાયું હતું. એ બાળકો એવી રીતે રેમ્પ પર ચાલ્યાં જાણે બધાને કહેતાં હોય કે તેઓ સામાન્ય માણસો કરતાં અલગ નથી. એ બાળકોને ખબર હોય છે કે સામાન્ય માણસો એમનું નિરીક્ષણ કરતા હોય છે. એમણે મેકઅપ કર્યો, હેરસ્ટાઇલ કરી અને સરસ મજાનાં વસ્ત્રો પહેર્યાં. એટલું જ નહીં, એમણે ચહેરા પર મીઠું સ્મિત પણ રાખ્યું. આ એક અનુભવને કારણે એમનામાં ગજબનો આત્મવિશ્વાસ ઉમેરાયો. 

 

આપણે, સામાન્ય માનવીઓ ક્યારેક બીજાઓ સાથે પોતાની તુલના કરીને જીવનનો વાસ્તવિક આનંદ ગુમાવીએ છીએ. બીજાઓ સાથેની સરખામણી આપણને નકારાત્મકતા અને ડર તરફ દોરી જાય છે.

 

મિત્રો, હવે સમય આવી ગયો છે કે આપણે પોતાની જાતનું વિશ્લેષણ કરીએ અને પોતાની વિચાર પ્રક્રિયાને બદલીએ, પોતાની અંદર ખોજ કરીએ અને પોતાનું ઉત્તમ સંસ્કરણ બનાવીએ. આમ કરવાનો શ્રેષ્ઠ રસ્તો એ છે કે જ્યારે પણ અંદરથી હચમચી જઈએ, ખિન્ન થઈ જઈએ, નાસીપાસ થઈ જઈએ ત્યારે આવાં બહાદુર બાળકો પર ધ્યાન આપવું, જેઓ પોતાની પંગુતાને અતિક્રમી જવા માટે ઝઝૂમતાં હોય છે. 

 

અમારા 'જોશ ફાઉન્ડેશન'માં જે બાળકો બીજાઓ કરતાં કંઇક અલગ કરે તો અમે એમને 'જોશ સ્ટાર્સ'નું બિરુદ આપીએ છીએ.

 

જો આપણે સકારાત્મક વિચારસરણી સાથે દરરોજ પોતાનું વધુ ને વધુ સારું સંસ્કરણ બનાવવાનું નક્કી કરીએ તો આપણે બધાં આ બ્રહ્માંડના ચમકતા તારલાઓ બની શકીએ છીએ. દરેક નકારાત્મક વિચાર તમને સકારાત્મક વિચારથી વંચિત રાખે છે, પણ જો તમે દર વખતે સકારાત્મક વિચાર કરો અથવા સકારાત્મક રહો તો દર વખતે એક નકારાત્મક વિચાર  કે પ્રતિસાદ પાછળ રહી જાય છે. આથી જ કહેવાનું કે સકારાત્મક રહો અને સકારાત્મકતાનો પ્રસાર કરો.

 

Comments

Popular posts from this blog

મૈત્રીનો ઉત્સવ આજીવન ઉજવાતો હોય છે

આપણે દરેક તકલીફના લાલ સિગ્નલને આધ્યાત્મિક ઊર્જાની મદદથી લીલું સિગ્નલ બનાવી શકીએ છીએ

'વફાદારી' માત્ર એક શબ્દ નથી, એ તો જીવનશૈલી છે...