ચાલો, બધા સાથે મળીને સકારાત્મક ઊર્જાનો પ્રસાર કરીએ
||ચાલો, બધા સાથે મળીને સકારાત્મક ઊર્જાનો પ્રસાર કરીએ||
ગણિતમાં આપણે સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર કરીએ છીએ. આપણા અભ્યાસક્રમનો ભાગ હોવા ઉપરાંત એ પાયાનું ભણતર છે. આપણે વાસ્તવિક જીવનમાં જ્યારે ગણિતનો ઉપયોગ કરવાની શરૂઆત કરીએ છીએ ત્યારે આપણને ફક્ત સરવાળા અને ગુણાકાર જ ગમે છે. શું પૈસાની કે પોતાની પાસેની વસ્તુઓની બાબતે આ પૃથ્વી પર કોઈને બાદબાકી અને ભાગાકાર કરવાનું ગમશે?
ખરું પૂછો તો, આપણે જીવનમાં જે સારું હોય એ સભાનપણે શીખતા હોઈએ છીએ, પરંતુ કેટલાંક પરિબળોને લીધે જીવન માટે જરૂરી ન હોય એવી બાબતો પણ આપણા અર્ધજાગૃત મનમાં જમા થતી હોય છે. સંશોધન કહે છે કે આપણે સભાનપણે જે શીખીએ છીએ તેમાંની ફક્ત 10 ટકા વાતોને અમલમાં મૂકીએ છીએ. બાકીની 90 ટકા વાતોમાં આપણે અર્ધજાગૃત મનથી જ પ્રતિક્રિયાઓ કરતા હોઈએ છીએ. આપણા અર્ધજાગૃત મનમાં બધી જ વાતોની નોંધ લેવાતી હોય છે. સતત સતર્ક અને સભાન રહેવાનું શીખવા માટે મહાવરો કરવો પડે છે, અભ્યાસ કરવો પડે છે.
સ્વપ્નમાં અર્ધજાગૃત મનતમારી સાથે વાત કરે છે. એ તર્કબદ્ધ હોય છે અને તમને તમારા વાતાવરણમાંથી જ શીખવા મળે છે. અર્ધજાગૃત મન જાગૃત મન કરતાં દસ લાખ ગણું વધુ શક્તિશાળી હોય છે.
સંવાદ સાધવા માટે એટલે કે એકબીજા સાથે બોલવા માટે આપણે ભાષાના શબ્દો અને વ્યાકરણ શીખવાં પડે છે. આ જ રીતે સકારાત્મકતાની ભાષા શીખવા માટે અર્ધજાગૃત અવસ્થાની લાગણીઓને સમજવી જરૂરી બને છે.
હવે આપણે કોરોના વાઇરસનો વિચાર કરીએ. આ વાઇરસ સંસર્ગજન્ય છે. તેના વિશે એકબીજા સાથેની વાતચીતમાં અથવા સોશિયલ મીડિયા દ્વારા ભય ફેલાયો છે. આ રોગચાળાએ ઘણાં જીવનની બાદબાકી કરી દીધી છે અને લોકોમાં અસલામતીનો ગુણાકાર કર્યો છે. અર્થતંત્રોની સંભાવનાઓનો ભાગાકાર થઈ ગયો છે અને તેને લીધે મનુષ્યોના માનસિક આરોગ્ય તથા આર્થિક કટોકટીનો સરવાળો થયો છે.
હવે આપણે એ સ્થિતિને બદલવા માટે સકારાત્મકતાને-કરુણાનેસંસર્ગજન્ય બનાવવાની જરૂર છે. તેનાથી મનુષ્યોનો ઉત્કર્ષ થશે અને માનસિક આરોગ્યની તકલીફની બાદબાકી થશે તથા પ્રેમ, કરુણા, સ્નેહ વગેરેની ઊર્જાનો ગુણાકાર થશે, અર્થતંત્રોની શક્તિનો સરવાળો થશે અને દેશ તથા તેના નાગરિકો મજબૂત બનશે. તેનાથી કટોકટીનો ભાગાકાર થશે. સકારાત્મક રીતે જાગરૂકતા ફેલાવવાને કારણે લોકોનાં જીવન વધુ સુખમય બનશે. આપણા જીવનમાં રંગો ભરવાનું કામ ફક્ત આપણે જ કરી શકીએ છીએ. તેના માટે આત્મવિશ્વાસ અને સકારાત્મકતાની જરૂર પડે છે.
અહીં મને એક સરસ મજાની વાત કહેવાનું મન થાય છે. થોડાં વર્ષો પહેલાં 101 સ્વયંસેવી સંસ્થાઓની 101 કલાકની સ્પર્ધા હતી અને તેમાં 101 દિગ્દર્શકો હતા. અમારા જોશ ફાઉન્ડેશને પણ તેમાં ભાગ લીધો હતો. એક દિગ્દર્શક અમને ફાળવવામાં આવ્યા હતા. તેઓ અમારી સંસ્થાનાં શ્રવણમંદ બાળકો વિશે 101 કલાકમાં એક ફિલ્મ બનાવવાના હતા.
દિગ્દર્શકો જાણે છે કે આજની દુનિયામાં સહાનુભૂતિ ઊપજે એવી વાતો બતાવો તો એ ફિલ્મ વધુ ચાહના મેળવે છે. આથી એ દિગ્દર્શકે અમારે ત્યાં આવીને શ્રવણમંદ બાળકોને પડતી તકલીફો વિશે જાણવાનો પ્રયાસ કર્યો. અમારાં 25 બાળકોને એમની સાથે વાત કરવા બોલાવાયાં હતાં. દિગ્દર્શકે તેમની સાથે વાત કરી અને તેમના જીવનની દુઃખભરેલી વાતો બહાર લાવવાનો પ્રયાસ કર્યો. એમણે બાળકોને પૂછ્યું, "તમને ક્યારેય એવું લાગ્યું કે લોકો તમને ધુત્કારે છે, તમે બીજા સામાન્ય બાળકો કરતાં અલગ છો?"તમને જાણીને નવાઈ લાગશે કે દોઢ કલાકની વાતચીત દરમિયાન દિગ્દર્શકને એકપણ દર્દનાક વાત જાણવા મળી નહીં. બાળકોએ એમને કહ્યું કે તેઓ બીજાઓ કરતાં અલગ નથી. સામાન્ય માણસો જે કામ કરી શકે છે એ તેઓ પણ કરે છે. તેમને સહાનુભૂતિની જરૂર નથી, ફક્ત ટેકાની જરૂર છે. તેઓ આત્મનિર્ભર છે અને પોતાના પરિવારનું ધ્યાન રાખી શકે છે. બાળકોએ એમ પણ કહ્યું કે જો એમને પ્રેમ અને કાળજી મળે તો તેઓ પોતાની શ્રેષ્ઠ આવડતનું પ્રદર્શન કરી શકે છે.
આ બધી વાતો સાંભળીને દિગ્દર્શકને નવાઈ લાગી. એમણે કહ્યું, "આટલાં સકારાત્મક અને આત્મવિશ્વાસી બાળકો મેં પહેલી વાર જોયાં છે!"એ અનુભવ બાદ એમણે 'તમે સાંભળો છો?' શીર્ષક હેઠળ ફિલ્મ બનાવી. એમણે એ શ્રવણમંદ બાળકો પાસે સામાન્ય ગાયકોની જોડે જ ગીતો ગવડાવ્યાં અને સમાજને સંદેશ પહોંચાડ્યો કે યોગ્ય ટેક્નૉલૉજી અને પુનઃ વસનની મદદથી આ બાળકો ચમત્કાર સર્જી શકે છે.
હવે ઉપરોક્ત લખાણ ફરી વાંચી જાઓ અને જુઓ કે જીવનને સકારાત્મક દૃષ્ટિએ જોવાથી કેટલો ફરક પડે છે. આજે ખરેખર એ બાળકો પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે અને પરિવારનો મજબૂત ટેકો બન્યાં છે. એ બાળકોએ શીખવ્યું કે દરેકે સંભાવનાઓ તરફ જોવાનું હોય છે, સમસ્યાઓ તરફ નહીં.
તમે પૌરાણિક કથાઓ સાંભળી હશે તો ખબર હશે કે કૃષ્ણે ગોવર્ધનલીલા કરી હતી તથા મહાભારતમાં અર્જુનને ઉપદેશ આપ્યો હતો અને તેનું માર્ગદર્શન કર્યું હતું. કૃષ્ણે હંમેશાં બધાને સાથે રાખીને કામ કર્યું અને કંઈ જ થઈ શકે નહીં એવી ભાવના ક્યારેય કોઈના મનમાં આવવા દીધી નહીં. એમણે શ્રદ્ધા રાખીને મુશ્કેલીઓમાંથી પાર ઊતરવાનું શીખવ્યું. એમનું આ વર્તન સંસર્ગજન્ય હતું અને તેની મદદથી એમની આસપાસની દરેક વ્યક્તિ મંત્રમુગ્ધ થઈ જતી અને સુખનો અનુભવ કરતી.
આથી ચાલો, આપણે પણ ઉજ્જવળ ભવિષ્યનો વિચાર કરીને વર્તમાનને વધુ સુંદર અને સમજણયુક્ત બનાવીએ. પોતાના તથા સમાજના ઉત્કર્ષ માટે માનસિકતા બદલીએ અને પોતાને વધુ ફ્લેક્સિબલ (લવચીક) તથા સકારાત્મક બનાવીએ અને બીજાઓમાં સકારાત્મક વિચારોનું આરોપણ કરીએ. તમારા આ પ્રયાસોને લીધે સમાજ એક મજબૂત વૃક્ષની જેમ બની જશે અને ઉપર કહ્યું એમ બાળકોની જેમ આત્મનિર્ભર બની જશે. આ બાળકોએ હંમેશાં મને કરુણાભાવ રાખવાની અને પ્રેમનો પ્રસાર કરવાની પ્રેરણા આપી છે.
ચાલો, બધા સાથે મળીને સકારાત્મક ઊર્જાનો પ્રસાર કરીએ.
---------------------------
Comments
Post a Comment