ચાલો, જીવનને વધુ સુંદર બનાવવા માટે મહેનત કરીએ
||ચાલો, જીવનને વધુ સુંદર
બનાવવા માટે મહેનત કરીએ||
કોરોનાના રોગચાળાના દિવસોમાં લોકોએ જોયું છે કે સ્વચ્છ આકાશ જોવા માટે બીજે ક્યાંય જવું પડતું નથી, ઘરે બેઠાં બેઠાં એ દેખાય છે. આપણે લાંબા અંતર સુધી નજર કરી શકીએ છીએ, કારણ કે પ્રદૂષણ ઓછું છે. આશરે 200 કિ.મી.ના અંતરેથી હિમાલયના પર્વતો દેખાયા હોવાના સમાચારો પણ ચમક્યા છે. તેનું પણ કારણ એ જ છે કે હવામાં પ્રદૂષણ નહીંવત્ છે. જો ચોખ્ખી હવાથી આટલું સારું લાગતું હોય તો પ્રદૂષણરહિત-ચોખ્ખા મનથી કેટલું સારું લાગે! સ્વચ્છ મનથી આપણે જિંદગીને સ્પષ્ટપણે જોઈ શકીશું અને એ સુંદર પણ દેખાશે.
કરુણા, માનવતા, સકારાત્મકતા, પ્રેમ, સમજણરૂપી બીજ રોપવાં અને સારા વિચારોરૂપી માટી અને મહેનતરૂપી જળથી તેમનું સિંચન કરવું તથા ઉજ્જવળ ભવિષ્ય માટે તેનું યોગ્ય રીતે જતન કરવું એ આપણા જીવનની પ્રવૃત્તિઓ છે. તેનાથી સુંદર મનુષ્યજીવનનાં ફળ પ્રાપ્ત થાય છે.
આપણે રાધા-કૃષ્ણના પ્રેમ પરથી પણ આ વાત સમજી શકીએ છીએ. તેમણે માનવતાનાં બીજ રોપ્યાં, મનુષ્યોને મહેનતથી ભેગા કર્યા, અધર્મનો નાશ કર્યો અને લોકોનું માર્ગદર્શન કરીને એમને સારા મનુષ્યો બનાવ્યાં તથા પોતાના જીવનનો ભોગ આપ્યો. ભગવાન પાસે જાદુઈ છડી હતી, પરંતુ લોકોને ધર્મ અને અધર્મનો તફાવત સમજાવવા માટે એમણે પણ મનુષ્યની જેમ જ જીવન વિતાવ્યું.
વૈજ્ઞાનિક ક્રાંતિ અને મનુષ્યજીવનની તેજ ગતિને લીધે આપણે ધીરજ ગુમાવી બેઠા છીએ. આપણને બધાં કામ ઝડપથી કરવાની ટેવ પડી ગઈ છે. આપણે એ વાત ભૂલી ગયા છીએ કે ઉતાવળે આંબા પાકતા નથી. દરેક પ્રક્રિયાનો પોતાનો એક સમય હોય છે. અમુક પ્રક્રિયાઓની ઝડપ આપણી મહેનત પર આધારિત હોય છે. આપણે હજી પણ દહીં જમાવવા માટે દૂધને ગરમ કરીને એમાં મેળવણ ઉમેરવું પડે છે અને થોડા કલાક રાહ જોવી પડે છે. દહીંમાંથી ઘી બનાવવા સુધીની પ્રક્રિયા પણ સમય માગી લેનારી છે. આપણે મશીનથી એ કામ કરીએ તોપણ તેમાં અમુક સમય તો લાગતો જ હોય છે.
આજે પણ વૃક્ષો જમીનથી ઉપર તરફ જ ગતિ કરે છે, નીચેની તરફ નહીં! વૃક્ષના ઉછેર માટે સપ્રમાણ સૂર્યપ્રકાશ, જળ અને માટી-ખાતરની જરૂર પડે છે. વૃક્ષ તૈયાર થાય એ જ ઘડીથી કાર્બન ડાયોક્સાઇડ લઈને ઓક્સિજન બહાર ફેંકે છે અને મૂળને પકડી રાખે છે. મનુષ્ય જ એવો જીવ છે, જે જીવનમાં દોડવા માંડે એ જ ઘડીથી પોતાના મૂળથી દૂર ને દૂર જતો જાય છે. મનુષ્યને બીજાઓ સાથે સરખામણી કરવાની કુટેવ છે. તેને કારણે આત્મવિશ્વાસ ડગમગી જાય છે, આત્મસમ્માન ઘટી જાય છે અને અંતરાત્મા દુઃખી થાય છે.
સંશોધન પરથી જાણવા મળ્યું છે કે જો છોડવા સાથે હળવેથી વાત કરવામાં આવે તો તેનો ઉછેર સારી રીતે થાય છે. જો આપણે મનુષ્યો એકબીજા સાથે સ્નેહપૂર્વક વાત કરીએ તો કેટલું સારું કહેવાય એ વિચાર કરી જુઓ. બીજું એક સંશોધન એમ પણ કહે છે કે બાળકોને સાવ નાની ઉંમરથી જ ભાષાઓનું જ્ઞાન આપવાની શરૂઆત કરાય તો તેઓ 20 ભાષા શીખી શકે છે. ઉપરાંત, બાળક આશરે 30 લાખ શબ્દો બોલતાં શીખી શકે છે. આ શિક્ષણને તેના પરિવારની આર્થિક સ્થિતિ સાથે કોઈ સંબંધ નથી એ વાતની અહીં નોંધ લેવી ઘટે. જો ભાષાની બાબતે આ સ્થિતિ હોય તો સ્પષ્ટ છે કે મૂલ્યો, કરુણા, એકબીજા સાથે વહેંચીને ખાવાની આદત, પ્રેમ, વગેરે જેવા સંસ્કારો પણ એમનામાં કેળવી શકાય છે. તેને પ્રેમ અને કરુણાની ભાષા શીખવી શકાય છે.
જ્યારે પણ હું શ્રવણમંદ બાળકોનાં માતાપિતાને જોઉં છું અને પોતાનાં સંતાનો વિશે એમને ચિંતા કરતાં જોઉં છું ત્યારે પહેલાં તો મને પોતાના માટે સારું લાગે છે. તેનું કારણ એ કે મારાં સંતાનો નોર્મલ છે. આમ છતાં હું એમને કહું છું, "તમારા બાળકની શ્રવણમંદતાને દૂર કરવા માટે તમે ઘણી મહેનત કરો છો તેથી તમે મારા કરતાં વધુ સારાં માતાપિતા છો. તમે દુનિયાને બતાવી આપ્યું છે કે મહેનતનું ફળ મળ્યા વગર રહેતું નથી."
આપણે નવી નવી ટેક્નોલોજી સહેલાઈથી અપનાવી લઈએ છીએ, જે મનુષ્યે બનાવી છે, પણ ભગવાને આપેલું પંગુ સંતાન સ્વીકારવાની કોઈની ઈચ્છા થતી નથી. જો સ્વીકારી પણ લે તો માતાપિતા એ સંતાનના યોગ્ય ઉછેર પર ધ્યાન આપવાને બદલે જાદુઈ ઈલાજ માટે દોડાદોડ કરતાં હોય છે. ખરી રીતે તો મગજની ગ્રહણશક્તિ વધારે હોય ત્યારે એ સંતાનના મગજને કેળવવા પાછળ મહેનત કરવાની જરૂર હોય છે.
શ્રવણમંદ બાળકો માટે હવે તો ડિજિટલ શ્રવણયંત્રો મળવા લાગ્યાં છે અને મોઘાં કોક્લીઅર ઇમ્પ્લાન્ટ પણ બેસાડાવી શકાય છે. આથી માતાપિતા એની પાછળ પૈસા ખર્ચીને કોઈ જાદુ થવાનો હોય એવી રાહ જોતાં હોય છે. જો કે, વાસ્તવિકતા એ છે કે શ્રવણયંત્રો લીધા બાદ પણ અને કોક્લીઅર ઇમ્પ્લાન્ટ બેસાડ્યા પછી પણ બાળકને ભાષા શીખવવાની પ્રક્રિયામાંથી પસાર કરવાનું હોય છે. આ વાત પરથી પુરવાર થાય છે કે ગરીબ હોય કે શ્રીમંત, દરેક વ્યક્તિએ નિશ્ચિત પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડે છે અને મહેનતની ભાષા શીખવી પડે છે. કોઈ પણ ક્ષેત્રમાં લક્ષ્ય સુધી પહોંચવા માટે જહેમત ઉઠાવવી પડે છે. મહેનત કરીને જીવનમાં આગળ વધેલા ઘણા લોકો આપણે જોયા છે. દા.ત. ગૂગલના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર. તેઓ ગરીબ પરિવારમાં જન્મ્યા હતા અને મહેનત કરીને આગળ વધ્યા. આજે તેઓ બીજા લોકોના ઉજ્જવળ ભવિષ્ય માટે કામ કરી રહ્યા છે.
સફળ લોકો પાસેથી મને એ શીખવા મળ્યું છે કે તેમનામાં નમ્રતા ઘણી હોય છે. મધર ટેરેસા મારા માટે આદર્શ છે. તેઓ સકારાત્મક વિચારસરણી ધરાવતાં હતાં અને પોતે જે કાર્ય કરતા તેમાંથી કયું કાર્ય આ ઝડપી યુગમાં સિદ્ધ કરી શકાય છે તેની એમને સારી પેઠે જાણ હતી.
મિત્રો, ચાલો, આપણે પણ એટલી મહેનત કરીએ કે તેના દ્વારા આપણા તથા અન્યોના જીવનમાં પરિવર્તન લાવનારી જાદુઈ છડીનું નિર્માણ થાય. ચાલો, જીવનને વધુ સુંદર બનાવવા માટે પણ મહેનત કરીએ.
Comments
Post a Comment