દરેક જીવ પ્રત્યે પ્રેમ અને કાળજીની લાગણી સાથે કરો સકારાત્મક સંવાદ

||દરેક જીવ પ્રત્યે પ્રેમ અને કાળજીની

લાગણી સાથે કરો સકારાત્મક સંવાદ||

 

દૂરસંદેશવ્યવહાર અને સોશિયલ મીડિયાને કારણે દુનિયા હવે નાની થઈ ગઈ છે. એક સમયે એકથી બીજા દેશમાં ટેલીફોનથી વાત કરવી એ બહુ મોટી વાત હતી, પણ હવે વાતવાતમાં વાત થઈ જાય છે!

આજે તમને તમારા ઘરની બારીમાંથી મેઘધનુષ દેખાય તો તમને તેનો ફોટો પાડીને તરત જ વિદેશમાં બેઠેલા તમારા સંબંધીઓ કે મિત્રોને મોકલવાનું મન થઈ જાય છે. બીજી તરફ એક ડાળ પર બેઠેલાં બે પંખીઓને પણ જો એ મેઘધનુષ દેખાય તો તેઓ પણ તેનો સાથે મળીને આનંદ માણે છે. જો કે, એ મેઘધનુષ જોવા માત્રથી એમની વાત પૂરી થઈ જાય છે. તેઓ તેના વિશે વધુ કંઈ વિચારતાં નથી. તેમના માટે કુદરત એટલે બધું જ. આપણા માટે કુદરત ઉપરાંત વિજ્ઞાન અને તંત્રજ્ઞાન પણ છે. આપણે ઘણી વાર વિજ્ઞાન અને તંત્રજ્ઞાનનો ઉપયોગ કરવાની લહાયમાં કુદરતનો આનંદ માણવાનું ભૂલી જઈએ છીએ. આપણે મેઘધનુષ જોયા કરવાને બદલે ફોટા મોકલવાની પળોજણમાં પડી જઈએ છીએ. આપણી આસપાસની દુનિયા સુંદર છે, પરંતુ આપણે તેનું નિરીક્ષણ કરતા નથી અને તેને માણતા નથી. આપણે આજની તારીખે દેશ-વિદેશમાં દરેક ખૂણે વાતચીત કરી લઈએ છીએ, પણ બાજુમાં બેઠેલી વ્યક્તિની સાથે વાત શરૂ કરતા નથી. શું આપણે હવે વાતચીત શરૂ કરવા લાગીએ?

એકબીજા સાથેના વાર્તાલાપમાં શબ્દોની સાથે લાગણીઓ પણ ભળેલી હોય છે. આપણે શબ્દોની તો આપલે કરી લઈએ છીએ, પરંતુ ભાગદોડની આ જિંદગીમાં લાગણીઓનો છેદ ઊડી રહ્યો છે.

તમે રાધાકૃષ્ણની વાતો વિશે વિચાર કરશો તો જાણી શકશો કે તેમના શબ્દોમાં લાગણીઓ પણ વણાયેલી હતી. તેમનો એકમેક પ્રત્યેનો પ્રેમ પ્રગાઢ હતો અને તેઓ વાતચીત દ્વારા અનેક પ્રશ્નોના હલ લાવી દેતાં તથા સ્નેહમાં આદરનો અને મૂલ્યોનો ઉમેરો કરી દેતાં. તેઓ લોકો પ્રત્યેની જવાબદારીઓ વિશે પણ વાતો કરતાં. શું આપણે આપણી લાગણીઓ વિશે વાતો કરીએ છીએ?

નિરાંતની પળોમાં થયેલી વાતચીત અનેક પ્રશ્નોના હલ લાવી શકે છે. ભગવાને આપણને વિકસીત મગજ આપ્યું છે, પરંતુ આપણે તેનો પૂરતો ઉપયોગ કરતા નથી અને નાહકની વાતોમાં સમય વ્યતિત કરીએ છીએ. આપણાથી વિપરીત પશુ-પંખીઓ વધુ સુખમય કુદરતી જીવન જીવે છે એવું શું તમને નથી લાગતું?

આપણે કોઈ પણ પ્રવૃત્તિ કરતાં પહેલાં તેના વિશે વાત કરી લઈએ અને પહેલેથી તેનું પૂર્વાવલોકન કરી લઈએ તો તેની સફળતાની સંભાવના વધી જાય છે. આ રીતને માનસિક રિહર્સલ કહેવાય છે. વિજ્ઞાને શોધી કાઢ્યું છે કે આ પદ્ધતિ કારગત નીવડે છે.

મેં એવાં ઘણાં બાળકોને જોયાં છે, જેઓ ઘણી નાની ઉંમરે ભાષા શીખવામાં અચકાતાં હોય છે. પછીથી તેમનામાં તોતડાપણું આવી જાય છે. એ તબક્કે તેઓ જાહેરમાં બોલવાનું ટાળે છે અને ધીમે ધીમે એ ડર વધતો જાય છે. જો આવા લોકો બોલવાનો પ્રયત્ન જ કરે નહીં તો તેમની એ સમસ્યા પ્રત્યેની સંવેદનશીલતા ઘટી શકે નહીં. અહીં એક દાખલો આપું છું. તમે કોઈ વ્યક્તિને અંધારા ઓરડામાંથી પ્રકાશથી ભરેલા ઓરડામાં લઈ આવો તો એ વ્યક્તિની આંખો આપોઆપ અમુક સમય માટે બંધ થઈ જશે, કારણ કે પ્રકાશ પ્રત્યેની તેની સંવેદનશીલતા વધી ગઈ છે. આ જ રીતે જો કોઈ માણસ બોલવાનું ટાળતો જાય તો બોલવા પ્રત્યેની તેની સંવેદનશીલતા વધી જાય. આમ, બોલવામાં ક્યાંય છોછ રાખવો નહીં.

ઘણી વાર આપણા મનમાં અનેક વિચારો આવતા હોય છે, પરંતુ આપણે બીજાઓને કહેતા નથી. આપણને એ વ્યક્તિની પ્રતિક્રિયાઓ પ્રતિકૂળ રહેવાનો ડર લાગતો હોય છે. ક્યારેક આપણે એ વ્યક્તિ પ્રત્યેના આદરને કારણે પણ તેમની સાથે બોલવાનું ટાળીએ છીએ. આવું બધું વિચારવાને બદલે બિનધાસ્ત વાત કરવી. પ્રતિકૂળ પ્રતિક્રિયા આવશે તો અમુક સમય સુધી જ ટકશે અને પછી એની અસર નહીં રહે. આપણે ફક્ત બોલવાનો ડર મનમાંથી કાઢી નાખવાની જરૂર હોય છે.

એક સ્પીચ થેરપિસ્ટ તરીકે મને લાગે છે કે આ પૃથ્વી પરની દરેક વ્યક્તિ બોલી શકવાની સંભાવના ધરાવે છે. ફક્ત તેની માનસિકતાના કારણે એ સંભાવનામાં ઘટાડો-વધારો થાય છે. જો આપણે એ માનસિકતાને સકારાત્મક બનાવી લઈએ તો તેનું અદભુત પરિણામ આવી શકે છે.

આપણા સમાજમાં હજી પણ શ્રવણમંદ બાળકો વિશે ગેરમાન્યતાઓ પ્રવર્તે છે. તેમનામાં શ્રવણશક્તિની કમી કેટલી છે તેનું યોગ્ય નિદાન થયા બાદ તેમને યોગ્ય શ્રવણયંત્ર આપવામાં આવે અને સ્પીચ થેરપી કરાવવામાં આવે તો તેઓ પણ સામાન્ય બાળકો જેવાં બની શકે છે. જો તેમના માટે આવું શક્ય હોય તો આપણે સામાન્ય માણસો કેમ મુક્તપણે વાતચીત કરીને ઉત્તમ પરિણામ મેળવી શકીએ નહીં!

દરેક મનુષ્યમાં અખૂટ સંભાવનાઓ રહેલી હોય છે. તેને ખીલવવાનું કામ દરેક વ્યક્તિએ પોતે જ કરવાનું હોય છે. પોતાના વિશે વાત કરવા લાગો, પોતાના સંબંધો વિશે, વિચારો વિશે કે વ્યવસાય વિશે વાતો કરો. તમને જે ઉપયોગી થતું હોય, જેઓ તમારી સાથે સંબંધો રાખતા હોય, જેઓ તમને માર્ગદર્શન આપતા હોય, જેઓ તમારી કાળજી લેતા હોય, જેઓ તમને બિરદાવતા હોય, તમારી નોંધ લેતા હોય એ બધા વિશે વાત કરો.

કોઈ પણ સંબંધમાં માણસે એકબીજાની નબળાઈઓ જોવાને બદલે શક્તિઓ તરફ દૃષ્ટિ રાખવી જોઈએ. જીવન ક્ષણભંગુર છે. અબઘડીથી તેનો ઉત્તમ ઉપયોગ કરવા લાગી જાઓ. 'પરિસ્થિતિ સુધરશે પછી જોઈશું,' એવું ન કહો. જીવનમાં ઉતાર-ચડાવ તો આવ્યા કરશે, આ જ ઘડીથી પ્રસન્ન રહેવાનું શીખી લો.

ઈશ્વરનું કહ્યું સાંભળો, કારણ કે તેણે જ આપણને પરિવર્તન લાવવા માટે સમય આપ્યો છે. માતાપિતાનું સાંભળો, કારણ કે તેમણે આપણા માટે ઘણી મહેનત કરી છે. તેમને આદર આપવાની જરૂર છે. આપણે તેમના અનુભવોના આધારે જીવનમાં આવતા અવરોધોને દૂર કરી શકીએ છીએ. શિક્ષકનું કહ્યું સાંભળો, કારણ કે તેમણે આપેલા શિક્ષણને કારણે આપણે સારા મનુષ્ય બન્યા છીએ. સમાજનું અને દેશનું કહ્યું સાંભળો, કારણ કે તેમને તમારી જરૂર છે. તેઓ તમારા માટે શું કરે છે એવું પૂછવાને બદલે તમે તેમના માટે શું કરી શકો છો એ કહો.

તમારે શ્રવણની એટલે કે સાંભળવાની એવી કળા શીખવી જોઈએ કે લોકોને તમારી સાથે વાત કરવાનું ગમે. પોતાના અંતરાત્માનો અવાજ પણ સાંભળો, કારણ કે તેના દ્વારા જ તમને ખબર પડશે કે તમે પોતાના માટે શું ઈચ્છો છો.

પૃથ્વી પરના બીજા જીવો પ્રત્યે પ્રેમ અને કાળજી રાખવી અને પરસ્પર આદર રાખવો એ આજના ઝડપી યુગમાં ટકી રહેવા માટેનો સૌથી સારો ઉપાય છે. આ રીતે તમે સારી યાદગીરીઓ બનાવી શકો છો.

તો ચાલો, આપણે સકારાત્મક રીતે વાત કરવાનું શરૂ કરી દઈએ, જેમાં આપણી આસપાસના દરેક જીવ પ્રત્યે પ્રેમ અને કાળજીની લાગણી હોય.

-------------------

 

 

Comments

Popular posts from this blog

મૈત્રીનો ઉત્સવ આજીવન ઉજવાતો હોય છે

આપણે દરેક તકલીફના લાલ સિગ્નલને આધ્યાત્મિક ઊર્જાની મદદથી લીલું સિગ્નલ બનાવી શકીએ છીએ

'વફાદારી' માત્ર એક શબ્દ નથી, એ તો જીવનશૈલી છે...