વ્યક્તિના બુદ્ધિચાતુર્ય કરતાં તેની વિચારસરણી વધુ મહત્ત્વની હોય છે
||વ્યક્તિના બુદ્ધિચાતુર્ય કરતાં તેની
વિચારસરણી વધુ મહત્ત્વની હોય છે||
ભગવાને આપણને મનુષ્યોને ઘણું શક્તિશાળી મગજ આપ્યું છે. તેની મદદથી આપણે ઉચ્ચ વિચારો કરી શકીએ છીએ, સુંદર સ્વપ્નો જોઈ શકીએ છીએ અને મોટાં-મોટાં કામ કરી શકીએ છીએ. આપણે બધા મનુષ્યોએ ભાવાવેશ-હર્ષોન્મેષ વિશે વિચાર કરવો જોઈએ. તમે સૂર્યનો વિચાર કરો. બ્રહ્માંડનો આ સૌથી મોટો તારો સમગ્ર વિશ્વને અજવાળે છે. કંકણાકૃતિ સૂર્યગ્રહણ વખતે એક પાતળી રેખા દેખાય તોપણ એ ખૂબ સુંદર હોય છે. મનુષ્યનું મગજ હંમેશાં અનોખી વસ્તુઓની પ્રશંસા કરતું હોય છે. આવી વસ્તુઓ સૌથી પહેલાં આપણી નજરે ચડતી હોય છે.
પૃથ્વી પર જ્યારે ધર્મનો ક્ષય થયો અને અધર્મ વધ્યો ત્યારે ભગવાન કૃષ્ણે પોતાની શક્તિનો પરચો આપ્યો અને અહીં અવતાર ધારણ કર્યો. કૃષ્ણે બાલ્યાવસ્થામાં તોફાની છોકરાની જેમ વર્તન કર્યું. તેઓ ગોવાળોના અને ગોપીઓના બાળસખા હતા, રાધાના સાચા પ્રેમી હતા અને અર્જુનના ખરા પથદર્શક હતા. જરૂર પડ્યે એમણે વિરાટ સ્વરૂપ પણ દેખાડ્યું અને મનુષ્યોને કહ્યું કે જ્યારે જરૂર પડે છે ત્યારે જ તેઓ શક્તિનું પ્રદર્શન કરે છે.
આ બાબત પરથી સ્પષ્ટથાય છે કે ભગવાન પણ જરૂર પડે ત્યારે જ અને પરિવર્તનની જરૂર હોય છે ત્યારે જ પોતાના કૌશલ્યનો ઉપયોગ કરે છે. આપણે માનવીઓ ક્યારેક ડરની લાગણી માટે, નબળા વિચારો કરવામાં, સ્પર્ધાનો અતિરેક કરવામાં, ક્રિયાકાંડો માટે, વગેરે જેવી બિનજરૂરી બાબતોમાં આપણા મગજની શક્તિનો ઉપયોગ કરીએ છીએ. ખરી રીતે તો આ શક્તિનો ઉપયોગ સકારાત્મક વિચારો માટે, બીજાઓને મદદ કરવા માટે, સાથે મળીને વિકાસ કરવા માટે અથવા પરસ્પર સારા વિચારોના આદાનપ્રદાન માટે કરવો જોઈએ.
આપણે બધા અલગ અલગ દેખાઈએ છીએ, આપણી દરેકની પાસે અલગ અલગ અવાજ છે, દરેકની પાસે સુંદર મગજ છે. આપણે પોતપોતાની અનોખી આવડતોનો ઉપયોગ કરીને પરિવર્તન લાવી શકીએ છીએ. આપણું મગજ એવું છે કે એને જેવો 'ખોરાક' આપવામાં આવે એવું જ એ બને છે અને એવું જ વર્તે છે.
આપણે કાન વડે સાંભળીએ છીએ અને એ અવાજનું મગજમાં પૃથક્કરણ થવાથી આપણે તેનું અર્થઘટન કરીએ છીએ. જો આપણે ઉંચા વિચારો કરીએ, સારાં સ્વપ્નો જોઈએ અને પરિવારથી માંડીને દેશ સુધી બધે પરિવર્તન લાવવા માટે સાથે મળીને કામ કરવા લાગીએ તો કેવું?કોરોના રોગચાળાએ આપણને શીખવ્યું છે કે જીવનમાં સદા મોટાં મોટાં પરિવર્તનો પર લક્ષ કેન્દ્રીત કરવું જોઈએ અને હંમેશાં સારાં પરિવર્તનો લાવવા માટે કામ કરવું જોઈએ.
મને વર્ષ 2005માં મુંબઈમાં પડેલા અભૂતપૂર્વ વરસાદનો દિવસ યાદ છે. ગરીબ-તવંગર બધાને તેની અસર થઈ હતી. શ્રીમંતોની ઘણી વસ્તુઓ પૂરના પાણીમાં તણાઈ ગઈ હતી, પરંતુ તેમની પાસે એ બધું પાછું વસાવવા માટે પૂરતા પૈસા હતા. ગરીબોની પણ ઘણી વસ્તુઓ તણાઈ ગઈ હતી, પરંતુ ઘણા લોકોએ ભેગા મળીને એમની મદદ કરી. પણ મધ્યમ વર્ગનું શું? મારી એક પરિચિત યુવતીની આ વાત છે. એ નોકરી કરતી હતી. તેના ઘરમાં નાનો ભાઈ અને પિતા હતા, જેઓ તેના પર નભતા હતા. જે દિવસે ભારે વરસાદ આવ્યો તેના થોડા દિવસ પહેલાં જ એણે લોન લઈને તેના પપ્પા માટે ટીવી ખરીદ્યું હતું. તેનું ઘર ભોંયતળિયે હોવાથી ટીવી સહિત ઘણી વસ્તુઓ તણાઈ ગઈ. તેની પાસે નવું ટીવી ખરીદવા પૈસા ન હતા અને લોન ચૂકવવા માટે પણ પૈસા ન હતા. આમ છતાં એ હિમ્મત હારી નહીં અને એણે નોકરીમાં વધુ મહેનત શરૂ કરી. આજે એ પોતાના વ્યસાયમાં ઘણી આગળ નીકળી ગઈ છે.
હું એનાથી ઘણી પ્રેરિત થઈ છું. એ હંમેશાં ક્ષુલ્લક બાબતોને બદલે મોટા વિચારો કરવામાં જ પોતાની શક્તિ ખર્ચે છે. જો આપણે કુદરતની વિરુદ્ધ જઈએ તો કુદરતી આપદાઓ આવ્યા વગર રહે નહીં, પરંતુ જો પ્રકૃતિ સાથે તાલમેલ રાખીને રહીએ તો કુદરતી આફતને અતિક્રમી શકીએ છીએ.
મારી ક્લિનિકમાં સ્પેનથી એક શ્રવણમંદ છોકરો આવ્યો હતો. પહેલાં એ સામાન્ય માણસોની જેમ બોલવાનું શીખ્યો અને પછી એણે પાઇલટ બનવાનું સ્વપ્ન સેવ્યું. એક શ્રવણમંદ વ્યક્તિ કઈ રીતે પાઇલટ બની શકે? જો કે, તેનો નિર્ધાર દૃઢ હતો. પાઇલટનું લાઇસન્સ મેળવવા એણે ઘણી જહેમત ઉઠાવી અને છેવટે લાઇસન્સ મેળવ્યું અને સમગ્ર વિશ્વમાં ભ્રમણ કર્યું. છેલ્લે જ્યારે એ ભારત આવ્યો ત્યારે અમે એનું બહુમાન કર્યું હતું.
જો એક શ્રવણમંદ વ્યક્તિ આટલું મોટું સ્વપ્ન જોઈ શકતી હોય તો સામાન્ય માણસ શું કામ જોઈ ન શકે? આપણે બધાએ ઉંચાં સ્વપ્ન જોવાની હિમ્મત દાખવવી જોઈએ. દરેક વ્યક્તિએ પોતપોતાની રીતે કંઈક કરી બતાવવું જોઈએ.
ઘણી વખત આપણે બીજાનું જોઈને પોતાની જાતને મર્યાદામાં બાંધી લઈએ છીએ. તેના લીધે આપણી વૃદ્ધિ રૂંધાય છે. મને યાદ છે, મારી મોટી દીકરીએ દસમા ધોરણની પરીક્ષા બાદ ઘરે આવીને કહ્યું,''હું કોઈ ટ્યુશનમાં જતી ન હતી. મેં મારી મહેનતથી પરીક્ષા આપી છે. કેટલા ટકા આવશે એના વિશે કંઈ કહેવાય નહીં.''મેં એને તરત જ કહ્યું, ''જાતમહેનતથી તે જે કંઈ કર્યું એ ઘણું જ સારું કહેવાય.પોતાની સ્વતંત્ર વિચારશક્તિ કેળવીને તું વધુ સારી પ્રગતિ કરી શકીશ.''એને 93.4 ટકા આવ્યા અને અમે બધા રાજીના રેડ થઈ ગયા.
મારા પિતાજી અમને નાનપણમાં વૅકેશન દરમિયાન બહાર ફરવા લઈ જતા. દરેક પરિવારે સાથે બહાર જઈને આજુબાજુની દુનિયા નિહાળવી જોઈએ. આજકાલ ગૂગલ આપણને દુનિયામાં બનતી તમામ ઘટનાઓની માહિતી પૂરી પાડે છે. આવામાં આપણે પોતાની વિચારશક્તિનો ઉપયોગ રચનાત્મક બાબતોમાં કરવો જોઈએ. આનાં બે ઉદાહરણ જોઈ લઈએ. ભારતના 21 વર્ષીય એક યુવકે સૌરઊર્જાથી ચાલતું વિમાન બનાવ્યું અને એને નાસાએ નિમંત્રિત કર્યો. દસ વર્ષના એક બાળકે 250 છંદમાં રામાયણ અને મહાભારત લખ્યાં. તેની આ સિદ્ધિ વિશ્વવિક્રમ બની.
અત્યારના જમાનામાં આપણે જાતે વિકસીને દેશ-સમુદાયને વિકસિત કરવા જોઈએ. તેના માટે અનોખા-નવા વિચાર કરવા જોઈએ. વ્યક્તિના બુદ્ધિચાતુર્ય કરતાં તેની વિચારસરણી વધુ મહત્ત્વની હોય છે. તો ચાલો, ઉંચા વિચારો રાખીએ, ઉંચાં સ્વપ્નો જોઈએ અને જાતમહેનતથી સારાં કાર્યો કરીને દુનિયાને વધુ સારી બનાવીએ.
--------------------
Comments
Post a Comment