ચાલો, સકારાત્મક રહીએ અને વિશ્વમાં હંમેશાં સારાપણું ટકી રહેશે એવો વિશ્વાસ રાખીએ

||ચાલો, સકારાત્મક રહીએ અને વિશ્વમાં 

હંમેશાં સારાપણું ટકી રહેશે એવો વિશ્વાસ 

રાખીએ||

 આંતરરાષ્ટ્રીય પરિષદમાં ભાગ લેવા અર્થે વિદેશમાં પ્રવાસ કરીને દુનિયામાં શું ચાલી રહ્યું છે તેના વિશેની ઘણી સમજ પ્રાપ્ત થઇ છે. આ સમજમાં આધ્યાત્મિક, વૈજ્ઞાનિક, ટેક્નિકલ, લોકોની ખાણીપીણી કે બીજી શોધખોળ, વગેરે વિષયોનો સમાવેશ થાય છે.

સમગ્ર વિશ્વમાં ટેક્નૉલૉજીકલ વિકાસનો ક્રમ ચાલ્યા કરે છે. કોરોના વાઇરસ સમગ્ર વિશ્વમાં ફેલાયો છે. તેના પરથી આપણે કહી શકીએ કે સારાપણું અને કરુણાનો પણ સમગ્ર વિશ્વમાં પસાર થઈ શકે છે; અને એ જ્યારે થશે ત્યારે વિશ્વ જીવવા માટે વધુ સારું બની જશે.

આપણે જાણીએ છીએ કે સમગ્ર દુનિયામાં ઘણી બધી ભાષાઓ બોલાય છે અને એ બધી સમજવાનું શક્ય નથી, પરંતુ કરુણાની ભાષા બધા સમજી શકે છે. ભારતમાં 850 ભાષાઓ છે. આપણે ત્યાં અનેક ધર્મ પણ છે અને 33 કરોડ દેવી-દેવતા હોવાનું પણ કહેવાય છે. જો કે, ઈશ્વર એક જ છે અને બધા લોકો ઈશ્વર નામની કોઇ ખાસ હસ્તીમાં શ્રદ્ધા ધરાવે છે. આપણે પોતાના દેશમાં હોઈએ ત્યારે પોતાના ધર્મ વિશે વાત કરતા હોઈએ છીએ, પરંતુ જ્યારે વિદેશમાં જઈએ ત્યારે ધર્મ કરતાં પોતાના દેશ વિશે વધારે વાત કરતા હોઈએ છીએ. ત્યાં આપણે પોતાના ધર્મ, ખાણીપીણી કે ભગવાન વિશે વધારે વાતો કરતા નથી. કોઈ આપણને ભાષા વિશે પૂછે તો આપણે એમ જ કહીએ છીએ કે ભારતની રાષ્ટ્રીય ભાષા હિન્દી છે. કોઈ વ્યક્તિ આપણને પૂછે કે ભારત વિશે જાણવા માટે સૌથી પહેલાં શું કરવું જોઈએ, તો આપણો જવાબ એ હોય છે કે સૌથી પહેલાં હિન્દી ભાષા શીખવી જોઈએ, જે સમગ્ર ભારતમાં લોકો સમજી શકે છે અને તેના આધારે ભારતમાં પર્યટન કરવાનું સહેલું પડે છે.

આપણે ભારતનાં વિવિધ સ્થળો અને સંસ્કૃતિ વિશેની સમજણ આપવામાં પણ ગૌરવ અનુભવીએ છીએ. વિદેશીઓ સાથે વાત કરતી વખતે આપણે ભારતની નબળાઈઓ, ખામીઓ, ત્રુટિઓ નહીં, પરંતુ તેની શ્રેષ્ઠતાની જ વાતો જણાવીએ છીએ. આપણે પૌરાણિક કથાઓનો અભ્યાસ કરીએ તો જોઈ શકાય છે કે ભગવાન રામ અને કૃષ્ણે પણ કરુણાને મહત્ત્વ આપ્યું હતું. ભગવાન રામ લોકો પ્રત્યેની કરુણાને લીધે જ અયોધ્યા છોડીને વનમાં ગયા હતા અને શબરી પ્રત્યેની કરુણાને લીધે જ એમણે આપેલા એઠા બોર ખાધા હતા. શબરીએ રામ વનવાસ આવે એની પ્રતીક્ષા કરી હતી.

ભગવાન કૃષ્ણે પણ પોતાના ગરીબ બાળસખા સુદામાની રાહ જોઈ હતી. સાવ નાના સ્તરની ગણાતી વ્યક્તિ પ્રત્યે પણ અત્યંત આદર, કરુણા અને સ્નેહનો ભાવ ભગવાન રામ અને કૃષ્ણે વ્યક્ત કર્યો હતો. જેઓ શ્રદ્ધા સાથે ભક્તિ કરે છે એમને ભગવાન ઘણા સાચવે છે. કહેવાય છે કે ફક્ત આપણાં સારાં કર્મો જ આપણી જમા પૂંજી છે અથવા તો જીવનનો ખજાનો છે. જો કે, વર્તમાન જગતની સ્પર્ધા અને ભાગદોડમાં આપણે આ બાબત તરફ દુર્લક્ષ કર્યું છે. ગયા વર્ષે હું અમેરિકાના નેશવિલ શહેરમાં ગઈ હતી, જે સંગીતનું શહેર ગણાય છે. મારા પ્રવાસનો હેતુ આંતરરાષ્ટ્રીય ઑડિયોલૉજી પરિષદમાં સહભાગી થવાનો હતો. હોટેલથી પરિષદ સુધીના સ્થળે જવા મેં ઉબર ટેક્સી સર્વિસ લીધી. ઉબરનો ડ્રાઇવર મૂળ અમેરિકન હતો, પરંતુ ભારતીય શાસ્ત્રીય સંગીત સાંભળી રહ્યો હતો. એનું મન આપણા શાસ્ત્રીય સંગીતમાં રમમાણ હતું અને એનો એ ભરપૂર આનંદ લઇ રહ્યો હતો. મેં કુતૂહલવશ એને પૂછ્યું કે એણે ભારતીય શાસ્ત્રીય સંગીત વિશેની જાણકારી અને તેનું જ્ઞાન ક્યાંથી પ્રાપ્ત કર્યાં. જવાબમાં એણે કહ્યું કે એને પહેલેથી જ ભારતીય શાસ્ત્રીય સંગીત ગમે છે. એ પોતે પોષણશાસ્ત્રી છે. જ્યારે કોઈ સંગીત સભામાં જવાનું હોય ત્યારે એ ઉબર લઈ જતો. એ ભારતીય સંગીત શીખવા માટે દર વર્ષે એકવાર ભારતનો પ્રવાસ ખેડે છે. યોગાનુયોગે એ દિવસે મારી પાસે આપણા શાસ્ત્રીય સંગીતને લગતું એક પુસ્તક હતું. એ વ્યક્તિનો સંગીત પ્રત્યેનો ભાવ અને ગૌરવશાળી ભારતીય તરીકેની મારી ભાવનાને કારણે મેં એ પુસ્તક એને ભેટ આપવાની ઑફર કરી. એ અત્યંત રાજી થયો. એણે કહ્યું કે સાંજે એ પુસ્તક લેવા હોટેલમાં આવશે. સાંજ સુધી એણે મારા ફોનની રાહ જોઈ. એ મને પરિષદના સ્થળથી હોટેલ સુધી લઈ જવા આવ્યો. એ પોતાની સાથે ભારતીય શાસ્ત્રીય સંગીતનાં અનેક પુસ્તકો મને બતાવવા લઈ આવ્યો હતો. મેં એને રાગ વિશે સમજાવ્યું અને હિન્દી વાંચવાનું કહ્યું. એણે મને કહ્યું કે એની પાસે માત્ર સંસ્કૃત પુસ્તકો છે અને ક્યાંથી વાંચવાનું શરૂ કરવું એની એને સમજ પડતી નથી. એના ચહેરા પર મને જે ખુશી દેખાઈ એ અવર્ણનીય છે. ભારતીય તરીકે મને એ સમયે ઘણું સારું લાગ્યું.

આજે કોરોના રોગચાળાના સમયમાં અલગ-અલગ દેશના ઘણા બધા લોકો અને ઘણી સંસ્થાઓ એકબીજાને મદદરૂપ થઇ રહ્યાં છે. કોરોના સામેની લડતમાં બધા સંગઠિત થઈને કાર્ય કરી રહ્યા છે. અહીં ફક્ત કરુણાની ભાષા બોલાઇ રહી છે અને સમજાઈ રહી છે. બધા કહી રહ્યા છે કે સાથે મળીને આ મુશ્કેલ ઘડીનો મુકાબલો કરશું.

મને હાલમાં એક સુંદર સંદેશ વાંચવા મળ્યો. તેમાં કહેવાયું હતું કે તમે વૃક્ષનો ઉછેર કરો તો પછીથી એ વૃક્ષ જ તમને કામ લાગે છે. દેખીતી વાત છે, વૃક્ષ મોટું થયા પછી આપણને ઓક્સિજન પૂરું પાડે છે અને ફળ-ફૂલ પણ આપે છે. આમ, જો આપણે કંઈક સારું કાર્ય કર્યું હશે તો ચોક્કસપણે તેનાથી આપણને પણ લાભ થશે. આ જ રીતે જો કોઈ વ્યક્તિ પોતાના હૃદયમાં કરુણાને સ્થાન આપશે અને સારાં કર્મો કરશે તો એને ચોક્કસપણે આશીર્વાદરૂપી ફળ પ્રાપ્ત થશે. કર્મનો સિદ્ધાંત કહે છે કે જો તમે કંઈક આપ્યું હશે તો જ તમને કંઈક પ્રાપ્ત કરવાનો અધિકાર મળશે.

અહીં બીજી એક પરિષદનો કિસ્સો યાદ આવે છે. એ પણ આંતરરાષ્ટ્રીય સંમેલન હતું. ત્યાં કોલંબિયાના એક યુગલ સાથે મારો સરસ મજાનો વાર્તાલાપ થયો હતો. એ દંપતી એક વખત ભારત આવ્યું હતું અને તે સમયે એમણે ભગવદ્ ગીતાની સમજ પ્રાપ્ત કરવાની શરૂઆત કરી હતી. તેઓ બન્ને કૃષ્ણ ભગવાનની પૌરાણિક વાર્તાઓથી પ્રભાવિત થયાં હતાં. પોતે ભારતીય રીતિ-રિવાજો અને સંસ્કૃતિ વિશે ક્યાં અભ્યાસ કરી શકશે એ વિશે એમણે મને પૂછ્યું. મારા પર્સમાં એ વખતે ભગવદ્ ગીતાની નાનકડી અંગ્રેજી ચોપડી હતી. મેં એમને એ ભેટ આપી. એમણે ભગવાનના આશીર્વાદ તરીકે એનો સ્વીકાર કર્યો અને કહ્યું કે જ્યારે તેઓ પાછા મને મળશે ત્યારે ભગવદ્ ગીતા વિશે વધુ જાણકારી પ્રાપ્ત કરશે. કોલંબિયાના આ યુગલની શ્રદ્ધા ધીરજ પમાડે એવી હતી. ભગવાને મને આવી તક આપી એનો મને અત્યંત હર્ષ થયો.

વિશ્વમાં જ્યારે પણ જનસંખ્યા વિશે, પંગુ વ્યક્તિઓ વિશે આંકડાઓ ભેગા કરવામાં આવે છે ત્યારે તેમાં ધર્મ કે દેશને કોઈ મહત્ત્વ આપવામાં આવતું નથી. એ જ રીતે કર્મની ગણતરી થતી હોય ત્યારે કરુણા અને સારાપણું એ બન્ને ગુણોને ધ્યાનમાં રાખવામાં આવે છે. આ જ ગુણો લાંબા ગાળે સરસ મજાના વિશ્વની રચના કરી શકે છે. આપણે ફરી વખત કોરોના જેવા રોગચાળાનો સામનો નહીં કરવો પડે એવી શ્રદ્ધા રાખીએ. ચાલો, સકારાત્મક રહીએ અને વિશ્વમાં હંમેશાં સારાપણું ટકી રહેશે એવો વિશ્વાસ રાખીએ.

-----------------------------

 

Comments

Popular posts from this blog

મૈત્રીનો ઉત્સવ આજીવન ઉજવાતો હોય છે

આપણે દરેક તકલીફના લાલ સિગ્નલને આધ્યાત્મિક ઊર્જાની મદદથી લીલું સિગ્નલ બનાવી શકીએ છીએ

'વફાદારી' માત્ર એક શબ્દ નથી, એ તો જીવનશૈલી છે...