માનવીના સશક્તિકરણથી સારો સમાજ રચાશે અને વિશ્વ વધુ સુંદર બનશે
||માનવીના સશક્તિકરણથી સારો સમાજ
રચાશે અને વિશ્વ વધુ સુંદર બનશે||
સૂર્યનાં કિરણોનું કામ પૃથ્વી પર અજવાળું ફેલાવવાનું છે. આ ધરા પર જીવંત દરેક વસ્તુને પ્રકાશ જોઈએ છે. ક્યારેક વાદળિયું વાતાવરણ હોય તો આપણને સુસ્તી વર્તાતી હોય છે. સૂર્ય આપણા માટે આશાનાં કિરણો લઈ આવે છે
સૂર્યનું કામ જે રીતે પ્રકાશ ફેલાવવાનું છે એ જ રીતે મનુષ્યનું કર્તવ્યપરસ્પર આશારૂપી ઉર્જા ફેલાવવાનું હોય છે. અંધકારમાં એક નાનકડો દીપક પણ ઘણું અજવાળું ફેલાવે છે.
મુશ્કેલ સમય દરેકના જીવનમાં આવતો હોય છે, પરંતુ તેને અતિક્રમી જવા માટે આપણામાં શક્તિ હોવી આવશ્યક છે અને આ શક્તિ આપણને બીજા મનુષ્યો આપી શકે છે. પરસ્પર ઊર્જાના આદાન-પ્રદાન દ્વારા આપણે આ પૃથ્વી પર સૂર્યની જેમ આશાનાં કિરણો ફેલાવી શકીએ છીએ.
આપણા પ્રિય ભગવાન કૃષ્ણે આપણને શીખવ્યું છે કે દરેક મનુષ્યનાં કેટલાંક કર્તવ્યો છે. તમે ભગવદ્ ગીતા કે મહાભારત વાંચો તો તમને સમજાશે કે ભગવાન કૃષ્ણ દરેક કથામાં આશાનું કિરણ છે. કૃષ્ણ પોતે ભગવાન હોવા છતાં એમણે ગુરુઓપાસેથી જ્ઞાન પ્રાપ્ત કર્યું તથા ગુરુઓનો આદર કર્યો. એ ગુરુઓ કૌરવો તથા પાંડવોને પણ ભણાવતા. કૃષ્ણે કહ્યું છે કે દરેક વ્યક્તિએ જરૂર પડ્યે પોતાનાં કર્તવ્યોનું પાલન કરવા માટેનું શિક્ષણ પ્રાપ્ત કરવું જોઈએ.
શિક્ષણનું કાર્ય મનુષ્યને સતર્ક બનાવવાનું તથા આસપાસની દુનિયાને વધુ સારી રીતે સમજી શકવા સમર્થ બનાવવાનું છે. અર્જુન નિપુણ યોદ્ધા હતો અને મહાભારતની લડાઈ લડવા સક્ષમ હતો છતાં એને સારથિ તરીકે કૃષ્ણની જરૂર પડી.
શિક્ષિત વ્યક્તિએ પણ પોતાના જ્ઞાનનો અસરકારક અમલ કેવી રીતે કરવો એ શીખવું જોઈએ. અન્ય વ્યક્તિના ઉત્કર્ષ માટે પણ આપણે ખરા સારથિ બનવું જોઈએ.
તમે જોયું હશે કે વૃક્ષો ઊંચે જાય છે અને એમનો ઘેરાવો પણ વધતો જાય છે. આ વૃક્ષો પોતાની ઉર્જાનો ઉપયોગ આકાશ તરફ ગતિ કરવા માટે એટલે કે પ્રગતિ કરવા માટે કરે છે.
જો આપણે મનુષ્ય છોડને પોષણ આપીએ નહીં, એમની કાળજી લઈએ નહીં તો ઘણી વખત એ વધી શકતા નથી. આપણે મનુષ્યો જ એવા છીએ જે ક્યારેક પોતાના સ્વાર્થ ખાતર વૃક્ષો કાપી નાખીએ છીએ.જો આપણે વૃક્ષોનું જતન કરીએ તો એ જ વૃક્ષો આપણને સારાં ફળ આપે છે. એટલું જ નહીં, ગ્લોબલ વોર્મિંગથી પણ આપણું રક્ષણ કરે છે.
મને ઘરકામમાં મદદ કરવા માટે એક બેન આવતાં હતાં.થોડા વખતથી એમની તબિયત નરમ રહેતી હતી. ઘરમાં એમનું ધ્યાન રાખવાવાળું કોઈ ન હતું. આથી અમારા પરિવારે એમની મદદ કરવાનું નક્કી કર્યું. હું નિયમિતપણે એમને ડૉક્ટર પાસે લઈ જતી. વચ્ચે થોડા દિવસ એ પોતાની બહેનના ઘરે આરામ કરવા માટે રોકાયાં હતાં. આથી એક દિવસ એ બહેનના ઘરેથી ડૉક્ટરને ત્યાં ગયાં અને હું મારા ઘરેથી ત્યાં પહોંચી. ઉતાવળમાં તેઓ પોતાનો રિપોર્ટ લાવવાનું ભૂલી ગયાં હતાં. આથી ડૉક્ટરે એમના પર ગુસ્સો કર્યો. મેં ડૉક્ટરને વિનંતી કરીનેકહ્યું, ''કૃપા કરીને એમના પર ગુસ્સે નહીં થાઓ. એ જો એટલાં બધાં બુદ્ધિશાળી હોત તો મારા ઘરે ઘરકામ માટે આવતાં નહોત. એમની પોતાની કેટલીક મર્યાદાઓ છે. બીજી વખત એમની સાથે આવવામાં મને વાંધો નથી.''
આપણને જેઓ મદદ કરતા હોય એ લોકો સાથે આપણે સમજી-વિચારીને પરિપક્વ રીતે વ્યવહાર કરવો જોઈએ, કારણ કે દરેક વ્યક્તિની સમજણ ઓછી-વત્તી હોય છે. આપણે ત્યાં કામ કરનારી દરેક વ્યક્તિનું આપણે માનસાચવવું જોઇએ અને સાથે સાથે એમની મર્યાદાઓને પણ ઓળખવી જોઈએ.
શ્રવણમંદ બાળકો સાથે કેવી રીતે વ્યવહાર કરવો એના વિશે ઘણી ગેરમાન્યતાઓ પ્રવર્તે છે.ઑડિયોલૉજીસ્ટ તરીકે હું જાણું છું કે દરેક બાળકની સાંભળવાની શક્તિ (શ્રવણશક્તિ) અલગ-અલગ હોય છે. જે રીતે ચશ્માંના નંબર અલગ-અલગ હોય છે એ જ રીતે ડિજિટલ શ્રવણયંત્ર પણ દરેક વ્યક્તિની આવશ્યકતા મુજબ આપવાં પડે છે. ડિજિટલ શ્રવણયંત્ર ઘોંઘાટભર્યા વાતાવરણમાં પણ સ્પષ્ટ અવાજ સાંભળવામાં મદદરૂપ થાય છે અને તેથી શ્રવણમંદ વ્યક્તિઓને બોલવામાં પણ તેનાથી ફાયદો થાય છે, કારણ કે તેઓ સ્પષ્ટ અવાજ સાંભળે તો જ સ્પષ્ટ ઉચ્ચારણ શીખી શકે છે.
અમારી પાસે ઘણા દાતાઓ આવે છે, જેઓ કહે છે કે જો અમે સસ્તાં શ્રવણયંત્રો આપીએ તો વધુ લોકોને આપી શકાય, પરંતુ અમે જાણીએ છીએ કે ફક્ત શ્રવણયંત્રો આપવાથી કામ પૂરું થતું નથી. દરેક વ્યક્તિને તેની આવશ્યકતા મુજબ અને એને સાંભળવામાં સારી રીતે મદદ થાય એવું ડિજિટલ શ્રવણયંત્ર જ વધારે ઉપયોગી હોય છે. ડિજિટલની મદદથી જ એ વ્યક્તિ જીવનના સામાન્ય પ્રવાહમાં સારી રીતે જોડાઈ શકે છે. આથી જે દાતાઓ સસ્તાંશ્રવણયંત્રો આપવાનો આગ્રહ રાખતા હોય છે એમની પાસે દાન લેવાની અમારે ના પાડી દેવી પડે છે.
અમે છેલ્લાં કેટલાંક વર્ષોમાં જોયું છે કે ડિજિટલ ટેક્નૉલૉજી શ્રવણમંદ બાળકોને ઘણી જ મદદરૂપ થઇ રહી છે. ઘણા દાતાઓ આવાંશ્રવણયંત્રો આપવા માટે આગળ આવ્યા છે અને તેથી જ અમે અત્યાર સુધીમાં 1,100 બાળકોને મદદરૂપ થઈ શક્યા છીએ. એમાંથી અમે25 ટકા બાળકોને સામાન્ય શિક્ષણપ્રવાહમાં સાંકળી શક્યા છીએ. આ કામ અઘરું ચોક્કસ છે, પરંતુ અશક્ય નથી
આપણે જો વ્યક્તિને સશક્ત બનાવીએ તો એ પગભર થઈ શકે છે અને પરિણામે એના જીવનનો બોજ બીજા ઉપર રહેતો નથી. આજે અમે શ્રવણમંદ બાળકોને યોગ્ય રીતે મદદ કરી હોવાથી ઘણાં બાળકો અલગ અલગ શિક્ષણક્ષેત્રમાં આગળ વધ્યાં છે. કોઈ એન્જિનિયર બન્યું છે, તો કોઈ આર્કિટેક્ટ, કોઈ ઇન્ટિરિયર ડિઝાઇનર, તો કોઈ કલાકાર. આજે બધા બાળકો આત્મનિર્ભર છે અને સમાજનો સશક્ત હિસ્સો છે.
અમારે ત્યાં આવેલું એક બાળક આજે આર્કિટેક્ટ છે. એને ઉત્કૃષ્ટ કાર્ય બદલ અનેક પુરસ્કારો પ્રાપ્ત થયાં છે. આથી જ અમે ગર્વપૂર્વક કહી શકીએ છીએ કે શ્રવણમંદ વ્યક્તિઓને સશક્ત કરવાથી તેઓ બોજારૂપ બનતાં અટકીને સમાજ માટે વરદાનરૂપ બને છે.
અમે બધાને એમ પણ કહીએ છીએ કે આપણે શ્રવણમંદ લોકો પ્રત્યે દયાની દૃષ્ટીએ જોવાની જરૂર નથી. એમના માટે આપણે ફક્ત મદદનો હાથ લંબાવવાનો હોય છે.
જો માતા-પિતા સલામતી અને પ્રોત્સાહન પૂરું પાડે તો શ્રવણમંદ બાળક આત્મવિશ્વાસપૂર્વક વિકાસ કરી શકે છે અને બીજાઓ માટે આશાનું કિરણ બની શકે છે.
આપણે વિચારની પ્રક્રિયામાં વાસ્તવિક પરિવર્તન લાવવાની જરૂર છે. અમે જે બાળકોને શ્રવણયંત્રો આપીએ છીએ તેમનાં માતા-પિતાને હંમેશાં કહીએ છીએ કે આશરે ત્રીસ હજાર રૂપિયાનાં આ શ્રવણયંત્રો પાંચથી સાત વર્ષ સુધી ચાલશે. ત્યારબાદ તેમણે પોતાના પૈસે આવાં યંત્રો લેવાં પડશે.આથી પૈસાની બચત તરત શરૂ કરી દેવી. આના પછી અમે કદાચ મદદ ન પણ કરી શકીએ.
મને એક બાળક યાદ આવે છે. અમે એક વખત એને શ્રવણયંત્ર આપ્યું હતું. પછીથી એ વ્યક્તિ જ્યારે આવી ત્યારે 30 હજાર રૂપિયા લઈને આવી હતી અને એ પૈસાથી મારી પાસે શ્રવણયંત્રો લીધાં. એણે ક્યાંક કામ શરૂ કર્યું હતું અને પગારમાંથી બચત કરી હતી.
મારો અનુભવ કહે છે કે સમાજસેવા કરવામાં પણ પરિવર્તન લાવવાની જરૂર છે. ઘણી વખત સમાજસેવા માટે પૈસા-શક્તિ વધુ વેડફાય છે. આથી જે સામાજિક કાર્ય દ્વારા વ્યક્તિ આત્મનિર્ભર બને એવું કામ કરવું જોઈએ.એકમેકના ટેકાથી બધાનો ઉત્કર્ષ થાય એવી દૃષ્ટિ રાખવી જોઈએ. એક સાથે બધા લોકોને મદદ કરવાનું કદાચ શક્ય ન બને, પરંતુ ધીમે ધીમે બધાને મદદ કરી શકાય છે. મનુષ્યને ખરા અર્થમાં સશક્ત બનાવવા માટે આપણે ઉર્જા પૂરી પાડવી જોઈએ. માનવીના સશક્તિકરણથી સારો સમાજ રચાશે અને વિશ્વ વધુ સુંદર બનશે.
----------------------------
Comments
Post a Comment