માતાપિતા સંતાનના ઉત્તમ આદર્શ બની શકે છે


 

|| માતાપિતા સંતાનના ઉત્તમ આદર્શ બની 

શકે છે ||

કોઈ પણ દંપતીને સંતાનપ્રાપ્તિ થાય એ એમના માટે અણમોલ ઘડી હોય છે. લગ્ન પછી હંમેશાં પતિ-પત્ની બન્ને સંતાન ઈચ્છતાં હોય છે. બાળક આવ્યા બાદ પોતાને બદલે બાળકને પ્રાથમિકતા આપવાની શરૂઆત થાય છે.

તમારાં સંતાનો તમારાં વિચારો, વ્યક્તિત્વ અને વર્તનનું અનુકરણ કરતાં હોય છે. સંતાન પ્રત્યેનું વાત્સલ્ય અને મમતા બાળકના વિકાસમાં પ્રતિબિંબિત થાય છે. જે રીતે છોડના ઉછેર માટે પૂરતાં હવા, પાણી અને માટી જોઈએ એ જ રીતે બાળકોના ઉછેર માટે સારા વિચારોનું સિંચન જરૂરી છે. ઉપરાંત, એમને સારું પોષણ પણ આપવું જોઈએ. સકારાત્મકતા ધરાવતા વાલીઓ પોતાના માટે અને પોતાનાં સંતાનો માટે ભરપૂર તકોનું સર્જન કરી શકે છે. બાળકને હંમેશાં માતાપિતાની હૂંફની જરૂર હોય છે.

સંતાન જ્યારે પ્રૌઢાવસ્થામાં પહોંચે છે ત્યારે એ વાલીઓના મિત્ર સમાન ગણાય છે. એ સમયે પરિવારની જવાબદારીઓનું પણ એ સહિયારું વહન કરવા સક્ષમ બને છે.

હું અને મારા પતિ જ્યારે શ્રવણમંદ બાળકોનાં માતાપિતાને મળીએ છીએ ત્યારે અમને એમની તકલીફોનો ખયાલ આવે છે. તેઓ શ્રવણમંદ બાળકના ઉછેરના અનેક પડકારો સહન કરતાં હોય છે. એમનું બાળક જ્યારે પંગુતાને અતિક્રમી જાય છે ત્યારે એમને ઘણું સારું લાગે છે. અમારાં સંતાનો નોર્મલ છે તેથી અમને એવું જ લાગે છે કે અમારા કરતાં શ્રવણમંદ બાળકોનાં માતાપિતા વધુ કુશળ છે. એમણે પોતાનાં સંતાનોના વિકાસ માટે જેટલું ધ્યાન આપવું પડે છે એટલું નોર્મલ બાળકોનાં માતાપિતાએ આપવું પડતું નથી.

નોંધનીય છે કે શ્રવણમંદ બાળકોનાં માતાપિતા ઘરમાં બાળકના ઉછેરની જવાબદારી સરખેસરખી નિભાવે છે. આના પરથી કહી શકાય કે આજના ઝડપી યુગમાં નોર્મલ બાળકોનાં માતાપિતાએ પણ આ જ રીત અપનાવવી જોઈએ. માતા અને પિતા બન્નેની શીખવવાની પદ્ધતિ અલગ અલગ હોય છે અને તેઓ ભેગાં મળીને સારું પરિણામ પ્રાપ્ત કરી શકે છે. માતા બાળકને ઉત્તમ પોષણ આપી શકે છે અને પિતા સારા વિચારો આપી શકે છે.

અહીં દેવકી અને વસુદેવનું ઉદાહરણ યાદ આવે છે. એમણે કૃષ્ણને જન્મ આપ્યો તો ખરો, પરંતુ એની સલામતી માટે પોતાના વાલીપણાનો ત્યાગ કર્યો. નંદબાબા અને યશોદાએ કૃષ્ણના ઉછેર માટે ઘણી મહેનત લીધી. એ બન્નેને ખબર હતી કે કૃષ્ણ ભગવાનનો અવતાર છે, છતાં એમણે પોતાની વાલી તરીકેની જવાબદારી સુપેરે નિભાવી. એમણે કૃષ્ણને મસ્તી-તોફાન કરવા દીધાં અને જરૂર પડ્યે ઠપકા પણ આપ્યા, પ્રેમનો પ્રસાર કરવામાં મદદ કરી અને સાહસ પણ કરવા દીધાં, અધર્મનો પ્રતિકાર કરવાનું અને ધર્મનો સાથ આપવાનું શીખવ્યું. કૃષ્ણે પણ સંતાન તરીકેની તમામ જવાબદારીઓ નિભાવી.

બાળકનો જન્મ થયા બાદ સૌપ્રથમ એને સ્તનપાન કરાવવામાં આવે છે. તેના દ્વારા સ્નેહ, હૂંફ અને સુખાકારીની અનુભૂતિ થાય છે. બાળક તરત બોલવા લાગી જતું નથી. શરૂઆતના નવ-દસ મહિના દરમિયાનનવજાત શિશુ આસપાસના વાતાવરણમાંથી બધું શીખે છે અને આસપાસના વાતાવરણમાં સૌથી વધારે સંપર્ક માતાપિતાનો હોય છે. આમ, માતાપિતા પાસેથી જ ઘણું શીખવા મળે છે.

સંશોધન કહે છે કે જો માતાપિતા પોતાના સંતાનને ઉત્તમ પ્રોત્સાહન આપે તો બાળક આયુષ્યનાં પ્રથમ પાંચ વર્ષોમાં વીસ ભાષાઓ અને ત્રણ કરોડ શબ્દો શીખી શકે છે. આ મુદ્દાના આધારે કહી શકાય કે દરેક માતાપિતાએ પોતાના સંતાનનાં પ્રથમ પાંચ વર્ષના આયુષ્ય દરમિયાન એના વિકાસ માટે મહત્તમ પ્રયાસ કરવા જોઈએ.

બાળકના સર્વાંગી વિકાસ માટે એને અન્યો સાથે કેવી રીતે વ્યવહાર કરવો તેનું જ્ઞાન પણ આપવું જોઈએ. સાથે સાથે પોતાનું કામ પોતે કરવાની અને સ્વતંત્ર વિચારધારા વિકસાવવાની તાલીમ આપવી જોઈએ.

બાળક જ્યારે જાતે જમવા લાગે છે ત્યારે આંખ, હાથ અને મોંનો સમન્વય સાધવાનું શીખે છે. રોટલીના બટકાં કરવાં, શાક સાથે રોટલી ખાવી, દાળ અને ભાત ભેગાં કરીને ખાવાં, એ બધામાં આ સમન્વય થાય છે. વળી, તેનાથી બાળક કુશાગ્ર બને છે અને એક પછી એક નવી નવી પ્રવૃત્તિઓ શીખવામાં એને મદદ મળે છે.

આજે મોટાભાગનાં માતાપિતા પોતાનાં બાળકોને જાતે ખાવા દેતાં નથી, પોતે જમાડે છે. આ રીતે લાડ લડાવવાને લીધે બાળકોની વિચાર કરવાની પ્રક્રિયા ધીમી થઈ જાય છે એ વાત તેઓ સમજતાં નથી. એમણે બાળકોને નાનપણથી જ પોતાની કાળજી પોતે રાખવાની તાલીમ આપવી જોઈએ. જાજરૂના ઉપયોગથી માંડીને બોલવું, વાંચવું, લખવું, વગેરે પ્રવૃત્તિઓ બાળકોને શીખવવી પડે છે.

બાળકો સમજણાં થયા પછી એમને જીવનના ઉદ્દેશ્ય, આધ્યાત્મિકતા અને આત્મ સમ્માન વિશે પણ શીખવવું જોઈએ. યોગ્ય પોષણ, વ્યાયામ, વગેરે દ્વારા આરોગ્યની રક્ષા કરવા બાબતે બાળકોમાં જાગરૂકતા લાવી શકાય છે. આમ કરવાથી ભવિષ્યમાં તેઓ માનસિક તાણનો ભોગ બનતાં બચી શકે છે. ઉપરાંત, એમને નાણાકીય બાબતો અને સંબંધો સાચવવાનું મહત્ત્વ પણ સમજાવવું જોઈએ.

માતાપિતા બનવું એ જીવનની ઉત્તમ ઘડીઓમાં પણ આવી જાય છે. બાળકોને સાથે રાખીને તેનો આનંદ માણવો જોઈએ. મારાં માતાપિતા હંમેશાં અમને બાળકોને સાથે લઈને બહાર જતાં, જેથી અમે આસપાસની દુનિયાથી પરિચિત થઈએ. અમને ભણાવવા માટે અને રજાઓમાં બહારગામ ફરવા માટે લઈ જઈને અમારી સાથે સરસ મજાનો સમય વિતાવ્યો. અહીં કહેવું ઘટે કે જિંદગીનો ખરો આનંદ ભૌતિક વસ્તુઓમાં નથી. મને યુરોપના સાલ્ઝબર્ગનો અમારો પ્રવાસ યાદ આવે છે. મારી બન્ને દીકરીઓ સાથે લીધેલી એક તસવીરમાતા તરીકેના મારા જીવનની અણમોલ યાદગીરી છે.

ચિંતામુક્ત અને હસીખુશીની જિંદગી જીવવાનું બાળકોને શીખવવું એ જ માતાપિતાના જીવનનું ઘણું મોટું કામ કહી શકાય. નાનું બાળક ક્યારેક પડી જાય ત્યારે આપણે તેને જલદી ઊભા થઈને સામાન્ય સ્થિતિમાં આવી જવાનું કહેતાં હોઈએ છીએ. માતાપિતા અને સંતાનો વચ્ચે હંમેશાં આવા જ સંવાદો અને સાથ રહે તો જીવન સુંદર બની જાય છે.

ફરી એક વાર કહેવાનું કે સંતાનો સાથેની એકેએક પળનો આનંદ લો અને મજા કરો. ભગવાને માતાપિતા બનવાનું સૌભાગ્ય આપ્યું છે અને તેનો આનંદ હોવો જોઈએ. માતાપિતાસંતાનના ઉત્તમ આદર્શ બની શકે છે.

--------------------

 

Comments

Popular posts from this blog

મૈત્રીનો ઉત્સવ આજીવન ઉજવાતો હોય છે

આપણે દરેક તકલીફના લાલ સિગ્નલને આધ્યાત્મિક ઊર્જાની મદદથી લીલું સિગ્નલ બનાવી શકીએ છીએ

'વફાદારી' માત્ર એક શબ્દ નથી, એ તો જીવનશૈલી છે...