યુવાનો, ચાલો,આ વિશ્વને ફરીથી સુંદર બનાવીએ

|| યુવાનો, ચાલો,આ વિશ્વને ફરીથી સુંદર બનાવીએ ||

 

ભગવાન કૃષ્ણે પોતે કહ્યું છે કે જ્યારે પણ પૃથ્વી પર અધર્મ વધી જાય છે ત્યારે તેઓ અવતાર ધારણ કરે છે. આ લખાઈ રહ્યું છે એ સમયે કોરોના કાળ ચાલી રહ્યો છે અને સમગ્ર વિશ્વમાં આ વિષાણુએ ભયનું સામ્રાજ્ય ફેલાવી દીધું છે ત્યારે ભગવાને અવતાર લેવાની જરૂર છે. અતિસૂક્ષ્મ આ વિષાણુને લીધે લાખો લોકોનાં મોત થયાં છે અને આર્થિક તથા તબીબી કટોકટી સર્જાઈ છે.

કોરોના રોગચાળાને લીધે લોકોના અસ્તિત્વ સામે પ્રશ્ન ઊભો થયો હોવાથી ચિંતા, વ્યગ્રતા, વિષાદ અને અસલામતી લોકોના મનમાં ઘર કરી ગયાં છે. ખરું પૂછો તો આપણે બધાએ કૃષ્ણમાં શ્રદ્ધા રાખીને જીવનમાં રચાયેલા નકારાત્મકતાના વિષચક્રને તોડી પાડવાની જરૂર છે. ભગવાનના સુદર્શન ચક્રની જેમ આપણી આસપાસ સકારાત્મકતાનું ચક્ર રચવાની જરૂર છે. યુવા વર્ગ ઉજ્જવળ ભવિષ્ય માટે સક્રિય થાય તો એ શક્ય બનશે.

હવે આપણે કૃષ્ણની દંતકથાઓ પર આવીએ. નાનપણમાં કૃષ્ણે ઘણી લીલાઓ કરી હતી. એમને ગાયો પ્રત્યે અપાર પ્રેમ હતો. તેઓ ગોવાળો અને ગોપીઓ સાથે જ રહેતા. એમાં રાધા પણ સામેલ હતાં. એમને માતાપિતા તથા આસપાસના સૌ લોકો પ્રત્યે ઘણો આદર હતો. એમની બધી લીલાઓ નિઃસ્વાર્થ અને પવિત્ર હતી. એમના જીવનમાં ક્યાંય કોઈ બંધન, સ્પર્ધા કે તુલનાનું દબાણ ન હતું. આજનો યુવા વર્ગ પણ કૃષ્ણની જેમ જ આવાં દબાણોથી મુક્ત રહીને કૃષ્ણની જેમ રહી શકે છે. કૃષ્ણની નમ્રતા અપનાવવા જેવી છે. આનંદપૂર્વક જીવવું, જરૂર પડ્યે પોતાના તથા સમાજના અધિકારો માટે લડવું અને હંમેશાં બીજાઓ પાસેથી ઓછામાં ઓછી અપેક્ષાઓ રાખવી એ બધું કૃષ્ણના જીવન પરથી શીખવાનું છે.

કૃષ્ણે અર્જુનને ધર્મની રક્ષા કાજે લડવા માટે મિત્ર તરીકે કરેલી મદદ પરથી પણ આપણે શીખવા જેવું છે. જીવન કેવી રીતે જીવવું અને જરૂર પડ્યે સમાજ માટે પોતાનું બલિદાન આપવું એ પણ કૃષ્ણે શીખવ્યું છે. સરહદ પર જવાનો જે રીતે દેશની રક્ષા કરે છે એ જ રીતે અલગ અલગ વ્યવસાયોમાં કાર્યરત યુવાનોએ દેશ માટે કંઈક કરી છૂટવું જોઈએ. એમણે વૈશ્વિક સ્તરે દેશનું નામ રોશન થાય એવી પ્રવૃત્તિઓકરવી જોઈએ. આ વર્ષના આંતરરાષ્ટ્રીય યુવા દિવસનું સૂત્ર"વૈશ્વિક કાર્ય માટે યુવાનોની સક્રિયતા" એવું હતું. યોગાનુયોગે એ દિવસ કૃષ્ણના જન્મદિને આવ્યો હતો.

ભગવાન કૃષ્ણે પડકારોને અતિક્રમી જવાનું અને સમાજમાં રહેલા દાનવોનો મુકાબલો કરવાનું પણ શીખવ્યું છે. આજની યુવા પેઢી ઘણી ઝડપથી આગળ વધી રહી છે અને ઘણી બૂરી આદતોમાં ફસાઈ રહી છે. આ બદીઓને દૂર કરવાની જરૂર છે. આપણા તન, મન અને આત્માને નકારાત્મક અને ખરાબ વિચારોથી મુક્ત કરવાની અને ફક્ત પ્રગતિની દિશામાં ગતિ કરવાની જરૂર છે.

આપણો અનુભવ છે કે સવારના સમયે તાજગી હોય છે, બપોરે ગરમી અને મહેનતનો સમય હોય છે તથા સાંજ પડ્યે ફરી આરામ. છેલ્લે, રાત્રે મનને શાંત કરવાનો સમય હોય છે. આ જ બાબત જીવનના વિવિધ તબક્કાઓને લાગુ પડે છે.

આપણા દેશમાં પુષ્કળ પ્રમાણમાં દંતકથાઓ અને પૌરાણિક કથાઓ હોય છે. તેમાં કૃષ્ણની લીલાઓ તથા અનેક દેવી-દેવતાઓની ગાથાઓ સામેલ છે. આપણે ત્યાં મંદિરો, ચર્ચ, મસ્જિદ, બધું જ છે અને બધાનો ધર્મ એક જ છે - શ્રદ્ધા. દેવી-દેવતાઓની વાર્તાઓમાં, દેશમાં પ્રચલિત રીતિરિવાજો અને આપણી સંસ્કૃતિ એ બધામાં દર્શાવાયું છે કે આપણે આપણા શરીરમાં રહેલાં દુષ્ટ તત્ત્વોનો નાશ કરીને આ દુનિયાને ઉત્તમ બનાવવાની છે. લેખકો, કવિઓ તથા અનેક આધ્યાત્મિક હસ્તીઓએ વિશ્વમાં સારાં પરિવર્તનો લાવવા માટે ઘણી મહેનત કરી છે. હવે આપણે એમાં ઉમેરો કરવાનો છે. આપણને મનુષ્યોને અસ્તિત્વ ટકાવી રાખવા માટે અનાજ, હવા અને પાણી જોઈએ છે, પણ વાસ્તવમાં આપણે શેની પાછળ દોટ મૂકી છે? આપણે એ જાણતા જ નથી. હવે પોતાની જાતને ખોળવાનો અને કૃષ્ણની જેમ જીવન વ્યતિત કરવાનો સમય પાકી ગયો છે, કારણ કે કૃષ્ણે હંમેશાં સકારાત્મક અભિગમ રાખ્યો હતો અને કદી પાછળ વળીને જોયું ન હતું.

મને અહીં એક યુવતી યાદ આવે છે. એણે 21મા વર્ષે તખતા પર પદાર્પણ કર્યું હતું. મોટાભાગના નાટ્ય કલાકારો પોતાનો અવાજ ઘોઘરો કે ભારે કરવાનો પ્રયત્ન કરતા હોય છે અને સિગારેટ પીવાથી અવાજ એવો થતો હોવાની માન્યતાને લીધે ધૂમ્રપાન કરવા લાગે છે. વોઇસ થેરપિસ્ટ તરીકે મને ક્યારેય આ વાત સમજાઈ નથી. એ યુવતીએ પણ ધૂમ્રપાન કરવાનું શરૂ કર્યું. એક દિવસમાં એ વીસ-વીસ સિગારેટ પી જતી. એકાદ વર્ષમાં એક નાટ્ય કલાકાર સાથે એનાં લગ્ન થઈ ગયા. છ મહિનામાં જ એમનું લગ્નજીવન તૂટી ગયું અને એણે દિવસમાં 40 સિગારેટ પીવાનું શરૂ કર્યું. આથી એનો અવાજ સાવ બગડી ગયો. એણે ટૂંક સમયમાં નાટ્યજગત છોડી દેવું પડ્યું.

આજના યુવા વર્ગને બધું ઝડપથી જોઈતું હોય છે, પણ એમણે સમજવું જોઈએ કે કૃષ્ણ ભગવાન હોવા છતાં મહાભારતનું યુદ્ધ ઘણું લાંબું ચાલ્યું હતું. ધર્મ માટે હોવા છતાં એ લડાઈ આટલી લાંબી ચાલી હતી. આજે સરહદ પરના આપણા સૈનિકોએ પણ દુશ્મનોનો ખાતમો કરવા માટે યોગ્ય સમયની રાહ જોવી પડે છે. ઉતાવળિયા નિર્ણયોને કારણે મોટી જાનહાનિ થઈ શકે છે. આજના યુવાનોમાં ધીરજ અને ધગશની કમી છે. આ સ્થિતિને બદલવાની જરૂર છે.

અલગ અલગ સંસ્થાઓમાં કાર્યરત ઘણા યુવાનો સાથે મારી મુલાકાત થતી હોય છે. તેઓ ટેક્નૉલૉજી સારી પેઠે જાણે છે અને રચનાત્મક પણ છે. તેઓ બધાં કામ ઝડપથી કરે છે, પરંતુ જલદી હિંમત હારી જાય છે. ધીરજ અને ખંત એ બન્ને ઘણાં જરૂરી છે. પૈસા કમાવામાં કંઈ ખોટું નથી, પરંતુ તેનો શોર્ટકટ હોતો નથી. મહેનત અને પ્રામાણિકતાથી મળેલું ધન લાંબો સમય ટકે છે. જે માણસ ગુણવત્તાપૂર્ણ સેવા આપે છે એને લાંબા ગાળે લાભ થાય છે.

દરેક સમસ્યાનો કોઈ હલ હોય છે અને જીવનની દરેક બાબતમાં અલગ અલગ દિશાઓ હોય છે. આપણે જે સારું છે એ જ પસંદ કરવું. લોકોની અપેક્ષાઓ પ્રમાણે બદલાવાની જરૂર નથી. પોતે એવાં કામ કરવાં કે બીજાઓ તમારામાં પરિવર્તન ઈચ્છે. યુવાવસ્થા ફક્ત શારીરિક નથી, માનસિક પણ છે. જે વ્યક્તિ પોતાના કૌશલ્ય અને ક્ષમતાઓને વિકસાવી શકે એ યુવાન કહેવાય.

અહીં એક યુવાન શ્રવણમંદ વિદ્યાર્થીનું ઉદાહરણ ટાંકું છું. મારી પાસે આવીને એણે કહ્યું કે પોતે પાકશાસ્ત્રી બનવા માગે છે. રસોઈકળા શીખીને ફાઇવ સ્ટાર હોટેલમાં કામ કરે એવી એની ઈચ્છા હતી. અમારી પાસે આવીને એણે મદદ માગી. ધગશ અને મહેનતના જોરે આજે એ એક ફાઇવ સ્ટાર હોટેલમાં પાકશાસ્ત્રી તરીકે કામ કરે છે.

કૃષ્ણે શીખવ્યું છે કે તમને જે કામમાં આનંદ આવતો હોય એ કામ કરવું. આજની શિક્ષણવ્યવસ્થામાં અનેક વિકલ્પો છે. કોરોના રોગચાળાએ ડિજિટાઇઝેશનનું મહત્ત્વ સમજાવ્યું છે. યુવાનો એમાં માહેર છે. યુવાનોએ ધગશ રાખીને અને એકાગ્રતા સાધીને કામ કરવું. આપણા દેશની સંસ્કૃતિ ઘણી સમૃદ્ધ છે અને માનવતાનું મૂલ્ય દર્શાવવામાં આવ્યું છે. વૈશ્વિક સ્તરે દેશનું નામ રોશન કરવા માટે ચાલો આપણે બધા ભેગા મળીને કાર્ય કરીએ અને આ વિશ્વને ફરીથી સુંદર બનાવીએ.

-------------------------------

 

Comments

Popular posts from this blog

મૈત્રીનો ઉત્સવ આજીવન ઉજવાતો હોય છે

આપણે દરેક તકલીફના લાલ સિગ્નલને આધ્યાત્મિક ઊર્જાની મદદથી લીલું સિગ્નલ બનાવી શકીએ છીએ

'વફાદારી' માત્ર એક શબ્દ નથી, એ તો જીવનશૈલી છે...