ચાલો, ઉત્સવોને ઊજવીને જીવનમાં ઉત્સાહ-ઉમંગ લાવીએ
|| ચાલો, ઉત્સવોને ઊજવીને જીવનમાં ઉત્સાહ-ઉમંગ લાવીએ||
કોઈ પણ સંસ્કૃતિની મહાનતા એના ઉત્સવો પરથી જોઈ શકાય છે. ઉત્સવ કોઈ પણ
દિવસને ઉત્તમ બનાવી શકે છે. ભારતમાં સામાજિક, ધાર્મિક અને રાષ્ટ્રીય ઉત્સવો
ઊજવવામાં આવે છે. જો આપણે ધ્યાનથી જોઈએ તો એ બધાને આપણા જીવન સાથે પ્રત્યક્ષ કે
પરોક્ષ સંબંધ હોય છે. આ પૃથ્વી પર આપણો જન્મ થાય ત્યારે મન કોરી પાટી જેવું હોય
છે. આપણી કેળવણી આપણી આસપાસના વાતાવરણ, સમાજ, માતાપિતા, ગુરુઓ તથા સંપર્કમાં આવતા
દરેક માણસને લીધે થાય છે.
આપણે દેવી-દેવતાઓની વાર્તાઓ પરથી જોઈ શકીએ છીએ કે એમાંથી દરેકે
સૃષ્ટિની રચનામાં અલગ અલગ ભૂમિકા ભજવી હતી. ચંદ્ર, તારા, સૂર્ય, આકાશગંગાઓ, વગેરે
બધા એક જ આકાશમાં હોય છે, પરંતુ એમનું પણ અલગ અલગ કાર્ય હોય છે. પૃથ્વી પર આપણે
મનુષ્યો પણ એકબીજા સાથે રહીએ છીએ, પણ ઝડપી યુગમાં આપણી વ્યક્તિગત ઓળખનો ભોગ લેવાઈ
ગયો છે.
પૃથ્વી પર જન્મ લેનાર દરેક બાળકે બીજાઓની જેમ જ ભાષા અને બોલી શીખવાની
હોય છે. એ બાળક બીજાઓને જોઈને પોતાની એક અલગ તરેહ વિકસાવે છે. કૃષ્ણના જન્મદિવસને
આપણે જન્માષ્ટમી તરીકે ઓળખીએ છીએ. આજે પણ ગોવાળોની જેમ કેટલાક લોકો મટકી ફોડે છે. મટકી
ફોડતી વખતે કોઈ જાત-પાતનો ભેદભાવ હોતો નથી. આવા ઉત્સવો આપણી એકતા દર્શાવે છે. સાથે
સાથે આપણે ભગવાન કૃષ્ણ પરની આસ્થા પણ જોઈ શકીએ છીએ. દરેક શુભ કાર્યની શરૂઆતમાં
આપણે ગણેશજીની સ્થાપના અને પૂજન-અર્ચન કરીએ છીએ. ગણપતિ આપણાં બધાં વિઘ્નો દૂર કરતા
હોવાથી એમને વિઘ્નહર્તા કહેવાય છે.
આપણા આ બધા ઉત્સવો જ એક સુસંસ્કૃત સમાજ તરીકેની આપણી ઓળખ પ્રસ્થાપિત
કરે છે. ઉત્સવોમાં આપણા પરિવારો ભેગા આવે છે અને સંબંધો વધુ ઘનિષ્ઠ બને છે. સમગ્ર
દેશમાં ઊજવાતો દિવાળીનો તહેવાર શ્રદ્ધાના દીપ પ્રગટાવવા માટેનો છે. આપણે એ જોવું
જોઈએ કે આ દીવડાઓ ફક્ત આપણાં ઘરને નહીં, પણ બધાનાં ઘરને અજવાળે.
આપણાં બાળકોને આપણા સમાજ અને દેશનાં મૂલ્યો તથા સંસ્કૃતિ વિશે માહિતી
આપવી જોઈએ, જેથી એમનામાં યોગ્ય સમજ કેળવાય. આપણે ગણેશોત્સવ કે બીજા અનેક તહેવારોની
તૈયારીઓ ઘણા દિવસ પહેલેથી કરવા લાગીએ છીએ. તૈયારીઓ થઈ ગયા પછી આપણે એ સપરમા દિવસની
રાહ જોવા લાગીએ છીએ. ગણેશોત્સવની વાત કરીએ તો, આપણે સગાં-વહાલાઓને નિમંત્રણ આપીએ
છીએ અને ભેગા મળીને ઉત્સવ ઊજવીએ છીએ. આપણે ભગવાન માટે ભોગ બનાવીએ છીએ, શણગાર કરીએ
છીએ તથા સાથે મળીને પ્રસાદ આરોગીએ છીએ. આમ છતાં, પોતાને ત્યાંનો શણગાર અને તૈયારીઓ
બીજા બધા કરતાં અનેરી હોય એવો આપણો પ્રયત્ન હોય છે. આપણે બધું ભૂલીને
પૂજા-અર્ચનામાં ધ્યાનમગ્ન થઈ જઈએ છીએ. આપણે કોરોનાના ભયંકર રોગચાળા વખતે પણ
સારામાં સારી રીતે ઉત્સવોની ઊજવણી કરી છે.
હવે ઉપરોક્ત લખાણ ફરીથી વાંચી જાઓ અને વિશ્લેષણ કરો. તમને સમજાઈ જશે
કે ઉત્સવોની ઊજવણીની જેમ જ રોજની તૈયારીઓ કરીએ તો આપણા માટે દરેક દિવસ ઉત્સવ બની
જાય છે. આપણે બધા ભેદભાવ ભૂલીને, દરેક પડકારનો સામનો કરીને દરેક દિવસને ઉત્સવ બનાવી
શકીએ છીએ, ખરું ને?
અમારી સંસ્થા - જોશ ફાઉન્ડેશનના
કાર્યક્રમોમાં અમે દર વખતે નવો કોન્સેપ્ટ લઈ આવીએ છીએ. તેમાં શ્રવણમંદ બાળકોને
પોતાનું કૌશલ્ય દર્શાવવાની તક મળે છે. એ કાર્યક્રમ માટે તૈયારી કરવા શ્રવણમંદ
બાળકોની દરેક શાળાને બે મહિનાનો સમય આપવામાં આવે છે. દરેક વખતે અલગ કોન્સેપ્ટ
હોવાથી બાળકોને એ વિષયનું જ્ઞાન મળે છે. આ રીતે તેઓ ધર્મ, સંસ્કૃતિ, રહેણીકરણી,
વગેરે બાબતો જાણી શકે છે. એ જાણકારી મેળવ્યા બાદ તેઓ પોતાના મગજનો ઉપયોગ કરીને કાર્યક્રમ
તૈયાર કરે છે. જો નૃત્યનો કાર્યક્રમ રાખ્યો હોય તો અમે ભારતના તહેવારોથી માંડીને
સ્વાતંત્ર્ય સંગ્રામ, વગેરે અનેક ખાસિયતોને આવરી લેતાં નૃત્યો કરવાનું કહીએ છીએ. ઔપચારિક
શિક્ષણ કરતાં આ રીતે મળતું શિક્ષણ વધુ અસરદાર પુરવાર થાય છે. નૃત્ય દ્વારા આ બાળકો
એકબીજા સાથે સમન્વય સાધતાં શીખે છે. આ વાત આપણા ઉત્સવોની સાથે મળીને થતી ઊજવણી
જેવી જ છે.
હોળીના તહેવારની વાત કરીએ તો આ ઉત્સવ પણ ભેગા
મળીને આનંદ કરવાનો છે. એકબીજાને સ્નેહના રંગથી રંગી દેવામાં આવે છે અને તેના
દ્વારા જીવનમાં ઊર્જા અને આશા તથા સકારાત્મકતા ઊમેરવામાં આવે છે. ઈદ, મહાવીર
જયંતી, બૌદ્ધ જયંતી, ક્રિસમસ, દિવાળી એ બધા જ ધર્મના તહેવારો પણ ઊજવવામાં આવે છે. એ
બધા ઉત્સવોની ઊજવણી વખતે બધા ભેદભાવો ભૂલી જવામાં આવે છે. ક્રિસમસમાં અને
દિવાળીમાં બીજાઓને ભેટ આપવાની પરંપરા છે. આપણે કરુણાની તથા સ્નેહની ભેટ આપી શકીએ
છીએ. આપણે આ તહેવારોને નિમિત્ત બનાવીને દરરોજ નવી શરૂઆત કરી શકીએ છીએ.
એક અંકલ મને જન્મદિવસની શુભેચ્છાઓ આપવા માટે
મારી ક્લિનિકે આવવા માગતા હતા. તેઓ મને ચખાવવા માટે એક સિંધી મીઠાઈ પણ લઈ આવવાના
હતા, પરંતુ એ દિવસે તેઓ બીમાર થયા. એ વાતને બે મહિના વીતી ગયા પછી એમનો ફોન આવ્યો.
તેઓ મીઠાઈ લઈને આવવા માગતા હતા. એમનું નિવેદન હૃદયસ્પર્શી હતું. એમણે કહ્યું, "હું તમારા
જન્મદિવસે આવી શક્યો નહીં, પરંતુ હું ઈચ્છું છું કે તમે જન્મદિવસ જેટલી જ ખુશી
દરરોજ અનુભવો. આથી હું મીઠાઈ લઈને આજે આવી રહ્યો છું." એમના આ શબ્દો આજીવન યાદ
રહી જશે.
મિત્રો, ખરું પૂછો તો આ તહેવારો આપણને જીવન
નવી દૃષ્ટિએ જોવાની તક પૂરી પાડે છે. દરેક દિવસ પડકારભર્યો હોય છે, પણ તહેવારના
દિવસો આપણા મનને શાતા આપનારા હોય છે. આ દિવસોએ આપણે પોતપોતાના ઈષ્ટદેવનું સ્મરણ
કરીને એમની સાથે સંધાન સાધી શકીએ છીએ. ઈશ્વર આપણને મોટા ખર્ચ કરીને ક્રિયાકાંડ
કરવાનું કહેતા નથી. આપણે યથાશક્તિ ભક્તિ કરવાની હોય છે. દરેક જણ પોતપોતાની રીતે
જીવનમાં નવા રંગ ઉમેરી શકે છે.
કોરોનાનો સમય ઘણો કપરો રહ્યો છે. આ અરસામાં
બીજું કંઈ સૂઝતું ન હતું. આમ છતાં, કૃષ્ણ જન્માષ્ટમી અને ગણેશોત્સવ દરમિયાન બધાના
જીવનમાં ઉમંગ અને ઉત્સાહ આવી ગયાં હતાં. ભારતમાં સાંસ્કૃતિક મૂલ્યો હજી જીવંત છે. આપણે
પોતપોતાની શ્રદ્ધાના આધારે તહેવારોની ઊજવણી કરી શકીએ છીએ. આખરે ઉત્સવોનો ઉદ્દેશ્ય જીવનમાં
નવો ઉત્સાહ રેડવાનો છે.
-------------------
Comments
Post a Comment