ચાલો, જીવનના પ્રકાશમાંથી શ્વેત રંગ શોધીએ!
||ચાલો, જીવનના પ્રકાશમાંથી શ્વેત રંગ શોધીએ! ||
પ્રકાશ વગર જીવન
સંભવ નથી અને શ્વેત રંગ વગર બીજો કોઈ રંગ સંભવ નથી. સફેદ રંગ આશાનું પ્રતીક છે.
એટલું જ નહીં, એ રંગ શાંતિ, નિર્દોષતા, પૂર્ણતા, શુદ્ધતા, સ્પષ્ટતા, સાદગી,
સ્વચ્છતા, પ્રારંભ, સમાનતા, એકતા, મુક્તિ અને જાગૃતિનું પણ પ્રતીક મનાય છે.
હવે આપણે એ સમજવાનો
સમય આવી ગયો છે કે જો આપણે સફેદ રંગનું મૂલ્ય યોગ્ય રીતે સમજી લઈએ તો જ આપણા
જીવનમાં બીજા રંગો ઉમેરી શકીએ છીએ. આપણે સકારાત્મકતા, સારાપણું લાવવાનું છે અને
સ્વની ઓળખ કરીને નવેસરથી જીવનને માણવાનું શરૂ કરવાનું છે.
મને લાગે છે કે જો
આપણે આ કામ કરવામાં સફળ રહીશું તો પરીકથાના ચમત્કાર જેવી એ ઘટના હશે. તેનાથી આપણે
નવપલ્લવિત થઈશું અને તળાવમાં પાણીના આંતરિક ખળખળાટ વચ્ચે પણ શાંતિપૂર્વક તરતા
હંસની જેમ આપણે પોતાના જીવનમાં શાંતિ લાવીશું.
તમે ધ્યાનથી જોશો
તો ખયાલ આવશે કે આપણા દેશનાં મોટાભાગનાં મંદિરોમાં શ્વેત રંગનો કોન્સેપ્ટ રાખવામાં
આવ્યો છે, કારણ કે તેમાં શુદ્ધતા, દૈવીપણું અને શાંતિ સમાયેલાં છે.
જેઓ ઈશ્વરમાં અને
પ્રેમમાં માને છે તેઓ સફેદ રંગનું મહત્ત્વ સમજે છે. વૃંદાવનમાં રાધા-કૃષ્ણના
પ્રેમના પ્રતીક સમાન 'પ્રેમ
મંદિર' શુભ્ર આરસપહાણનું બનાવાયેલું છે. દૂરથી પણ એ મંદિરને
જોઈએ તો દિવ્યતાનો અનુભવ થાય છે. સફેદ આરસપહાણથી બનાવાયેલાં મંદિરો શાંતિ બક્ષે છે
અને જ્યારે આપણે ત્યાં જઈને પ્રાર્થના કરીએ છીએ ત્યારે પ્રભુની હાજરીમાં પ્રેમની
હૂંફ તથા સલામતી અનુભવાય છે.
મંદિરમાં જઈને
આપણે જીવનની બધી તકલીફો ભૂલી જઈએ છીએ, કારણ કે ત્યાં જીવનનો પ્રકાશ રેલાતો હોય છે.
ઈશ્વરની શ્વેત પ્રતિમા જોઈને શાંતિ અને પ્રેમના તરંગોનો પણ અનુભવ થાય છે. પ્રભુ
આપણને એ જ કહેવા માગે છે કે ખરું સૌંદર્ય સાદગીમાં રહેલું છે.
ઇન્દ્રદેવતાના
કોપને લીધે મથુરામાં ભારે વરસાદથી પૂર આવ્યું ત્યારે શ્રીકૃષ્ણને ટચલી આંગળીએ
ગિરિરાજ (ગોવર્ધન પર્વત) ઊંચક્યો હતો. ગોવર્ધન માટે મથુરાનાં તમામ ગોપ-ગોપીઓએ પ્રાર્થના
કરી હતી. કહેવા માટે તો એ ફક્ત પર્વત છે, પરંતુ તેની અંદર દિવ્યતા રહેલી છે. આજે
પણ ગોવર્ધન પર્વત એવો ને એવો જ સાદો છે. લોકો જ્યારે તેની પરિક્રમા કરે છે ત્યારે શાંતિનો
અનુભવ કરે છે. તેની હાજરીમાં હૂંફ અનુભવાય છે.
આપણા દેશનાં લગભગ
બધાં જ ધર્મોનાં પ્રાર્થનાસ્થળો એટલે કે મંદિરો સફેદ રંગનાં હોય છે. તેનાથી જીવન
પ્રત્યે સકારાત્મક દૃષ્ટિએ જોવાનો સંદેશ મળે છે. આપણા જીવનમાં સ્પષ્ટતા હોય ત્યારે
જ આ વાત સમજી શકાય છે. આપણી આસપાસનું વાતાવરણ જે રીતે સ્વચ્છ હોવું જોઈએ એ જ રીતે
આપણે પ્રભુના દરબારમાં જઈએ ત્યારે મન સ્વચ્છ હોવું જોઈએ. એ હોય તો જ ત્યાંથી
સકારાત્મક ઊર્જા પ્રાપ્ત થાય છે.
તમામ લોકોને
પોતાની ઈચ્છા મુજબ કોઈ પણ ધર્મના પ્રાર્થનાસ્થળમાં જવાની છૂટ હોવી જોઈએ. આવી એકતા
રાખીશું તો જ ઈશ્વર આપણા પર ખુશ થશે, કારણ કે તેણે રચેલી દુનિયામાં મૂળમાં કોઈ જ
ભેદ નથી.
સફેદ રંગ આપણા
જીવનના સકારાત્મક વિચારો જેવો છે. જો આપણે તેમાં બીજા રંગ ભેળવવા માગતા હોઈએ તો
તેના માટે સકારાત્મક ભાવના અને કાર્યો કરવાની જરૂર હોય છે.
અમે શ્રવણમંદ લોકો
માટે જોશ ફાઉન્ડેશનની સ્થાપના કરી ત્યારે લોકોને મદદરૂપ થવાની સકારાત્મક ભાવના
રાખવામાં આવી હતી. શ્રવણમંદ લોકોના જીવનમાં પરિવર્તન લાવવા માટે મૂળથી શરૂઆત
કરવાની જરૂર હોવાથી અમે શ્રવણમંદ બાળકોથી પ્રારંભ કર્યો. આપણા દેશમાં આવાં બાળકો
માટે આશરે 450 શાળાઓ છે. એમાંથી મોટાભાગની શાળાઓ લાંબા સમયથી ચાલી રહી છે અને
તેમાં સાંકેતિક ભાષા શીખવવામાં આવે છે. એ બાળકો પહેલાં સાંભળતાં અને પછી બોલતાં
થાય એ માટે અમે દરેકને ડિજિટલ શ્રવણયંત્ર આપવાની જરૂરિયાતનો અનુભવ કર્યો. આજ
સુધીમાં અમે આવી 12 શાળાઓનાં તમામ બાળકોને ડિજિટલ શ્રવણયંત્રો આપ્યાં છે. હજી ઘણું
કામ કરવાનું બાકી છે. પાયો ચણાઈ ગયા પછી ઈમારત ઊભી કરતાં વાર નથી લાગતી. આ જ રીતે
અમે પાયો રચ્યો છે, હવે ઈમારત ઊભી કરવાની છે.
શ્રવણમંદ લોકો
સમાજના મુખ્ય પ્રવાહમાં ભળશે તો તેઓ દેશ માટે ઘણું કામ કરી શકશે અને કોઈના પર બોજ
નહીં બને. આપણે એમને મુખ્ય પ્રવાહમાં ભેળવવાના છે.
સમાજમાં પરિવર્તન
લાવવા માટે સકારાત્મક અને પ્રસન્ન રહેવાની જરૂર હોય છે. તેના માટે પ્રગતિમાં
માનનારા સમાન વિચારસરણી ધરાવતા લોકોને સાથે લેવાના હોય છે. અમારા ફાઉન્ડેશનની
શરૂઆતમાં લોકોને ડિજિટલ શ્રવણયંત્રનું મહત્ત્વ સમજાવવાનું ઘણું મુશ્કેલ હતું, કારણ
કે આ યંત્રોની કિંમત વધારે હોય છે. ઓછી કિંમતનાં શ્રવણયંત્રો આપીએ તો વધુ લોકો
સુધી પહોંચી શકાય એવું અમને કહેવામાં આવતું, પરંતુ વધુ સંખ્યામાં શ્રવણયંત્રો આપવા
કરતાં દરેકને મહત્તમ લાભ થાય એવાં ડિજિટલ શ્રવણયંત્રો આપવાનું વધારે મહત્ત્વનું છે
એ અમે સારી રીતે જાણતા હતા. ધીમે ધીમે લોકોને પણ એ મહત્ત્વ સમજાવા લાગ્યું છે.
અમે જોયું છે કે
શ્રવણમંદ બાળકોમાં સકારાત્મકતા લાવવા માટે ગુણવત્તાપૂર્ણ કાર્ય અને સહકારની જરૂર
હોય છે. અમે ભલે ઓછી સંખ્યામાં ડિજિટલ શ્રવણયંત્રો આપી શક્યા છીએ, પરંતુ જેમને પણ
આપ્યાં છે તેમના જીવનમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. એમના જીવનમાં ખુશીનાં મેઘધનુષ
રચાઈ ગયાં છે.
સફેદ રંગ
પૂર્ણતાનું પણ પ્રતીક છે. આપણે જાણીએ છીએ કે એક જમાનામાં બ્લૅક ઍન્ડ વ્હાઇટ
ફોટોગ્રાફી થતી, આજે રંગીન છે. શ્વેત રંગ બધા જ રંગોનું ઉદભવસ્થાન ગણાય છે. મહાત્મા
ગાંધી, સ્વામી વિવેકાનંદ, મધર ટેરેસા એ બધી હસ્તીઓ સાદગીમાં માનતી હતી. તેમણે
બીજાઓ માટે જીવન સમર્પિત કરી દીધું હતું. આપણે એમના આદર્શોની વાતો કરીએ છીએ, પરંતુ
ખરી રીતે તો એમનું થોડુંઘણું અનુકરણ કરીએ તોપણ સારું. આપણે જ્યારે પણ મહાન
વ્યક્તિઓ વિશે વિચાર કરીએ ત્યારે મનમાં સકારાત્મક ઊર્જા અને સ્નેહની હૂંફ સર્જાય
છે. આપણે એમની વાતો સાંભળતી વખતે પોતાની પીડાઓ પણ ભૂલી જઈએ છીએ.
સફેદ ગુલાબ શાંતિ,
સફેદ કબૂતર પ્રેમ અને આપણા રાષ્ટ્રધ્વજમાંનો સફેદ રંગ શુદ્ધતાનું પ્રતીક છે. પવિત્ર
સ્થળોના સફેદ આરસપહાણ પ્રેમની હૂંફ આપે છે. રજનીગંધા ફૂલ સફેદ રંગનાં હોય છે. તેની
સુગંધ ઘણી જ સારી હોય છે. વિશ્વની સાત અજાયબીઓમાંનો તાજમહેલ પણ સફેદ છે. એ પણ
પ્રેમનું પ્રતીક છે.
જીવનના
પ્રકાશમાંથી શ્વેત રંગ શોધવો એ આપણા અંતરાત્માને સમજવા જેવું કામ છે. આપણે એ રંગને
શોધીને જીવનનું મેઘધનુષ બનાવવાનું છે.
-----------
Comments
Post a Comment