અસરકારક સંદેશવ્યવહાર માટે આપણું શારીરિક અને માનસિક આરોગ્ય જરૂરી છે

||અસરકારક સંદેશવ્યવહાર માટે આપણું શારીરિક અને માનસિક આરોગ્ય જરૂરી છે|| 

સંદેશવ્યવહાર આપણા જીવનનો અંતરંગ હિસ્સો છે. તેના દ્વારા વિશ્વ આજે સાવ નાનકડું લાગે છે અને લોકો પલકવારમાં વિશ્વના કોઈપણ ખૂણે વાતચીત કરી શકે છે. સંદેશવ્યવહારનાં સાધનો આજે એટલી સરળતાથી ઉપલબ્ધ થઈ ગયાં છે કે કોરોનાના રોગચાળા દરમિયાન લોકોએ ઇલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા પોતાનાં કામકાજ કરવા ઉપરાંત સમગ્ર વિશ્વ સાથે સંપર્ક જાળવી રાખ્યો છે. આજનું સોશિયલ મીડિયા પણ અદ્યતન ટેક્નૉલૉજીને આભારી છે.

સંદેશવ્યવહાર સરળ થઈ ગયો હોવાથી આપણે વૈશ્વિક દૃષ્ટિકોણ રાખી શકીએ છીએ અને વિશ્વ સુંદર લાગે છે. જોકે, આપણે સંદેશવ્યવહારનાં કેટલાંક અગત્યનાં પાસાં બાબતે સભાન થવાની જરૂર છે.

આ સૃષ્ટિમાં એકમાત્ર મનુષ્ય એવો જીવ છે, જે વૈચારિક શક્તિ ધરાવવા ઉપરાંત ભાષાના માધ્યમથી એકબીજા સાથે સંદેશવ્યવહાર કરી શકે છે. જો આપણે સંદેશવ્યવહાર કેવી રીતે સુધારવો એ સમજી શકીએ તો આપણા જીવનમાં ઘણો વિકાસ અને પરિવર્તન આવી શકે છે. પરિવર્તન દ્વારા આપણે ફક્ત કોઈ એક સમાજને કે એક દેશને નહીં, પરંતુ સમગ્ર વિશ્વને બદલી શકીએ છીએ. કોઇ પણ વ્યક્તિને જીવનનાં બધાં જ ક્ષેત્રોનું જ્ઞાન હોય એ શક્ય નથી. આથી આપણે સંદેશવ્યવહાર મારફતે એકબીજાને સહયોગ આપવાનો છે.

ભગવાન કૃષ્ણ મનુષ્યને ધર્મજ્ઞાન આપવા ઇચ્છતા હતા. તેથી એમણે પોતાના ભક્ત મહાપ્રભુજીને કહ્યું કે તેઓ વિવિધ પ્રદેશોમાં જઈને એ જ્ઞાન આપે. આથી મહાપ્રભુજીએ એમના સંદેશનો પ્રસાર કર્યો. એમણે ધર્મ અને કર્મનું જ્ઞાન આપવા ઉપરાંત પૃથ્વી પરના અસ્તિત્વનો અર્થ સમજાવ્યો.

મનુષ્ય પરસ્પર સહકાર અને પ્રેમથી જ જીવંત રહી શકે છે. ફક્ત પુષ્ટિ સંપ્રદાયમાં નહીં, પરંતુ દરેક ધર્મમાં આ વાત કરવામાં આવી છે. ભગવાનમાં શ્રદ્ધા અને પોતાનામાં આત્મવિશ્વાસ હોય તો માણસ પ્રભુની પ્રીતિ પ્રાપ્ત કરી શકે છે. એક સમયે સંદેશવ્યવહાર ફક્ત વ્યક્તિગત હતો, પરંતુ આજે સંદેશવ્યવહાર માટે અનેક માધ્યમો ઉપલબ્ધ છે અને ક્ષણવારમાં વિશ્વના કોઈપણ ખૂણે સંપર્ક સાધી શકાય છે. આપણે સંદેશવ્યવહારથી ભલે નજીક આવ્યા છીએ પણ શું ખરેખર મનથી નિકટ આવ્યા છીએ? કોરોના રોગચાળાએ આપણને સમજાવ્યું છે કે ફક્ત સંદેશવ્યવહાર કરવાથી નથી ચાલતું. એ સંદેશવ્યવહાર સકારાત્મક અભિગમ સાથેનો હોવો જોઈએ. અહીં જણાવવું રહ્યું કે સંદેશવ્યવહારમાં ભાષાનું મહત્ત્વ ફક્ત ૨૦ ટકા છે. બાકીના ૮૦ ટકા તો આપણા મનની ભાવનાઓ જોડે સંકળાયેલા હોય છે. આથી જ કહેવાનું કે જો સંદેશવ્યવહાર દ્વારા સકારાત્મક તરંગો સર્જાય અને સકારાત્મક ઊર્જાનું સર્જન થાય તો જ પ્રેમનો સંદેશ આગળ વધે છે અને તેના દ્વારા સમગ્ર સૃષ્ટિમાં પ્રેમ ફેલાય છે.

આજે આપણા પરિવારમાં વડીલોને સૌથી વધુ ધ્યાન આપવાની આવશ્યકતા છે. આપણે એમની કાળજી રાખવાની તથા તેમનો આદર કરવાની જરૂર છે આ સૃષ્ટિનું અસ્તિત્વ ભગવાનના આશીર્વાદ અને આપણા માતા-પિતાના આશીર્વાદ થકી જ શક્ય છે. આજના યુવાનોમાં સર્જનાત્મકતા છે અને તેઓ ટેક્નૉલૉજીનો ભરપૂર ઉપયોગ કરી શકે છે, પણ શું આપણા વડીલો સાથે આપણે સકારાત્મક સંદેશવ્યવહાર કરી શકીએ છીએ? સંદેશવ્યવહાર માટે બોલવાની, સાંભળવાની, વાંચવાની અને લખવાની એ બધી જ કુશળતાઓ આવશ્યક હોય છે. આપણે આ કૌશલ્યો પ્રાપ્ત કરવા માટે સમગ્ર વિશ્વમાંથી પ્રેરણા લેવાની હોય છે. મને શ્રવણમંદ બાળકો સાથે કામ કરીને પ્રેરણા પ્રાપ્ત થાય છે. હું યોગ્ય ટેક્નૉલૉજીની મદદથી એ બાળકોનું પુનઃવસન કરી શકું છું. એમના પુનઃવસન દ્વારા એમને સાંભળવાની, બોલવાની અને લખવાની શક્તિ આપવામાં આવે છે. આ જ રીતે આપણે સૌ મનુષ્યોએ પોતાની સકારાત્મક શ્રવણશક્તિ વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ. જો આપણે સકારાત્મક વાતો સાંભળીશું તો સકારાત્મક બોલી-લખી શકીશું અને તેના દ્વારા વિશ્વમાં સકારાત્મકતા ફેલાશે. આપણે યોગ્ય સંદેશવ્યવહાર જાળવી રાખવાની જરૂર છે.

સંદેશવ્યવહાર માટે શારીરિક અવયવો પણ યોગ્ય સ્થિતિમાં હોવા આવશ્યક છે. બરોબર સાંભળવા માટે કાન અને બોલવા માટે જીભ ખામીરહિત હોવાં જોઈએ. એમાં ક્યાંય સમસ્યા હોય તો તેનો હલ લાવવો જોઈએ. અમે બાળકોની શ્રવણશક્તિ ચકાસવા માટે સામાન્ય બાળકોની સંખ્યાબંધ શાળાઓની મુલાકાત લીધી અને તેમાં જણાઈ આવ્યું કે દર ૧૦૦માંથી ૮૦ બાળકોના કાનમાં મેલ હોવાને લીધે સાંભળવામાં તકલીફ પડતી હોય છે. જો તેઓ વર્ગમાં બરોબર સાંભળી શકે નહીં તો એમની એકાગ્રતા પણ ઘટે છે અને છેવટે શિક્ષણમાં તેઓ નબળાં રહી જાય છે. આથી યોગ્ય સંદેશવ્યવહાર માટે કાનની સ્વચ્છતા જેવી નાનકડી બાબત પણ ઘણી મોટી ભૂમિકા ભજવે છે. વાચાની વાત આવે ત્યારે શ્વસનતંત્ર, પાચનતંત્ર અને મજ્જાતંત્ર એ ત્રણેય તંદુરસ્ત હોવાં આવશ્યક છે. આજના ઝડપી યુગમાં આ બાબત તરફ દુર્લક્ષ થઈ જાય છે.

આપણે વૈચારિક શક્તિનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ એ પણ અગત્યનું છે. સંદેશવ્યવહાર માટે મનુષ્યની સર્જનશક્તિ પણ ઉપયોગી હોય છે. મનુષ્યને વિશ્વનું કેટલું જ્ઞાન છે એના આધારે સર્જનશક્તિ ખીલે છે. ચોથું અને સૌથી અગત્યનું પાસું આત્મવિશ્વાસ છે. આપણે જોયું છે કે આત્મવિશ્વાસ ન હોય એવી વ્યક્તિઓ બોલવામાં અચકાય છે. એવું કહેવાય છે કે જો તમે આત્મવિશ્વાસપૂર્વક અરીસામાં જોઈ શકો તો દુનિયાનો પણ સામનો કરી શકો છો.

મનુષ્યની પરસ્પરની હૂંફ પણ સંદેશવ્યવહાર માટે આવશ્યક છે. તેની સાથે સાથે જોઈએ છે ઇશ્વર સાથેનું સંધાન. જે રીતે ભગવાન કૃષ્ણે અર્જુનમાં આત્મવિશ્વાસ જગાવ્યો એ જ રીતે આપણે પણ ભગવાન સાથે સંધાન સાધીને આત્મવિશ્વાસ કેળવી શકીએ છીએ. આપણને જીવનમાં શેની જરૂર છે એ બાબતે જો આપણે સભાન થઈ જઈએ તો આપણે જીવનમાં સફળતા પ્રાપ્ત કરી શકે છે અને જીવન વધુ સરળ બનાવી શકીએ છીએ. આપણે વિચારશૈલી બદલાવીએ તો જીવનમાં પણ પરિવર્તન આવી શકે છે. મારી પાસે એક શ્રવણમંદ કન્યા સારવાર કરાવવા આવી હતી. આજે એ પોતાનો બિઝનેસ ધરાવે છે. એક વખત મેં એને પૂછ્યું કે જીવનમાં એ શું કરવા માગે છે. એનો જવાબ હતો, ‘‘હું એવી વ્યક્તિ બનવા માગુ છું જેણે કોઈની પણ સામે ઝુકવું પડે નહીં.’’ આ જ આત્મવિશ્વાસના જોડે આજે એ શ્રવણમંદ કન્યા આંત્રપ્રિન્યોર બની શકી છે. તેણે પોતાના જીવનમાં જે ધાર્યું હતું એ આજે કરી રહી છે. એના માટે કંઇ પણ અશક્ય નથી. આપણે એકબીજા સાથે કેટલો સરળતાથી અને અસરકારક રીતે વાર્તાલાપ કરી શકીએ છીએ તેના પર આપણી સફળતાનો આધાર હોય છે.

આજે સમગ્ર વિશ્વમાં વ્યક્તિના સર્વાંગી વિકાસની વાતો થઇ રહી છે. અમે શ્રવણમંદ બાળકો માટેના જોશ ફાઉન્ડેશનમાં ખેલકૂદને પણ એટલું જ પ્રાધાન્ય આપ્યું છે. બાળકોને સાંભળતાં, બોલતાં અને સામાન્ય શાળાઓમાં ભણતાં કર્યા બાદ તેમને રમત-ગમતમાં પણ સક્રિય કરવાનો ઉદ્દેશ્ય રાખવામાં આવ્યો છે. એનું કારણ એ છે કે ખેલકૂદ દ્વારા એમનામાં આત્મવિશ્વાસ વધે છે અને તેઓ વધુ સારી રીતે સંદેશવ્યવહાર કરી શકે છે અને જીવનમાં પોતાના માર્ગે આગળ વધી શકે છે. મારું માનવું છે કે અસરકારક સંદેશવ્યવહાર માટે આપણું શારીરિક અને માનસિક આરોગ્ય જરૂરી છે. આપણા મન, શરીર અને આત્મા વચ્ચે સુમેળ હોય તો આપણે સંદેશવ્યવહારનાં તમામ પાસાં બરોબર સાચવીને જીવનમાં પ્રગતિ કરી શકીએ છીએ. તો ચાલો, આપણે સકારાત્મકતા ફેલાવવા માટેનો સંદેશ પ્રસારિત કરીએ.

--------------------------------------

Comments

Popular posts from this blog

મૈત્રીનો ઉત્સવ આજીવન ઉજવાતો હોય છે

આપણે દરેક તકલીફના લાલ સિગ્નલને આધ્યાત્મિક ઊર્જાની મદદથી લીલું સિગ્નલ બનાવી શકીએ છીએ

'વફાદારી' માત્ર એક શબ્દ નથી, એ તો જીવનશૈલી છે...