આપણને એવા વ્યાવસાયિકોની જરૂર છે, જેઓ પોતાના ઉત્તમ ગુણ અને કાર્યક્ષમતા દર્શાવીને આ વિશ્વને વધુ સુંદર બનાવી શકે

|| આપણને એવા વ્યાવસાયિકોની જરૂર છે, જેઓ

પોતાના ઉત્તમ ગુણ અને કાર્યક્ષમતા

દર્શાવીને આ વિશ્વને વધુ સુંદર બનાવી શકે ||

આપણે દરેક પરિવારમાં કહેવા લાગ્યા છીએ કે શિક્ષણનું ઘણું જ મહત્ત્વ છે. જોકે, ફક્ત શિક્ષણ લેવાથી કામ પૂરું થતું નથી. આપણે વ્યવસાયમાં તેનો અમલ કેવી રીતે કરીએ છીએ એ પણ અગત્યનું છે. કોઈ પણ વ્યવસાયમાં વ્યાવસાયિકનું વલણ, તેનો અભિગમ ઘણી મોટી ભૂમિકા ભજવે છે.

રોજીરોટી કમાવા માટે ઓછામાં ઓછું સ્નાતક સ્તર સુધીનું શિક્ષણ આવશ્યક છે. એક સમયે દરેક પરિવારમાં વધારે બાળકો હતાં અને શાળાઓની સંખ્યા ઓછી હતી. શિક્ષણ માટેની સુવિધાઓ પણ ઘણી ઓછી હતી, કારણ કે એની માગ વધારે ન હતી.

આજના સમયમાં શિક્ષણમાં પસંદગીના અનેક અવસર ઉપલબ્ધ છે. વિજ્ઞાનમાં જે રીતે મોટાં પરિવર્તનો આવ્યાં છે એ જ રીતે શિક્ષણમાં પણ ફેરફારો થયા છે. આથી દરેક બાળકની રુચિ પ્રમાણે શિક્ષણ ક્ષેત્ર પસંદ કરીને જીવનમાં તેનો અમલ થવો જરૂરી છે.

ઘણા કળાકારોએ બનાવેલાં ચિત્રો આપણને ગમે છે, કારણ કે એમાં સુંદર રંગ ભરેલા હોય છે. રંગોનું મિશ્રણ, ચિત્રની પાછળનો કોન્સેપ્ટ અને ચિત્રકારે કરેલી રજૂઆત એ બધાને પગલે ચિત્ર સુંદર લાગતું હોય છે. એ જ રીતે દરેક વ્યાવસાયિક પોતાના જ્ઞાનનો ઉપયોગ કેટલી સારી રીતે કરીને કેટલી અસરકારક રજૂઆત કરે છે તેના પરથી એના કામની ગુણવત્તા નક્કી થાય છે.

વ્યક્તિનો કામ પ્રત્યેનો અભિગમ અને રુચિ એમાં ઝળકતાં હોય છે. અગાઉના સમયમાં લોકો પરિશ્રમને ઘણું મહત્ત્વ આપતા. બીજા કરતાં અલગ કંઈક કરીને પોતાની આગવી ઓળખ ઊભી કરતા. દા.ત. અર્જુન ધનુર્વિદ્યામાં પારંગત હતા, બિરબલની બુદ્ધિ વિચક્ષણ હતી, વગેરે. એમને પણ એમના ગુરુઓ પાસેથી જ શિક્ષણ મળ્યું હતું. અર્જુન ભલે સારો બાણાવળી હતો, પણ એણે પોતાના જ્ઞાનનો જીવનમાં ઉપયોગ કરવાનો આવ્યો ત્યારે કૃષ્ણ પાસેથી માર્ગદર્શન લેવું પડ્યું હતું. બિરબલે પોતાના જ્ઞાનનો પરચો બતાવવા માટે વાર્તાઓ કહેવી પડતી અને ઉદાહરણો આપવાં પડતાં. આજનું કૉર્પોરેટ જગત વ્યાવસાયિક પાસેથી સારા પ્રેઝન્ટેશનની અપેક્ષા રાખે છે.

હું માનું છું કે શિક્ષણમાં શીખેલી વસ્તુઓનો સર્વોત્તમ ઉપયોગ કરવા પર લક્ષ આપવું જોઈએ. આપણે પોતાના આંતરિક ગુણના આધારે શિક્ષણ ક્ષેત્રની પસંદગી કરીએ છીએ, અન્યોની દેખાદેખી અને સ્પર્ધા કરવા માટે નહીં. પોતાની ઈચ્છા અને રુચિ પ્રમાણે ક્ષેત્ર પસંદ કર્યું હોય તો એમાં આનંદ આવે છે અને ઉત્તમ કાર્ય થઈ શકે છે. એમ કરવામાં માણસને એવું કંઈક પ્રાપ્ત થાય છે, જે પોતે કદી વિચાર્યું ન હોય. આમ, સખત મહેનતથી પોતાની શક્તિનો ઉત્તમ ઉપયોગ કરીને આનંદિત રહી શકાય છે.

ગુંજન સક્સેના નામની ભારતીય હવાઈદળની પાઇલટનું ઉદાહરણ પ્રેરણાદાયી છે. તેણે સખત પરિશ્રમ કરીને પદવી મેળવી અને આજે એ પોતાના કામનો આનંદ લઈ રહી છે. મારી વાત કરું તો, મને પણ ઑડિયોલૉજી-સ્પીચ થેરપી વિશે કંઈ જ ખબર ન હતી. શિક્ષણ માટે એ ક્ષેત્રની પસંદગી કરવાનું આવ્યું ત્યારે મેં એક પડકાર તરીકે તેનો સ્વીકાર કર્યો. મેં મારી શક્તિઓનો પૂરેપૂરો ઉપયોગ કર્યો અને એનું પરિણામ એ આવ્યું કે શ્રવણશક્તિ માટે લોકોમાં જાગરૂકતા લાવવા કામ કરી રહેલા વિશ્વના ટોચના દસ ઑડિયોલૉજિસ્ટમાં મારી ગણતરી થવા લાગી છે.

કોઈ પણ બિઝનેસમાં ગુણવત્તા સૌથી વધુ અગત્યનું પાસું હોય છે. આજે ડૉક્ટરો ઘણા છે, પરંતુ આપણો અનુભવ કહે છે કે લોકો પોતાની પીડાને સારી રીતે સમજે એવા ડૉક્ટર પાસે જવાનું પસંદ કરે છે. બીજા પણ કોઈ વ્યાવસાયિકની પાસે જવાની વાત આવે ત્યારે તમારી આવશ્યકતાઓને સારી રીતે સમજી શકે અને તમારી સાથે સારી રીતે વાત કરે એવા માણસ પાસે જવાનું તમને ગમતું હોય છે.

મને અહીં મારું બાળપણ યાદ આવે છે. અમારા ફૅમિલી ડૉક્ટર હંમેશાં સ્મિત સાથે અમારું સ્વાગત કરતા. એમની પાસે લીધેલી દવાના એક ડોઝથી તકલીફ જાણે જાદુથી દૂર થઈ ગઈ હોય એવું લાગતું. હું એમને મારા આદર્શ ગણતી. તેઓ જે જાદુઈ રીતે લોકોની પીડા દૂર કરતા એવું મારે પણ કરવું હતું. અમારા એ ડૉક્ટરની ફી પણ ઘણી વાજબી હતી અને એમને ત્યાં દરદીઓની લાઇન લાગતી. દરદી ગરીબ હોય કે શ્રીમંત, એ ડૉક્ટરને ત્યાં સમાન સારવાર મળતી. તેઓ કરુણાવાન અને નમ્ર હતા.

આજના યુવાનો શિક્ષણ પાછળ મોટો ખર્ચ કરવા તૈયાર છે, પરંતુ તેઓ એ પૈસા ઝડપથી કમાઈ લેવાની વૃત્તિ પણ રાખે છે. અમારી પાસે ઘણા વ્યાવસાયિકો કામ કરવા આવે છે. એમાંના ઘણા એવા હોય છે, જેઓ પૂરતો અનુભવ નહીં હોવા છતાં વધુ પૈસા માગે છે. માત્ર પૈસાને ધ્યાનમાં રાખીને કામ કરવામાં આવે તો લાંબા ગાળે એ ન ચાલે. કોઈ બિઝનેસ હોય કે પછી વ્યવસાય હોય, માણસે પરિશ્રમ અને ગુણવત્તા એ બન્ને ગુણો દર્શાવવા જોઈએ. પૈસા તો આપોઆપ આવવા લાગી જાય છે.

કહેવાય છે કે મનુષ્યજીવનમાં છુપી વસ્તુ શોધવા કરતાં સર્જન કરવાનું ઘણું વધારે મહત્ત્વ છે. તમારે પોતાની જાતને શોધવાની નહીં, નવેસરથી ઘડવાની જરૂર છે. તમે શું છો એ શોધવા પર ધ્યાન આપવાને બદલે શું બનવા માગો છો એનો વિચાર કરો.

કાર્યક્ષેત્રમાં શિસ્તબદ્ધ રહેવું પડે છે. જો તમે શિસ્ત અને નિયમિતતા રાખો નહીં તો બાળપણમાં જે રીતે હોમવર્ક ભેગું થતું અને પછી શિક્ષકનો ઠપકો સાંભળવો પડતો એના જેવી સ્થિતિ સર્જાય છે. આથી વ્યાવસાયિકોએ સમયસર પોતાનું કામ પૂરું કરવું જોઈએ. એ ઉપરાંત અન્ય વ્યાવસાયિકો પાસેથી એમના ઉત્તમ ગુણ શીખવા જોઈએ. આજે હું એક દિવસમાં 50 બાળકોની દરેકની આવશ્યકતા મુજબ શ્રવણયંત્ર બેસાડી શકું છું. આ કામ આટલી ઝડપથી કરી શકવાનું કારણ એ છે કે મેં ડિજિટલ શ્રવણયંત્રો બનાવતા સંશોધકો પાસેથી ટેક્નૉલૉજીનું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. શ્રવણમંદ બાળકોને યોગ્ય શ્રવણયંત્ર બેસાડીને તથા એમનું પુનઃ વસન કરીને એમના જીવનમાં આમૂલાગ્ર પરિવર્તન લાવવાનું શક્ય બને છે. દરેક તબક્કે ટીમની સાથે કામ કરીને ઉત્તમ પરિણામ પ્રાપ્ત કરી શકાય છે.

અહીં ખાસ કહેવાનું કે માણસ પોતાનો અભિગમ બદલી કાઢે તો પોતાનું ભવિષ્ય બદલવા સમર્થ બની શકે છે. સંગીત જગતના ઉત્તમ કળાકારોમાંના એક કળાકારે મને કહ્યું હતું કે પોતાના વ્યવસાયમાં શ્રેષ્ઠ બનવા માગતી વ્યક્તિએ અનેક શિક્ષકો કે ગુરુઓ તૈયાર કરી શકે એવા ગુરુ બનવાની જરૂર હોય છે. હું અવાજ-સ્વરની માવજત કેવી રીતે કરવી એ શીખવા માટે એમના વર્ગોમાં જતી. મારા ક્ષેત્રના અન્ય વરિષ્ઠ વ્યાવસાયિકો પણ એમની પાસે ગયા હતા. એમણે મારા વિશે કહ્યું કે હું અન્યોની મુશ્કેલીઓને સમજવાનો અને તેના દ્વારા બધાને મદદ કરવાનો પ્રયત્ન કરું છું એ મારો મોટો ગુણ છે. હું દરેક વ્યક્તિને તેની બુદ્ધિશક્તિ અનુસાર સરળ શબ્દોમાં જાણકારી આપું છું એ બાબત પણ એમને ગમતી હતી. એ ખ્યાતનામ કળાકારે કરેલાં વખાણને કારણે મને ઘણું સારું લાગ્યું અને શીખવા પણ મળ્યું.

અત્યાર સુધી થયેલા અભ્યાસો પરથી જાણવા મળ્યું છે કે વિશ્વની 6.3 ટકા વસતિને સાંભળવાની તકલીફ પડે છે અને એમાંથી માત્ર 10 ટકા લોકોને એમની આવશ્યકતા મુજબની સારવાર મળે છે. વ્યાવસાયિકો માટે પુષ્કળ કામ પડેલું છે. જો દરેકને ઘણું કામ મળી શકતું હોય તો શું કામ પોતાનાથી થતી બધી જ મહેનત કરીને ઉત્તમ પરિણામ પ્રાપ્ત કરવું જોઈએ નહીં? બીજાઓ સાથે હોડમાં ઊતરવાની જરૂર જ શું છે? પોતાની આવડત જ તમને કારકિર્દીના ઉચ્ચ શિખરે લઈ જશે. તમે બીજાઓ માટે કરુણા ધરાવતા હશો તો જ એ શિખર પર ટકી શકશો એ પણ નોંધી લેવું.

પોતાના બાળકનું જતન કરનારી માતા પોતાની હૂંફ ક્યારેય ઓછી થવા દેતી નથી. માતાપિતા ક્યારેય પોતાનાં સંતાનોને ઊતરતી કક્ષાનો ખોરાક આપતાં નથી. આજના વાલીઓ તો ઉત્તમ ખોરાક, ઉત્તમ શિક્ષણ અને ઉત્તમ ઉછેર આપવામાં માને છે. જો ખાવાની વસ્તુની ગુણવત્તા ઓછી ગમતી ન હોય તો કામની ગુણવત્તામાં કચાશ કેમ રાખવી? કોઈ પણ માણસ સત્તા મળી જવાથી અગ્રણી બનતો નથી, બીજાઓની શક્તિઓ ખીલવીને મોટો માણસ બની શકે છે.

સારા વ્યાવસાયિક બનવા માટે સખત મહેનત, નિષ્ઠા, પ્રામાણિકતા અને બીજાઓને સમજવાની વૃત્તિ આવશ્યક હોય છે. પોતાની બધી શક્તિઓને કામે લગાડવાથી તમે વધુ પૈસા કદાચ નહીં કમાઓ, પણ તમારામાં શિસ્ત, કામનું ઉંડાણ સમજવાની ક્ષમતા, હિંમત, પડકારો ઝીલવાની માનસિકતા, નમ્રતા અને સંતોષ એ બધા ગુણો ખીલશે.

સફળતા તમને સામે ચાલીને મળવા નહીં આવે, તમારે પોતે એને શોધતાં જવું પડશે. મનુષ્ય તરીકે આપણને બધાને સરસ મજાનો ખોરાક, શુદ્ધ હવા અને સ્વચ્છ પાણી જોઈએ છે એ જ રીતે આપણને એવા વ્યાવસાયિકોની જરૂર છે, જેઓ પોતાના ઉત્તમ ગુણ અને કાર્યક્ષમતા દર્શાવીને આ વિશ્વને વધુ સુંદર બનાવી શકે.

-------------------------------------

Comments

Popular posts from this blog

મૈત્રીનો ઉત્સવ આજીવન ઉજવાતો હોય છે

આપણે દરેક તકલીફના લાલ સિગ્નલને આધ્યાત્મિક ઊર્જાની મદદથી લીલું સિગ્નલ બનાવી શકીએ છીએ

'વફાદારી' માત્ર એક શબ્દ નથી, એ તો જીવનશૈલી છે...