ઉત્કૃષ્ટતાનું બીજું નામ આત્મશુદ્ધિ છે
|| ઉત્કૃષ્ટતાનું બીજું નામ આત્મશુદ્ધિ છે ||
મનુષ્યના મનને શુદ્ધ કરવા માટે શરીરમાં અગ્નિ સતત પ્રજ્જ્વલિત રહેતો
હોય છે. આપણે મનુષ્યો દરેક જન્મમાં સદ્કાર્યો કરવાની શક્તિ ધરાવીએ છીએ અને એમ કરવા
માટે સૌથી પહેલાં આપણો અંતરાત્મા તૃપ્ત અને શુદ્ધ હોવો જોઈએ. તૃપ્તિ અને શુદ્ધિની
આ ભાવનાને લીધે આપણે બાહ્ય જગત સાથે સુમેળ સાધી શકીએ છીએ.
ઘન જંગલમાં પાણીનો પ્રવાહ ઘણા લાંબા માર્ગ પરથી વહેતો હોય છે, પરંતુ
એની શુદ્ધતા ક્યારેય ઓછી થતી નથી. આપણું શરીર પણ આશરે 70 ટકા પાણીનું બનેલું છે. એ
જ રીતે આ પૃથ્વી પર પણ 70 ટકા પાણી છે અને એ પાણી મહાસાગર, દરિયો, તળાવ, નદી અને
નહેર એમ પાંચ જળાશયોમાં હોય છે. આપણા શરીરમાં પંચેન્દ્રિયો છે, જેમ કે કાન,
નાક,
જીભ,
આંખ
ને ત્વચા. આપણે મન કે મગજથી આ પંચેન્દ્રિયો પાસેથી કામ લઈએ છીએ. મનની શુદ્ધતા હોય
તો એમની પાસે સારાં કાર્યો કરાવી શકીએ છીએ. આ ઇન્દ્રિયો ઘણા ઉપભોગ ચાહતી હોય છે,
પરંતુ આપણે મનની શુદ્ધતા-પવિત્રતા જાળવી રાખવી જોઈએ. એનાથી પરોક્ષ રીતે આપણા
વિશ્વને પણ સારું બનાવવામાં મદદ મળે છે.
ભગવદ્ ગીતા આપણા આત્માને પવિત્ર બનાવવા માટેનો
માર્ગદર્શક ગ્રંથ છે. અન્ય ધાર્મિક પુસ્તકો પણ આવો જ માર્ગ ચીંધે છે. કૃષ્ણ લીલામાં
આપણા જીવનના દરેક પાસાને આવરી લેનારી છે. તેમાં મનુષ્યોની તમામ સમસ્યાઓના હલ છે. આપણા
માટે સારું શું છે અને ખરાબ શું છે એ સમજવામાં એ મદદ કરે છે. ધર્મ શું છે, શ્રદ્ધા
કોને કહેવાય અને આપણા જીવનની સમસ્યાઓના હલ માટેના વ્યવહારુ રસ્તા કયા એ બાબતે
તેમાં સરળ સમજ આપવામાં આવી છે. દા.ત. જો તમારા રહેવાના પ્રદેશમાં પૂર આવ્યું હોય
તો ભેગા મળીને તેમાંથી ધીરજપૂર્વક રસ્તો કાઢો એવું તેમાંથી જાણવા મળે છે. આ બાબત
આપણને ગોવર્ધન લીલાના પ્રસંગ પરથી જાણવા મળે છે. હાલના કોરોના રોગચાળાના વખતમાં પણ
મને લાગે છે કે આપણે ડર્યા વગર ધીરજ રાખીને સાથે રહીશું તો રસ્તો નીકળશે. આપણે ભગવદ્
ગીતામાંથી આપણી સમસ્યાઓના હલ શોધી શકીએ છીએ. હું દરેકને આગ્રહપૂર્વક કહીશ કે તમે
ભગવદ્ ગીતાનો અભ્યાસ કરો.
આપણે પ્રારંભિક ભાષા આપણાં માતાપિતા પાસેથી
શીખીએ છીએ અને પછી શાળામાં જઈને શિક્ષકો પાસેથી વધારે શીખીએ છીએ. માણસ અભ્યાસ પછી
નોકરીએ લાગે ત્યારે સહયોગીઓ પાસેથી અને મિત્રો, પરિવારજનો પાસેથી શીખે છે. પ્રેમના
પાઠ આપણને જીવનસાથી અને બાળકો પાસેથી શીખવા મળે છે. આપણે આસપાસના વાતાવરણમાંથી શીખીએ
છીએ અને કુદરતની ખૂબીઓને અચંબિત થઈને જોઈએ છીએ. શારીરિક વ્યાયામ કરીને માનસિક
તંદુરસ્તી પ્રાપ્ત કરી શકાય છે અને આ વાત સમજીને તન અને મન બન્નેને સ્વસ્થ
રાખવાનું શીખીએ છીએ. તમે આસપાસની દરેક વસ્તુમાંથી કંઈક સારું જોવાની આદત કેળવીને
જીવનને સકારાત્મક બનાવી શકો છો.
આપણે આખી જિંદગી સતત કંઈક ને કંઈક શીખતાં રહીએ
છીએ. પોતાના વિચારોને લખીને અને બોલીને વ્યક્ત કરી શકીએ છીએ તથા પંચેન્દ્રિયોને
ઉત્તમ રીતે ઉપયોગમાં લઈ શકીએ છીએ. જ્યારે સામાજિક મેળમિલાપ કરીએ છીએ ત્યારે બધાની
સાથે રહેવાનું શીખીએ છીએ તથા પરસ્પર સંવાદ અને અભિવ્યક્તિની કળા ખીલે છે.
જીવન કેવી રીતે જીવવું એ શીખવાની જરૂર હોય
છે. ભૂતકાળને પાછો લાવી શકાતો નથી. દરેકના જીવનનો માર્ગ અલગ અલગ હોય છે. કોઈના
અભિપ્રાયને વાસ્તવિકતા માની લેવાય નહીં. દરેક વ્યક્તિ પોતાના અનુભવે શીખે છે. જીવનનો
એક મોટો સિદ્ધાંત એ છે કે તમે જેવું કામ કરો એવું જ તમને પાછું મળે છે. જો તમે
સારાં કાર્યો કરો, બીજાઓ સાથે સારી રીતે રહો તો તમારી સાથે પણ એવું જ સારું કાર્ય
અને વર્તન થાય છે. તમે હસતાં રહો તો જગ પણ તમારી સાથે હસશે. કરુણા રાખશો તો દુનિયા
કરુણામય બનશે.
મહાત્મા ગાંધીએ એક મહત્ત્વપૂર્ણ વાત કહી હતીઃ
‘‘તમારા વિચારો શુદ્ધ રાખો, કારણ કે એ તમારા શબ્દો બને છે,
તમારા શબ્દો શુદ્ધ રાખો, કારણ કે એ તમારાં કર્મો
બને છે,
તમારાં કર્મો શુદ્ધ રાખો, કારણ કે એ તમારી
આદતો બને છે,
તમારી આદતો શુદ્ધ રાખો, કારણ કે એ તમારું
ચારિત્ર્ય બને છે,
તમારું ચારિત્ર્ય શુદ્ધ રાખો, કારણ કે એ તમારી
નિયતિ બને છે.’’
બાપુએ કહેલી વાત દરેકના જીવનમાં ઘણી ઉપયોગી
થનારી છે. આપણે રામ અને કૃષ્ણના જીવનના પ્રસંગો વાંચ્યા છે-સાંભળ્યા છે. એ જ રીતે
જનસમુદાયને મદદરૂપ થનારા નેતાઓ કે રાજાઓની પણ વાતો વાંચીએ-સાંભળીએ તો ખયાલ આવે છે
કે એમનામાં વિશિષ્ટ શક્તિઓ હતી અને વિચારવાની-કામ કરવાની વિશેષ ઢબ હતી. તમારા
નિર્ણયો મજબૂત હોય તો સમગ્ર સૃષ્ટિ એને સાકાર કરવામાં મદદરૂપ થાય છે. મને એક
નાનકડો પ્રસંગ યાદ આવે છે. એક શ્રવણમંદ છોકરો મારી પાસે સ્પીચ થેરપી લેવા આવતો હતો.
એ છોકરાએ મને એક દિવસ કહ્યું કે એણે પોતાની મમ્મીની મદદથી ઘરમાં સ્ટ્રોબેરી
આઇસક્રીમ બનાવી હતી. મેં કહ્યું, ‘‘મારા માટે કેમ લાવ્યો
નહીં?’’ એણે તરત જવાબ આપ્યો, ‘‘એ ખાવા માટે
તમારે મારા ઘરે આવવું પડશે. હું ઓશિવરાથી સાંતાક્રૂઝ આવું છું અને એમાં મને 45
મિનિટ લાગી જાય છે. જો હું આઇસક્રીમ સાથે લઈને નીકળું તો રસ્તામાં ઓગળી જાય.’’ બાળકની આ નાની
વાત પરથી ઘણો મોટો બોધપાઠ શીખવા મળે છે. એ બાળકે તર્કશક્તિ કામે લગાડીને જવાબ
આપ્યો હતો. આજે એ છોકરો કંપની સેક્રેટરીનો કોર્સ પૂરો કરીને પોતાના
કાર્યક્ષેત્રમાં ઉત્તમ કામગીરી કરી રહ્યો છે. જો એક શ્રવણમંદ બાળક આટલી સિદ્ધિ
હાંસલ કરી શકે છે તો બધી જ ઇન્દ્રિયો ધરાવતા સામાન્ય માણસો ધારે તો કેટલું કરી શકે
છે???
આપણે પોતાનું વિશ્લેષણ કરીએ, આધ્યાત્મિકતા
અપનાવીએ તો જીવનમાં ઉત્કૃષ્ટ કામગીરી કરી શકાય છે. કામ કરીને શીખો, નમ્ર બનો અને
પવિત્રતા જાળવો તો તમે ઉત્તમ કાર્યો કરી શકો છો. ઉત્કૃષ્ટતાનું બીજું નામ
આત્મશુદ્ધિ છે.
-------------------
Comments
Post a Comment