અન્નને દેવતા કહેવાની આપણી પરંપરાનું માહાત્મ્ય અનેરું છે

|| અન્નને દેવતા કહેવાની આપણી પરંપરાનું માહાત્મ્ય અનેરું છે ||


જ્યારે પણ ખાણી-પીણીની વાત આવે ત્યારે સવાલ એ ઊભો થતો હોય છે કે ખાવા માટે જીવવું કે જીવવા માટે ખાવું? આપણે સ્વાદ માણવા માટે ખોરાક ખાઈએ છીએ કે પછી અસ્તિત્વ ટકાવી રાખવા માટે ખાઈએ છીએ?

ભારતમાં ગણપતિ બાપ્પા સૌના લાડકા દેવ છે. એમને મોદક ઘણા પ્રિય હોવાનું આપણે કહીએ છીએ. આથી ગણેશચતુર્થીના દિવસે કે બીજા કોઈ પ્રસંગે એમનું આહ્વાન કરીએ ત્યારે મોદક ધરાવીએ છીએ. સમય જતાં હવે મોદક વિવિધ પ્રકારે અને વિવિધ પદાર્થોથી બનાવવામાં આવે છે. આપણે ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધાને વિવિધ રંગો અને શૈલીઓથી વ્યક્ત કરીએ છીએ. ભગવાન પણ આપણી રચનાત્મકતાથી પ્રસન્ન થાય છે. ભગવાન અમુક પ્રકારે ભક્તિભાવથી રીઝે છે અને એમને ખાવાની અમુક વસ્તુ પ્રિય હોય છે એ જ રીતે મનુષ્ય તરીકે આપણને પણ કેટલીક વાનગીઓ પ્રિય હોય છે. આપણે પોતાની પ્રસન્નતા ખાતર એ ખાવી જ જોઈએ.

ભગવાન કૃષ્ણે પોતાના બાળપણમાં ગાયના દૂધથી બનેલું માખણ ઘણું ખાધું હતું. ગાય એમને પ્રિય હોવાથી તેઓ ગોપાલ તરીકે ઓળખાય છે. આજે આપણે જાણીએ છીએ કે ગાયનું દૂધ, તેમાંથી બનતું માખણ અને ઘી આપણી તંદુરસ્તી માટે સારાં હોય છે. કૃષ્ણને માખણ પ્રિય હોવાનું કારણ એ પણ હતું કે ગોપીઓ પ્રેમપૂર્વક છાશ વલોવીને માખણ કાઢતી અને કૃષ્ણને મિત્રો સાથે એ ખાવાનું ગમતું. કૃષ્ણની સાથે અન્નકૂટ જોડાયેલો છે. ઘણાં મંદિરોમાં કૃષ્ણને એનો ભોગ ધરાવાય છે. એમાંની બધી વસ્તુઓ આરોગ્યપ્રદ હોય છે. ભક્તોને પ્રસાદ અને પ્રભુના આશીર્વાદ તરીકે તેની વહેંચણી થાય છે. અન્નકૂટ તૈયાર કરતી વખતે તેમાં ઈશ્વર પ્રત્યેની ભક્તિ સંકળાયેલી હોય છે. વળી, એ બનાવવા માટે વપરાતી બધી વસ્તુઓ પોષક હોય છે. આના પરથી  કહી શકાય કે ભગવાન આપણને પોષક અને આરોગ્યપ્રદ ખોરાક ખાવાનું તથા તેનો આદર કરવાનું અને અન્યો સાથે વહેંચીને આનંદપૂર્વક ખાવાનું કહે છે.

પોષક ખોરાકથી જ શરીર ઘડાય છે. પાશ્ચાત્ય ઔષધવિજ્ઞાનના જનક ગણાતા ગ્રીક તબીબોમાંથી કોઈકે ‘અન્ન એટલે જ ઔષધ’ એમ કહ્યું છે. આપણે આધ્યાત્મિક દૃષ્ટિએ વિચાર કરીએ તો કહી શકાય કે ભગવાને આપણને જન્મ આપ્યો તેથી આપણે આ દુનિયામાં આવ્યા. અહીં આપણને સૌથી પહેલાં મમતાથી ભરેલું માતાના દૂધનું પોષણ મળે છે. નવજાત શિશુ માટે માતાનું દૂધ આદર્શ પોષણ હોય છે અને તેની અસર આજીવન રહે છે. તેનાથી બાળકનું તમામ રોગોથી રક્ષણ થાય છે. પ્રથમ છ મહિના સુધી ફક્ત માતાનું દૂધ આપ્યા બાદ બાળકના ખોરાકમાં ધીમેધીમે બીજી વસ્તુઓ ઉમેરવાનું શરૂ થાય છે. આમ, બાળકને તમામ પોષકતત્ત્વો મળે એવો આહાર આપવામાં આવે છે.

બાળકને સ્તનપાન કરાવવામાં આવે એ પોષણ આપવા ઉપરાંત બીજાં અનેક તાત્પર્યો ધરાવે છે. તેમાં માતાની મમતા, આશા અને ખંત હોય છે. માતા સંપૂર્ણ એકાગ્રતાપૂર્વક દિવસના અલગ અલગ સમયે એટલે કે સવારનો નાસ્તો, બપોરનું ભોજન, સાંજનો નાસ્તો અને ભોજન એ પ્રમાણે સ્તનપાન કરાવે તો બાળકમાં ખાણીપીણીની સારી આદત કેળવાય છે, તેને ભૂખ લાગે ત્યારે ખોરાક મળી રહે છે અને સંતોષ થાય છે. આ જ રીતે સ્નેહપૂર્વક બનાવાયેલું અને નિયમિત સમયાંતરે પીરસવામાં આવેલું ભોજન આપણા શરીરને સંતોષજનક રીતે પોષણ આપે છે.

વિજ્ઞાન-તંત્રજ્ઞાનની મદદથી આપણે વધુ સુખ-સુવિધાઓ ઊભાં કરવાનો અને વધુ ધન કમાવાનો પ્રયાસ કરીએ છીએ, પરંતુ કુદરતી આપત્તિઓ સામે આપણું કંઈ ચાલતું નથી. આ જ રીતે ખોરાકમાં પણ આપણે ભલે ગમે તેટલા નવા પ્રયોગો કરી શકતા હોઈએ, કુદરતી ખોરાકથી ક્યારેય દૂર થવું જોઈએ નહીં. આપણે કુદરતી સ્વરૂપમાં અને વધુ પોષક હોય એવો જ ખોરાક લેવો જોઈએ.

ઑડિયોલૉજિસ્ટ તરીકે હું કહી શકું છું કે દરેક વ્યક્તિનો અવાજ અલગ અલગ પ્રકારનો હોય છે. આપણા શ્વસન, પાચન અને જ્ઞાનતંત્રના આધારે આપણો અવાજ બદલાતો હોય છે. ઘણા લોકોમાં એસિડિટીને કારણે, કૃત્રિમ રંગો ધરાવતા કે પછી વધુપડતા સ્નિગ્ધ પદાર્થો ખાવાને લીધે અવાજ બદલાઈ જવાની તકલીફ ઊભી થાય છે. જેઓ ગાયન કરતા હોય તેઓ વધુ સૂરીલા બનવા માટે વધુ પાણી પીતા હોય છે. જો તમારું પાચનતંત્ર બરોબર ચાલતું હોય અને તમે યોગ્ય શ્વસન કરતા હો તથા પૂરતો આહાર અને પાણી લેતા હો તો તમને સારી ઊંઘ આવે અને આખો દિવસ સ્ફૂર્તિ રહે. આ બધી ઝીણી-ઝીણી, પરંતુ મહત્ત્વપૂર્ણ બાબતો તરફ આપણે ક્યારેય લક્ષ આપતા નથી. દરેક વ્યક્તિનો અવાજ અલગ અલગ હોય છે એ જ રીતે દરેકની ખાણીપીણીની આદતો, મન, શરીર અને આત્મા અલગ હોય છે. દરેક વ્યક્તિ અસલ સ્વરૂપે જન્મેલી છે, કોઈએ બીજાની નકલ કરવાની જરૂર નથી.

આપણે જીવનમાં પોતાની ઈચ્છાઓ પૂરી કરવા માગતા હોઈએ છીએ. વિવિધ સ્થળોએ ફરવા જવાનું, સંબંધો અને મૈત્રી વિકસાવવાનું આપણને સૌને ગમતું હોય છે. આ જ રીતે આપણે પોતાની ઈચ્છા મુજબનો ખોરાક લેવો જોઈએ. આપણા શરીરને જે જોઈતું હોય છે એ તે માગી લે છે અને આપણે તેને એ આપવું જોઈએ. બીજાઓ શું ખાય છે એ જોઈને પોતાનો ખોરાક બદલવાનો ન હોય. આપણું આરોગ્ય સચવાય એવો આપણો ખોરાક હોવો જોઈએ. પોતાની તાસીર પ્રમાણેનો આહાર લેવાનું શરૂ થાય ત્યારે ખબર પડતી હોય છે કે પોતાના માટે શું અયોગ્ય છે. આ વાત મેં લોકોને સ્પીચ થેરપી આપતાં આપતાં સમજી છે. ખોરાક તમારી તંદુરસ્તી માટે જ હોય છે આથી કોઈ પણ ખોરાક પ્રત્યે અરુચિ કરવી નહીં અને શંકા-કુશંકાઓ કરવી નહીં.

આપણા વડવાઓ ખોરાકને જ ઔષધ માનતા અને તેની સાથે ઘણી યાદગીરી અને ઊજવણીઓ સંકળાયેલી હોય છે. આપણો રોજિંદો ખોરાક આપણને વિવિધ પોષકતત્ત્વો પૂરાં પાડે છે. કોરોના રોગચાળા દરમિયાન લોકો રોગપ્રતિકારકશક્તિનું મહત્ત્વ સમજી ગયા અને બીમારીઓથી લડવા માટે કેવા પ્રકારનો ખોરાક જોઈએ એ સમજી ગયા.

હાલના સમયમાં આપણે ખાણીપીણીની અયોગ્ય આદતો કેળવી લીધી છે. આપણે ખોરાક કુદરતી સ્વરૂપમાં લેવાને બદલે પ્રોસેસ કરેલો ખોરાક લઈએ છીએ. તેને લીધે આપણા તન-મન અને આત્મા પર અસર થઈ છે. આપણે ખોરાકમાં સકારાત્મક ઊર્જા ભેળવીશું તો એ આપણને વધુ તાકાત અને તંદુરસ્તી આપશે. આરોગ્ય ફક્ત ખાવાથી નથી મળતું, આપણે જે વિચારીએ છીએ તેની અસર પણ આરોગ્ય પર થતી હોય છે. આથી જ આપણે વડવાઓના સમયથી જમવા બેસતી વખતે થાળી સામે હાથ જોડીને પ્રાર્થના કરવાની અને અન્નને દેવતા કહેવાની પરંપરા ધરાવીએ છીએ. ચાલો, હવે નક્કી કરી લઈએ કે યોગ્ય પોષક ખોરાક દ્વારા આપણે પોતાને તંદુરસ્ત અને પ્રસન્ન રાખીશું. ઘરમાં પ્રેમપૂર્વક બનેલો ખોરાક લેશું, કારણ કે એ પ્રેમ શરીરને સ્વસ્થ રાખવાની શક્તિ ધરાવે છે.

------------------------------------

Comments

Popular posts from this blog

મૈત્રીનો ઉત્સવ આજીવન ઉજવાતો હોય છે

આપણે દરેક તકલીફના લાલ સિગ્નલને આધ્યાત્મિક ઊર્જાની મદદથી લીલું સિગ્નલ બનાવી શકીએ છીએ

'વફાદારી' માત્ર એક શબ્દ નથી, એ તો જીવનશૈલી છે...