વધુપડતા વિચારો છોડો, જીવનની દરેક પળને માણતાં શીખો

 || વધુપડતા વિચારો છોડો, જીવનની દરેક પળને 

માણતાં શીખો ||


પુસ્તકો જોઈને મારા મનમાં અનેક વિચારો આવે છે. પુસ્તકો ફક્ત જ્ઞાન અને જાણકારી આપે છે એટલું જ નહીં, તેના કારણે અનેક વિચારોના, સકારાત્મકતાના અને ઊર્જાના તરંગો સર્જાય છે. પુસ્તક આધ્યાત્મિકતાનું હોય, વિજ્ઞાનનું હોય, ઈતિહાસનું હોય કે પછી ભૂગોળનું હોય, એ આપણી આસપાસના જગત સાથે સંબંધ ધરાવતું હોય છે. 

પુસ્તક જ્યારે વિચારશક્તિ ખીલવે છે ત્યારે તેનું મહત્ત્વ વધી જાય છે. આપણું જીવન ખૂલ્લા પુસ્તક જેવું હોય છે. આપણે પોતે જ તેનું વાંચન કરીએ ત્યારે એ વધુ રસપ્રદ બની જાય છે. 

કેટલાક લોકોને રહસ્યકથાઓ, ડરામણી વાર્તાઓ, કેટલાકને પરીકથાઓ તો કેટલાકને નાટકો કે સાહસકથાઓ વાંચવામાં રસ પડતો હોય છે. પુસ્તકો રોમાંચ લાવે છે, જીવનને અર્થપૂર્ણ બનાવે છે અને એમની સાથે આપણો એક નાતો રચાઈ જાય છે. 

તમે, ખાસ કરીને હાલના કપરા સંજોગોમાં, વર્તમાન ઘડીને જીવંત-આનંદમય બનાવી નાખે એવું પુસ્તક વાંચવાનું પસંદ કરશો? અત્યારે દરેક જણ અનેક પ્રકારની મર્યાદાઓ વચ્ચે જીવી રહ્યો છે એવા સમયે આવા પુસ્તકની ખાસ જરૂર છે. આથી કહેવાનું કે હાલ જીવનના દરેક પાસાને આવરી લેનારું પુસ્તક ભગવદ્ ગીતા વાંચવાની જરૂર છે. ભગવાન કૃષ્ણે કહેલી ગીતા ફક્ત અર્જુન માટે ન હતી, એ દરેક વ્યક્તિ માટે અને દરેક પળ માટે છે. ભગવદ્ ગીતા જીવનની વાસ્તવિકતાને સમજવામાં મદદ કરે છે. 

આ સકળ સૃષ્ટિના રચનાકારે પણ જીવનની મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો એ આપણને કૃષ્ણના જીવનચરિત્ર પરથી ખબર પડે છે. એ જ કૃષ્ણે આપણને દર્શાવ્યું કે જીવનની દરેક પળને આનંદમય બનાવવા માટે કેવી રીતે જીવવું. 

મને કૃષ્ણના બાળપણનો એક પ્રસંગ યાદ આવે છે. એક વૃદ્ધા કૃષ્ણને ભગવાન તરીકે જ જોતી. એ વાત એના પરિવારજનોને, ખાસ કરીને એની પુત્રવધૂને જરાય પસંદ ન હતી. એક દિવસ પુત્રવધૂએ ગુસ્સામાં આવીને વૃદ્ધાને જંગલમાં એકલી મૂકી દીધી અને કહ્યું, “હવે તારી મદદ માટે કૃષ્ણને બોલાવ.” વૃદ્ધા જંગલમાં સાવ એકલી પડી ગઈ હોવાથી શું કરવું એની ગતાગમ પડતી ન હતી. આથી તેણે દરેક પળ કૃષ્ણની હાજરીની કલ્પનાથી વિતાવવાનું નક્કી કર્યું. કૃષ્ણ પોતે ત્યાં આવી શક્યા નહીં, પરંતુ એમણે બ્રહ્માજીને કહ્યું કે તેઓ વૃદ્ધાની મદદ કરે. આ કથા પરથી કહી શકાય કે ઈશ્વરમાં શ્રદ્ધા રાખીને મનુષ્ય કપરા સંજોગોમાંથી પાર ઊતરી શકે છે. 

કહેવાય છે કે ફક્ત મનુષ્યનો આત્મા પોતાના ઘા સાજા કરવા સક્ષમ છે. જોકે, અહીં મોટો પડકાર મનને શાંત પાડવાનો હોય છે. તમને તમારી શારીરિક બીમારીઓ માટે અનેક પુસ્તકોમાંથી દવા મળી જશે, પરંતુ એ દવા કામ આવશે કે નહીં એવી શંકા કરનારા મનનું શું કરવું?

જીવનમાં મોટાભાગનો સમય આપણે ‘જો’ અને ‘તો’માં વિતાવી દઈએ છીએ. ગયા વર્ષે મારા જન્મદિવસે હું જીનીવામાં વર્લ્ડ હિયરિંગ ફોરમની મીટિંગ માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનમાં ગઈ હતી અને ત્યાંથી એક એવી જગ્યાના પ્રવાસે ગઈ હતી જે બે પર્વતોની વચ્ચે બનેલો પુલ હતી. એ પુલ પર ઘણી જોરથી પવન વહી રહ્યો હતો. મને થયું કે મારે આના પરથી પસાર થવું કે નહીં. મારી સાથેના કેટલાક લોકોને પણ આ જ સવાલ થયો હતો. એમાંથી કેટલાક લોકો પુલ પર ચાલવા તૈયાર ન હતા, બીજા કેટલાકે પેટે ચાલીને પુલ પાર કરવાનું નક્કી કર્યું અને કેટલાક લોકો જરાપણ ડર્યા વગર ટટ્ટાર ચાલવા લાગ્યા. મેં પણ ટટ્ટાર ચાલવાનું શરૂ કર્યું અને એમાં રોમાંચ અનુભવાયો. હું એ પળ આખી જિંદગી નહીં ભૂલી શકું. આમ, તમે કઈ રીતે જીવવા માગો છો, કઈ રીતે તમારા જીવનની પળો વિતાવવા માગો છો એ તમારે જ નક્કી કરવાનું હોય છે. 

કોરોનાએ ઘણી મોટી સંખ્યામાં લોકોના જીવ લઈ લીધા છે અને તેને લીધે વધુપડતા વિચારો આવે એ સ્વાભાવિક છે, પરંતુ હકીકત એ છે કે વધુપડતા વિચારોને કારણે સુખ દુઃખમાં પરિવર્તિત થઈ જાય છે. આવા સમયે દરેક વ્યક્તિએ સંપૂર્ણપણે વ્યસ્ત રહેવું, જેથી વધારે વિચાર આવે જ નહીં અને જીવન સરળતાથી ચાલે. 
સકારાત્મક વિચાર ધરાવતા લોકો પોતાનો રસ્તો જાતે જ શોધી લેતા હોય છે અને ઉત્તમ પરિણામ પ્રાપ્ત કરતા હોય છે. બિનજરૂરી વિચાર કરવાવાળાઓ ક્યાં ખોવાઈ જાય છે તેની ખબર પડતી નથી. 

મારાં એક વૃદ્ધા દરદી મને કહે છે કે કોરોનાને કારણે બહારની અવરજવર ભલે બંધ થઈ ગઈ હોય, પણ એમને પરિવારજનો સાથે નિકટથી રહેવાનો મોકો મળ્યો છે. કુટુંબના સભ્યો એમની કાળજી લે છે. તેઓ પોતે પણ ભક્તિભાવ દ્વારા ઈશ્વર સાથે સંધાન સાધી રહ્યાં છે. 

જેઓ પોતાના જીવનના અર્થ અને ધ્યેય વિશે સભાન છે તેઓ દરેક પળને આનંદપૂર્વક વિતાવે છે અને પારિવારિક તથા વ્યાવસાયિક અને અંગત જીવન વચ્ચે સંતુલન જાળવે છે. તેઓ પોતાના જીવનમાં આવનારી કોઈ પણ પરિસ્થિતિનો મુકાબલો કરવા સજ્જ હોય છે. 

જીવનની દરેક સમસ્યાનો હલ હોય છે. તમે એ પરિસ્થિતિને કેવી રીતે જુઓ છો એ તમારા હાથની વાત છે. જેઓ ભગવાનમાં શ્રદ્ધા રાખે છે તેઓ મનથી મજબૂત રહી શકે છે અને કપરા સંજોગોમાં એમની શક્તિ ખીલી ઊઠે છે. જીવનમાં દરેક ઘટનાની સાથે ભૂતકાળના અનુભવો જોડાયેલા હોય છે. સારા અનુભવોને યાદ રાખવા કે ખરાબને, એ તમારા હાથની વાત છે.  

એક નવરાત્રિ દરમિયાન અમે શ્રવણમંદ બાળકો માટેની વિવિધ શાળાઓમાંથી વિદ્યાર્થીઓને બોલાવ્યા હતા. ત્યાં એક બાળકનું વર્તન મને સ્પર્શી ગયું. કેટલાંક બાળકોની ઈચ્છા હતી કે હું એમની સાથે ગરબા રમું. એ બાળકે બધી શાળાઓનાં બાળકોને ગોળાકાર ઊભા કર્યાં, જેથી હું બધાની સાથે રમી શકું. નાની ઉંમરમાં તેની પરિપક્વતા જોઈને મને ઘણું સારું લાગ્યું. બધાને સાથે લઈને જીવનનો આનંદ કેવી રીતે માણવો એ હું એની પાસેથી શીખી. આપણી માન્યતાઓ અને આપણાં કાર્યો દ્વારા કંઈ પણ શક્ય છે. તમે દર વખતે બધાને ખુશ રાખી શકો નહીં, પરંતુ સૌને સાથે રાખવાનો પ્રયત્ન ચોક્કસ કરી શકો. લોકો એ વાતને કેવી રીતે જુએ છે એ એમના પર નિર્ભર છે. 

કોરોનાના કાળમાં દરેક જણ સારા દિવસો ફરીથી આવવાની રાહ જોઈ રહ્યો છે, પરંતુ મારું માનવું છે કે એ દિવસોની રાહ જોવાને બદલે આપણે એવી રીતે જીવન જીવવાનું શરૂ કરી દેવું કે બધું નોર્મલ જ લાગે. આ વિકટ પરિસ્થિતિમાં સૌએ માસ્ક પહેરવું, એકબીજાથી અંતર રાખવું, સેનિટાઇઝ કરવું, વગેરે નિયમો પાળીને સામાન્ય જીવન જીવવા લાગી જવું. આવા જીવનને આજકાલ લોકો ન્યૂ નોર્મલ કહેવા લાગ્યા છે. પરિસ્થિતિ પ્રમાણે રહેવામાં કંઈ ખોટું નથી; ફક્ત રહેણીકરણીની શૈલી બદલવાની હોય છે. ટૂંકમાં કહેવાનું કે યોગ્ય દિશામાં સકારાત્મક વિચારો કરવાથી તમે જીવનની દરેક પળ માણી શકો છો. 
------------------


Comments

Popular posts from this blog

મૈત્રીનો ઉત્સવ આજીવન ઉજવાતો હોય છે

આપણે દરેક તકલીફના લાલ સિગ્નલને આધ્યાત્મિક ઊર્જાની મદદથી લીલું સિગ્નલ બનાવી શકીએ છીએ

'વફાદારી' માત્ર એક શબ્દ નથી, એ તો જીવનશૈલી છે...