સંબંધોનું મૂલ્ય સમજીને એમને માન આપવું જોઈએ, કારણ કે તેનાથી આપણું જીવન સમૃદ્ધ થાય છે
|| સંબંધોનું મૂલ્ય સમજીને એમને માન આપવું જોઈએ, કારણ કે
તેનાથી આપણું જીવન સમૃદ્ધ થાય છે ||
લોકોની લાગણીઓનો આદર કરવાનું મહત્ત્વ હોય છે. એક જાણીતા મનોવિજ્ઞાનીએ સાચે જ કહ્યું છે, “માણસ લાગણીઓમાં ડૂબી જવાને બદલે તરતા શીખે ત્યારે જ લાગણીઓ ઉત્તમ બને છે. પરસ્પર આદર અને સમજણના પાયા પર ટકેલી લાગણીઓથી બંધાયેલા સંબંધો જ ટકતા હોય છે.”
આજે ઘરના વડીલોની સાથે વધારે સમય ગાળવામાં આવે એ ઘણું જરૂરી બની ગયું છે. સાથે જ તમામ પરિવારજનો પરસ્પર આદર જાળવે અને અનુભવોનું આદાનપ્રદાન કરે એ પણ આવશ્યક છે. યુવાનોને પોતાનાં માતાપિતા કે વરિષ્ઠ નાગરિકો સાથે વિતાવવા માટે ઘણો સમય મળતો નહીં હોવા છતાં માતાપિતા માટે એનું ઘણું મહત્ત્વ હોય છે. માતાપિતાની ઈચ્છા હોય છે કે તેમનાં સંતાનો સુખી રહે. આ જ રીતે જીવનસાથી એકબીજાને સુખી જોવા ઈચ્છતા હોય છે. જીવનમાં સંબંધોની ઉષ્મા હોય તો કોઈ પણ પડકારને પહોંચી વળવાની હિંમત આવે છે.
રાધા અને કૃષ્ણ હંમેશાં એકબીજાની લાગણીઓને સમજતાં અને આસપાસના લોકોની લાગણીઓને પણ આદર આપતાં. રાધાએ પોતાના પ્રેમનું બલિદાન આપીને માતાપિતાનો આદર કર્યો અને કૃષ્ણે પણ બીજાઓ માટે પોતાના પ્રેમજીવનનો ભોગ આપ્યો.
રાધા-કૃષ્ણના જીવન પરથી જોઈ શકાય છે કે તેમના માટે મૂલ્યો ઘણાં મહત્ત્વનાં હતાં. કૃષ્ણ-સુદામાના મિલનનો પ્રસંગ લાગણીની ચરમસીમા દર્શાવે છે. સુદામાને લઘુતાગ્રંથિ અનુભવાઈ રહી છે એવી ખબર હોવાથી કૃષ્ણે એમને ભવ્ય આવકાર આપ્યો, પુષ્પોથી એમનું સ્વાગત કર્યું અને મૂલ્યવાન આસન બેસવા આપ્યું. સાથે જ પરંપરા મુજબ એમનાં ચરણ ધોયાં અને એમની પાસેથી ભેટ માગી. સુદામાએ એમને ભેટ આપી, જેમાં કૃષ્ણ પ્રત્યેનો સખાભાવ દેખાતો હતો. સુદામાએ કૃષ્ણને મુશ્કેલ સમયમાં મદદ કરી હતી અને વખત આવ્યે કૃષ્ણે પણ એમને મદદ કરી. આ પ્રસંગ પરથી કહી શકાય કે દરેક વ્યક્તિએ બીજાને મદદ કરવાનો ધર્મ અપનાવવો જોઈએ. કોઈને કરેલી મદદ ક્યારે જીવનમાં ઉત્તમ આશીર્વાદ બની જાય છે એ કહી શકાય નહીં.
અન્યોની લાગણીઓનું માન રાખવા માટે માણસે પહેલાં પોતાનું વિશ્લેષણ કરવું જોઈએ. જીવનમાં ઘણા લોકોને મળવાનું થતું હોય છે. એમાંથી કોઈ વ્યક્તિ પોતાના કરતાં વધુ હોંશિયાર હોય, કોઈ આર્થિક કે સામાજિક દૃષ્ટિએ પોતાના કરતાં ચડિયાતું હોય એ શક્ય છે. જોકે, તેનો અર્થ એવો નથી કે પોતાનામાં કંઈ નથી. દરેક વ્યક્તિની પોતાની કેટલીક વિશેષતાઓ હોય જ છે.
મનુષ્ય માટે પ્રામાણિકતા રાખવાનું, ઉદારતા રાખવાનું, બીજાને સુખી જોઈને સુખી થવાનું અને સંબંધોને મહત્ત્વ આપવાનું અગત્યનું હોય છે. મધર ટેરેસાએ આ વાત આપણને પોતાના જીવન દ્વારા સમજાવી છે. આપણે સમાજને મદદરૂપ થવા માટે એમના આદર્શોનું અનુકરણ કરવું જોઈએ.
મારી ૨૯ વર્ષની પ્રેક્ટિસ દરમિયાન મેં જોયું છે કે પિતાજીની સારવાર માટે દીકરા સાથે આવતા હોય એવું ઘણું ઓછું બને છે. મોટાભાગે દીકરીઓ એમનાં માતાપિતા સાથે આવતી હોય છે.
મારા એક દરદી ડૉક્ટરેટ કરી ચૂકેલા હતા અને એમના દીકરા શહેરના અગ્રણી ડૉક્ટર હતા. પિતાજી માટે નવાં શ્રવણયંત્રો લેવા માટે એ દીકરાએ અડધી રજા લીધી હતી. મેં એ ડૉક્ટરને કહ્યું, “તમે ઘણા વ્યસ્ત રહેતા હશો. તમે મને બોલાવી લીધી હોત તોપણ ચાલ્યું હોત અથવા તો તમારા પિતાજીને કોઈકની સાથે મોકલી આપ્યા હોત તોપણ વાંધો ન હતો.” એમણે સુંદર જવાબ આપ્યો, “હું તમારા સમયની કિંમત જાણું છું. મારા પિતાજી જાતે નિર્ણય લેવા સક્ષમ છે, પરંતુ મારે પણ સમય કાઢવો જોઈએ.”
આ ડૉક્ટર જ્યારે પણ મારી ક્લિનિકે આવે ત્યારે મને આશીર્વાદ આપ્યા વગર જતા નથી. તેઓ મારા જન્મદિવસે શુભેચ્છાઓ પણ મોકલે છે. હું મારા અનુભવે જાણું છું કે ભગવાન જ આપણને બીજા લોકો સાથે મુલાકાત કરાવે છે. એ સંબંધને કેવી રીતે ટકાવવો એ આપણા હાથમાં છે.
માતાપિતા સંતાનોને શિક્ષણ અપાવે છે અને એમનું જીવન ઘડે છે, પરંતુ શું સંતાનો માતાપિતાને જરૂર હોય એવા સમયે મદદ કરે છે ખરાં? આપણા જીવનમાં માતાપિતા ઉપરાંત આપણને મદદરૂપ થનારા બીજા લોકો પણ હોય છે. આપણને સ્નેહ અને સમય આપનારા લોકોનું આપણે ધ્યાન રાખવું જોઈએ અને એમની લાગણીઓનું માન રાખવું જોઈએ.
તમારી પાસે ગણાવવા માટે કેટલા મિત્રો છે એના કરતાં તમને વખત આવ્યે મદદ કરે એવા કેટલા મિત્રો છે એ મહત્ત્વની બાબત છે. કેટલાક મિત્રો આપણી લાગણીઓને માન આપતા હોય છે અને આપણને મદદરૂપ પણ થતા હોય છે. આવા મિત્રો વફાદાર હોય છે.
એક વખત હું અમેરિકાના પ્રવાસે ગઈ ત્યારે મારા એક વરિષ્ઠ પોતાના સ્ટાફ જોડે મને જમવા માટે કોરિયન રેસ્ટોરાંમાં લઈ ગયા હતા. હવે તો એ વરિષ્ઠ મારા મિત્ર જેવા બની ગયા છે. રેસ્ટોરાંમાં ભોજન પીરસાયું અને એ ચોપસ્ટિકથી ખાવાનું હતું. મને ચોપસ્ટિકથી ખાવાનું ફાવતું હશે એવું માનીને એમણે ચોપસ્ટિક આપવાનું વેઇટરને કહ્યું, પરંતુ મેં જ્યારે ચમચીથી ખાવાની વાત કરી ત્યારે એમણે બાજી સંભાળી લેતાં કહ્યું, “તમને ફાવે એ રીતે ખાઓ, અહીં ખાવાનું સારું છે.” આવા એ ગુરુની લાગણીની હું કદર કરું છું. એમણે મને ખરા સમયે મદદ કરી અને મારી લાગણીઓનું માન રાખ્યું. આવા લોકો જીવનમાં ઘણા ઓછા મળતા હોય છે.
મારા વ્યવસાયને લીધે દુનિયાના અલગ અલગ ભાગમાં મારા અનેક મિત્રો બની ગયા છે. હું જ્યારે પણ કોન્ફરન્સીસમાં કે બીજે એમને મળું છું ત્યારે ભારતથી એમના માટે કોઈક વિશેષ ભેટ લઈને જાઉં છું. તેઓ મારી લાગણીઓની કદર કરે છે. એ જ લોકો મને અનેક રીતે મદદરૂપ પણ થયા છે. અમારા સંબંધોમાં ક્યાંય કોઈ ભેદ રહેતો નથી, ફક્ત મનુષ્ય તરીકેનો આદરભાવ હોય છે.
આથી જ કહેવાનું કે સંબંધોનું મૂલ્ય સમજીને એમને માન આપવું જોઈએ, કારણ કે તેનાથી આપણું જીવન સમૃદ્ધ થાય છે.
-------
Comments
Post a Comment