ધર્મને ટકાવી રાખવા માટે સારાં કર્મો જરૂરી છે
|| ધર્મને ટકાવી રાખવા માટે સારાં કર્મો જરૂરી છે ||
ભારતીય સંસ્કૃતિમાં આપણે કોઈ પણ શુભ કાર્ય કે ધાર્મિક અનુષ્ઠાન અથવા પૂજા શરૂ કરતાં પહેલાં ગણપતિની વંદના કરીએ છીએ. એ જ રીતે દિવાળી નિમિત્તે આપણે ધનનાં દેવી લક્ષ્મીજીની પૂજા કરીએ છીએ. કોઈ ઘરમાં કન્યાનો જન્મ થાય તો એને લક્ષ્મીજી કહીને આવકારવામાં આવે છે અને નવવધૂને પણ ઘરની લક્ષ્મી કહીને જ બોલાવાય છે. ઘણી બધી જગ્યાએ નવવધૂને આવકારવા માટે વિશેષ રિવાજ હોય છે, કારણ કે એનાં પગલાં ઘરમાં પડે ત્યારે સુખ આવતું હોવાની માન્યતા છે. વળી, એ જ વ્યક્તિ કુળને આગળ વધારવામાં અને પરિવારનું પાલનપોષણ કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આ બધા પરથી એવો વિચાર આવે છે કે જો આપણે સારાં કર્મોનું પણ સ્વાગત કરીએ તો કેવું!
ધર્મનો અર્થ ફક્ત મંદિરમાં પૂજા કરવા જવું એવો જ થતો નથી. મનુષ્ય તરીકે આપણે ભગવાનને તન, મન અને આત્માથી પૂજવાની સાથે સાથે સારાં કર્મો પણ કરવાનાં હોય છે, કારણ કે તેનાથી જ આપણા જીવનમાં ખુશહાલી અને સમૃદ્ધિ આવે છે.
કૃષ્ણ ભગવાન હતા, છતાં એમણે લોકોના જીવનમાં પરિવર્તન આવે એવાં કાર્યો કરવાનું જ યોગ્ય ગણ્યું. મને અહીં એક કથા યાદ આવે છે. ભગવાન કૃષ્ણ એક દિવસ દુર્યોધનને મળવા જઈ રહ્યા હતા. એમના સારથિને નવાઈ લાગી કે દર વખતે સમયસર આવી જનારા કૃષ્ણ તૈયાર થવામાં કેમ વધારે સમય લઈ રહ્યા છે. એમણે કારણ પૂછ્યું ત્યારે કૃષ્ણે કહ્યું, "હું એવી વ્યક્તિને મળવા જઈ રહ્યો છું, જે મારા મનને બદલે મારા બાહ્ય દેખાવને જ વધારે મહત્ત્વ આપે છે. હું એને ખરી સુંદરતા કોને કહેવાય એ બતાવવા માગું છું." સારથિએ બીજો સવાલ પૂછ્યો, "તમે તો ભગવાન છો, તો પછી એમને મળવા જવા માટે કેમ આટલી બધી મહેનત લઈ રહ્યા છો? તમે ધારો તો એમને તમારી પાસે બોલાવી શકો છો." કૃષ્ણે જવાબ આપ્યો, "અંધકાર પ્રકાશની પાસે જઈ શકે નહીં, પ્રકાશે જ અંધકારની પાસે જવું પડતું હોય છે." આ પ્રસંગ પરથી કહી શકાય કે આપણા હાલના વિકટ સમયમાં જો આપણે સારા દિવસો પાછા લાવવા હોય તો આપણે સારાં કર્મો કરવા પર ધ્યાન આપવું જોઈએ.
ભારતીય સંસ્કૃતિમાં અને શાસ્ત્રોમાં ધર્મ કરતાં કર્મને વધુ મહત્ત્વ આપવામાં આવ્યું છે. સારાં કર્મો કરનારને ભગવાન જીવનમાં આવશ્યક તમામ મદદ કરતા હોય છે.
એક દિવસ હું કૃષ્ણના એક મંદિરે ગઈ હતી. ત્યાં પાટિયા પર લખ્યું હતું, "તમારે ચિંતા કરવાની જરૂર જ શું છે. તમે આ પૃથ્વી પર જન્મ લીધો ત્યારે માતાપિતાએ તમને સંભાળ્યા. તમને જીવવા માટે ખોરાક, પાણી, હવા બધું જ મળી ગયું. તમારી પાસે મગજ પણ છે, જેનાથી તમે પોતાનું ગુજરાન ચલાવી શકો છો. એ બધું મળી ગયા બાદ તમારે સારાં કર્મો જ કરવાનું બાકી રહે છે, જેથી તમને જીવનમાં ખરું સુખ પ્રાપ્ત થઈ શકે."
આ જ મંદિરમાં હું મારાં માતાપિતા સાથે ગઈ હતી. તેઓ ત્યાં કોઈક વિશેષ પૂજા કરાવવા માગતાં હતાં. અમે મંદિરના વ્યવસ્થાપકને મળ્યા અને એમની મદદ માગી. એ વખતે તેઓ અમુક વિદેશીઓ સાથે વાતચીતમાં વ્યસ્ત હતા, કારણ કે વિદેશીઓ મંદિરમાં પૂજા કરાવવાની વાત કરી રહ્યા હતા. અમે પણ એના માટે જ એમની પાસે ગયા હતા, પરંતુ એમણે અમારા પર ધ્યાન આપ્યું નહીં, કારણ કે અમે વિદેશી ન હતા. ઘરે પહોંચ્યા પછી મેં મારા એક મિત્રને આ વાત કરી. એમણે મંદિરના મહંતને વાત કરી અને મહંતે વ્યવસ્થાપકને બોલાવીને ખખડાવ્યા. વ્યવસ્થાપક તરત અમારી પાસે દોડતાં આવ્યાં અને અમારી માફી માગી. સાથે એમ પણ કહ્યું કે અમારે મહંતને કહેવાની જરૂર ન હતી. મેં જવાબ આપ્યો, "અમે તમને વિનંતી કરી, પરંતુ તમે ધ્યાન આપ્યું જ નહીં. વિદેશીઓ કરાવવા માગતા હતા એ જ પૂજા મારાં માતાપિતા પણ કરાવવા ઈચ્છુક હતાં." પછી તો એમણે અમને પૂજા કરાવવામાં ઘણી મદદ કરી. એ જ રાત્રે જમવાનું પીરસતી વખતે એમને ઠોકર લાગી અને તેઓ અમારી પાસે આવીને બોલ્યાં, "મારી ભૂલ થઈ ગઈ હતી. મેં તમારી સાથે સારો વ્યવહાર કર્યો નહીં અને એની સજા મને આ ઈજાના સ્વરૂપમાં મળી ગઈ." એ વખતે મને ધર્મ અને કર્મ કોને કહેવાય એ સમજાઈ ગયું.
મિત્રો, એ ઘટના મારા જીવનમાં ઘણું મોટું પરિવર્તન લાવી. મેં એ જ દિવસથી નક્કી કર્યું કે કોઈ પણ વ્યક્તિને સભાનપણે દુઃખી કે વ્યથિત કરવી નહીં.
હું પહેલેથી જ માનું છું કે દરેક વ્યક્તિ વિશેષ હોય છે. આથી જ દરેક વ્યક્તિની આંગળાની છાપ અલગ અલગ હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો, દરેક વ્યક્તિ પોતપોતાની અલગ છાપ મૂકી જતી હોય છે. આ દુનિયામાં ઘણી વ્યક્તિઓ આપણી આદર્શ બની શકે છે. દા.ત. મધર ટેરેસા, મહાત્મા ગાંધી, સ્વામી વિવેકાનંદ, વગેરે. એમણે બધાએ પોતાના આચરણ દ્વારા સમજાવી દીધું કે ધર્મને ટકાવી રાખવા માટે સારાં કર્મો જરૂરી છે.
ધર્મ પ્રત્યેની પ્રીતિ અંતરાત્મામાં ઝાંકી કરીએ ત્યારે જ પ્રગટે છે. કોઈકે સાચું જ કહ્યું છે, તમારો ખરાબ સમય ચાલી રહ્યો હોય ત્યારે હિંમત હારવી નહીં અને સારો સમય ચાલી રહ્યો હોય ત્યારે કોઈને હાનિ કરવી નહીં; અન્યોની મદદ જ કરવી.
મેં એક વખત વિશ્વભરના શ્રવણવિજ્ઞાન સાથે જોડાયેલા લોકોના ઇન્ટરવ્યૂ કર્યા હતા. તેઓ બધા ભારત પ્રત્યે ઘણું માન ધરાવે છે એ મને જોવા મળ્યું. મેં એ પણ જાણ્યું કે તેઓ બધા આધ્યાત્મિકતામાં માને છે અને પોતપોતાનામાં પરિવર્તન લાવવા અને બીજાઓને શક્ય તેટલી બધી મદદ કરવા તૈયાર રહે છે. મેં એમાંના મારા એક મિત્રને પૂછ્યું કે એમની દૃષ્ટિએ આધ્યાત્મિકતાનો અર્થ શું છે. એમણે જવાબ આપ્યો, "વ્યક્તિ સમાજ માટે જે કંઈ કરે છે એ જવાબદારીપૂર્વક કરે એને જ આધ્યાત્મિકતા કહેવાય." દરેક વ્યક્તિ આવી જ જવાબદારીથી કામ કરે તો આ વિશ્વમાં ઘણું મોટું પરિવર્તન આવી શકે છે.
આપણને આ પૃથ્વી પર મનુષ્ય તરીકે જન્મ મળ્યો એનો આપણે પાડ માનવો જોઈએ. આપણે એક જ એવા જીવ છીએ, જેની પાસે વિચારવાની શક્તિ છે. પ્રેમની શક્તિથી જ આ જીવનમાં આવતી વિપદાઓનો સામનો કરી શકાય છે. આ પૃથ્વી પર આપણા અસ્તિત્વનો અર્થ શું છે એ જાણવું જોઈએ અને અસ્તિત્વને સાર્થક કરવું જોઈએ. પોતાનો વિકાસ કરવામાં સહાયક નીવડે એવો અભિગમ રાખવો જોઈએ. પોતાને અને બીજાઓને ક્ષમા આપતાં શીખવું જોઈએ.
સકારાત્મકતા વિશે લખાણ કરવાથી મારામાં પણ પરિવર્તન આવશે એવું મને ક્યારેય લાગ્યું ન હતું. મારા લખાણથી હું લોકોના જીવનમાં સુખ લાવી શકીશ એવું મેં ક્યારેય વિચાર્યું ન હતું. મારો ઉદ્દેશ તો સારું કર્મ કરવાનો જ હતો. લખતાં-લખતાં મને પોતાનો ધર્મ શું છે એ પણ સમજાઈ ગયું!
-------------------
Comments
Post a Comment