મગજમાં લઘુતાગ્રંથિ, લાચારી જેવી નકામી લાગણીઓનું ફીડિંગ કરવાને બદલે પ્રેમ અને વિશ્વાસનું ફીડિંગ કરો
|| મગજમાં લઘુતાગ્રંથિ, લાચારી જેવી નકામી
લાગણીઓનું ફીડિંગ કરવાને બદલે પ્રેમ અને
વિશ્વાસનું ફીડિંગ કરો ||
ચેતતો નર સદા સુખી એવી ઉક્તિ છે, પરંતુ હું કહેવા માગું છું કે ચેતીને રહેવું એના કરતાં સભાન રહેવું વધુ સારું. જીવનમાં ખરેખર શું જોઈએ એની સભાનતા હોય તો તમે સાવચેતી પણ લઈ શકો છો અને કદાચ ઈલાજની તો જરૂર જ ન પડે. આમ કહેવા પાછળનું કારણ એ છે કે દરેક વ્યક્તિએ જીવનમાં મૂળભૂત સિદ્ધાંતોને સમજીને ચાલવાની જરૂર હોય છે.
આપણે પોતાના માટે તથા અન્યો માટે કઈ લાગણીઓ ધરાવીએ છીએ અને પોતાનામાં કેટલી શક્તિ છે એની જાણ આપણને હોવી ઘટે. પોતાનામાં તથા તમે જેની સાથે હો એ લોકોમાં આત્મવિશ્વાસ હોય તો તમે જીવનમાં કંઈક કરી બતાવી શકો છો.
સભાનતા વિશે મેં જ્યારે વિચારવાનું શરૂ કર્યું ત્યારે મને સૌથી પહેલાં ભગવાન કૃષ્ણનો વિચાર આવ્યો. તેઓ હંમેશાં આપણને માર્ગદર્શન આપવા તૈયાર હોય છે. આપણે ફક્ત એટલું ધ્યાન રાખવાનું કે એમની હાજરી અનુભવવી જોઈએ. તેઓ સર્વત્ર છે. કૃષ્ણ હંમેશાં પોતાના અષ્ટસખા, ગોપીઓ, ગોવાળો, એ બધા માટે હાજરાહજૂર રહ્યા છે. નારદજી હોય કે નરસિંહ મહેતા હોય, જેમણે કૃષ્ણમાં શ્રદ્ધા રાખી એમના માટે કૃષ્ણ ખડેપગે તૈયાર રહ્યા છે.
વિજ્ઞાનના યુગમાં આપણે પોતાનાં મૂળ અને મૂળભૂત તત્ત્વોને ભૂલી ગયા છીએ. જો આપણે વાસ્તવિકતાને સમજીને ચાલીએ તો બધું સમુંસૂતરું પાર પડે છે. દરેક કાર્યની એક પ્રક્રિયા હોય છે. આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિ પાસે જાદુઈ છડી નથી. દરેકે પોતપોતાની રીતે કામ કરવું પડતું હોય છે.
માણસે સૌથી પહેલાં જીવનમાં પોતાની દિશા નક્કી કરવાની હોય છે. આજે, દુનિયાના અલગ અલગ ભાગોમાં જઈ આવ્યા બાદ મને લાગે છે કે જગતમાં દરેક સ્થળની પોતપોતાની ખાસિયતો હોય છે. આપણે શેનું અનુકરણ કરવાનું છે એના વિશે આપણામાં સભાનતા હોવી ઘટે. દા.ત. બહાર જઈએ ત્યારે માંસાહારી ભોજન કે મદિરાપાન કરતા હોય એવા લોકોની બાજુમાં બેસવું પડતું હોય છે, પરંતુ પોતાના માટે એ બધું વર્જ્ય છે એટલી સમજ અને સભાનતા પૂરતી હોય છે. આ સભાનતા પોતાના માર્ગ પર અડીખમ રહેવાનું બળ આપે છે. મેં તો જોયું છે કે મારી બાજુમાં બેસતા માંસાહારી લોકો મને શુદ્ધ શાકાહારી ભોજન પીરસવા માટે વેઇટરને સૂચના આપતા હોય છે. ઘણી વાર તો તેઓ મારે કારણે શાકાહારી ભોજન કરી લેતા હોય છે. એવા વખતે મને ઘણું સારું લાગે છે. પોતાની સંસ્કૃતિ અને મૂલ્યોનું પોતે જ ધ્યાન રાખવાનું હોય છે.
બીજું એ ધ્યાન રાખવું કે તમારું માન જાળવે, તમને વિકસવામાં મદદ કરે અને તમારામાં સકારાત્મકતા લાવે એવા લોકોની સાથે જ રહેવું જોઈએ. જીવનમાં સકારાત્મક વિચારો જેટલા વધારે હશે એટલું જ જીવન વધુ સારું અને પ્રસન્નતાપૂર્ણ બનશે.
મેં શ્રવણમંદ બાળકોને સમાજના મુખ્ય પ્રવાહમાં ભેળવવાનું ધ્યેય રાખ્યું તેથી મને કોઅલિશન ફોર ગ્લોબલ હીયરિંગ હેલ્થ કૅર ઍન્ડ ડબ્લ્યુએચઓના બોર્ડ સભ્ય તરીકે કામ કરવા મળ્યું છે. આ ઉપરાંત ભારતમાં તથા તમામ વિકાસશીલ દેશોમાં મને શ્રવણમંદતા વિશે બોલવાનો મોકો મળ્યો છે. હું અહીં પોતાનાં વખાણ કરવા માટે નહીં, પરંતુ સકારાત્મકતાને કારણે મળેલાં પરિણામો તરફ ધ્યાન દોરવા માટે આ બધું લખી રહી છું. પોતાની અને બીજાઓની ક્ષમતાને ઓળખનારા લોકો જીવનમાં ઉલ્લાસ લાવી શકે છે.
જીવનમાં કયો અભિગમ અપનાવવો એ તમારે નક્કી કરવાનું છે. કેવી રીતે સુખી રહી શકાય એ તમારે જોવાનું છે. આશાવાદી કે સકારાત્મક બનવું એ પણ તમારી જ પસંદગી છે.
બીજાઓ સાથે કરુણાવાન વ્યવહાર કરવો, પોતાનું જ્ઞાન લોકોમાં વહેંચવું એ પણ પોતાની જ ઈચ્છા અનુસાર થતું હોય છે. લોકોને માન આપવું અને માન મેળવવું એ પણ પોતાની જ પસંદગી હોય છે. આપણે જે પસંદ કરીએ એ બાબતે સભાન રહેવું જોઈએ. તમારી પસંદગી એવી હોવી જોઈએ જે તમને જીવનમાં બળ આપી શકે. તમારી પાસે આ દુનિયાનું અદભુત કોમ્પ્યુટર અર્થાત્ મગજ છે. તમને જે જોઈતું હોય એનું એ કોમ્પ્યુટરમાં ફીડિંગ કરો. લઘુતાગ્રંથિ, લાચારી એ બધી નકામી લાગણીઓનું ફીડિંગ કરવાને બદલે પ્રેમ અને વિશ્વાસનું ફીડિંગ કરો. તમારો ઉત્સાહ બધામાં ઉત્સાહ લાવી શકે છે એના વિશે સભાન બની જાઓ.
યાદ રહે, ભગવાને તમને બનાવ્યા છે અને તેમણે જ તમારા જીવનમાં જોઈએ એ બધી જ વસ્તુઓ આપેલી છે. તેમાં સૂર્ય, ચંદ્ર, તારા, વનસ્પતિ, પશુ-પંખીઓ, વગેરે બધું આવી જાય છે. એ બધાની સાથે કેવી રીતે રહેવું અને સુખ પ્રાપ્ત કરવું એ તમારા હાથમાં છે. ભગવાને આપેલા સ્રોતોનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ. પ્રભુ સાથે સંવાદ સાધવા માટેનું સૌથી વધુ શક્તિશાળી સાધન - પ્રાર્થના તમારી પાસે છે. તમારી પાસે ચહેરા પરના સ્મિતનું સૌથી મોંઘું ઘરેણું છે અને બીજાઓને મદદરૂપ થવાનું સૌથી વધુ સંતોષ આપનારું કાર્ય પણ તમે કરી શકો છો.
શ્રવણમંદ લોકોને જીવનના મુખ્ય પ્રવાહમાં લાવવા બાબતે ડબ્લ્યુએચઓના ધોરણ અનુસાર જાગરૂકતા કેવી રીતે લાવવી એનો હું અભ્યાસ કરી રહી હતી. શ્રવણમંદતા/બધિરતાને કેવી રીતે અટકાવી શકાય તેનો પણ વિચાર કરી રહી હતી. એ વિચાર કરવાને પગલે રસ્તાઓ મળ્યા. આ જ રીતે જીવનમાં શું કરવું છે એ નક્કી કરી લેવાથી રસ્તાઓ આપોઆપ મળી જાય છે.
મેં જીવનના દરેક પગલે કૃષ્ણમાં શ્રદ્ધા રાખી છે અને હંમેશાં બીજાઓને મદદરૂપ થવાની ભાવના રાખી છે. એને લીધે હું પોતાના અસ્તિત્વના અર્થ વિશે સભાન બની છું અને સાવચેતી રાખીને તકલીફોથી બચી શકું છું.
------------------------
Comments
Post a Comment