ભગવાન પ્રત્યે શ્રદ્ધા અને મનુષ્યો માટે કરુણાનો ભાવ હશે તો જીવન ઘણું સરળ બની જશે
|| ભગવાન પ્રત્યે શ્રદ્ધા અને મનુષ્યો માટે કરુણાનો
ભાવ હશે તો જીવન ઘણું સરળ બની જશે ||
સૂર્યનાં કિરણો વિશ્વના દરેક ખૂણે પહોંચે છે એ જ રીતે આજે કરુણાનો પ્રકાશ સર્વત્ર ફેલાવવાની જરૂર છે. વિકટ પરિસ્થિતિમાંથી પસાર થયા બાદ હવે સારાં કર્મો કરવાની જરૂર છે. આમ કરવાનું ત્યારે જ શક્ય બનશે, જ્યારે આપણે ઈશ્વરમાં શ્રદ્ધા રાખીશું. મારી વાત કરું તો, મને કૃષ્ણે મારા આ લખાણ દ્વારા સકારાત્મકતા ફેલાવવા માર્ગદર્શન આપ્યું છે.
દરેક મનુષ્ય પોતાના અનુભવો પરથી શીખે છે. ભગવાને પણ અવતાર ધારણ કરીને મનુષ્ય તરીકે જીવવાનો અનુભવ લીધો છે. કૃષ્ણ અને રામના જીવન પરથી આપણને આ જ વાત શીખવા મળે છે.
અનુભવની જ વાત નીકળી છે તો કહેવાનું મન થાય છે કે સામાન્ય માણસ જો એક દિવસ માટે અંધ, અપંગ કે બધિર બની જાય તો જ એને સમજાય કે પંગુ વ્યક્તિઓ કઈ રીતે જીવન જીવે છે. કોરોના કપરા વખતમાં દરેક વ્યક્તિએ આફતમાંથી પસાર થવું પડ્યું છે, પરંતુ અપંગ વ્યક્તિઓનો વિચાર કરીએ તો સમજાય કે એમના મુકાબલે પોતાના જીવનમાં કેટલી સારી પરિસ્થિતિ છે.
આના પરથી કહી શકાય કે આપણે વિચાર કરવાની રીત બદલવાની જરૂર છે. પોતાના વિચારો બદલીને આપણે નિયતિ બદલી શકીએ છીએ. જો આપણે કરુણાનું મહત્ત્વ સમજી શકીશું તો તો વિશ્વમાં પરિવર્તન લાવી શકીશું. શ્રવણમંદ બાળકો પ્રત્યે કરુણા રાખીને મેં જોયું છે કે મનુષ્ય તરીકે મારું જીવન પણ બદલાયું છે. આ જ રીતે કરુણાભાવ રાખીને દરેક મનુષ્ય પોતાના જીવનમાં પરિવર્તન લાવી શકે છે.
આ પૃથ્વી પર આશરે ૭.૮ અબજ લોકો વસવાટ કરે છે. તેમાંથી લગભગ ૬.૩ ટકા લોકો શ્રવણમંદ છે. બીજી બધી પંગુતા મળીને અપંગ વસતિનું પ્રમાણ લગભગ ૧૦ ટકા છે. તેના પરથી એમ કહી શકાય કે બાકીના ૯૦ ટકા લોકો સામાન્ય છે. જો આ ૯૦ ટકા લોકો બાકીના ૧૦ ટકા લોકો પ્રત્યે કરુણા-સદ્ભાવ રાખશે તો આ વિશ્વ કેટલું સુંદર બની શકશે!
આપણે જીવનના સંઘર્ષોનો સામનો કરીને જ બળવાન બનીએ છીએ. કપરા સંજોગોમાં હિંમત હારવાને બદલે, નાસીપાસ થવાને બદલે પોતાની શક્તિઓ પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ. અલગ અલગ પ્રકારની પંગુતા ધરાવતાં બાળકોના જીવન પરથી આ જ શીખ લેવાની છે.
આજકાલ યુવાનો વડીલોને ભગવાનના અસ્તિત્વ વિશે પૂછતા હોય છે. ઈશ્વર અસ્તિત્વમાન છે એવું કહેવામાં આવે ત્યારે યુવાનો કહે છે કે તેઓ શ્રદ્ધા રાખી શકતા નથી. અહીં એક કિસ્સો ટાંકવા જેવો છે. એક વડીલે યુવાનોને મંદિરમાં પાણીથી ભરેલો ગ્લાસ લઈને પરિક્રમા કરવાનું કહ્યું. પરિક્રમા વખતે પાણીનું એકેય ટીપું નીચે ઢોળાવું જોઈએ નહીં એવી શરત રાખવામાં આવી. યુવાનોએ એમાં ઉત્સાહભેર ભાગ લીધો. વડીલે પરિક્રમા પૂરી થયા પછી યુવાનોને પૂછ્યું, "તમે આજુબાજુ કોઈ મનુષ્યને તકલીફમાં જોયો, તમારા માર્ગમાં કેટલા લોકોને તમારી મદદની જરૂર હતી?" યુવાનોએ જવાબ આપ્યો, "અમે આજુબાજુ જોયું જ નહતું, કારણ કે અમે તો પાણીનું એકેય ટીપું ઢોળાય નહીં એના પર જ ધ્યાન કેન્દ્રીત કર્યું હતું." આ પ્રસંગ પરથી કહી શકાય કે યુવાનોએ ઈશ્વર પર ધ્યાન કેન્દ્રીત કરવાની જરૂર છે. મનમાં ભગવાન પ્રત્યે શ્રદ્ધા અને મનુષ્યો માટે કરુણાનો ભાવ હશે તો જીવન ઘણું સરળ બની જશે.
----------------------
Comments
Post a Comment