આપણે બીજાઓ માટે નહીં, પોતાના માટે પોતાની જાતને પુરવાર કરવાની છે

 || આપણે બીજાઓ માટે નહીં, પોતાના માટે પોતાની 

જાતને પુરવાર કરવાની છે ||


મનોવિજ્ઞાનના પુસ્તકમાં એક અર્થપૂર્ણ વાક્ય વાંચવામાં આવ્યું હતું. તેમાં કહેવાયું હતું કે જે માણસ અરીસામાં પોતાના અસલી ચહેરાનો સામનો કરી શકે છે એ માણસ આ દુનિયામાં કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરી શકે છે. આપણી ભારતીય પરંપરા પણ આ જ બોધ આપે છે. આપણી સંસ્કૃતિ એટલી સમૃદ્ધ છે કે અત્યંત પ્રાચીન હોવા છતાં આજની તારીખે પણ પ્રસ્તુત લાગે છે. આપણા દેશમાં 3000 વર્ષ પહેલાં પણ ઔષધિવિજ્ઞાન ઘણું પ્રગતિ કરી ચૂક્યું હતું. એટલી જ પ્રાચીન પદ્ધતિ યોગની પણ છે. યોગ આપણને ફક્ત શારીરિક નહીં, માનસિક તંદુરસ્તી પણ બક્ષે છે. અત્યારે સમય આવી ગયો છે કે આપણે આ સમૃદ્ધ સંસ્કૃતિનું જતન કરવા માટેના ઉપાયો કરીએ. 

સંશોધન વિજ્ઞાની ડૉ. આર્નોલ્ડ તોયાંબીએ કહ્યું છે કે આપણી જ્ઞાનેન્દ્રિયો જીવનમાં પરિવર્તન લાવતી હોય છે, પરંતુ મોટા ફેરફારો આપણી પોતાની અપેક્ષાઓના આધારે થાય છે. તેમણે એમ પણ કહ્યું છે કે આ જગતમાં ઉત્ક્રાંતિ થઈ છે એ આપણે જોઈ શકીએ છીએ, પરંતુ એના માટે ભગવાનનું સર્વત્ર અસ્તિત્વ હોય એ જરૂરી છે. આપણી સંસ્કૃતિ પણ એ જ કહે છે. આપણે ઈશ્વરને સર્વશક્તિમાન અને સર્વત્ર વિરાજમાન કહીએ છીએ. આપણાં શાસ્ત્રોમાં અસતો મા સદ્ગમય. તમસો મા જ્યોતિર્ગમય. મૃત્યોર્મામૃતં ગમયનો ઉપદેશ આપવામાં આવ્યો છે. 

એક પુસ્તકમાં લેખકે મજાકમાં કહ્યું હતું કે ભારતના રેલવે સ્ટેશન પર માણસોની ભીડને ચારેકોરથી જોઈએ તો એમ જ લાગે કે આકાશગંગાના તારાઓ અને ગ્રહો કરતાં વધારે ભીડ અહીં જ છે. જોકે, આપણે આ જ ભીડને આપણી તાકાત બનાવવાની છે. આપણે બીજાઓને નહીં, પણ પોતાની જાતને પુરવાર કરવાની છે.
ડૉ. જગદીશચંદ્ર બોઝે પ્રયોગશાળા ખોલી હતી, પરંતુ તેમણે એમ જ કહ્યું હતું કે હું મંદિર ખોલી રહ્યો છું, જ્યાં હું મારી શક્તિઓનું વિશ્લેષણ કરતાં શીખ્યો છું. 

આપણા બધા પાસે મગજ છે, પણ ક્યારેક આપણે વધારેપડતા વિચારો કરીએ છીએ. મનુષ્ય જીવનની ઘણી બધી પીડાઓ બિનજરૂરી હોય છે. આપણે જાતે તકલીફો ઊભી  કરતા હોઈએ છીએ. આપણે ઘણી બધી નવી વસ્તુઓથી આકર્ષિત થતા હોઈએ છીએ, પરંતુ એ બધા પાછળ મૂળ મુદ્દો આપણો એ વસ્તુઓ પ્રત્યેનો દૃષ્ટિકોણ છે. આપણે પોતાની શક્તિઓનું મહત્ત્વ સમજ્યા વગર વસ્તુઓને મહત્ત્વપૂર્ણ માનવા લાગીએ છીએ. આપણને આજનું શિક્ષણ અને બીજી સંસ્કૃતિઓ વધારે ગમે છે, પરંતુ આપણે એ સમજતા નથી કે આપણા દેશની સંસ્કૃતિ ઘણી સમૃદ્ધ છે અને આપણો દેશ જ્ઞાનનું કેન્દ્ર છે. 

કોરોના રોગચાળાએ આપણને શીખવ્યું છે કે આપણે પોતાનાં સાંસ્કૃતિક મૂલ્યો, વડીલો પ્રત્યેનો આદર, સંયુક્ત કુટુંબ, કરુણાનો ભાવ, માનવતા, આપણા ઘરગથ્થુ ઈલાજો, યોગ, ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા એ બધાનું મહત્ત્વ સમજવાનું છે. આ બધી વસ્તુઓ આપણી મહામૂલી મૂડી છે. આપણા ઘણા વડીલો આ બધાં મૂલ્યોને કારણે કોરોનાનો સામનો કરી શક્યા છે. આપણાં કાર્યો અને કર્મો એ બન્ને વચ્ચેનો ભેદ આપણને આ રોગચાળાએ સમજાવી દીધો છે. 

હાલમાં મારી મુલાકાત એક મહિલા સાથે થઈ. એ ઉચ્ચ શિક્ષિત હતી. તેના સંતાનને જન્મથી જ અનેક બીમારીઓ હતી. સારી દેખરેખ અને સંઘર્ષ બાદ તેણે બાળકનો ઉછેર કર્યો હતો. તેને પતિ તથા સાસરિયાં તરફથી ઘણો સાથ મળ્યો હતો. બાળકનું મગજ પણ તેજ હતું, પરંતુ એ છોકરાને શાળામાં દાખલ કરવામાં આવ્યો ત્યારે માતાએ બીજાં બાળકો સાથે એની તુલના શરૂ કરી દીધી અને એને કારણે ચિંતિત થઈ ગઈ. છોકરાની સામે પણ એ ચિંતિત અને વ્યાકુળ રહેવાને લીધે છોકરો પણ પોતાને નિઃ સહાય અનુભવવા લાગ્યો હતો. માતાએ બાળકની શક્તિઓનો વિચાર કરવાને બદલે પોતાને નિઃ સહાય માની. એ મહિલા પોતાના બાળકની બોલવાની તકલીફના ઈલાજ માટે મારી પાસે આવી હતી. મને એનું વિશ્લેષણ કરતાં ખબર પડી કે બાળકને બોલવાની તકલીફ કરતાં માનસિક તકલીફ વધારે હતી. 

બીજાઓ સાથે તુલના કરવાથી હંમેશાં આવી જ સ્થિતિ સર્જાતી હોય છે; આપણું મન નબળું પડે છે અને આપણે પોતાની શક્તિઓને ભૂલી જઈએ છીએ. આ જ વાતનો વિસ્તાર કરીએ તો એમ કહી શકાય કે આપણે પોતાની સંસ્કૃતિનું મૂલ્ય ઓળખ્યા વગર વિદેશી સંસ્કૃતિને જ મહત્ત્વ આપ્યા કરીએ તો તેનાથી એકંદરે નુકસાન થાય છે. આના પરથી કહી શકાય કે આપણે પોતાની શક્તિઓને પિછાણીને પોતાની જાતને પુરવાર કરવાની છે. 

મેં સકારાત્મકતા ફેલાવવા માટેનું લખાણ શરૂ કર્યું છે. આપણાં ગ્રંથોમાં સકારાત્મકતા ભરપૂર પ્રમાણમાં છે. આપણાં શાસ્ત્રો ઋષિ-મુનિઓએ લખેલાં છે. તેમણે આપણને સત્ય અને દૈવત્વનો માર્ગ દર્શાવ્યો છે. તેમણે આપણને કહ્યું છે કે આપણે ઈશ્વરનો જ અંશ છીએ. આપણું કામ આ જગતને સુંદર અને સારું બનાવવાનું છે.
 
આપણે પરિસ્થિતિ અનુકૂળ થાય ત્યાં સુધી રાહ જોવાની જરૂર નથી. ક્યાંક શરૂઆત થાય ત્યારે જ પરિસ્થિતિ અનુકૂળ થવા લાગે છે. મેં મારા દૈનિક જીવનમાં ભારતીય સાંસ્કૃતિક મૂલ્યોનો અમલ શરૂ કર્યો છે. મેં એના વિશે લખવાનું, વાંચવાનું અને વિચારવાનું શરૂ કર્યું છે. તમારો શું વિચાર છે? શું તમે મારા મત સાથે સહમત થાઓ છો? આપણે બીજાઓ માટે નહીં, પોતાના માટે પોતાની જાતને પુરવાર કરવાની છે. 
-------------------------------------

Comments

Popular posts from this blog

મૈત્રીનો ઉત્સવ આજીવન ઉજવાતો હોય છે

આપણે દરેક તકલીફના લાલ સિગ્નલને આધ્યાત્મિક ઊર્જાની મદદથી લીલું સિગ્નલ બનાવી શકીએ છીએ

'વફાદારી' માત્ર એક શબ્દ નથી, એ તો જીવનશૈલી છે...