આજે જરૂર છે સહજપણે જીવવાની
|| આજે જરૂર છે સહજપણે જીવવાની ||
આ એક બાબતે કરેલો વિચાર રસપ્રદ છે. બ્રહ્માંડનું શું ધ્યેય છે? સૂર્ય, ચંદ્ર અને આકાશગંગાથી સદા ચમકતા રહેવું. પૃથ્વીનું શું ધ્યેય છે? પ્રકૃતિ, વિવિધ જીવો અને મનુષ્યો સાથે પ્રકાશમાન રહેવું. કોઈ દેશનું શું ધ્યેય છે? આર્થિક અને બૌદ્ધિક રીતે શક્તિશાળી રહેવું અને વધુ સુસંસ્કૃત તથા સુગમ બનીને બીજા લોકોને આકર્ષિત કરવા. કોઈ સમાજનું શું ધ્યેય છે? બધા એકતા રાખીને જીવે અને એકબીજાને પૂરક તથા મદદરૂપ બને. કોઈ સંસ્થાનું શું ધ્યેય છે? કર્મચારીઓ નિષ્ઠાપૂર્વક કામ કરે અને સંસ્થાને વિકસીત કરવામાં યોગદાન આપે. માતાપિતા કે પરિવારનું શું ધ્યેય છે? સંતાનો સારું શિક્ષણ, સંસ્કાર પામીને વિકાસ સાધે અને સદા પરિવારને એક રાખે. એક મનુષ્ય તરીકે તમારું શું ધ્યેય છે??? ઉપરના બધા ધ્યેય ત્યારે શક્ય બને છે, જ્યારે મનુષ્યો બ્રહ્માંડ પ્રત્યેનું કર્તવ્ય પોતાનાથી બનતી ઉત્તમ રીતે નિભાવે. એમ કરવા માટે દરેક વ્યક્તિએ પોતાની સહજ સ્થિતિમાં રહેવું જરૂરી છે. પોતે જે છે એને મહત્ત્વ આપવાનું અને એનો સ્વીકાર કરવાનું અગત્યનું છે.
રાધા-કૃષ્ણ એમ તો ભગવાન હતાં, પરંતુ એમણે આ પૃથ્વી પર અવતાર ધારણ કર્યા પછી બીજા મનુષ્યોની જેમ જ સામાન્ય જીવન જીવવાનું પસંદ કર્યું. તેઓ પ્રેમ, ત્યાગ અને માનવીયતાનો વારસો આપણા માટે મૂકી ગયા. તેમણે એ શીખવ્યું કે ગમે તે પરિસ્થિતિમાં માણસે પોતાની શક્તિઓનો ઉત્તમ ઉપયોગ કરવો. મનુષ્યની દરેક સમસ્યાનો હલ પ્રેમથી લાવી શકાય છે એ પણ એમણે શીખવ્યું. એમના પ્રેમની સરળતા અને સુંદરતા આજે પણ એમનાં ચિત્રોમાં તરી આવે છે. કળાકારોએ એમની દરેક પ્રતિમામાં તથા દરેક ચિત્રમાં એમની નિર્દોષતા દર્શાવી છે. આટલાં વર્ષોમાં ક્યારેય એમની કથાઓમાં નકારાત્મકતા, તુલના અને ખરાબ સંગતની વાત આવી નથી. તેનું કારણ એ છે કે એમણે પવિત્ર હૃદયથી પોતાની સાહજિકતા ટકાવી રાખી હતી.
અહીં એક વાર્તા યાદ આવે છે. કૃષ્ણની એક ભક્ત રોજ મંદિરે જઈને દૂધથી અભિષેક કરતી. એ ઘરેથી દૂધ લઈને નીકળતી અને તળાવે જઈને એ દૂધમાં થોડું પાણી ઉમેરતી. ભગવાનને છેતરવા માટે નહીં, પરંતુ દૂધ ભગવાનને પચવામાં ભારે પડે નહીં એ માટે પાણી ઉમેરતી. એનું મન શુદ્ધ હતું. એક દિવસ આ જ રીતે એ પાણી ઉમેરીને ગઈ,પરંતુ પાણીની સાથે સાથે એક માછલી પણ કળશમાં આવી ગઈ અને એને એ વાતની ખબર પડી નહીં. મંદિરના મહારાજ કળશમાં માછલી જોઈને ગુસ્સે થયા અને ત્યાર પછી ક્યારેય અભિષેક માટે મંદિરે આવવું નહીં એમ એ મહિલાને કહ્યું. ભક્તે ઘણી વિનવણી કરી, પરંતુ મહારાજ માન્યા નહીં. એ મહિલાએ ભગવાન સામે પણ ભૂલ કબૂલ કરી અને ક્ષમા માગી. મિત્રો, એ વાર્તામાં આગળ એમ લખાયું છે કે ભગવાન સામે ચાલીને એ મહિલાની ઝૂંપડીએ ગયા અને દૂધ પીધું. મહારાજને એ દિવસે મંદિરમાં પ્રભુની હાજરી વર્તાઈ નહીં અને એમને સમજાઈ ગયું કે એમણે મહિલાને દૂધ લઈને અભિષેક માટે આવવાની મનાઈ ફરમાવીને ભૂલ કરી છે. આ કથા પરથી કહી શકાય કે જેનું હૃદય ખરું છે અને જે સહજ છે એવા લોકો ભગવાનને ગમે છે.
આપણે રોજિંદી ભાગદોડભરી જિંદગીમાં મનુષ્ય તરીકેનું સ્વપણું તથા પોતાની ખરી ઓળખ ગુમાવી બેઠા છીએ. નાનપણથી બીજાઓ સાથે તુલના શરૂ થઈ જાય છે. મોટા થયા પછી મોટા લોકો સાથે સરખામણી થવા લાગે છે. મનોવિજ્ઞાનીઓ કહે છે કે આ પૃથ્વી પર બે પ્રકારના લોકો છે. એક, જેઓ ઘણી બધી ખ્યાતિ ચાહે છે અને બે, જેઓ ઘણા પૈસા ઈચ્છે છે. ખરેખર તો બધાને પરિવાર, સ્વજનોની હૂંફ અને બીજાઓ સાથે હળીમળીને રહેવાનું જોઈતું હોય છે. તો પછી જીવનમાં વધુપડતો વિચાર શું કરવો? સહજપણે કેમ જીવવું નહીં? વિશ્વમાં પ્રેમથી સહજપણે રહેવામાં શું ખોટું છે? આ રીતે રહીશું તો બધું સરળ થવા લાગશે, સમસ્યાઓ દૂર થઈ જશે.
ખરું પૂછો તો કોરોનાના રોગચાળાએ દરેક મનુષ્યને ગહન વિચાર કરવા મજબૂર કરી દીધો છે. મારા જીવનમાં પણ પરિવર્તન આવ્યું છે. મારા વ્યવસાયને કારણે હું આર્થિક રીતે નબળા વર્ગનાં બાળકો માટે સામાજિક કાર્ય પણ કરી રહી છું, પરંતુ એમ કરતાં કરતાં મેં જીવનમાં ઘણી વસ્તુઓ શીખી છે, જે હું અન્યોને જણાવવા માગતી હતી. જોકે, લોકોને મારા વિચારો ગમશે કે નહીં એવો સવાલ મૂંઝવતો. મેં જ્યારે સકારાત્મકતા વિશે લખવાનું શરૂ કર્યું ત્યારે પણ આવા વિચારો હતા, પરંતુ મારા પરિવારે, ગુરુએ, અન્ય લેખકોએ અને વાંચકોએ મને પ્રતિભાવ આપવાનું શરૂ કર્યું ત્યારે મને જુસ્સો ચડ્યો અને મેં સંખ્યાબંધ બ્લોગ લખી કાઢ્યા. ઈશ્વરના પ્રતાપે મને પુસ્તક પ્રગટ કરવાનું પણ સૂચન થયું અને પુસ્તક પ્રગટ થયું. કૃષ્ણમાં શ્રદ્ધા રાખીને હું મારા ડરને ભગાવી શકી અને તેનાથી મારા મગજની શક્તિઓ વિકસી અને એક વધુ સારી મનુષ્ય બની શકી.
કોરોના વાઇરસે ઘમી મોટી સંખ્યામાં પરિવારોને અસર કરી છે. એમની તકલીફો જોઈને ચિંતા થાય છે. ભલે અસરગ્રસ્ત લોકો સાથે કોઈ પ્રત્યક્ષ સંબંધ ન હોય, પરંતુ એમની ભૂલોમાંથી કંઈક શીખીને સાવચેત રહેવા માગીએ છીએ. કોરોના સામે લડેલા લોકોના અનુભવ જાણવાની આપણને ઈચ્છા થતી હોય છે. આ વિચાર આવ્યો ત્યારે લાગ્યું કે હું તો ઘણાં વર્ષોથી શ્રવણમંદ બાળકો સાથે કામ કરી રહી છું. મારે એ લોકો પાસેથી પણ શીખવું જોઈએ. મેં એક દિવસ મારા જ શ્રવણમંદ દરદીનો ઇન્ટરવ્યૂ કર્યો. મેં એને પૂછેલા સવાલના એણે સામાન્ય બાળક કરતાં પણ વધુ આત્મવિશ્વાસથી જવાબ આપ્યા. મને સમજાઈ ગયું કે પ્રેમથી અને વ્યવસાયી જ્ઞાનની મદદથી યોગ્ય રાહ ચીંધવામાં આવે અને માતાપિતાની હૂંફ અને સ્નેહ મળેતો બાળકોમાં ઘણું પરિવર્તન આવી શકે છે. કોઈકના દુઃખના દરિયામાં પ્રેમનું બિંદુ બનવું એ પણ ઘણી મોટી વાત છે. જો આપણે આ જ રીતે એક એક ટીપું ભેગું કરતાં જઈએ તો દુઃખના દરિયામાંથી ખારાશ ઓછી થઈ જશે.
પ્રેમનો સમુદ્ર રચવા માટે દરેકે યોગદાન આપવું રહ્યું. આપણી વચ્ચે અને આ સમગ્ર દુનિયા વચ્ચે શૂન્યાવકાશ નથી. આપણી વચ્ચે પ્રેમની તાકાત છે. આવું હું શું કામ કહું છું? તમે જ વિચાર કરો. આ દુનિયામાં આવેલી વ્યક્તિ માતાપિતાનો પ્રેમ, પરિવારની હૂંફ પ્રાપ્ત કરે છે. દરેકને સલામત વાતાવરણમાં વિકસવા મળે છે. દરેક વ્યક્તિ પોતાના ઉત્સાહ અને નિષ્ઠાથી કામ કરે છે. દરેકને વિશ્વાસમાં લઈને માણસ કામ કરે છે.
છેલ્લે એટલું જ કહેવાનું કે ભગવાનમાં શ્રદ્ધા રાખો, માતાપિતાનો આદર કરો, પોતાની પાસે જે છે એનાથી ખુશ રહો અને જવાબદારીપૂર્વક વર્તો. આપણે કરી શકીએ એવાં ઘણાં બધાં કાર્યો છે. કોઈ કામ મુશ્કેલ હોતું નથી. જો તમે સહજપણે રહો તો બધું આસાન છે. આ પૃથ્વી પર દરેક વ્યક્તિ પોતાની રીતે અનોખી છે. આપણે એકબીજાની ક્ષમતાઓ અને ગુણોને બિરદાવવાની જરૂર છે. જો આપણે એમ કરીશું તો આપણી આસપાસનું વિશ્વ વધુ સુંદર બનશે. બસ જરૂર છે, સહજપણે જીવવાની.
------------------
Comments
Post a Comment