કાન કરતાં દિલથી સાંભળવાનું વધુ અગત્યનું છે
|| કાન કરતાં દિલથી સાંભળવાનું વધુ અગત્યનું છે ||
ઑડિયોલૉજિસ્ટ-સ્પીચ થેરપિસ્ટ તરીકેના મારા 29 વર્ષના અનુભવના આધારે મેં અનુભવ્યું છે કે જેટલું આપણે સાંભળી શકીએ છીએ એના કરતાં વધુ મહત્ત્વનું બીજાઓને સારી રીતે સાંભળવાનું છે, અર્થાત્ તમારી શ્રવણશક્તિ કરતાં બીજાની વાત ધ્યાનથી સાંભળી લેવી એ વધુ અગત્યનું છે. શ્રવણમંદ બાળકો સાથેના મારા અનુભવના આધારે હું એમ કહી શકું છું કે એ બાળકોની તકલીફોને જાણીને એમની મનની વાતો તથા એમની તકલીફો પર ધ્યાન આપવાની વધારે જરૂર છે. તેનું કારણ એ છે કે જ્યારે એમની તકલીફો તરફ ધ્યાન આપવાવાળું કોઈ ન હોય ત્યારે તેઓ ડિપ્રેશનમાં સરી પડે છે. અહીં ફક્ત કાનથી સાંભળવાની વાત નથી, દિલથી સાંભળવાની વાત છે. જો આપણે આપણી આસપાસના લોકોની શ્રવણશક્તિનું ધ્યાન રાખીએ તો ઘણાં જીવન સુધારી અને બચાવી શકાય છે. તેના લીધે આપણું પોતાનું જીવન પણ અર્થપૂર્ણ બને છે.
કૃષ્ણચરિત્ર દર્શાવે છે કે તેઓ મુસીબતમાં હોય એવી દરેક વ્યક્તિની વાતો સાંભળતા. જ્યારે પણ મુશ્કેલી પડે ત્યારે ગોવાળો, ગોપીઓ, વૃંદાવનવાસીઓ અને મથુરાવાસીઓ એમને યાદ કરતા. દ્રૌપદીએ પણ એમને જ યાદ કર્યા હતા અને એમણે તેની લાજ બચાવી. પાંડવોએ પણ એમનું જ માર્ગદર્શન લીધું હતું. આપણા દેશની સંસ્કૃતિ વિશ્વભરમાં વિખ્યાત છે, કારણ કે એ કૃષ્ણના ગુણોનું અનુસરણ કરે છે. બીજા કોઈ દેશોની તુલનાએ ભારતમાં શ્રવણમંદ સહિતના કોઈ પણ પ્રકારના પંગુઓનું પુનઃ વસન કરવાનું કાર્ય ઘણી સારી રીતે થાય છે. આપણે ત્યાં એ લોકો પ્રત્યે હૂંફ જોવા મળે છે, જે એમને ખીલવવા માટે ઉપયોગી સાબિત થાય છે. આપણે જ્યારે કોઈને દિલથી સાંભળીએ ત્યારે એ હૂંફ પ્રગટ થાય છે. આજકાલ આપણે દિલથી સાંભળવાનું ઓછું કે બંધ કરી દીધું હોય એવું જણાય છે. મેં એવા પતિઓ જોયા છે જેમને પત્નીની ઈચ્છાઓ સાંભળવા માટે સમય નથી, પત્નીઓને પતિની મહેનતની વાતો સાંભળવામાં રુચિ નથી અને કંપનીઓના માલિકોને પોતાના કર્મચારીઓની તકલીફોને કાન આપવાનો સમય નથી તથા માલિકોને કંપની ચલાવવામાં પડતી તકલીફો વિશે સાંભળવાનું કર્મચારીઓને ગમતું નથી. રાજકારણીઓ કે નેતાઓને જનતાના પ્રશ્નો સાંભળવામાં રસ નથી અને લોકોને એકબીજાની તકલીફો તરફ ધ્યાન આપવાનું ગમતું નથી.
શ્રવણમંદ વ્યક્તિઓ સાથે કામ કરતાં કરતાં મેં દિલથી સાંભળવાનું શીખી લીધું છે. એક દિવસ મને માથાનો સખત દુખાવો થયો હતો અને હું થાકેલી જણાતી હતી. મારો એક શ્રવણમંદ વિદ્યાર્થી ક્લિનિકે આવ્યો હતો. તેણે જોયું કે મારો મૂડ સારો નથી. આથી તેણે કોઈ મદદ જોઈએ છે કે કેમ એ મને પૂછ્યું. મેં કહ્યું કે માથાનો દુખાવો છે. થોડી વારમાં સારું થઈ જશે. એણે કહ્યું, મેડમ, ચિંતા નહીં કરો. મને માથાનો દુખાવો મટાડતાં આવડે છે. એની મારા પ્રત્યેની લાગણી જોઈને મેં કહ્યું કે પોતાની પદ્ધતિથી એ માથાનો દુખાવો મટાડી આપે તો સારું. તમે નહીં માનો, એણે એવી સરસ ટેક્નિક અપનાવી કે મને થોડી જ વારમાં સારું લાગવા માંડ્યું. એ દિવસે મેં જોયું કે તેઓ કાન કરતાં દિલથી વધારે સાંભળે છે
આજે આપણે બ્લ્યૂટૂથથી સાંભળવા લાગ્યા છીએ, પણ સ્વજનોની વાતો સાંભળતા નથી. ટેક્નૉલૉજીની મદદથી શ્રવણમંદ લોકો સારી રીતે સાંભળી શકે છે અને સામાન્ય જીવન જીવી શકે છે.
કોઈ પણ ભાષા શીખવા માટે સાંભળવાનું અને વિચારવાનું મહત્ત્વનું હોય છે. બીજાઓને દિલથી સાંભળીએત્યારે આપણી પોતાની પણ અનેક શક્તિઓ ખીલી ઉઠે છે. મને તો અનુભવ થયો છે કે ક્યારેક અમે સેલિબ્રિટી પાસે જઈને અમારા કાર્યને પ્રોત્સાહન આપવાની વિનંતી કરી છે ત્યારે તેમણે અમને કલાકો સુધી રાહ જોવડાવ્યા બાદ મળવાની ના પાડી દીધી છે. આ જ લોકો જ્યારે પોતાની કોઈ નવી ફિલ્મ આવે, નવું આલ્બમ આવે ત્યારે ઈચ્છતા હોય છે કે લોકો એમને સાંભળે. આવો તફાવત શું કામ? જો એમને સમય ન હોય તો એમણે મળવા માટે તરત જ ના પાડી દેવી જોઈએ જેથી કોઈનો સમય બગડે નહીં. આ લોકોને દિલથી સાંભળવા માટે સમય હોતો નથી. તેઓ જો નક્કી કરે તો એમના માટે એ અશક્ય નથી.
ટૂંકમાં, એટલું જ કહેવાનું કે આજના સમયમાં એકબીજાને દિલથી સાંભળવાનું અગત્યનું છે. જીવનમાં જો સમસ્યાઓ છે તો તેના હલ પણ છે. ચાલો, આજે નક્કી કરીએ કે બીજાઓને દિલથી સાંભળશું અને એકબીજાની સમસ્યાઓના હલ લાવવામાં મદદરૂપ થશું.
-------------
Comments
Post a Comment