પ્રવાસ આપણને વધુ સારા માનવી બનાવે છે

|| પ્રવાસ આપણને વધુ સારા માનવી બનાવે છે || 


આ જગતમાં બધી વસ્તુઓ ચલાયમાન છે. એમાંથી કોઈ જીવ બાકી રહી શકતો નથી. આ જ બાબતને ધ્યાનમાં લેતાં કહી શકાય કે મનુષ્યનો પ્રવાસ પણ જીવન જેટલો જ જરૂરી છે. ગુજરાતીમાં કહેવત પણ છે કે જીવ્યા કરતાં જોયું ભલું. 

કોરોનાના સમયગાળામાં આપણે ઘરે બેઠા છીએ, પરંતુ ટેક્નૉલૉજી આપણને બધે લઈ જાય છે. કોરોના રોગચાળાના એક વર્ષમાં ટેક્નૉલૉજી ક્ષેત્રે ઘણી પ્રગતિ થઈ છે. ભણતરથી માંડીને વ્યાવસાયી કામકાજ સુધીનાં અનેક કાર્યો તેની મદદથી થાય છે. જોકે, આપણે પ્રવાસ કર્યા વગર ચાલશે નહીં. થોડા સમય પછી જ્યારે પણ વિશ્વમાં લોકોની હેરફેર શક્ય બનશે ત્યારે પ્રવાસ શરૂ કરવો જ જોઈશે. તેનાથી આપણું મગજ ખીલે છે અને આપણે નવી ભાષા જાણવા-શીખવાનો રોમાંચ પણ અનુભવી શકીએ છીએ. 

અહીં ભગવાન કૃષ્ણના વખતની વાત કરું. તેઓ ગોવાળો સાથે ગાયો ચરાવવા જતા. તેઓ ફક્ત ગાયો ચરાવવાનું નહીં, પરંતુ વ્રજવાસીઓની તકલીફો જાણવાનું કામ પણ એ વખતે કરતા અને જરૂરિયાતમંદોને મદદ કરતા. ભગવાન રામ પણ 14 વર્ષ વનમાં રહ્યા અને તેમણે પોતાના પિતાને તથા પ્રજાને આપેલાં વચનોનું પાલન કર્યું. 
આપણે જાણીએ છીએ કે ભારતના એક સમયના રાજાઓ પણ નગરચર્યા કરવા જતા અને લોકોના હાલચાલ જાણી આવતા. એમને વાસ્તવિકતા જાણવા મળે એ માટે તેઓ વેશપલટો કરીને લોકોની વચ્ચે જતા અને એ રીતે સુવહીવટ કરતા. આજના સમયમાં પણ બહાર ફરવું એટલું જ જરૂરી છે. તેનાથી ફક્ત પોતાના નહીં, બીજાઓના જીવનમાં પણ પરિવર્તન લાવવાનું શક્ય છે. 

આપણો દેશ વિવિધ પ્રકારની સંસ્કૃતિઓ અને આબોહવા ધરાવે છે તેથી પ્રવાસની ઘણી જ મજા આવી શકે છે. દરેક રાજ્યની પોતપોતાની ખાસિયતો અને ભાષા તથા સંસ્કૃતિ છે, જે પ્રવાસની મજામાં ઉમેરો કરે છે. આપણે કૃષ્ણના જીવન પરથી જોઈ શકીએ છીએ કે એમણે પણ અનેક પ્રદેશોમાં વિચરણ કર્યું હતું. આજે ઠેરઠેર કૃષ્ણનાં મંદિરો એ વાતની સાક્ષી પૂરે છે. 

આપણે પ્રવાસની સાથે જોડાયેલી આ વાત ખાસ ધ્યાનમાં રાખવાની છેઃ ખરી મજા પ્રવાસની છે, મુકામની નથી. આથી ક્યાંય પણ જઈએ ત્યારે સમગ્ર પ્રવાસનો આનંદ માણવો જોઈએ. મુકામ ક્યારે આવશે એની ચિંતા કે ફિકર કરવામાં પ્રવાસની મજા મરી જાય છે. પ્રવાસ શિક્ષણ માટે પણ જરૂરી છે. એ ઉપરાંત લાગણીઓને સમજવામાં, વિચારોને જાણવામાં તથા હવા-પાણી-ખોરાકનો અનુભવ કરવામાં એ ઘણું જ સારું માધ્યમ બને છે. 

મને અંગ્રેજી ફિલ્મ ઇનર સ્પેસ ઘણી ગમે છે. એમાં સૂક્ષ્મ માનવીઓ આખા શરીરમાં એવી રીતે ફરતાં દેખાય છે, જાણે વિશ્વમાં ભ્રમણ કરતા હોય. કપરા સમયમાં માનવીની પરસ્પરની હૂંફ અને સમજ ઘણી જરૂરી હોય છે. બહાર પ્રવાસ કરનારા લોકો આ હૂંફ અને સમજનો અનુભવ કરી શકે છે, કારણ કે નવી જગ્યાએ જઈએ ત્યારે નવા લોકો સાથે સંબંધ બંધાતા હોય છે અને એમની સાથેના વ્યવહારથી આપણે કંઈક નવું જાણી-જોઈ-અનુભવી શકીએ છીએ. 

વધારે લોકો સાથે પ્રવાસ કરવાની મજા ઑર જ હોય છે. કારમાં જતી વખતે એક માણસ થાકે તો બીજો કાર ચલાવી શકે. આ રીતે એકબીજાના સહારે અને સથવારે સમય પસાર થઈ જાય છે, આનંદ આવે છે અને પરસ્પરની કાળજીનાં દર્શન થાય છે. આમ, પ્રવાસ ફક્ત પ્રવાસ પૂરતો નહીં, પરંતુ રોજિંદા જીવનના પણ મહત્ત્વપૂર્ણ સબક શીખવી જાય છે. 

પરિવારના દરેક મોભીએ સમગ્ર પરિવારને લઈને આખા વર્ષમાં દૂર કે નજીક, પ્રવાસ કરવા ઘણા જરૂરી છે. એક દિવસ હું રતલામ નજીકના એક સ્થળે ગઈ હતી. ત્યાંનું રેલવે સ્ટેશન એટલું ચોખ્ખું-ચણાક હતું કે મને ખરેખર નવાઈ લાગી. સ્ટેશનના દરેક ખૂણાને સુંદર સજાવી દેવાયો હતો અને ત્યાંનાં રેસ્ટરૂમ્સ પણ અત્યંત સ્વચ્છ હતાં. એ વખતે મારા મગજમાં અનેક વિચારો પસાર થઈ ગયા. આખરે મેં એક જણને પૂછ્યું કે આટલી બધી સ્વચ્છતા પાછળનું કારણ શું છે. એ વખતે રેલવેના એક કર્મચારીએ કહ્યું કે રેલવેપ્રધાન આવવાના હોવાથી બધી સજાવટ અને ચોખ્ખાઈ કરવામાં આવી છે. મને લાગ્યું, જો એક દિવસ માટે આવું શક્ય હોય તો રોજ શું કામ નહીં? માણસ ધારે તો રોજ આવું વાતાવરણ હોઈ શકે છે. 

થોડાં વર્ષો પહેલાં અમે ટાઇગર સફારીમાં ગયા હતા. માર્ગ પર આવતાં ગામડાં જોઈને ઘણી ખુશી થઈ. અમે રસ્તામાં અનેક પ્રકારનાં ભોજન લીધાં. મુંબઈના પાંઉવડાથી શરૂઆત કરીને સફારીમાં પહોંચ્યા ત્યાં સુધી અનેક પ્રકારની વાનગીઓ આરોગી. સફારીમાં સુંદર મજાની વાઘણ જોવા મળી. એ તેના અસલી મિજાજમાં હતાં. અમે અત્યાર સુધીમાં કરેલી પાંચ સફારીમાંથી માત્ર બેમાં અમને વાઘ જોવા મળ્યા છે. પોતાના સામ્રાજ્યમાં રૂબાબથી ફરવું કોને કહેવાય એ આ વાઘણને જોઈને અનુભવાયું. 

પ્રવાસમાં વિવિધ પશુ-પંખીઓને જોઈને વિચાર આવ્યો છે કે એ જીવ પોતાને જે મળે છે એનાથી ખુશ રહે છે. તેઓ હંમેશાં સંતુષ્ટ રહે છે. ફક્ત માનવી જ છે, જે ધરાતો નથી. આમ, આપણે પ્રવાસ દરમિયાન કુદરતી સૌંદર્ય જોવા ઉપરાંત કુદરતી લીલાઓ અને કુદરતી શાશ્વત સત્યોને જોઈ શકીએ છીએ. 

પ્રવાસમાં સાહસ પણ જરૂરી છે. એક ટ્રિપ દરમિયાન મારી દીકરીએ બંજી જમ્પિંગ કર્યું ત્યારે હું ચિંતામાં હતી, પરંતુ એનો આત્મવિશ્વાસ જોઈને મારામાં પણ હિંમત આવી. બીજી વખત અમે દાર્જિંલિંગ ગયા ત્યારે મેં સામેથી પેરાગ્લાઇડિંગ કરવાનું સાહસ કર્યું. એ ક્ષણ મને આજે પણ યાદ આવે છે અને તેનો અનહદ આનંદ હજી અનુભવાય છે. સાહસ કરવાથી આત્મવિશ્વાસ વધે છે એ હું હવે જાણું છું. 

ઉપરોક્ત વાતો પરથી એટલું ચોક્કસ કહી શકાય કે એક મનુષ્ય તરીકે તમને પ્રવાસ ઘણી જ મદદ કરે છે. જીવનના આનંદમાં વૃદ્ધિ કરવા માટે પ્રવાસ ઘણો જરૂરી છે. તેનાથી આપણે વધુ સારા માનવી બની શકીએ છીએ. 
-----------------------------------

Comments

Popular posts from this blog

મૈત્રીનો ઉત્સવ આજીવન ઉજવાતો હોય છે

આપણે દરેક તકલીફના લાલ સિગ્નલને આધ્યાત્મિક ઊર્જાની મદદથી લીલું સિગ્નલ બનાવી શકીએ છીએ

'વફાદારી' માત્ર એક શબ્દ નથી, એ તો જીવનશૈલી છે...