સંગીત આપણા જીવનની સૌથી વધુ સકારાત્મક અભિવ્યક્તિ છે
|| સંગીત આપણા જીવનની સૌથી વધુ
સકારાત્મક અભિવ્યક્તિ છે ||
કહેવાય છે કે સંગીતથી આપણા મનને પાંખો મળે છે અને દરેક વસ્તુમાં જીવંતતા આવે
છે. આજે કૅન્સર હોય, લકવાનો હુમલો હોય કે પછી ઑટિઝમ ધરાવતાં બાળકોને ભાષાનું જ્ઞાન
આપવાનું હોય કે પછી સામાન્ય બાળકોને ભાષા શીખવવાની હોય, દરેક કાર્યમાં સંગીત
મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
આપણો અનુભવ છે કે પ્રભુને પુષ્પ ધરાવવામાં આવે કે પછી પ્રિયતમાને ફૂલ આપવામાં
આવે, તેની સુવાસથી આપણા ચહેરા પર સ્મિત આવી જાય છે. એ જ રીતે ઈશ્વરનું કર્ણપ્રિય
ભજન સાંભળવામાં આવે કે પછી પ્રિયતમાને સરસ મજાનું ગીત સંભળાવવામાં આવે ત્યારે આપણી
અભિવ્યક્તિ ઉત્તમ કક્ષાની હોય છે.
ભારતમાં પ્રાચીન સમયથી સંગીતનું અદકેરું સ્થાન રહ્યું છે, કારણકે સંગીતથી જ
આપણી અભિવ્યક્તિ ઉત્તમ રીતે થતી હોવાનું આપણે માનીએ છીએ. સંગીતને આત્મામાં સ્થાન
આપવામાં આવે તો એ આપણો આત્મા બની જાય છે, જેનો ક્યારેય નાશ થતો નથી, એવું પણ
કહેવામાં આવે છે.
રવીન્દ્રનાથ ટાગોરે ક્યાંક કહ્યું છે, "આ વિશ્વ મારી સાથે રંગોથી
વાતચીત કરે છે અને મારો આત્મા એને સંગીતથી જવાબ આપે છે."
આપણી પ્રાચીન સંસ્કૃત ભાષાઓમાંથી અનેક ભાષાઓનો ઉદ્ભવ થયો હોવાનું આપણે જાણીએ
છીએ. ભાષાની દેવી સરસ્વતી માતા છે. તેઓ સંગીતનાં પણ દેવી છે. જે સંસ્થાઓમાં સંગીત,
નૃત્ય કે ગાયનની તાલીમ આપવામાં આવે છે એ બધી જગ્યાએ સૌપ્રથમ સરસ્વતી માતાને
પ્રાર્થના કરવામાં આવે છે.
ભગવાન કૃષ્ણ વાંસળીથી બધાનું મન મોહી લેતા. લોકો પોતાનાં દુઃખ-દર્દ ભૂલીને
એમનું વાંસળીવાદન સાંભળવા ભેગા થતા. એમ તો વાંસળી એ પોલી વસ્તુ, પરંતુ એમાંથી આપણે
સુમધુર સંગીતની રચના કરી શકીએ છીએ. આ જ રીતે આપણે વિશ્વમાં આવીએ ત્યારે ખાલી ઘડા
જેવા હોઈએ છીએ, પણ સમય જતાં આપણે અનેક અનુભવો લઈએ છીએ અને એમાં સંગીતનો અનુભવ ઘણો
જ સમૃદ્ધ હોય છે.
કૃષ્ણના અષ્ટસખા અને રાધાની અષ્ટ સખીઓએ ભગવાન કૃષ્ણના સામિપ્ય માટે અદ્ભુત
સંગીતની રચના કરી હતી. તેના પરથી કહી શકાય કે આપણે કૃષ્ણની સમીપ જવું હોય તો એમના
પ્રત્યેના પ્રેમના સંગીતમાં ખોવાઈ જવું જોઈએ. આજે પણ ભજન-કીર્તન દ્વારા પ્રભુની
સ્તુતિ કરવામાં આવે છે.
સંગીતનો સંબંધ આપણા તન, મન અને આત્મા સાથે છે. ભગવાને સૌથી પહેલું સંગીત
મનુષ્યના હૃદયના ધબકારના સ્વરૂપે પ્રગટ કર્યું. તેની તોલે બીજું કોઈ સંગીત આવતું
નથી. આપણા ધબકારાનું સંગીત શરીર, મન અને આત્માની શક્તિ અનુસાર પ્રગટ થાય છે. આથી જ
આપણે જોઈએ છીએ કે મનુષ્યની લાગણીઓ અનુસાર ધબકારા ધીમા-ઝડપી બને છે.
વૈજ્ઞાનિકોએ કરેલા એક અભ્યાસમાં જણાઈ આવ્યું છે કે સંગીતથી શ્રવણશક્તિ ખીલે છે
અને એ શક્તિ મગજને સકારાત્મક વિચારો આપે છે. જો નાનાં બાળકોને લયબદ્ધ કવિતાઓ
શીખવવામાં આવે તો તેમનું મગજ વધુ સારી રીતે વિચાર કરતાં શીખે છે. જેઓ સંગીતનો આનંદ
માણી શકે છે તેઓ ચિંતામાંથી મુક્ત થઈ શકે છે, કારણ કે સંગીત આપણા જીવનની સૌથી વધુ
સકારાત્મક અભિવ્યક્તિ છે.
એક વખત અમે જોશ ફાઉન્ડેશન નામની અમારી સેવાભાવી સંસ્થા તરફથી ફાલ્ગુની પાઠક
સાથે દાંડિયા રાસનું આયોજન કર્યું હતું. મુંબઈની શ્રવણમંદ બાળકો માટેની તમામ
શાળાઓનાં બાળકોને તેનું નિમંત્રણ મોકલવામાં આવ્યું હતું. અમે નવરાત્રિના બે મહિના
પહેલાંથી એનું આયોજન કર્યું હતું. ડિજિટલ શ્રવણયંત્રની મદદથી સાંભળતાં અને બોલતાં
થયેલાં એ બાળકો ગરબા રમ્યાં હતાં અને ખૂબ જ આનંદ કર્યો હતો. એ બાળકોએ પોતાની
કળાનું ઉત્તમ પ્રદર્શન કર્યું હતું.
આજના સમયમાં જો આપણે વસુધૈવ કુટુંબકમની ભાવનાને પુનઃ જાગૃત કરવી હોય તો તેના
માટેનો સૌથી સારો માર્ગ સંગીતનો છે. સકારાત્મકતા ફેલાવવા માટે પણ સંગીત જરૂરી છે. ભારતમાં
ધાર્મિક મંત્રો અલગ અલગ છંદ પર રચાયા છે અને ગાઈ શકાય છે. આજે રિલેક્સેશન માટે
સુમધુર સંગીત સાંભળવાની અને સંગીતના તાલે નાચવાની સલાહ આપવામાં આવે છે. આપણા
જીવનનો ધબકાર જ સંગીત છે. કોરોના રોગચાળાના કપરા સમયમાં હું ઈચ્છું છું કે દરેક
વ્યક્તિના જીવનમાં સંગીત ગુંજે અને આપણે જીવનને ઉજવવા માટે સંગીતના માધ્યમનો ઉપયોગ
કરીએ.
---------------------------
Comments
Post a Comment