તમને ચિંતા કરાવવાને બદલે યોગ્ય દિશામાં વિચાર કરવા પ્રેરે એને સકારાત્મકતા કહેવાય
|| તમને ચિંતા કરાવવાને બદલે યોગ્ય
દિશામાં વિચાર કરવા પ્રેરે એને
સકારાત્મકતા કહેવાય ||
આપણે બધા જાણીએ છીએ કે સંધ્યાકાળે સૌથી વધુ પ્રમાણમાં સકારાત્મક ઊર્જા ફેલાય
છે. આ સમયે સૂર્યાસ્ત થવાની છે અને ચંદ્રોદય થવાની તૈયારી હોય છે. એને
સંક્રાંતિકાળ પણ કહી શકાય. આપણે કોરોના કાળમાંથી પસાર થઈ રહ્યા છીએ. થોડા વખતમાં
પરિસ્થિતિ સામાન્ય થઈ જશે એવી સર્વત્ર આશા છે. આમ, અત્યારે પણ સંક્રાંતિકાળ ચાલી
રહ્યો છે. મારું માનવું છે કે સમગ્ર વિશ્વને સકારાત્મક ઊર્જાની જરૂર છે, જેથી આપણે
જીવનમાં સુંદરતા અને ઉત્કૃષ્ટતાનો અનુભવ કરી શકીએ.
ભગવાન રામ અને કૃષ્ણ દેવોના મનુષ્ય અવતાર હતા. હિરણ્કશિપુનો વધ કરવા માટે
નરસિંહ અવતારે સંધ્યાકાળની જ પસંદગી કરી હતી. ભગવાનના આ અવતાર પરથી આપણે જોઈ શકીએ
છીએ કે એમને મનુષ્યના જીવનમાં આવતી તમામ પ્રકારની તકલીફોનો અનુભવ થયો હતો, પરંતુ
એમણે ગમે તેટલા પ્રતિકૂળ સંજોગોમાં પણ ક્યારેય હાર માની ન હતી.
ઈશ્વર પ્રત્યેની મારી શ્રદ્ધા અને ભક્તિને કારણે જ હું સકારાત્મકતાનો પ્રસાર
કરવાના આ માર્ગ પર આગળ વધી શકી છું અને વધી રહી છું.
ઘણા વાંચકોએ મને કહ્યું છે કે પ્રભુ પ્રત્યેની તમારી શ્રદ્ધા જોઈને અમે પણ
પોતાના જીવનમાં એનો આવિર્ભાવ કરી શક્યા છીએ અને તેને પગલે અમારું જીવન બદલાઈ ગયું
છે.
જ્યારે પણ વાંચકોને મારા લેખમાં સકારાત્મકતા દેખાય છે ત્યારે હું પ્રભુનો પાડ
માનું છું. હું દૃઢપણે માનું છું કે એમના આશીર્વાદથી જ આ કાર્ય થઈ રહ્યું છે.
નાસિકથી એક વાંચક દર રવિવારે પ્રવાસીમાં લેખ વાંચીને મને ફોન કરીને શુભેચ્છા પાઠવે
છે. અમારી ક્યારેય મુલાકાત થઈ નથી, પરંતુ અમે એકબીજાનાં ખબરઅંતર પૂછી લઈએ છીએ. એ
વાંચક મોટી ઉંમરના છે અને તેઓ મને આશીર્વાદ આપે છે તથા લખતાં રહેવા પ્રોત્સાહન આપે
છે.
એક માસી મારા કૉલેજકાળના મિત્રનાં મમ્મી છે. એ મિત્ર મને કહે છે, "મારાં મમ્મીને તમારા લેખ વાંચવાનું ઘણું ગમે છે. તેઓ દરેક લેખનો સંગ્રહ કરે
છે." હવે એવું થઈ રહ્યું છે કે સકારાત્મકતાના પ્રસારમાં હવે વાંચકો પણ જોડાયા છે.
તેઓ પોતપોતાના પરિવારમાં આ કાર્ય કરી રહ્યા છે.
સકારાત્મકતાના પ્રસાર દ્વારા અનુકંપા જન્મે છે, જે દરેક મનુષ્યમાં હોવી જોઈએ.
આપણે માતાપિતા, કર્મચારી, સંતાન, દેશના નાગરિક, વગેરે અનેક પ્રકારની આપણી ભૂમિકા
નિભાવતી વખતે સકારાત્મકતા રાખવી જોઈએ. આપણું જીવન નીતિમત્તાપૂર્ણ અને સિદ્ધાંતોથી
ચાલનારું હોવું જોઈએ. આપણા ગુણ અને સંસ્કાર આપણા વર્તનમાં ઝળકવા જોઈએ. લોકોને
આપણામાં વિશ્વાસ હોવો જોઈએ. મારા જીવનમાં મેં તેનો અમલ કરવાનું શરૂ કર્યું, જે મને
સકારાત્મકતાનો ફેલાવો કરવામાં મદદરૂપ થાય છે.
સ્વામી વિવેકાનંદે એક વખત કહ્યું હતું, તમને ચિંતા કરાવવાને બદલે યોગ્ય
દિશામાં વિચાર કરવા પ્રેરે એને સકારાત્મકતા કહેવાય.
જો જીવનમાં સુખી થવું હોય તો મનમાં સારા જ વિચારો રાખવા અને વિશ્વને સાથે લઈને
ચાલવું. અમે જોશ ફાઉન્ડેશન મારફતે શ્રવણમંદ બાળકોને મદદ કરવાનું અને એમને જીવનના
મુખ્ય પ્રવાહમાં ભેળવવા બાબતે જાગરૂકતા લાવવાનું શરૂ કર્યું. શરૂઆતમાં આ કામ
મુશ્કેલ લાગ્યું હતું. શ્રવણમંદ બાળકોને ડિજિટલ શ્રવણયંત્રો આપવાં જોઈએ એ વાત
લોકોના ગળે ઊતરતી ન હતી. સામાજિક કાર્ય કરનારી સંસ્થાઓને પણ એમાં નકામો ખર્ચ
દેખાતો, પરંતુ આજે અમારી વાત લોકોને સમજાવા લાગી છે. તેનું કારણ છે કે અમે સિદ્ધાંતો અને નીતિમત્તાને વળગી રહ્યા.
આજે મોટી સંખ્યામાં લોકો જોશ ફાઉન્ડેશનને સહાય કરે છે.
જીવનમાં સકારાત્મકતા રહે એ માટે પોતાના નિર્ણયોને વળગી રહેવું અને અભિગમમાં
લવચીકતા રાખવી એ આવશ્યક બાબત છે. મને અહીં એક છોકરાનો કિસ્સો યાદ આવે છે. એ છોકરો
તોતડાપણાનો ઈલાજ કરાવવા મારી પાસે મોકલવામાં આવ્યો હતો. મેં એને તપાસ્યો ત્યારે
ખબર પડી કે એની પાસે સામાન્ય માણસો જેવી જ ક્ષમતા છે. અવાજ બરોબર નીકળે એ માટે
આવશ્યક બાબતો એના શરીરમાં હતી. એનામાં બુદ્ધિચાતુર્ય પણ એની ઉંમર પ્રમાણે હતું.
મેં એને ઉદાહરણ દ્વારા સમજાવ્યું કે જો એનામાં બોલવાની ખરેખર કોઈ ખામી હોત તો એ
જરાપણ બોલી શકતો ન હોત. એ થોડું ઘણું પણ બોલી લે છે તેનો અર્થ એવો થયો કે એનામાં
બરોબર બોલવાની પૂરેપૂરી ક્ષમતા છે.
અહીં ખાસ કહેવાનું કે માણસ પોતે સકારાત્મક હોય તો જ બીજાઓને સકારાત્મકતા આપી
શકે છે. શ્રવણમંદ બાળકો સાથે કામ કરતી વખતે હું એમનામાં સકારાત્મકતા અને
આત્મવિશ્વાસનું આરોપણ કરવાનું કામ સૌથી પહેલાં કરું છું. પોતે બીજાઓ કરતાં અલગ નથી
એ વાત જ્યારે એમના ગળે ઊતરી જાય છે ત્યારે એમનું જીવન પહેલાં કરતાં સાવ બદલાઈ જાય
છે અને તેઓ બીજાઓ માટે દાખલારૂપ બની જાય છે.
-------------------
Comments
Post a Comment