જેની પાસે ઈશ્વરદત્ત શક્તિ છે તેણે બીજી કોઈ વાતની ચિંતા કરવાની જરૂર નથી
|| જેની પાસે ઈશ્વરદત્ત શક્તિ છે
તેણે બીજી કોઈ વાતની ચિંતા
કરવાની જરૂર નથી ||
આપણે સૌ જાણીએ છીએ કે જરૂરિયાત એ શોધની જનની છે. આ પૃથ્વી પર થયેલી દરેક શોધ
કુદરતની મદદથી થયેલી છે અને આપણા ભલા માટે છે. જો તમે વિશ્લેષણ કરશો તો જણાશે કે
શોધ કરવા માટેના કોઈ નિયમો હોતા નથી. તમે કોઈ પણ કુદરતી વસ્તુમાં કલ્પનાશક્તિ
ભેળવો તો તેનું ઉત્તમ પરિણામ મળે છે, એ વસ્તુ અનોખી બને છે.
મેં એક ચિત્ર જોયું હતું, જેમાં ચિત્રકારે એવી અદભુત કળા દર્શાવી હતી કે તમે
ચિત્રમાં પાણીને જોઈ શકો અને એમાં તમારું પ્રતિબિંબ ઝિલાતું હોય એવું પણ તમને
દેખાય. પારદર્શકતાને રંગમાં કેવી રીતે દર્શાવી શકાય એ એક મોટો કોયડો છે, નહીં?
કોરોના રોગચાળા દરમિયાન મનુષ્યે એવી કેટલીય શોધ કરી છે, જે પ્રવર્તમાન આપદાની
સ્થિતિમાં ઉપયોગી થાય. કુદરતી આપત્તિ આવે ત્યારે મનુષ્યોની હોડ, ધાર્મિક ઝઘડા,
પૈસા પાછળની દોડ, વગેરે કંઈ જ કામ આવતું નથી. આમ, આપણને કોરોનાએ ઘણું શીખવ્યું છે
અને કંઈક નવું કરવા પ્રેર્યા છે.
મીરાંબાઈ રાજવી પરિવારની પુત્રવધૂ મહાન દીકરી, પત્ની, પુત્રવધૂ, એ બધું જ હતાં
અને છતાં સામાન્ય વ્યક્તિની જેમ વર્તન કરતાં. તેની પાસે કૃષ્ણની ભક્તિને લીધે
ભરપૂર શક્તિ હતી. એમના જીવનમાં ઘણી મુશ્કેલીઓ આવી, પરંતુ કૃષ્ણમાં અડગ શ્રદ્ધા
હોવાથી તેઓ તેમનો સામનો કરી શક્યાં. તેઓ કહેતાં, "હું એકલી હોઉં ત્યારે પ્રભુ મને શાંતિ આપે છે, હું કંઈ જ
નથી હોતી ત્યારે પ્રભુ મારા માટે બધું છે, હું જ્યારે ઉદાસ અને એકલવાયી હોઉં છું
ત્યારે પ્રભુ મારા જીવનનું સંગીત અને આનંદ છે, હું જ્યારે નબળી અને નિઃસહાય હોઉં
છું ત્યારે પ્રભુ મારી શક્તિ હોય છે."
મીરાંબાઈના જીવન પરથી કહી શકાય કે એમના જેવી સકારાત્મક દૃષ્ટિ સૌએ કેળવવી
જોઈએ. એ દૃષ્ટિ ત્યારે જ આવે જ્યારે આપણે ઈશ્વરમાં અવિચળ શ્રદ્ધા રાખીએ. જેની પાસે
ઈશ્વરદત્ત શક્તિ છે તેણે બીજી કોઈ વાતની ચિંતા કરવાની જરૂર નથી. એ શક્તિના જોરે
આપણું જીવન સાવ અલગ બની શકે છે.
એક દિવસ મંદિરમાં દર્શન કરવા ગઈ ત્યારે મેં જોયું કે કેટલાક લોકો ભગવાનની
પ્રતિમાની સજાવટ માટે મગ્ન થઈને કામ કરી રહ્યા હતા. એ મંદિરમાં એક વૃદ્ધ મહિલા
લગભગ 40 વર્ષથી કામ કરે છે. તેઓ કોઈ અંગત કે સામાજિક કામસર બહાર ગયાં હોય તેના
સિવાયના બધા જ દિવસોએ તેઓ મંદિરમાં સેવા કરે છે. રોજ પરોઢિયે પાંચ વાગ્યે ઊઠીને
તેઓ મંદિરમાં પ્રભુના શણગાર માટે આવી જાય છે. એક દિવસ એમણે મને ભગવાનના ભોગ અર્થે
બનાવાતું શાક સમારવા આપ્યું અને મને એ ફાવ્યું નહીં. એમણે મારી બાજુમાં બેસીને મને
શાક સમારવાનું શીખવ્યું અને કહ્યું કે તમે પોતાને સોંપાયેલું કામ બરોબર કરો નહીં
તો ભગવાનને ન ગમે. તેઓ ઘણા નમ્ર છે. મંદિરના સંચાલનમાં સક્રિય કેટલાક લોકો ભાવિકો
પર ચિડાઈ જતા હોય છે, પરંતુ આ માસી કાયમ શાંત અને પોતાના કામમાં એકાગ્ર રહેતાં.
કોરોના રોગચાળા દરમિયાન મારી સાથે વાતચીતમાં એમણે કહ્યું કે મંદિરમાં ભક્તો આવી
શકતા નહીં હોવાથી એમને દાન-દક્ષિણા ઓછાં મળતાં અને તેથી એમને ઘર ચલાવવામાં તકલીફ
પડતી. આમ છતાં એમણે ક્યારેય કોઈની પાસે પૈસા માગ્યા નહીં. ભગવાન પોતાનું ઘર ચલાવશે
એવો એમનો ભરોસો આજે સાર્થક થયેલો દેખાય છે. સાથે સાથે એમ પણ શીખવા મળે છે કે જેમની
પાસે ઘણું હોય છે એવા લોકો પણ ક્યારેક પૈસાની કમી બાબતે ફરિયાદ કરતા હોય છે, પરંતુ
ઈશ્વરમાં ભરોસો રાખનાર માણસ વિપદાઓને સહન કરી લે છે. ભગવાનમાં શ્રદ્ધાનું બીજું
ઉદાહરણ શ્રવણમંદ બાળકો પણ છે. પોતે બીજાઓ કરતાં અલગ હોવા છતાં ભગવાન એમને સાથ આપશે
એવું જે બાળકો સમજી લે છે અને જીવનમાં એ વાતનો અમલ કરે છે એમની પ્રગતિ ઘણી સારી
થાય છે.
હું એક એવા પરિવારને ઓળખું છું, જેમાં ત્રણ દીકરીઓ અને એક દીકરો છે. પિતા કોઈ
ઑફિસમાં ચપરાસીની નોકરી કરે છે અને ચારમાંથી એક બાળક શ્રવણમંદ છે. બાકીનાં ત્રણ
બાળકો સામાન્ય છે. એ પિતાએ શ્રવણમંદ બાળકને જીવનના મુખ્ય પ્રવાહમાં ભેળવવા માટે
કોઈ કચાશ રાખી નહીં. તેઓ કહે છે, "આ સંતાન મને ભગવાને જ આપ્યું છે અને એની કાળજી લેવાની મારી જવાબદારી છે. હું
એના માટે શક્ય તેટલું બધું કરીશ." એમની મહેનત આજે રંગ
લાવી છે. એમનું શ્રવણમંદ બાળક ગણિત વિષયમાં પારંગત છે અને રાષ્ટ્રીય સ્તરે સ્પર્ધા
પણ જીત્યું છે. અમારા જોશ ફાઉન્ડેશન મારફતે અમે શ્રવણમંદ બાળકોને એમની જરૂરિયાત
મુજબનાં ડિજિટલ શ્રવણયંત્રો આપ્યાં છે. આવાં જ શ્રવણયંત્રો મેં આ બાળકને પણ આપ્યાં
હતાં. આજે એ બહુ જ સરસ રીતે બોલી શકે છે અને એનાં માતાપિતાને એના પર ગર્વ થાય છે.
આવા લોકોની વાતો સાંભળીને અને એમનાં જીવન જોઈને એવું લાગે છે કે આ જીવનમાં કોઈ
પણ વ્યક્તિએ લઘુતાગ્રંથિ રાખવા જેવું નથી. દરેકનું પોતપોતાનું એક સ્થાન છે. દરેકે
પોતાની નબળાઈઓ પર ધ્યાન કેન્દ્રીત કરવાને બદલે પોતાની શક્તિઓને વધુ ખીલવવાની જરૂર
હોય છે. પડકારો હોવા છતાં પ્રભુમાં ભરોસો રાખીને જીવનનૈયા પાર ઉતારી શકાય છે.
આ બ્લોગની શરૂઆતમાં આપણે શોધની વાત કરી હતી. આપણે પોતાની શક્તિઓને કામે
લગાડીને નવસર્જન કરી શકીએ છીએ. તેના માટે કાગળ-પેન લઈને બેસવું અને જીવન પાસેથી જે
જોઈએ છે એ લખી કાઢવું. આયોજન કરીને દરરોજ એ દિશામાં એક-એક પગલું વધતાં રહેવું. આ
રીતે માણસ પોતાની જાતને અને જીવનને બદલી શકે છે.
-------------------
Comments
Post a Comment