રોગચાળાથી ડરવાને બદલે મનને સજાગ રાખીને સારાં કર્મો કરતાં જવું

 || રોગચાળાથી ડરવાને બદલે મનને સજાગ 

રાખીને સારાં કર્મો કરતાં જવું ||

મેં મગજ અને મન વચ્ચેના તફાવત વિશે વિચાર કર્યો. મનુષ્યનું મગજ શરીરનું અવયવ છે અને તેમાં રક્તકોશિકાઓ તથા મજ્જાતંતુઓનો સમૂહ હોય છે. તેનો ચોક્કસ આકાર અને કાર્યો હોય છે, જે શરીરના હલનચલનથી માંડીને લાગણીઓનું પણ સંચાલન કરે છે. તેનાથી વિપરીત, મન એ અવયવ નથી. તેનો કોઈ આકાર નથી. એ અમૂર્ત છે. મન એટલે માણસનો અંતરાત્મા, એની સમજણશક્તિ અને વિચારપ્રક્રિયા. મગજને સ્પર્શ કરી શકાય, મનને નહીં. મનનો તો ફક્ત અનુભવ થાય.

મગજ અને મન વચ્ચેના તફાવતની ચર્ચા એરિસ્ટોટલના વખતથી ચાલી રહી હોવાનું કહેવાય છે, પણ ભારતીય પરંપરામાં તેનો વિશે પ્રાચીન કાળથી વિચાર થયેલો છે. મન શુદ્ધ ઊર્જા ગણાય છે, જ્યારે મગજ એ મનનું શારીરિક સ્વરૂપ કહેવાય છે. દરેક મનુષ્ય પાસે સમાન રીતનું મગજ હોય છે, પરંતુ એની પાસે કામ લેનારું મન અલગ અલગ હોય છે. કોરોના રોગચાળાએ શીખવ્યું છે કે મગજ ગમે તેટલું શક્તિશાળી હોય, આખરે તો મન જ એને દિશા આપી શકે છે. હવે એવો સમય આવી ગયો છે, જ્યારે આપણે મન પ્રત્યે સજાગ થવાની જરૂર છે અને એ માટે મગજને કેળવવાની આવશ્યકતા છે.

અહીં દ્રૌપદીનું ઉદાહરણ યાદ આવે છે. એની ઈચ્છા બુદ્ધિ, શક્તિ, કુનેહ, અમલની શક્તિ, પ્રામાણિકતા અને આધ્યાત્મિકતા  બધા ગુણ ધરાવતો પતિ મેળવવાની હતી. કૃષ્ણે એને કહ્યું કે એક જ વ્યક્તિમાં આ બધા ગુણ હોય એ સંભવ નથી, પરંતુ જો તારે બધા ગુણ જોઈતા હોય તો પાંડવો સાથે લગ્ન કરી લે, કારણ કે એ પાંચે ભાઈઓ મળીને આ બધા ગુણો મળી જશે. દ્રૌપદીએ બીજો કોઈ વિચાર કર્યો નહીં અને લગ્ન માટે હા પાડી દીધી, પરંતુ એના જીવનના સંજોગો એવા નિર્માયા કે પાંડવોએ દુષ્ટ તત્ત્વોનો સામનો કરવાનો વખત આવ્યો અને તેમણે બધી સંપત્તિ ગુમાવવી પડી. એક મહિલા તરીકેનું દ્રૌપદીનું માન પણ તેઓ ભેગા મળીને સાચવી શક્યા નહીં. આખરે ભગવાન કૃષ્ણનું શરણ લઈને તેઓ ટકી શક્યા. કૃષ્ણમાં ધર્મ અને કર્મનો અદભુત સંગમ થયેલો છે. જો આપણે મન અને મગજથી સારાં કર્મો કરીએ તો બધા દિવસો સારા બની જાય.

મગજ પાસે બુદ્ધિનો ખજાનો હોય, પરંતુ એનો યોગ્ય દિશામાં ઉપયોગ કરવો એટલો જ જરૂરી છે. ઘણા વિજ્ઞાનીઓએ મનુષ્યને હાનિ કરે એવાં શસ્ત્રો વિકસાવવામાં મગજનો ઉપયોગ કર્યો હોવાનું આપણે જાણીએ છીએ. આતંકવાદીઓ પણ પોતાની બુદ્ધિનો ઉપયોગ કરે છે, પરંતુ એ સંહારક હોય છે.

આ જગતમાં એવા પણ લોકો છે, જેઓ મનુષ્યત્વમાં દેવત્વને નિહાળે છે. આથી છેવટે મગજની શક્તિ નહીં, પરંતુ મનની ભક્તિ ઉપયોગી થાય છે. આપણે જ્યાં સુધી મનને સાચવીશું નહીં ત્યાં સુધી એ ખોટી દિશામાં જવાનો પ્રયાસ કરતું રહેશે. કોઈ પણ સંજોગોમાં આખરે ધર્મનો જ વિજય થાય છે એ આપણે જાણવું રહ્યું.

એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે આપણા શિક્ષણમાં મગજનો ઉપયોગ 20 ટકા જેટલો જ થાય છે. બાકીનું 80 ટકા શિક્ષણ આપણે મનથી અનુભવીને જે શીખીએ એ હોય છે. મારે એક વાલી તરીકે આ અનુભવ જણાવવા જેવો છે. મારી દીકરી મુંબઈની પ્રતિષ્ઠિત શાળામાં ભણી છે. આ શાળામાં જતું દરેક બાળક કોઈને કોઈ ટ્યુશનમાં કે ક્લાસીસમાં જતું હોય છે. વાલીઓ પોતાના બાળકને વધુમાં વધુ ટકા આવે એની હોડ કરતાં હોય છે. મેં પ્રોફેશનલ ઑડિયોલૉજિસ્ટ અને સ્પીચ થેરપિસ્ટ તરીકે જોયું છે કે જો બાળક કોણ, ક્યાં, ક્યારે, કેવી રીતે અને કેમ એ બધા સવાલોના જવાબ શોધતાં શીખી જાય તો તેનું શિક્ષણ આપોઆપ સુધરી જાય છે. મેં દુનિયાની રીતથી વિરુદ્ધ જઈને દીકરીને ટ્યુશનમાં કે ક્લાસીસમાં મોકલી નહીં. વાલી તરીકે એના ભણતરમાં મદદ કરી અને આજે એ વિશ્વની સારામાં સારી કૉલેજોમાંથી એકમાં શિક્ષણ મેળવીને આગળ વધી છે. આપણે સમાજમાં જોયું છે કે ગરીબ વર્ગમાંથી આવતાં ઘણાં બાળકો ઉચ્ચ શિક્ષણ મેળવીને વૈશ્વિક સ્તરે નામના પ્રાપ્ત કરે છે. વિપરીત સંજોગોમાં એમની ક્ષમતાઓ ખીલી ઊઠે છે.

મારું માનવું છે કે સારાં કર્મો કરવા એ જ સાચો ધર્મ છે. આ પૃથ્વી પર મનુષ્ય તરીકે જન્મ મળ્યો એ ઉત્તમ વાત છે. હું દરરોજ કંઈક ને કંઈક નવું શીખીને વધુ સારી મનુષ્ય બની શકું છું. હું જીવનના પડકારો અને ઉતાર-ચડાવને અતિક્રમીને પ્રગતિ કરવાનું શીખી રહી છું. મારે મન, શરીર અને આત્માની સારી કાળજી લેવાની છે. મારું મગજ ધર્મને સમજે છે અને મન સારાં કર્મો કરવા પ્રેરે છે.

કોરોના રોગચાળાએ લોકોનાં મનને કમજોર કરવામાં ઘણી મોટી ભૂમિકા ભજવી છે, પરંતુ એમ પણ આ પૃથ્વી પર દરેક જીવનો સમયગાળો નિશ્ચિત હોય છે. આખરે તો સારાં કર્મો જ કામે આવે છે. કપરા સમયમાં પણ લડીને ટકી રહેવું એ જીવનનો સિદ્ધાંત છે. આપણે રોગચાળાથી ડરીને બેસી રહેવાને બદલે આત્મવિશ્વાસ કેળવીને આ રોગનો સામનો કરવાનો છે. હવે ડરથી મુક્ત થઈને સારાં કર્મો કરતાં જવાનું છે. આપણા મનની શક્તિ આપણને સકારાત્મક ઊર્જા ફેલાવવામાં મદદ કરશે અને એ જ શક્તિ આપણને આ રોગચાળાનો સફળતાપૂર્વક સામનો કરવામાં પણ ઉપયોગી થશે.

-----------------------------

Comments

Popular posts from this blog

મૈત્રીનો ઉત્સવ આજીવન ઉજવાતો હોય છે

આપણે દરેક તકલીફના લાલ સિગ્નલને આધ્યાત્મિક ઊર્જાની મદદથી લીલું સિગ્નલ બનાવી શકીએ છીએ

'વફાદારી' માત્ર એક શબ્દ નથી, એ તો જીવનશૈલી છે...