બધા સાથે ખૂલીને વાત કરો અને જીવનનો આનંદ માણો

 || બધા સાથે ખૂલીને વાત કરો અને 

જીવનનો આનંદ માણો ||

પ્રગતિ કરવા માટે પરિવર્તન કરવું જરૂરી છે. જો આપણે પોતાની માનસિકતા બદલી શકીએ નહીં તો બીજું કંઈ જ બદલવાનું શક્ય નથી. હવે આપણે વધુ સારી રીતે અને સલામત રીતે સાંભળવાનું પરિવર્તન લાવીને પ્રગતિ કરવાની છે. આમ કહેવાનું કારણ જણાવું. જ્યારે પણ અધર્મનું વર્તુળ વિસ્તરતું જાય છે ત્યારે ધર્મનો માર્ગ ચીંધનારી કોઈ વ્યક્તિની જરૂર હોય છે. જ્યારે પણ નકારાત્મક ઊર્જા વધતી જાય છે ત્યારે જો ઊજ્જવળ ભવિષ્ય માટે કાર્ય કરવું હોય તો નકારાત્મકતાને દૂર કરીને સકારાત્મક ઊર્જાનો પ્રસાર કરવો જરૂરી બને છે. આ કામ ત્યારે જ થઈ શકે જ્યારે આપણે પોતાના જીવનમાં ખરેખર શેની જરૂર છે એ બરોબર સમજી લઈએ.

શું આપણે ખોટાં કામો કરીને પૈસા ભેગા કરવા માટે, બીજાઓને ઉતારી પાડીને સફળ થવા માટે મનુષ્ય જન્મ લીધો છે? ભારતનો ઈતિહાસ દર્શાવે છે કે જ્યારે પણ અહંકારનો અતિરેક થયો છે ત્યારે અંત નજીક આવ્યો છે એ સમજી લેવું. કરુણા, નમ્રતા, સાદગી, સેવા એ બધા ગુણ કાયમી છે અને રહેવાના. રામ, કૃષ્ણ, સ્વામી વિવેકાનંદ, મહાત્મા ગાંધી, બાબાસાહેબ આંબેડકર, મધર ટેરેસા એ બધા આપણા હૃદયમાં હજી પણ છે.

મનુષ્યમાંદરેક જગ્યાએ માનવતાનો ઉદય કરવાનો સમય આવી ગયો છે. ગ્લોબલ વૉર્મિંગ સામે અભિયાન ચલાવવા માટે, મનુષ્યમાં જીવન પ્રત્યે સકારાત્મક અભિગમ વિકસાવવા માટે તથા આપણો પોતાનો અને આસપાસના જીવોનો બચાવ કરવા માટે સમય આવી ગયો છે. તકલીફમાં હોય એ મનુષ્યોનાં આંસું લૂંછવાની આજની તાતી જરૂરિયાત છે.

કંસને ખબર હતી કે દેવકીનું આઠમું સંતાન એનો અંત લાવશે, પરંતુ એણે એ સાંભળ્યું નહીં. એણે પોતાની જાતને નિયતિ કરતાં વધુ બળવાન બનવાનો પ્રયત્ન કર્યો. એણે વાસ્તવિકતાને નકારવા માટે તનતોડ જહેમત કરી, પરંતુ એનાં કાળાં કર્મો અને દુષ્ટતા તથા અહંકારને લીધે આખરે એનો વિનાશ થયો. રાવણને પણ ખબર હતી કે એનું મૃત્યુ દશરથના પુત્ર રામના હાથે થવાનું છે. આમ છતાં એણે અહંકાર છોડ્યો નહીં. આ બધી કથાઓ ફક્ત સાંભળવા માટે નથી, જીવનમાં એમનો અર્ક ઉતારવાની જરૂર છે.

ઑડિયોલૉજિસ્ટ તરીકે હું જોઈ શકું છું કે દરેક વ્યક્તિએ જીવનમાં સાંભળવાની કળા વિકસાવવાની અને બિનજરૂરી કોલાહલ ઓછો કરવાની જરૂર છે. જો એવું થાય તો જ જીવનની ગાડી સરળતાથી ચાલી શકે. આપણે ગાડીની વાત નીકળી છે તો એના આધારે એમ કહી શકીએ કે જ્યારે જરૂર હોય ત્યારે જ હોર્ન વગાડો અને એ બાબત બીજાઓને પણ જણાવો. હોર્ન વગાડવાથી કોઈનો જીવ બચતો હોય તો જરૂરથી વગાડો, પણ પોતાનું ગુમાન બતાવવા માટે એ કરો તો નુકસાન જ છે. યોગ્ય સમયે યોગ્ય બોલવામાં આવે તો જ એ પ્રવચન કહેવાય છે, બાકી તો બકવાસ જ કહેવાય.

આપણે જોઈ શકીએ છીએ કે કેટકેટલાય મનુષ્યોએ જનસેવા માટે મૂક કાર્ય કર્યું છે. લોકોમાં ડર પેદા કરવા માગતા લોકોને હવે બીજા લોકો ગણકારતા નથી. એકબીજાની જરૂરિયાતોને સમજીને સકારાત્મક દૃષ્ટિએ પૂરી કરવા માટે પ્રયત્ન કરવામાં આવશે તો જ આપણું ભવિષ્ય ઊજ્જવળ બનશે.

મેં વાંચ્યું છે કે જ્યારે યાદવ કુળ પર હુમલાઓ થતા ત્યારે તેઓ યુદ્ધનું આયોજન એવી રીતે કરતા કે એમનામાંથી કોઈનું મૃત્યુ થતું નહીં. યાદવો યુદ્ધની પ્રતિકૂળ અસરથી પોતાને બચાવી લેતા હતા. આજે આપણે પણ પ્રતિકૂળતાઓથી બચવા માટેનું આયોજન કરવાની જરૂર છે.

ફરી ગાડીની વાત પર આવીએ. જો રસ્તા પર બધાં જ વાહનો શિસ્તબદ્ધ ચાલતાં હોય તો કોઈએ હોર્ન મારવાની જરૂર જ પડતી નથી. બીજાઓને નડો નહીં અને પોતપોતાનું વાહન હંકાર્યે રાખો તો કોઈ જ તકલીફ રહેતી નથી. ઉલટાનું, વાહન ચલાવવાની મજા આવે. એ જ રીતે જો લોકોનાં દુઃખ સમજીને ચાલો અને એમને દૂર કરવા માટે પોતાનાથી બનતા પ્રયાસ કરો તો તમારા જીવનમાં પણ ચોક્કસપણે આનંદ આવે. આ વાત હું શ્રવણમંદ બાળકોની સાથે કામ કરીને શીખી છું.

અહીં મને એક કિસ્સો યાદ આવે છે. મારા એક બધિર પેશન્ટનાં માતા ઘણાં જ કાળજી રાખનારી અને સમજુ છે. પોતાના સંતાનને પડતી દરેક સમસ્યાને તેઓ આસાનીથી દૂર કરવા માટે પ્રયત્નશીલ રહે છે. એમની પુત્રવધૂ પણ બધિર છે. એને છેલ્લા દિવસો જઈ રહ્યા હતા અને એટલામાં એને કોરોના થઈ ગયો. એ વખતે એ પિયરે હતી. સાસુને આ વાતની ખબર પડી કે એણે તરત જ પુત્રવધૂને પિયરેથી તેડાવી લીધી અને 14 દિવસ સુધી ઘણી કાળજી લીધી. પ્રસૂતિ માટેની બધી તૈયારીઓ પણ કરાવી રાખી. જો પોતે ઘરે પ્રસૂતિ કરાવવી પડે તો તેના માટે પણ એ તૈયાર હતાં. સારા નસીબે વીસમા દિવસે એનો કોરોના નેગેટિવ રિપોર્ટ આવ્યા બાદ એને પ્રસૂતિ થઈ અને બધું સમુંસૂતરું પાર પડ્યું. આવા વિકટ સમયમાં પણ પૂરતી સભાનતા સાથે બધી તૈયારીઓ રાખનારાં આ સાસુ પ્રત્યે મને ઘણું જ માન ઊપજ્યું. મારું કહેવું છે કે સમાજની દરેક વ્યક્તિએ આવા લોકો પાસેથી શીખવાની જરૂર છે.

આપણે જે રીતે વાહનની કાળજી લઈએ છીએ અને એમાં કોઈ ઘોંઘાટ કે કર્કશ અવાજ આવવા લાગે તો એનું સર્વિસિંગ પણ કરાવીએ છીએ, પરંતુ મોટાભાગે આપણે આપણા શરીર, મન અને આત્મા પ્રત્યે ધ્યાન આપતા નથી. પૂરતો અને યોગ્ય ખોરાક લઈએ નહીં તો આપણા શરીરની ગાડી પણ બરાબર ચાલે નહીં. જો જીવનમાં બિનજરૂરી ઉતાવળ કરીએ તો અકસ્માત થવાનો પણ ભય રહે છે. જીવનમાં સંતોષ ન હોય તો ભરપૂર સંપત્તિ પણ આનંદ આપી શકતી નથી. બાળકને ઓછા ટકા આવે તો એમાં શરમાવા જેવું કંઈ જ હોતું નથી. આવી તો અનેક બાબતો છે, જેમાં આપણે સહજતાથી સ્વીકાર કરતા નથી. બીજાઓનું જોઈને પોતે દુઃખી થવાનું કામ લોકો કરતા હોય છે. આથી જ આપણામાં કહેવત છે કે બીજાઓના મહેલ જોઈને પોતાની ઝૂંપડી બાળવાની ન હોય. અન્યો સાથે તુલના કરવાથી જીવનમાં દુઃખ સિવાય બીજું કંઈ આવતું નથી. જીવનનો પહેલો ઉદ્દેશ્ય એને જીવી લેવાનો છે! હવે તમે જ નક્કી કરો કે શું તમે ખરેખર જીવી રહ્યા છો?

હેવી ટ્રાફિકમાં હોર્ન વગાડીને ઘોંઘાટ કરવાને બદલે અથવા પોતપોતાના હેડફોનમાં સંગીત સાંભળતાં રહેવાને બદલે બીજા વાહનચાલકો સાથે વાતચીત કરીને કોઈ રસ્તો નીકળતો હોય તો એ કરવો જોઈએ. આ જ રીતે નકારાત્મકતા અને લાગણીઓના અસંતુલનના ટ્રાફિક વચ્ચે બીજા મનુષ્ય સાથે વાતચીત દ્વારા હલ લાવવા જોઈએ. પોતાનાં માતાપિતા, બાળકો, માલિકો કે કર્મચારીઓ, મિત્રો, જીવનસાથી એ બધાની સાથે ખૂલીને વાત કરો. જરૂરિયાતમંદોને સાંભળો અને ઊજ્જવળ ભવિષ્ય માટે સંવાદની કળાનો ઉપયોગ કરો.

------------------

Comments

Popular posts from this blog

મૈત્રીનો ઉત્સવ આજીવન ઉજવાતો હોય છે

આપણે દરેક તકલીફના લાલ સિગ્નલને આધ્યાત્મિક ઊર્જાની મદદથી લીલું સિગ્નલ બનાવી શકીએ છીએ

'વફાદારી' માત્ર એક શબ્દ નથી, એ તો જીવનશૈલી છે...