પૃથ્વી પરના અસ્તિત્વ માટે જરૂરી સૌથી વધુ મહત્ત્વનું પરિબળ એટલે આત્મવિશ્વાસ
|| પૃથ્વી પરના અસ્તિત્વ માટે
જરૂરી સૌથી વધુ મહત્ત્વનું પરિબળ
એટલે આત્મવિશ્વાસ ||
એક વાત મને વારેઘડીએ કહેવાનું મન થાય છે. સૂર્ય, ચંદ્ર અને તારા
આત્મવિશ્વાસનું ઉત્તમ ઉદાહરણ છે. તેઓ ઉગે છે અને આથમે છે. એટલું જ નહીં, તેઓ આ
પૃથ્વી પરના મનુષ્યોની પ્રતિક્રિયાનો વિચાર કર્યા વગર પોતાનું કામ કર્યે રાખે છે.
એ ઉપરાંત તમામ પશુ-પંખીઓ પણ આત્મવિશ્વાસનું ઉદાહરણ છે. તેઓ ક્યારેય કોઈ બીજા સાથે
પોતાની તુલના કરતાં નથી. એમનો રોજિંદો ક્રમ પણ નિશ્ચિત હોય છે. તેઓ કપરામાં કપરા
સંજોગોમાં પણ ટકી રહેવા માટેની સ્વયંસ્ફુરણા ધરાવે છે. એમનું અસ્તિત્વ બીજાઓના
વિચારો પર નિર્ભર નથી. એમને જીવવા માટે કોઈ દવાની જરૂર પડતી નથી. તેઓ પોતાના
જીવનમાં સંપૂર્ણપણે કુદરત પર નિર્ભર હોય છે.
ઉપરોક્ત વાતો પરથી એટલું કહી શકાય કે પૃથ્વી પરના અસ્તિત્વ માટે જરૂરી સૌથી
વધુ મહત્ત્વનું પરિબળ એટલે આત્મવિશ્વાસ. ફક્ત મનુષ્યમાં એ આત્મવિશ્વાસની કમી
સર્જાઈ જાય છે. બીજા જીવો ક્યારેય ભવિષ્યની ચિંતા કરતા નથી કે બીજાઓ સાથે
સ્પર્ધામાં ઊતરતા નથી અને આત્મવિશ્વાસની ઊણપ ધરાવતા નથી.
પ્રાચીન કાળમાં ગુરુઓ વિદ્યાર્થીઓને સમાન ધોરણે અલગ અલગ વિદ્યાઓ શીખવતા. તેઓ
દરેક વિદ્યાર્થીની ક્ષમતાઓને ઓળખી લેતા અને એના આધારે તાલીમ આપતા. તેઓ ક્યારેય
વિદ્યાર્થીઓની તુલના કરતા નહીં. તેઓ બીજા વિદ્યાર્થીઓના ગુણોને નિહાળવાનું કહેતા,
પણ સરખામણી કરવાનું કદી કહેતા ન હતા. જૂના જમાનાથી વિપરીત, વર્તમાન સમયમાં
સ્પર્ધાનું તત્ત્વ કેમ સમાજમાં ઘૂસી ગયું છે એ સમજાતું નથી. સરખામણી કરવાને લીધે જ
આત્મવિશ્વાસ ઘટે છે. અસ્તિત્વ ટકાવવા માટેની આપણી શક્તિ પણ ઘટે છે, કારણ કે
સરખામણીને લીધે અસલામતી જન્મે છે.
આપણે કેમ પશુ-પંખીઓની જેમ કુદરતના શરણે જવાનું શીખતા નથી? આપણે શું કામ ચમત્કારો થવાની આશા રાખીએ છીએ? આપણે જાતે જ ચમત્કાર કેમ
બની શકીએ નહીં?
મને યાદ છે, મારી મોટી દીકરીને જમનાબાઇ સ્કૂલમાં ઇન્ટરનૅશનલ બોર્ડમાં પ્રવેશ
મળ્યો ત્યારે અમારે માતાપિતાએ એની સાથે ઇન્ટરવ્યૂ આપવા જવું પડ્યું હતું. એને
પૂછવામાં આવ્યું હતું, "તારે જીવનમાં શું બનવું છે? તારો આદર્શ કોણ છે?" દીકરી શું જવાબ આપે છે એ
સાંભળવા અમે આતુર હતાં. એણે જવાબ આપ્યો, "હું જાતે મારી આદર્શ બનવા માગું છું. મારે શું કામ કોઈનું
અનુકરણ કરવું જોઈએ? મારે બીજા બધા કરતાં કંઈક
અલગ કરવું છે અને થોડા જ વખતમાં હું નક્કી કરી લઈશ કે મારે શું કરવું છે."
એનો આત્મવિશ્વાસ જોઈને અમે તો અચંબિત થઈ ગયાં. એને આવું બોલતાં કેવી રીતે
આવડ્યું એ તો અમને ખબર પડી નહીં, પરંતુ એનો આત્મવિશ્વાસ જોઈને ઘણું સારું લાગ્યું.
આજે જ્યારે એ વિશ્વની ખ્યાતનામ વિદ્યાપીઠોમાં ગણના પામતી કોલંબિયા
યુનિવર્સિટીમાંથી પબ્લિક ઍડમિનિસ્ટ્રેશન વિષયમાં માસ્ટર્સ પદવી પ્રાપ્ત કરી ચૂકી
છે ત્યારે અમને એનો આત્મવિશ્વાસ સાર્થક થયેલો દેખાય છે. ખરેખર, એણે બધું જાતે જ
કર્યું છે. બીજાં માતાપિતાને પોતાના સંતાનનો આત્મવિશ્વાસ ખીલવવાનું મહત્ત્વ સમજાય
એ દૃષ્ટિએ મારી દીકરીનો પ્રસંગ મેં અહીં ટાંક્યો છે.
શ્રવણમંદ બાળકોને આપણે વિશેષ શક્તિ ધરાવતાં બાળકો તરીકે સંબોધીએ છીએ. એમની
સાથે તથા એમનાં માતાપિતા સાથે કામ કરતાં કરતાં મને શીખવા મળ્યું છે કે હંમેશાં
સાચા પડવું એ નહીં, પણ પોતે ખોટા પડશે એવો ડર નહીં રાખવો એનું નામ આત્મવિશ્વાસ. માતાપિતાને
જ્યારે જાણવા મળે છે કે પોતાનું બાળક ઓછું સાંભળે છે અથવા માનસિક રીતે અક્ષમ છે કે
વિકલાંગ છે અથવા દૃષ્ટિહીન છે ત્યારે એમની પાસે એ સ્થિતિનો સ્વીકાર કર્યા વગર
છૂટકો હોતો નથી. એમણે એ સ્વીકાર કરી લીધા બાદ એમને મદદ કરનારા વ્યવસાયીઓમાં
વિશ્વાસ રાખવો પડે છે. એ ઉપરાંત એમણે પોતાનાં સંતાનોની શક્તિઓને ખીલવવા માટે તથા
સંતાનો પડકારોનો સામનો કરી શકે એ માટે નિષ્ઠાપૂર્વક કામ કરવું પડે છે.
એક ગરીબ માતાને જ્યારે ખબર પડી કે પોતાના બાળકની સાંભળવાની શક્તિ 80 ટકા ઓછી
છે ત્યારે તેણે સકારાત્મક રીતે એવું વિચાર્યું કે હજી 20 ટકા શક્તિ બાકી છે. એણે
મને કહ્યું, "તમે મને મારા બાળક માટે
સારું શ્રવણયંત્ર લેવામાં મદદ કરશો તો હું એની પાછળ ઘણી મહેનત કરીને એને સામાન્ય
બાળક જેવું જીવન જીવતાં શીખવીશ." એમણે જે કહ્યું હતું એ કરી બતાવ્યું છે. આજે એમનું બાળક સામાન્ય બાળકોની સાથે
જ ભણે છે. સફળતા સ્પર્ધા કે તુલના કરવાથી નહીં, મહેનત કરવાથી જ મળે છે.
ભારતીય સંસ્કૃતિમાં દેવી અને દેવતાઓ વચ્ચે ક્યારેય સરખામણી કરવામાં આવતી નથી.
એમને પોતપોતાની રીતે સરખું મહત્ત્વ આપવામાં આવે છે. આ જ રીતે આપણે મહાત્મા ગાંધી
અને સ્વામી વિવેકાનંદ જેવી દેશની વિભૂતિઓને પણ સમાન દૃષ્ટિએ નિહાળીએ છીએ. આજે કોઈ
ક્રિકેટર સારી રમત રમવા લાગે તો તરત જ એના નામ સાથે માર્કેટિંગ થવા લાગે છે અને
એની તુલના એ સમયે સારું નહીં રમનારા ખેલાડી સાથે થવા લાગે છે. તેને લીધે એ ખેલાડી
બીજાઓ પ્રત્યેનો આદર ભૂલી જાય છે. આપણે આવી કડવાશભરી સ્પર્ધાત્મકતાનો અંત લાવવાનો
સમય આવી ગયો છે. તમામ મનુષ્યોમાં ખેલદિલી આવે એ માટે પ્રયત્ન કરવાના છે.
દલાઈ લામાએ કહ્યું છે કે દરેક વ્યક્તિ પોતાની ક્ષમતાઓ પ્રત્યે આત્મવિશ્વાસ
કેળવે તો સારું વિશ્વ સર્જાઈ શકે છે. દરેક માતાપિતા પોતાના બાળક માટે આદર્શ બની
શકે છે અને એમનામાં આત્મવિશ્વાસનું સિંચન કરી શકે છે. જો પંગુ કહેવાતાં બાળકો
ઉત્કૃષ્ટ દેખાવ કરી શકતાં હોય તો બીજાં કેમ નહીં!
--------------------------------
Comments
Post a Comment