આજે જરૂર છે વફાદારીની જ્યોતને પ્રજ્વલિત રાખવાની
|| આજે જરૂર છે વફાદારીની જ્યોતને પ્રજ્વલિત રાખવાની ||
અમેરિકાનું સ્ટેચ્યુ ઑફ લિબર્ટી માનવીય સ્વતંત્રતાનું
પ્રતીક ગણાય છે. જોકે, તેની સ્થાપના ફ્રાન્સ અને અમેરિકાના લોકો વચ્ચેની મૈત્રી
અને સ્વતંત્રતાની પરસ્પરની ભાવનાના પ્રતીકરૂપે કરવામાં આવી હતી. આજની તારીખે એની
સાથે બીજા અનેક અર્થ સંકળાઈ ગયા છે. મેં જ્યારે સ્ટેચ્યુ ઑફ લિબર્ટીની મુલાકાત
લીધી ત્યારે મને એમાં પોતાના દેશ પ્રત્યેની અમેરિકનોની વફાદારીનાં દર્શન થયાં.
કહેવાય છે કે સ્વતંત્રતાની એ દેવીની મશાલની જ્યોત સમગ્ર
વિશ્વમાં સત્ય અને ન્યાયનું પ્રતીક છે. વફાદારીની ભાવના ક્યાંય મૂર્ત સ્વરૂપે
દેખાતી નથી, એ તો અમૂર્ત છે; અને દરેકના મનમાં હોય છે. સ્વતંત્રતાની દેવીની મશાલ જે રીતે
સદા પ્રજ્વલિત રહે છે એ જ રીતે આપણા હૃદયમાં વફાદારીની ભાવનાની જ્યોત સળગતી રહેવી
જોઈએ.
આ પ્રતિમાની રચના પણ રસપ્રદ છે. તેના પરનું આવરણ તાંબાનું
છે. તાંબુ ઑક્સિજનના સંપર્કમાં આવવાને લીધે ઑક્સિડેશન થાય છે અને તેને લીધે
તાંબાના રંગ પર લીલો થર બાઝી જાય છે. આ થરને લીધે તાંબાનું રક્ષણ થાય છે.
પ્રતિમાનો રંગ તાંબાના રંગથી બદલીને લીલો થવામાં લગભગ 30 વર્ષ લાગ્યાં છે. આ
ઉદાહરણના આધારે કહી શકાય કે વફાદારી અને એકનિષ્ઠાની ભાવના દરેકના હૃદયમાં રહેલી
હોય છે અને તેને સુંદર રૂપ મળવામાં વર્ષો લાગી જાય છે.
આપણે ભારતની વાત કરીએ તો જોઈ શકાય છે કે લોકો રાજા, વડીલો,
નેતાઓ પ્રત્યે વફાદાર રહેતા હતા. રામાયણમાં પ્રભુ રામ પ્રત્યેની હનુમાનજીની અને
મહાભારતમાં કૌરવો પ્રત્યેની કર્મની તથા અકબર પ્રત્યેની બીરબલની વફાદારી જોવા મળે
છે. એ જ રીતે તાનાજી શિવાજી પ્રત્યે વફાદાર હતા. મુશ્કેલીભર્યા સમયમાં વફાદારીની
કસોટી થાય છે. કૃષ્ણે કહ્યું છે કે આજના દરેક કર્મની અસર ભવિષ્ય પર થાય છે. આ જ
રીતે વફાદારીના ગુણને લીધે લોકોના જીવનમાં ઘણાં પરિવર્તનો આવ્યાં છે. આપણી
સંસ્કૃતિમાં સારાં કર્મોને ઘણું જ મહત્ત્વ આપવામાં આવ્યું છે. તેના વિશે કહેવાય છે
કે વફાદારી પ્રભુનો પ્રથમ સિદ્ધાંત છે. આપણે વફાદારીની જ્યોતને પ્રજ્વલિત રાખવાની
જરૂર છે.
આજના સમયમાં ભ્રષ્ટાચાર, છેતરપિંડી, ડરનું વાતાવરણ
ફેલાવવાની પ્રવૃત્તિ, એકબીજા પર દોષારોપણ એ બધું એટલી હદે વધી ગયું છે કે આપણે
વફાદારીને સાવ ભૂલી ગયા હોઈએ એવું લાગે છે. પ્રતિષ્ઠા કમાવાની દોડવમાં વફાદારી
ભુલાઈ ગઈ છે. આજે સંબંધો વધારે ટકતા નથી, કારણ કે પરસ્પરની કરુણા અને કૃતજ્ઞતાની
ભાવના અદૃશ્ય થઈ ગઈ છે. આ વિશ્વમાં ઘણા લોકો વફાદારી નામની કોઈ ભાવના હોવી જોઈએ
એવું માનતા નથી. આશ્ચર્યની વાત તો એ છે કે લોકો મનુષ્યો કરતાં રોબોટમાં વધારે
વિશ્વાસ રાખવા લાગ્યા છે!
વફાદારીની ભાવનાની શરૂઆત પરિવારથી થાય છે અને તેનો વિસ્તાર
સમગ્ર માનવજાત સુધી થાય છે. એક વખત દૃઢ નિર્ણય કરી લેવાય તો વફાદારી રાખવાનું અને
તેને વધારવાનું અશક્ય નથી. મારી 30 વર્ષની પ્રૅક્ટિસ દરમિયાન મેં જોયું છે કે
જ્યારે પણ જરૂર પડી છે ત્યારે 95 ટકા દરદીઓ ફરી વાર મારી પાસે જ આવ્યા છે. આને હું
મારી વફાદારીનું જ પરિણામ કહીશ. મારા દરદીઓની સેવા કરવાની વફાદારીની ભાવનાએ મને
આપેલો આ શિરપાવ છે. વિશેષ બાળકો સાથે કામ કરતાં કરતાં મેં જોયું છે કે એમનાં
અંતઃકરણ શુદ્ધ હોય છે અને તેઓ વફાદાર હોય છે.
મારા એક દરદીએ અનેક લોકો પાસે જઈને અલગ અલગ કંપનીઓનાં
શ્રવણયંત્ર બેસાડાવ્યાં, પરંતુ આખરે એ મારી પાસે જ આવ્યો, કારણ કે એણે મારામાં
મારા કાર્ય પ્રત્યેની વફાદારી જોઈ. હું દૃઢપણે માનું છું કે જ્ઞાનથી શક્તિ આવે છે,
પરંતુ લોકોનો આદર ત્યારે જ મળે જ્યારે આપણું ચારિત્ર્ય બળવાન હોય.
આજની તારીખે આપણે પોતાના દેશ, સમુદાય અને પરિવાર પ્રત્યે
વફાદારીને પોષવાની જરૂર છે. આ કામ એક દિવસમાં થતું નથી, પરંતુ દૃઢ સંકલ્પ કર્યો
હોય તો એ શક્ય બને છે. સ્ટેચ્યુ ઑફ લિબર્ટીએ મને મારા પ્રત્યે અને મનુષ્યજાતિ
પ્રત્યે વફાદાર રહેવાનું શીખવ્યું છે.
----------------------
Comments
Post a Comment