આનંદપૂર્વક જીવવા માટે વચ્ચે વચ્ચે પોરો ખાઈ લેવો પણ જરૂરી છે

|| આનંદપૂર્વક જીવવા માટે વચ્ચે વચ્ચે પોરો ખાઈ લેવો પણ જરૂરી છે ||

શ્વાસોચ્છવાસ વગર જીવન સંભવ નથી. કોરોના રોગચાળાએ આપણને ઊંડા શ્વાસ લેવાનું મહત્ત્વ સમજાવી દીધું છે. રાબેતા મુજબના શ્વસનમાં આપણે નાક વાટે હવા અંદર લઈને ફેફસાંમાં મોકલીએ છીએ અને ફેફસાંમાંથી હવા નાક વાટે બહાર આવે છે. જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે ઉચ્છવાસ નાકને બદલે મોંમાંથી બહાર આવે છે. શ્વાસોચ્છવાસ અત્યંત મહત્ત્વપૂર્ણ છે અને જો એમાં તકલીફ સર્જાય તો જીવનમાં મુશ્કેલીઓ આવે છે.

કોરોના વાઇરસ ફેફસાં પર અસર કરે છે અને તેને લીધે શ્વાસોચ્છવાસમાં તકલીફ પડે છે. પરિણામે, કોવિડ-19ના કેટલાક દરદીઓને ઑક્સિજન સપોર્ટ પર રાખવા પડે છે.

લાંબી સફરમાં આપણે હંમેશાં વચ્ચે પોરો ખાઈ લેતા હોઈએ છીએ. ઘણું બધું કામ કરનાર વ્યક્તિને પણ આપણે વચ્ચે વચ્ચે વિરામ લઈ લેવાની સલાહ આપતા હોઈએ છીએ. પોરો ખાવો અને ઊંડા શ્વાસ લેવા એ બન્નેનું મહત્ત્વ હવે સમજીને જીવનમાં તેનો અમલ કરવાની જરૂર છે.

કુદરતની નજીક રહેવાથી આપણને શ્વાસ લેવા માટે શુદ્ધ હવા મળી રહે છે. એ જ રીતે આપણે સહજ-કુદરતી જીવન જીવીએ તો શ્વસન પણ પ્રાકૃતિક રીતે થાય છે. આ વાત આપણે ત્યારે જ સમજી શકીએ જ્યારે આપણે પોરો ખાઈએ અને પોતાની વર્તમાન સ્થિતિનું અવલોકન કરીએ.

ભગવાન રામ અને કૃષ્ણનાં ચરિત્રો પરથી જોઈ શકાય છે કે એમણે અધર્મનો વિનાશ કરવા અને ધર્મની પ્રતિષ્ઠા કરવા માટે અવતાર લીધા હતા. આમ છતાં તેઓ મનુષ્ય તરીકેનું જ જીવન જીવ્યા. તેઓ નાનપણમાં અન્ય બાળકોની જેમ જ રમતગમતમાં રચ્યા-પચ્યા રહેતા અને ગુરુઓ પાસે શિક્ષણ લેવા જતા. કૃષ્ણ ગાયો ચરાવતા અને સાથે સાથે રાક્ષસોનો નાશ પણ કરતા. આમ, સામાન્ય જીવન જીવતાં જીવતાં એમણે અસામાન્ય કામ કર્યાં. આ બન્ને અવતારના જીવન પરથી સમજવાનું છે કે દરેકની સાથે પ્રેમપૂર્વક રહેવું અને અધર્મનો નાશ કરવા માટે હંમેશાં હિંમતપૂર્વક આગળ વધવું. એમણે સામાન્ય મનુષ્યો માટે જે-જે વસ્તુઓ મહત્ત્વની હતી એ બધાની અગત્યતા પોતાના જીવન પરથી સમજાવી. તેઓ કુદરતનાં સાંનિધ્યમાં રહેતા. કૃષ્ણને દહીં અને માખણ પ્રિય હતાં. આપણે જાણીએ છીએ કે દહીં પાચન માટે માખણ શક્તિ માટે સારું હોય છે. જંગલમાં જઈને એમણે શુદ્ધ હવાને શ્વાસમાં ભરવાનું મહત્ત્વ પણ સમજાવ્યું.

સ્પીચ થેરપિસ્ટ અને ઑડિયોલૉજિસ્ટ તરીકેની તાલીમમાં અમને શીખવવામાં આવ્યું હતું કે શ્વસન, પાચનતંત્ર અને મજ્જાતંત્ર અવાજની ગુણવત્તા માટે અગત્યનાં હોય છે. એ ત્રણે તંત્રો પર ધ્યાન આપવું જરૂરી છે. વાસ્તવમાં જોવા મળ્યું છે કે ઘણા ગાયકો વધુ ધન કમાઈ લેવાની લાલસામાં લાંબા સમય સુધી ગાયે રાખે છે અને પોતાના ખાન-પાન કે ઊંઘ પર ધ્યાન આપતા નથી. પરિણામે, એમના અવાજની ગુણવત્તા બગડે છે અને એમની પાસે ગવડાવવાનું લોકો પસંદ કરતા નથી. સારો અવાજ હોવામાત્રથી કંઈ થતું નથી. એને ટકાવીને રાખવો પણ જરૂરી છે.

આજકાલ આપણે પણ કટ્ટર સ્પર્ધામાં એટલા ઊંડા ખૂંપી ગયા છીએ કે વચ્ચે પોરો ખાવાનું મહત્ત્વ ભૂલી ગયા છીએ. ઊજ્જવળ ભવિષ્યની ખેવના રાખીને વર્તમાન બગાડ્યે રાખીએ છીએ. મેં બોલવામાં થોથવાતા લોકોમાં જોયું છે કે તેઓ પોતાની થોથવાવાની કમીને ઢાંકવા માટે ફટાફટ બોલતા હોય છે. તેને લીધે એમની શ્વાસોચ્છવાસની ક્રિયા અવ્યવસ્થિત થઈ જાય છે. પોતાનામાં જે કમી છે એનો સ્વીકાર કરીને આગળ વધતાં કોણ રોકી શકે છે? લોકો શું કહેશે એનો વિચાર કરીને પોતાને કેમ નુકસાન પહોંચાડવું? આથી થોથવાવાની તકલીફ ધરાવતા મારા દરેક દરદીને હું બેધડક જીવવાનું કહું છું. જીવનમાં પ્રગતિ કરવાની ઘણી તક મળી રહેશે એવો વિશ્વાસ એમનામાં જગાડવા માટે હું પ્રયત્ન કરું છું.

ફરી એક વાર કહેવાનું કે દરેક મનુષ્યે પોરો ખાવાની, વચ્ચે બ્રેક લેવાની, બહાર ફરવા જવાની, રાબેતા મુજબની ઘરેડમાંથી બહાર નીકળવાની, રોજ કરતાં નવા વિચારો કરવાની અને શુદ્ધ હવામાં જઈને અંતઃકરણની પણ શુદ્ધિ કરવાની જરૂર છે.

અમેરિકાના મારા એક પ્રવાસ દરમિયાન મેં જોયું કે ત્યાંના લોકો તમામ પ્રતિકૂળતાઓ વચ્ચે સફળ થવા માટેનો આત્મવિશ્વાસ ધરાવે છે. ત્યાં મેં બાળકો માટેના ચકરડામાં વૃદ્ધોને પણ આનંદ માણતા જોયા.

કોરોના કાળમાં ચાળીસેક વર્ષના એક એન્જિનિયર વિશે મેં સાંભળ્યું હતું. તેઓ કોરોના પોઝિટિવ થઈ જવાથી ચિંતિત થઈ ગયા હતા. સ્વાભાવિક રીતે, એમને પોતાના આરોગ્ય અને પરિવારના ભવિષ્યની ચિંતા થવા લાગી. 14 દિવસ ક્વૉરન્ટાઇનમાં રહીને તેઓ કોરોના નેગેટિવ થઈ ગયા. એમને નબળાઈ આવી ગઈ હોવાથી આરામની ખાસ જરૂર હતી, પરંતુ એમણે આરામ કરવાને બદલે 14 દિવસનું ભેગું થયેલું કામ પૂરું કરવા માટે ઓવરટાઇમ કરી લીધો. છેવટે એવું થયું કે કોરોના નેગેટિવ થયા પછી પણ એમનું મૃત્યુ થઈ ગયું. બીમારી આવી ત્યારે જે પરિવારની ચિંતા કરી એ જ પરિવારને એમના ઓવરટાઇમ અને આડેધડ કરેલા શ્રમને લીધે નોધારો મૂકીને જવાનો વખત આવી ગયો. ટૂંકમાં, એટલું જ કહેવાનું કે મન, શરીર અને આત્મા પ્રત્યે સભાનતા કેળવીને જીવવાની જરૂર છે.

મનોવિજ્ઞાનમાં સાયકોસોમેટિક ડિસઓર્ડર નામનો શબ્દ આવે છે. મન વ્યથિત હોય તો શરીર પર પડતી અવળી અસર માટે આ શબ્દપ્રયોગ કરવામાં આવે છે. હકીકતમાં જોવા મળ્યું છે કે જેઓ પોતાના શરીરને બરોબર સમજે છે અને જેઓ મજબૂત ઈચ્છાશક્તિ ધરાવે છે તેઓ ચિંતિત અને ડરીને રહેનારા લોકો કરતાં વધુ જલદી બીમારીઓથી સાજા થઈ જાય છે.

કોરોના રોગચાળાએ શીખવ્યું છે કે દરેકે વચ્ચે વચ્ચે પોરો ખાવાની જરૂર છે. પૈસાની પાછળ દોડવાનો કોઈ અર્થ નથી, કારણ કે વખત આવ્યે પૈસાને બદલે શ્વાસ લેવાની ફેફસાંની શક્તિની વધારે જરૂર પડે છે.

ગમે તેવા પ્રતિકૂળ સંજોગોમાં હિંમત હારવાને બદલે જીવનનો ખરો અર્થ સમજીને પ્રાકૃતિક જીવન જીવવાનું શરૂ કરો એ જ સંદેશ કોરોનાએ સૌને આપ્યો છે. સમયસર ખોરાક લેવાથી, પૂરતી ઊંઘ લેવાથી, નિયમિત વ્યાયામ કરવાથી મનની સ્થિરતા ટકાવી રાખવાથી, હસતાં રહેવાથી, સંગીત સાંભળવાથી તન-મન તંદુરસ્ત રહે છે. સામાજિક આરોગ્ય માટે સૌની સાથે હળીમળીને આનંદપૂર્વક રહેવું.

------------------

 

Comments

Popular posts from this blog

મૈત્રીનો ઉત્સવ આજીવન ઉજવાતો હોય છે

આપણે દરેક તકલીફના લાલ સિગ્નલને આધ્યાત્મિક ઊર્જાની મદદથી લીલું સિગ્નલ બનાવી શકીએ છીએ

'વફાદારી' માત્ર એક શબ્દ નથી, એ તો જીવનશૈલી છે...