દરેક મનુષ્યમાં બુદ્ધિ અને લાગણીઓનું સંતુલન હોવું જરૂરી છે

 || દરેક મનુષ્યમાં બુદ્ધિ અને લાગણીઓનું 

સંતુલન હોવું જરૂરી છે ||

ભારતીય સંસ્કૃતિમાં કહેવામાં આવ્યું છે કે વ્યક્તિ પોતાનાં પાપ દૂર કરવા માટે ગંગા નદીમાં નાહીને પવિત્ર થઈ શકે છે. ગંગાસ્નાનથી મન, શરીર અને આત્માના મેલ ધોવાઈ જતા હોવાની માન્યતા છે. જો એક ગંગા નદીમાં નાહવાથી આટલો મોટો ફાયદો થતો હોય તો સમગ્ર સૃષ્ટિની પ્રકૃતિની શક્તિનો અંદાજ લગાવી જુઓ.

કહેવાય છે કે એક વખત લોકોએ ગંગા નદીને પૂછ્યું કે તમે બધાનાં પાપ અને વિચારો ધોઈને એનો ત્યાગ છેવટે ક્યાં કરો છો? ગંગાએ જવાબ આપ્યો, હું સમુદ્રમાં ભળીને એનો ત્યાગ કરું છું. આ સાંભળીને સમુદ્રને પૂછવામાં આવ્યું કે આટલા બધા મનુષ્યોનાં પાપ તમારામાં ભળી જાય છે તો તમે એ બધા કેવી રીતે સાફ કરો છો?” સમુદ્રે જવાબ આપ્યો, હું એ બધો મેલ વાદળોને આપી દઉં છું વાદળોને પૂછવામાં આવ્યું, તમે શું કરો છો?” વાદળોS કહ્યું હું મનુષ્યે કરેલા વિચારોના આધારે આશીર્વાદ અથવા અભિશાપ તરીકે એમની વર્ષા કરી દઉં છું. આ સંવાદ પરથી ખ્યાલ આવે છે કે કુદરત દરેક વસ્તુનું સંતુલન જાળવી રાખે છે અને એને જે મળે છે એ જ પાછું આપે છે.

આજે દરેક મનુષ્ય કુદરતને સારી વસ્તુઓ જ આપવી એવો નિર્ધાર કરી લે એ જરૂરી છે. આપણું જીવન કુદરતથી અલગ હોઈ જ ના શકે. આથી આપણે સારાં કર્મો દ્વારા એનું સારું સંતુલન જાળવી રાખીએ એ અગત્યનું છે, અન્યથા કુદરત આપત્તિના સ્વરૂપે આપણને આપણે જ આપેલી વસ્તુ પાછી આપશે. હાલમાં આપણે કોરોના વાઇરસનો રોગચાળો જોયો એ પણ કદાચ આ જ વસ્તુનું પરિણામ છે.

મહાભારતમાં યુધિષ્ઠિરનીનું ચરિત્ર રસપ્રદ છે. એમની પાસે ઘણી બુદ્ધિ હતી અને તેઓ નમ્ર પણ હતા, પરંતુ એમના વિચારોમાં જડતા હતી. ભગવાન કૃષ્ણ એમના મિત્ર, માર્ગદર્શક અને તત્ત્વચિંતક હતા. એમને એમનામાં પૂરેપૂરો વિશ્વાસ હતો, પરંતુ એમણે કૃષ્ણને કહી રાખ્યું હતું કે તેઓ જ્યારે બોલાવે ત્યારે જ એમની મદદે જવું.

યુધિષ્ઠિરે સામે પોતાની શક્તિ પુરવાર કરવા માટે અને હસ્તિનાપુરનું રક્ષણ કરવા માટે કૌરવો સાથે સોગઠી રમવાનું નક્કી કર્યું. તેમને કૌરવોનું ષડ્યંત્ર સમજાઈ ગયું હતું, પરંતુ તેઓ લાગણીમાં તણાઈ ગયા હતા. ભગવાન કૃષ્ણને પણ ખબર હતી એમના મિત્રનો પરાજય થશે, પરંતુ યુધિષ્ઠિરે તેમને સૂચના આપી હતી કે કૃષ્ણે ત્યારે જ આવવું જ્યારે એમને બોલાવવામાં આવે. ભગવાન કૃષ્ણ પણ જાણતા હતા કે યુધિષ્ઠિર હારવાના છે અને એમની પાસે બુદ્ધિ ઘણી છે, પરંતુ એમણે લાગણીઓ પર નિયંત્રણ રાખવાની જરૂર છે. આ પ્રસંગ પરથી જોઈ શકાય છે કે વ્યક્તિમાં ફક્ત બુદ્ધિચાતુર્ય હોય એ પૂરતું નથી, દરેકમાં ભાવનાત્મક કાબૂ પણ હોવો જોઈએ.

આજના શિક્ષિત લોકોને પણ આ મુદ્દો ઘણો લાગુ પડે છે. લોકો એકબીજાનાં દિલ જીતી લેવામાં મોળા પડે છે. આજના નેતાઓ પણ ચૂંટણીઓ જીતી જાય છે, પરંતુ લોકોનાં હૃદયમાં સ્થાન મેળવી શકતા નથી. સમગ્ર વિશ્વનો ઈતિહાસ એવાં ઢગલાબંધ ઉદાહરણોથી ભરેલો છે, જેમાં બુદ્ધિમાન નેતાઓએ ડાટ વાળ્યો હોય. બીજી બાજુ એવાં પણ ચરિત્રો થઈ ગયાં છે, જેઓ વધુ ભણેલા ન હતા, પરંતુ આજેય લોકોનાં દિલોદિમાગ પર રાજ કરે છે. બુદ્ધિ અને લાગણીઓનું સંતુલન જાળવીને પ્રસિદ્ધિ પામેલા અને લોકોના મનમાં અજરામર થઈ ગયેલા અનેક લોકો છે. રાધા-કૃષ્ણ, બુદ્ધ, સ્વામી વિવેકાનંદ, મધર ટેરેસા, મહાત્મા ગાંધી, વગેરે અનેકનો એમાં સમાવેશ થાય છે.

મારી ત્રીસ વર્ષની પ્રૅક્ટિસ દરમિયાન મેં જોયું છે કે ઘણાં બુદ્ધિશાળી બાળકો જલદીથી નિરાશ થઈ જાય છે. જીવનનાં પ્રારંભિક વર્ષોમાં બુદ્ધિશાળી હોય એવાં બાળકો ક્રમે ક્રમે એવી સ્થિતિમાં આવી જાય છે જ્યાં તેઓ બોલવામાં થોથવાવા લાગે છે. તેનું  કારણ એ હોય છે કે તેઓ પોતાની પાસેથી વધુપડતી અપેક્ષા રાખવા લાગી જાય છે.

કમનસીબે આજની શિક્ષણ વ્યવસ્થા પણ ફક્ત બુદ્ધિને મહત્ત્વ આપે છે. લાગણીઓનું સંતુલન જાળવવા પર ભાર મૂકવામાં આવતો નથી. આને લીધે બાળકોમાં રચનાત્મકતા અને સર્જનાત્મકતા ખીલી શકતી નથી. બાળકોને માનસિક રીતે મજબૂત બનાવવા માટે એમની પાસે વધુ શારીરિક શ્રમ કરાવવો આવશ્યક છે. બાળકોને ફક્ત બુદ્ધિશાળી બનાવવા માગતાં હોય એવાં ઘણાં માતાપિતા જોયાં છે, પરંતુ સમાજમાં અન્યો સાથે હળવામળવાનું તથા દરેક પ્રકારના લોકો સાથે પનારો પડે ત્યારે લાગણીઓ પર કાબૂ રાખવાનું ઘણું અગત્યનું હોય છે. રોજિંદા જીવનના પડકારોને પહોંચી વળવાની ક્ષમતા દરેક બાળકમાં કેળવવાની જરૂર છે. બુદ્ધિચાતુર્ય, લાગણીઓ પર કાબૂ, સામાજિક સંબંધો અને આધ્યાત્મિક ઉન્નતિ એ બધી વસ્તુઓ ભેગી થાય ત્યારે જ સર્વાંગી વિકાસ થયો કહેવાય. રતન તાતા આવી ઉન્નતિ કરી ચૂકેલી વ્યક્તિ છે. આથી જ તેઓ આજે પણ કોઈ સત્તા પર ન હોવા છતાં લોકોના મનમાં સ્થાન ધરાવે છે.

છેલ્લે એટલું જ કહેવાનું કે બુદ્ધિમાત્રથી કંઈ થતું નથી. સમાજમાં રહેવા માટે મનુષ્યે લાગણીઓ પર કાબૂ રાખવો જરૂરી હોય છે.

------------------------

Comments

Popular posts from this blog

મૈત્રીનો ઉત્સવ આજીવન ઉજવાતો હોય છે

પોઝિટિવ વાઇબ્સ: જીવન બદલવાનનો મેજિકલ મંત્ર

અપેક્ષાઓથી પર થઈને જીવવું...