|| જગતના કલ્યાણ માટે હૃદયથી સાંભળવાનું શરૂ કરી દો ||
|| જગતના કલ્યાણ માટે હૃદયથી સાંભળવાનું શરૂ કરી દો ||
મારા પ્રથમ ગર્ભધારણ વખતે મેં જ્યારે સોનોગ્રાફી મશીનમાં ગર્ભના હૃદયના ધબકારા સાંભળ્યા ત્યારે મને જે ખુશી થઈ તેનું વર્ણન શબ્દોમાં શક્ય નથી. પ્રથમ સંતાનપ્રાપ્તિ અવિસ્મરણીય અનુભવ હોય છે. એ દિવસોમાં શરૂ થયેલું મમત્વ આજીવન રહે છે. બાળક ચાલતાં શીખે કે એની શાળાનો પ્રથમ દિવસ હોય કે પછી બોર્ડની પરીક્ષા હોય અને નોકરી-ધંધાનો પહેલો દિવસ હોય, એ બધા પ્રસંગોએ માતાને અનહદ આનંદ થતો હોય છે, જેની અનુભૂતિ અવર્ણનીય હોય છે. મારા સંતાન માટે સારું શું છે એ જ વિચાર દરેક માતાના મનમાં ચાલતો હોય છે.
કોરોના રોગચાળાના સમયમાં દરેક વ્યક્તિએ અલગ અલગ પ્રમાણમાં હાડમારી અને વિપદાઓ વેઠી છે. મેં ખાસ જોયું છે કે એ અરસામાં મગજ કરતાં હૃદયનું સાંભળનાર માણસ કોઈકને ને કોઈકને મદદરૂપ થયો છે. હૃદયથી સાંભળવું એ આજના સમયની જરૂરિયાત છે.
ભક્તને જરૂર હોય ત્યારે એને સાંભળનારા ભગવાનના હૃદય, નાગરિકોની જરૂરિયાતો પૂરી કરનારા સત્તાધીશના હૃદય, કર્મચારીઓની તમામ જરૂરિયાતોને સમજનારા માલિકના હૃદય અને સંતાનોને પૂછ્યા વગર એમના મનની વાતો જાણી લેનારા માતાપિતાના હૃદય જેવા જ હૃદયની આજના સમયમાં આવશ્યકતા છે. આપણને એવા હૃદયની જરૂર છે, જે દરદીની બીમારીને સારી રીતે સમજતા ડૉક્ટરના હૃદય જેવું હોય અને વિદ્યાર્થીને કેળવણી આપીને ઉચ્ચ કોટિનો મનુષ્ય બનાવનારા શિક્ષકના હૃદય જેવું હોય.
શબરીને મળવા વિહ્વળ થયેલા ભગવાન રામ અને દ્રૌપદીનાં ચીર પૂરનારા ભગવાન કૃષ્ણના હૃદય જેવું હૃદય હોવું જોઈએ. એ બન્ને અવતાર આપણને મનુષ્યજીવનના ઘણા બોધપાઠ આપી જાય છે. ભગવાન રામે તો દુશ્મનના પક્ષે બેઠેલા વિભિષણના હૃદયને પણ ઓળખ્યું અને એમનો સાથ લીધો. એટલું જ નહીં, રાવણનો વધ કરીને રામે એનો ઉદ્ધાર કર્યો.
मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिम्। यत्कृपा तमहं वन्दे परमानन्दमाधवम्॥ એ શ્લોક મને ખૂબ જ ગમે છે. મેં શ્રવણમંદ બાળકો સાથે કામ કરતાં કરતાં જોયું છે કે એમને બીજી કોઈ મદદ કરતાં એમને હૃદયથી સાંભળવાની મદદ કરવી એ વધારે મહત્ત્વનું છે.
કોઈનું હૃદય કળી લેવું અને હૃદયથી એની મદદ કરવી એ ઘણું અગત્યનું છે. અહીં એક કિસ્સો જણાવવા જેવો છે. એક દિવસ એક માતાપિતા પોતાના 12-13 વર્ષના બાળકને લઈને મારી પાસે આવ્યાં હતાં. કોરોના વખતે બાળક આખો દિવસ ઘરમાં રહેતું. એકનું એક સંતાન હોવાથી માતાપિતાનું સંપૂર્ણ ધ્યાન એના પર હતું. પહેલી વાર મેં માતાપિતાની હાજરીમાં બાળક સાથે વાત કરવાનું શરૂ કર્યું ત્યારે લાગ્યું કે એ બરોબર વાત કરી રહ્યો નથી. બીજી વખત મેં એને એકલાને બેસાડીને વાત કરી ત્યારે ખબર પડી કે માતાપિતા આખો દિવસ એને કોઈકને કોઈક પ્રવૃત્તિ કરાવતાં રહેતાં. ખાવાપીવાની વાત હોય, અભ્યાસ હોય કે બીજું કંઈ હોય, આખો દિવસ તેઓ અનેક પ્રકારની સૂચનાઓ આપ્યે રાખતાં. એ છોકરો એકલો વાત કરી રહ્યો હતો ત્યારે એ એકદમ નોર્મલ હતો. પછીથી જાણવા મળ્યું કે વાસ્તવમાં માતાપિતાને એકબીજા સાથે બનતું ન હતું. મારી સાથે વાત કરતાં કરતાં પણ તેઓ ઝઘડી પડ્યાં હતાં. ઘરમાં આવું વાતાવરણ જોઈને બાળકના મન પર અસર થઈ હતી. માતાપિતાએ પોતાના વર્તનમાં ફેરફાર કર્યા બાદ બાળકની સમસ્યા દૂર થઈ ગઈ. આમ, મનની વાત બહાર આવતાં જ સમસ્યા ખતમ થઈ ગઈ.
આપણે હવે હૃદયથી સાંભળવાની જરૂર છે, કારણ કે એ રીતે જ બીજાના હૃદય સુધી પહોંચી શકાય છે અને વિશ્વને વધુ સારું બનાવી શકાય છે.
----------------
Comments
Post a Comment