ચાલો, આપણે સારા ઈરાદાઓ રાખીને સારું ભવિષ્ય ઘડીએ
ચાલો, આપણે સારા ઈરાદાઓ રાખીને સારું ભવિષ્ય ઘડીએ
આરોગ્ય સેવા ક્ષેત્રે કાર્યરત હોવાના નાતે મારે બાળકો, યુવાનો અને વરિષ્ઠ નાગરિકો એમ બધાં જ વયજૂથના લોકોને મળવાનું થાય છે. એટલું જ નહીં, 30 વર્ષની મારી પ્રૅક્ટિસ દરમિયાન હું અનેક વ્યવસાય, ધર્મ, આર્થિક સ્થિતિ, જાતિ, સમુદાય અને દેશનો લોકોને મળી ચૂકી છું. લોકો સાથેના સંપર્ક વખતે હું હમેશાં એમનું નિરીક્ષણ કરતી રહું છું. તેઓ શું કરે છે, શું વિચારે છે, એમનામાં કઈ ખાસિયત છે, એમની પાસેથી હું શું શીખી શકું છું, વગેરેનું મારા મનમાં આકલન ચાલતું રહે છે.
આજે જો મારે એમનું વર્ગીકરણ કરવાનું હોય તો ફક્ત બે શ્રેણીઓ બનાવીશ. એક, જેઓ સારા ઈરાદા ધરાવે છે અને બે, જેઓ પોતાના ઈરાદાઓ વિશે સ્પષ્ટતા ધરાવતા નથી. હું સકારાત્મક દૃષ્ટિકોણ ધરાવું છું તેથી ક્યારેય 'ખરાબ ઈરાદાઓ' જેવો શબ્દપ્રયોગ નહીં કરું.
આજે લોકો સ્વકેન્દ્રી બની ગયા હોવાથી વધુ ને વધુ પ્રમાણમાં માનસિક બીમારીઓના રોગી થઈ જાય છે. તેઓ એકલતા અનુભવે છે અને સ્પર્ધાનું, સોશિયલ મીડિયામાં ટકી રહેવાનું તથા સમોવડા લોકોનું દબાણ અનુભવે છે.
અહીં ભગવાન કૃષ્ણ યાદ આવે છે. એમને પોતાનાથી કથિત રીતે નીચી ગણાતી જાતિનાં રાધા સાથે પ્રેમ થયો હતો. આથી એમનાં પાલક માતાપિતા નંદજી અને યશોદાજી રાધા સાથે એમનાં લગ્ન કરાવવા તૈયાર ન હતાં.
માત્ર નંદ અને યશોદા નહીં, વસુદેવ અને દેવકી પણ ઈચ્છતાં હતાં કે કૃષ્ણ અધર્મની સામે લડે અને મથુરાના લોકોને કંસથી બચાવે. ગુરુ દ્રોણાચાર્ય કૃષ્ણને સાંદીપની આશ્રમમાં યુદ્ધવિદ્યા ભણાવવા માટે લઈ જવા આવ્યા હતા. કૃષ્ણે એમને કહ્યું કે પોતે મથુરાના લોકોના રક્ષણ માટે લડવા તૈયાર છે, પરંતુ પોતે રાધા સાથે લગ્ન કરવા ચાહે છે. તેમણે ગુરુને એમ પણ કહ્યું કે "મારો જન્મ ધર્મની રક્ષા કરવા માટે થયો છે એ તો તમે જાણો જ છો, પરંતુ હું જ્યાં સુધી વૃંદાવનમાં છું ત્યાં સુધી તમે મને ગોપ-ગોપીઓ સાથે રમવા દો. હું સારા ઈરાદાઓ ધરાવતા અને મારું ધ્યાન રાખનારા લોકો સાથે રહેવા માગું છું. આ લોકોને મારી વાંસળીની ધૂન ગમે છે અને તેઓ મારા સ્નેહી છે તેથી હું એમની સાથે રહેવા ઈચ્છું છું."
જાતિના ભેદભાવને લીધે રાધા અને કૃષ્ણનાં લગ્ન તો થઈ શક્યાં નહીં, પરંતુ આજેય લોકો એ બન્નેનું નામ એક સાથે જ લે છે. કૃષ્ણ પ્રત્યેની મારી ભક્તિને લીધે હું હંમેશાં આટલું ઊંડાણમાં જઈને વિચારું છું.
આજે વરિષ્ઠ નાગરિકોની વાત કરીએ તો જોઈ શકાય છે કે પોતાનાં સંતાનોની ખુશી માટે તેમણે કેટકેટલીય કુરબાનીઓ આપી હોય છે. હું એક ગુજરાતી પરિવારને જાણું છું. એમાં બે દીકરાઓ છે. એક દીકરો વિદેશમાં રહે છે અને એક ભારતમાં. જોકે, ભારતમાં રહેનાર દીકરો પણ પોતાનાં લગ્ન પછી માતાપિતાથી અલગ રહેવા લાગ્યો છે.
જે માતાપિતાએ બાળકોને ભણાવવા અને કારકિર્દી ઘડાવવા માટે પોતાની આખી જિંદગીનો ભોગ આપ્યો હોય એમણે છેલ્લા દિવસોમાં પોતાના જીવનનિર્વાહ માટે ટટળવું પડે એવી આજની વાસ્તવિકતા છે. આજકાલ સંતાનો માતાપિતાની સેવા કરવાનો ઈરાદો ધરાવતાં નથી. પરણ્યા પછી પોતાનાં બાળકોને સારી રીતે સાચવવાનો પ્રયત્ન કરનાર લોકો માતાપિતાને બોજ સમજે છે.
હું એક વૃદ્ધાને ઓળખું છું. એક સમયે તેઓ મારી ક્લિનિકે આવતાં હતાં. એમને દમની બીમારી હતી. તેઓ જ્યારે આવતાં ત્યારે અડધો કલાક મારી સાથે વાતચીત કરતાં. એમના દીકરાને લગ્નજીવનમાં સમસ્યાઓ સર્જાઈ અને છેવટે એણે છૂટાછેડા આપીને પત્નીને ભરણપોષણ આપવાનો વારો આવ્યો. એના માટે એણે પોતાની મિલકત પણ જતી કરવી પડી.
આ સ્થિતિમાં માતાપિતા એને ફરી પોતાના જૂના ઘરે લઈ ગયાં અને આશરો આપ્યો. હાલમાં એ વૃદ્ધા મળ્યાં ત્યારે કહેતાં હતાં કે એમના દીકરા માટે કોઈ સારી છોકરી હોય તો બતાવું, કારણ કે પોતાના મૃત્યુ બાદ દીકરાને કોણ સાચવશે એની એમને ચિંતા છે. એમની આ વાત સાંભળીને મને રડવું આવી ગયું.
એક વખત અમે જોશ ફાઉન્ડેશન મારફતે આંશિક અંધત્વ ધરાવતાં બે બાળકોને પણ મદદ કરી હતી. એમના પિતા ગુજરી ગયા છે અને માતા મહેનત કરીને એમને સાચવે છે. એક દિવસ મેં એમને મારાં સારાં કપડાં લઈ જવા કહ્યું તો એમણે કહ્યું કે તેઓ મફતમાં કંઈ નહીં લે, મારે એમની પાસેથી અમુક રકમ તો લેવી જ પડશે. હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે એમને સાચવે.
અમે જોશ ફાઉન્ડેશનની સ્થાપના શ્રવણમંદ બાળકોને મદદ કરવાના ઈરાદાથી શરૂ કરી હતી. આજે એ કામ કરવાની સાથે સાથે હું સકારાત્મકતા વિશે લખવા પણ લાગી છું. આ બધું સારા ઈરાદાઓ અને આપના જેવા વાંચકોના સાથને લીધે શક્ય બન્યું છે.
આપણા આજના સારા ઈરાદાઓ અને કાર્યો આપણું ભવિષ્ય ઘડે છે અને આપણું ભવિષ્ય જ આપણી નિયતિ બને છે. ચાલો, આપણે સારા ઈરાદાઓ રાખીને સારું ભવિષ્ય ઘડીએ.
-------------------
Comments
Post a Comment