આપણે સુંદર દુનિયા શોધવાની નહીં, દુનિયાને સુંદર બનાવવાની જરૂર છે

આપણે સુંદર દુનિયા શોધવાની નહીં, દુનિયાને સુંદર બનાવવાની જરૂર છે


જે દિવ્યાંગ બાળકો અનેક તકલીફો પડવા છતાં પોતાની પંગુતાને અતિક્રમી જવા માટે પ્રયત્ન કરતાં હોય અને સમાજના મુખ્યપ્રવાહમાં ભળવા માટે પોતાની જાતને તૈયાર કરતાં હોય તેઓ ખરેખર મક્કમ મનનાં હોય છે. આવી મક્કમતા ધરાવતા લોકો જ બીજાઓને પ્રેરણા આપતા હોય છે. 

વૈશ્વિક આરોગ્ય સંસ્થાનના આંકડાઓ દર્શાવે છે કે વિશ્વની કુલ વસતિમાંથી 5.3 ટકા લોકો શ્રવણશક્તિની ખામી ધરાવે છે. અલગ અલગ પ્રકારની પંગુતા ધરાવતી વસતિનું પ્રમાણ આશરે 15 ટકા છે. આ પૃથ્વી પર જે રીતે પાણી પોતાનો રસ્તો કરી લે છે એ જ રીતે દિવ્યાંગો પોતાના માટે રસ્તો બનાવતાં જાય છે. તેઓ ક્યારેય એકબીજા સાથે લડતા નથી, ઉલટાનું એકબીજાને મદદરૂપ થતા હોય છે. તેઓ પોતાની પરિસ્થિતિનો સામનો કરતા હોય છે. મારી કારકિર્દીમાં મેં આવા હજારો લોકોને જોયા છે. તેઓ ક્યારેય પરસ્પર સ્પર્ધા કરતા નથી. હું શ્રવણમંદ બાળકોની અનેક સ્પર્ધાઓમાં નિર્ણાયક તરીકે ગઈ છું, પરંતુ તેઓ સ્પર્ધા કરવાને બદલે એકબીજાને જીતવામાં મદદ કરતાં હોય છે. આથી હું આશા રાખું છું કે સામાન્ય લોકો પણ આ બાળકો પાસેથી કંઈક શીખે. આપણે સુંદર દુનિયા શોધવા જવાની જરૂર નથી, અહીં જ બધા ભેગા મળીને દુનિયાને સુંદર બનાવી શકીએ છીએ. 

મને આ બાળકોમાં બાળકૃષ્ણનાં દર્શન થાય છે. કૃષ્ણ ભગવાન હતા અને રાજવી કુટુંબમાં એમનો જન્મ થયો હતો, પરંતુ એમણે ક્યારેય રાજકુંવર કે રાજા જેવું વર્તન કર્યું ન હતું. તેઓ વૃંદાવનમાં હતા ત્યારે ગોવાળો અને ગોપીઓ સાથે રમતા અને તેથી જ ગોપાળ કહેવાયા. એમણે ભગવાન હોવા છતાં બધા જ પ્રકારની બાળસહજ લીલાઓ કરી. બ્રિજવાસીઓ પોતાનાં દુઃખ ભૂલી જાય એ માટે એમણે મધુર વાંસળી વગાડી. 

મેં એક ઠેકાણે રાધા અને કૃષ્ણના સંવાદ વાંચ્યા હતા. તેમાં કૃષ્ણ કહે છે, "રાધા, તું મારા માટે બધું જ છે, પરંતુ મારે આ પૃથ્વી પર ધર્મની રક્ષા કાજે ઘણાં કામ કરવાનાં છે. એ બધી જવાબદારીઓનું પાલન કરતાં કરતાં પણ હું તારા પ્રત્યેની જવાબદારી નહીં ભૂલું. તું મારા હૃદયમાં વિરાજમાન છે અને હંમેશાં રહેશે. હું રાજા તરીકેનાં મારાં કર્તવ્યો પૂરાં કરવા માટે વૃંદાવનમાં પાછો આવીશ, પરંતુ તારે બધા દુઃખી લોકોને સાચવીને રાખવાના છે. એમને તારાથી શક્ય એટલી મદદ કરજે." રાધાએ કૃષ્ણની ઈચ્છાનું તંતોતંત પાલન કર્યું. 

કૃષ્ણ કહેલું એક ખૂબ જ સુંદર વાક્ય મને યાદ આવે છેઃ "જો બધા લોકો એકબીજાને પોતાનાં દુઃખ બતાવતાં રહેશે, તો દુઃખ દૂર કરવા માટે કોણ કામ કરશે?" આ જ વિધાનને આત્મસાત કરીને મેં શ્રવણમંદ બાળકોને ક્યારેય એમની મુશ્કેલી બતાવી નથી, પણ એમની શ્રવણશક્તિ વધે એ માટેના જ પ્રયાસ કર્યા છે. 

એક દિવસ ગરીબ પરિવારની માતા પોતાના શ્રવણમંદ બાળકને લઈને આવી હતી. એણે કહ્યું કે ખાવા-પીવાના ફાંફા છે ત્યારે સારવારનો ખર્ચ કેવી રીતે કાઢવો. બાળકને એની માતાની મુશ્કેલી દેખાઈ અને એણે તરત જ કહ્યું કે "તું ચિંતા નહીં કરે, હું તારી સાથે છું." તમે જોઈ શકશો કે એક બાળક પાસે પણ કેટલી બધી સમજદારી હોય છે. 

શ્રવણમંદ બાળકોની એક ખાસિયત મેં જોઈ છેઃ તેઓ ઓછું સાંભળે છે, પરંતુ આપણને સાંભળવા માટેની ધીરજ એમનામાં ભરપૂર હોય છે. તેઓ ક્યારેય ઘમંડ કરતાં નથી અને ક્યારેય દંભ પણ કરતાં નથી. એમને નાત-જાત, ધર્મ, દેશ, વગેરેના કોઈ ભેદભાવ નડતા નથી. મારી ત્રીસ વર્ષની પ્રૅક્ટિસમાં મેં હજારો લોકોની સારવાર કરી છે, પરંતુ ક્યારેય કોઈનાં જાતિ-ધર્મ જોયાં નથી કે વચ્ચે લાવ્યાં નથી. મારી પાસે આવનાર વ્યક્તિને આશા હોય છે કે એમને યોગ્ય સારવાર મળશે. હું એ આશાને સાર્થક કરવાનો પ્રયાસ કરું છું. ભગવાન કૃષ્ણે મને આવા લોકો સાથે કામ કરવાની તક આપી એ બદલ હું એમનો પાડ માનું છું. 

ઇન્ટરનેટ પરના એક લેખમાં મેં વાંચ્યું હતું કે પોતાની મહેનત અને નિષ્ઠા તથા મહેનતના જોરે ઉચ્ચ કક્ષાએ પહોંચેલા કળાકારો જ્યારે કામ કરતા હોય ત્યારે એમને જોઈને હંમેશાં પ્રેરણા મળે છે. તેઓ ક્યાંના છે એની સાથે કોઈ નિસ્બત હોતી નથી. ફક્ત એમની ઉત્કૃષ્ટતા જ આપણી નજર સામે હોય છે. આવા લોકો બીજાઓને પ્રેરણા આપી શકે છે. તેઓ બીજાઓ માટે આદર્શ ઊભા કરે છે. અહીં કોઈની નકામી પ્રશંસા કરવાનો ઉદ્દેશ નથી. એમને જોઈને બીજાઓને વધુ મહેનત કરવાની અને આગળ વધવાની પ્રેરણા મળવી જોઈએ. 

દિવ્યાંગ લોકો સાથે કામ કરનારી સંસ્થાઓ કે વ્યક્તિઓ એ લોકો પાસેથી નમ્રતા અને માનવતાના પાઠ શીખતી હોય છે. આ રીતે સકારાત્મકતાની સાંકળ રચાય છે. મારા અનુભવના આધારે હું એટલું જ કહી શકું છું કે ભગવાને બધાને સરસ મજાનું મગજ આપ્યું છે. આપણે એનો ઉપયોગ કરીને સુંદર અને સારી વસ્તુઓ ગ્રહણ કરવાની હોય છે. 

-----------------------------

Comments

Popular posts from this blog

મૈત્રીનો ઉત્સવ આજીવન ઉજવાતો હોય છે

આપણે દરેક તકલીફના લાલ સિગ્નલને આધ્યાત્મિક ઊર્જાની મદદથી લીલું સિગ્નલ બનાવી શકીએ છીએ

'વફાદારી' માત્ર એક શબ્દ નથી, એ તો જીવનશૈલી છે...