દરેક શ્વાસનું મૂલ્ય સમજાય એટલું સારું

 દરેક શ્વાસનું મૂલ્ય સમજાય એટલું સારું


'મૂલ્ય' શબ્દ અનેક અર્થ ધરાવે છે. આજે આપણે એના વિશે વાત કરીએ. આ લખી રહી છું એવામાં જ વ્હોટ્સએપ પર એક સરસ મેસેજ આવ્યો છેઃ "શૂન્ય બનીને પણ સૌનું મૂલ્ય વધારી શકાય છે, માત્ર આપણને આપણાં સ્થાનની ખબર હોવી જોઈએ." હું તો એમ કહું છુ કે મનુષ્યના દરેક શ્વાસને મૂલ્યવાન ગણવો જોઈએ. જો એનું કોઈ મૂલ્ય ન હોય તો જીવનનો કોઈ અર્થ રહેતો નથી.   

વર્ષ 2005ની 26મી જુલાઈનો એ દિવસ દરેક મુંબઈગરાને યાદ છે. એ દિવસે સવારે બધું રાબેતા મુજબ ચાલી રહ્યું હતું. હું મારી ક્લિનિકે ગઈ અને ત્યાં બપોરે બે વાગ્યા સુધી કામ કર્યું. અચાનક ભારે વરસાદ શરૂ થયો. એકાદ કલાકમાં લોકોને ઘર-ઑફિસની બહાર નીકળવાનું ભારે પડશે એટલો ભારે વરસાદ પડશે એવું કોઈએ વિચાર્યું ન હતું. વળી, હવામાન ખાતાએ પણ કોઈ ચેતવણી આપી ન હતી. અઢી વાગ્યે શાળાઓમાં બાળકોને ઘરે જવાની રજા આપવામાં આવી. મારી મોટી દીકરી વિલે પાર્લે પશ્ચિમમાં શાળામાં હતી અને એક પાડોશી એને શાળાએથી તેડી લાવ્યા. હું એ વખતે સાંતાક્રૂઝમાં હતી. અંતરની દૃષ્ટિએ તો ઘણું નજીક કહેવાય, પરંતુ એ સંજોગોમાં એટલું અંતર પણ ઘણું વધારે લાગવા માંડ્યું હતું. મારી નાની દીકરી એ વખતે ઘરમાં કામ કરનારાં બહેન સાથે હતી. બધા જ મુંબઈગરા સલામત સ્થળે પહોંચી જવાની ધાંધલમાં હતા. કોઈ જ વ્યક્તિ શારીરિક કે માનસિક રીતે એ કુદરતી કહેર માટે સજ્જ ન હતી. મારા પતિ વિલેપાર્લે પશ્ચિમમાં ઑફિસમાં હતા, પરંતુ એમનો ફોન પણ એક જ વખત લાગ્યો. મેં એમને કહ્યું કે હું સાંતાક્રૂઝથી પહોંચું ત્યાં સુધી મારી રાહ જુઓ.

નાની દીકરી ઘરે એકલી છે એ વિચાર સાથે હું ફટાફટ ક્લિનિકથી સ્લિપર પહેરીને જ નીકળી ગઈ. રસ્તા પર પુષ્કળ પાણી ભરેલું હોવાથી લોકોને ચાલવામાં તકલીફ થઈ રહી હતી. મેં રસ્તાની વચોવચ ચાલવાનું નક્કી કર્યું અને સાથે એક લાકડી પણ લીધી, જેથી ચાલવામાં સારું પડે. મારી ક્લિનિકથી ત્રણ કિ.મી.નું અંતર કાપવામાં મને એ દિવસે ત્રણ કલાક લાગ્યા. એક દુકાનદારે મને કોઈ મદદ જોઈતી હોય તો પૂછ્યું. મેં કહ્યું કે મારે પરિવારજનોને ફક્ત એક ફોન કરીને કહેવું છે કે હું સલામત છું. ત્યાંથી મેં ફોન કરી લીધો. એ પછી અડધા કલાકે હું મારા પતિ પાસે પહોંચી અને અમે બન્ને અંધેરી તરફ જવા નીકળ્યાં. કુલ પાંચ કલાક ચાલીને હું અંધેરી પહોંચી.

પરિવારની ચિંતા અને પારાવાર મુશ્કેલીઓ માટે એ દિવસ યાદ રહી જાય એવો જ હતો. મારા ખભા સુધી આવે એટલા પાણીમાં હું હિંમતભેર ચાલી શકી, કારણ કે મને દીકરીઓની ચિંતા હતી. ઊભા રસ્તે હું ઈશ્વરનો પાડ માની રહી હતી અને દરેક શ્વાસનું મૂલ્ય મને સમજાઈ રહ્યું હતું. મારી સાથે બીજા ઘણા માણસો રસ્તા પર ચાલી રહ્યા હતા. પ્રભુએ બધાને કોઈક ને કોઈક સ્વરૂપે મદદ કરી.

કુદરતી આપદાઓ સામે કોઈનું કંઈ ચાલતું નથી. ઈશ્વરની કૃપાથી જ બચી શકાય છે. બીજું, આપણા વડવાઓ અને માતાપિતાએ કરેલાં સારાં કર્મો આપણને તારે છે. સારા હૃદયના માણસો પણ મદદ કરવા આગળ આવતા હોય છે. આમ, દરેકનું મૂલ્ય હોય છે. એ વખતે પૈસો, સામાજિક મોભો, હોદ્દો એ બધું કામે નથી આવતું. મનુષ્યનું અસલી સ્વરૂપ એ વખતે બહાર આવતું હોય છે.

કોરોનાને કારણે પણ જીવન પર ઘણી વિપરીત અસર થઈ છે. પહેલાંનું સામાન્ય જીવન હવે ભુલાઈ ગયું છે. આજે પણ દરેક શ્વાસનું મૂલ્ય સમજાય છે. કોરોનાના બીજા મોજાને યાદ કરીએ તો ચોક્કસ એમ કહી શકાય કે આજે જેઓ એને યાદ કરવા માટે જીવતા છે એ બધા નસીબદાર કહેવાય.

આ અનુભવ પરથી કહેવાનું મન થાય છે કે રોજ ઊગતો સૂર્ય, સાંજે પ્રકાશ આપતો ચંદ્ર, ટમટમતા તારા, શુદ્ધ હવા, પાણી અને પશુ-પંખીઓ એ બધી જ કુદરતી વસ્તુઓ પ્રકૃતિનું સંતુલન જાળવનારી છે. એ દરેકનું પણ આપણા જીવનમાં મૂલ્ય છે. એમના પરથી નિઃસ્વાર્થ જીવનની પ્રેરણા લેવા જેવી છે.

હું તો એમ પણ કહું છું કે ભગવાને ભારત પર આશીર્વાદ વરસાવ્યા છે. બીજા બધા દેશોની તુલનાએ આપણો દેશ અનેક રીતે સારો છે. આપણા પૂર્વજોનું પુણ્ય આપણને મદદ કરી રહ્યું છે. દરેકે એનું મહત્ત્વ સમજવું જોઈએ. પૂર્વજોનો આભાર માનીને ઈશ્વરને પ્રાર્થના કરવી જોઈએ. તેનાથી આપણા જીવનમાં ખરેખર ચમત્કાર સર્જાઈ શકે છે.

તમારા સુખમાં સુખી અને દુઃખમાં દુખી લોકોને જોવાનું બાળકોને શીખવવું જોઈએ.

કુદરતી આપત્તિ વખતે સ્વજનો ગુમાવ્યાનું દુઃખ ઘણું વધારે લાગે છે. આજની પેઢીએ સમજવું જોઈએ કે પોતાને ઘણી તકલીફો વેઠીને ઉછેરનાર માતાપિતાની કદર કરવી જોઈએ. એમને પૈસાની નહીં, પણ પ્રેમ, સ્નેહ અને આદરની જરૂર હોય છે. રામાયણમાં આપણે જોયું કે વિભિષણ સાથે હતા ત્યાં સુધી રાવણને કંઈ ન થયું, પરંતુ એમના દૂર જવાથી રાવણનું મૃત્યુ નજીક આવી ગયું. મહાભારતના પ્રસંગ પરથી કહી શકાય કે વિદુરજી સારા હતા. કૌરવોએ એમની સાથે ખરાબ વર્તન કર્યું ત્યારથી એમનો ખરાબ સમય શરૂ થયો. આના પરથી કહી શકાય કે આપણી વચ્ચે રહેતા સારા માણસોનું મૂલ્ય કરવું જોઈએ. ધર્મરાજ યુધિષ્ઠિર પણ ઉત્તમ વ્યક્તિ હતા, પરંતુ એમણે દ્રૌપદીને જુગારમાં ઉતારીને અનુચિત કામ કર્યું અને તેનું ફળ પણ ભોગવ્યું.

સકારાત્મકતા વિશે લખવાથી મને ઘણું શીખવા મળ્યું છે. આજે હું મારા જીવનમાં આવેલી દરેક વ્યક્તિનું મૂલ્ય સમજું છું અને એમનો આભાર માનું છું. ભગવાન શ્રીકૃષ્ણ, મારા વડવાઓ, મારાં માતાપિતા, મિત્રો અને પ્રત્યક્ષ  કે પરોક્ષ રીતે મને મદદરૂપ થયેલી તમામ વ્યક્તિઓની હું આભારી છું.

ફરી એક વાર કહું છું કે ઈશ્વરે આપેલા દરેક શ્વાસનું મૂલ્ય સમજાય છે અને એણે રચેલી સૃષ્ટિનું પણ મૂલ્ય સમજાય છે. આ શીખ સાથે હું મારું જીવન વ્યતિત કરવા માગું છું. હું શ્રવણમંદ બાળકો માટે મારું જીવન સમર્પિત કરી ચૂકી છું. તેઓ જ મને માર્ગદર્શન, આત્મવિશ્વાસ અને શક્તિ આપે છે. હું એમને પણ મૂલ્યવાન ગણું છું.

----------------------

Comments

Popular posts from this blog

મૈત્રીનો ઉત્સવ આજીવન ઉજવાતો હોય છે

આપણે દરેક તકલીફના લાલ સિગ્નલને આધ્યાત્મિક ઊર્જાની મદદથી લીલું સિગ્નલ બનાવી શકીએ છીએ

'વફાદારી' માત્ર એક શબ્દ નથી, એ તો જીવનશૈલી છે...