"જી લો હર લમ્હા બીત જાને સે પહલે, ક્યોં કિ લૌટ કર યાદેં આતી હૈ, વક્ત નહીં... !!"
"જી લો હર લમ્હા બીત જાને સે પહલે, ક્યોં કિ લૌટ કર યાદેં આતી હૈ, વક્ત નહીં !!"
મારી ઉંમરની લગભગ
દરેક વ્યક્તિએ અને સાહિત્યમાં રુચિ રાખનાર વાંચકોએ સિન્ડ્રેલાની વાર્તા સાંભળી કે
વાંચી જહશે. સાધારણ ઘરમાં જન્મેલી અતિ સુંદર સિન્ડ્રેલાને એની સાવકી માતા અને
સાવકી બહેનો ઘણો ત્રાસ આપતી. સિન્ડ્રેલાએ બધી જ તકલીફો સહન કરવી પડતી. એક દિવસ એણે
ઘરની બહાર નીકળવાની તક ઝડપી લીધી અને એક પરીની મદદથી રાજકુંવર સાથે એનો ભેટો થયો.
રાજકુંવરને મળતાં જ એની જિંદગી સુધરી ગઈ.
આ વાર્તા અહીં
કહેવાનો આશય છે કે દરેક મનુષ્યના જીવનમાં
પડકારો આવે છે, પરંતુ જ્યારે કોઈ સારી તક મળે ત્યારે એને ઝડપી લેવી જોઈએ, કારણ કે
એક તક સમગ્ર જીવનની દિશા-દશા બદલી કાઢવા સમર્થ હોય છે.
બીજું એ કે જીવનના
પડકારો વચ્ચે પણ સારાં કામ કરવાનું કદી છોડવું જોઈએ નહીં. સકારાત્મક વિચારો અને
વર્તનની મદદથી જીવનને યોગ્ય દિશામાં હંકારી શકાય છે.
આપણે શબરીનું
ઉદાહરણ પણ જાણીએ છીએ.એણે ભગવાન રામ માટે વર્ષો સુધી પ્રતીક્ષા કરી અને આખરે રામે
એના હાથના એંઠા બોર ખાધા. પ્રહ્લાદે પણ ભગવાનને ખૂબ યાદ કર્યા અને એને જ્યારે જરૂર
પડી ત્યારે ભગવાન હાજર થઈ ગયા. આના પરથી એમ પણ કહી શકાય કે ભગવાનમાં શ્રદ્ધા
રાખનાર વ્યક્તિને પોતાનાં સારાં કર્મોનો સાથ મળે તો જીવન સુધર્યા વગર રહેતું નથી.
ઈશ્વર પ્રત્યેનું સંપૂર્ણ સમર્પણ અને તેઓ જે કરે છે એ સારા માટે જ છે એવી દૃઢ
ભરોસો માણસના જીવનની નકારાત્મકતાને સકારાત્મકતામાં ફેરવી શકે છે.
આપણા ભારત દેશની
તમામ પૌરાણિક વાર્તાઓમાં બુરાઈની સામે અચ્છાઈના વિજયની વાત કહેવામાં આવી છે. આ
દુનિયામાં કોઈને જાદુઈ ચિરાગ મળતો નથી, દરેકે પોતે જ જાદુ સર્જાય એવું સારું વર્તન
કરવું જોઈએ અને પ્રભુમાં વિશ્વાસ રાખવો જોઈએ.
આજે ફરી એક વાર
કહેવાનું કે રામાયણ અને મહાભારત આપણને એ બોધ આપે છે કે ભગવાન પણ જ્યારે અવતાર લે
છે ત્યારે તેમણે પણ મનુષ્યને નડતી તમામ સમસ્યાઓનો સામનો કરવો પડે છે. છેવટે
અસૂરોનો નાશ અને દેવતાઓનો વિજય થાય છે. કોઈકે સરસ પંક્તિ લખી છેઃ "જી લો હર લમ્હા બીત જાને સે પહલે, ક્યોં કિ
લૌટ કર યાદેં આતી હૈ, વક્ત નહીં... !!"
થોડા વખત પહેલાં
એક દંપતી પોતાના બાળકને લઈને મારી પાસે આવ્યું હતું. તેમણે કહ્યું કે એમનું બાળક
બોલવામાં થોથવાય છે અને એમના ભાઈની દીકરી જેવું સડસડાટ બોલતું નથી. એમણે પોતાના
બાળકની સરખામણી બીજાં બાળકો સાથે કરવાનું શરૂ કરી દીધું હતું. આવી સ્થિતિમાં
બાળકની વાચા સુધરતી હોય તોપણ ન સુધરે. આથી મેં એમનું કાઉન્સેલિંગ કર્યું અને
બાળકને સારી રીતે કેવી બોલતાં શીખવવું એ સમજાવ્યું.
મારા અનુભવના
આધારે કહી શકું કે મારાં સંતાનો પાંચ વર્ષનાં થયાં ત્યાર સુધીનો એમની સાથેનો સમય
ઉત્તમ હતો. એમની સાથે ઉછળકૂદ કરી, રમતો રમી, ડાન્સ કર્યો અને ફરવા ગયા. એમની સાથે
સાથે મારો પણ વિકાસ થતો ગયો. મારી એ સુખદ યાદો આજે પણ મનને પ્રસન્ન કરી દે છે. આથી
જ હું બીજાં વાલીઓને પણ એના વિશે વાત કરું છું.
જીવનમાં આવતી તકની
વાત કરું તો એમ કહી શકાય કે વર્ષોની મહેનત બાદ એકાદ મોકો જ મળતો હોય છે, પણ એ એક
તક જીવનને બદલી કાઢવાની તાકાત ધરાવે છે. આથી જ્યારે પણ કોઈ સારી તક મળે ત્યારે એને
હાથમાંથી જવા દેવી જોઈએ નહીં.
બોલીવૂડના એક
ગીતમાં ખરું કહેવાયું છે, "જીવન ચલને કા નામ...." સુખ, દુઃખ, ઉતાર-ચડાવ,
ઉત્સાહ, નિરાશા, સાહસ, ડર એ બધું જીવનનો જ એક ભાગ છે. દરેક લાગણી અને સ્થિતિને સહજ
રીતે સ્વીકારીને આગળ વધવાનું નામ જ જિંદગી. એ સહજતા જ જીવનમાં સકારાત્મકતા લાવે
છે. આ વિશ્વમાં કંઈ જ અશક્ય નથી એ એક વિચાર પણ તમારા જીવનમાં પરિવર્તન લાવવા સક્ષમ
છે. આપણે ઘણા મોટા મોટા ફેરફારની રાહ જોવાની જરૂર નથી. ટીપે ટીપે પણ સરોવર ભરાતું
હોય છે. એ સરોવર રચાયા બાદ જીવનમાં આશ્ચર્યો સર્જે છે.
સિન્ડ્રેલાને યાદ
કરીને ફરી કહેવાનું કે સારાં કર્મો અને સકારાત્મક વિચારો તમારા જીવનમાં
સિન્ડ્રેલાના જીવન જેવું સારું પરિવર્તન લાવી શકે છે.
--------------
Comments
Post a Comment